12. બદમાશોની પકડથી છૂટ્યા
ગુફાના પ્રવેશદ્વાર પાસે થાંભલો બનીને ઊભા રહી ગયેલા બંને ચોકીદારો ક્રિકની રાડથી સક્રિય થયા. બંનેએ પોતપોતાની પિસ્તોલો જમીન પર ફેંકી દીધી. વિલિયમ્સે બંને પિસ્તોલ તરત જ ઊઠાવી લીધી.
સ્થિતિ એવી હતી કે વિલિયમ્સની ડાબી બાજુ બંને પહેરેદારો હતા. ત્યાં જ ગુફાની બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો હતો. વિલિયમ્સની જમણી બાજુ સ્ટીવના ગળે છરો મૂકીને ક્રિક ઊભો હતો. એટલે એમણે બહાર નીકળવા માટે દિશા બદલવી પડે એમ હતું.
‘વિલિયમ્સ, બંને પિસ્તોલ લઈ લે અને બહાર નીકળી જા.’ ક્રિકે બૂમ પાડી. એ સ્ટીવના ગળે છરીની અણી અડાડીને એ જ સ્થિતિમાં ઊભો હતો.
વિલિસમ્સે નીચે પડેલી પિસ્તોલો પોતાના કબજામાં લઈ લીધી. તેમાંની એકને પેલા બંને ચોકીદારો સામે તાકેલી રાખીને એ ગુફાના દ્વાર પાસે પહોંચી ગયો. પેલા બંને જણા ગુફાની અંદર તરફ સરક્યા. ધીમે ધીમે બાજી ક્રિક અને વિલિયમ્સના હાથમાં આવી રહી હતી.
વિલિયમ્સ બહાર નીકળ્યો એટલે તરત જ સ્ટીવને ઢાલ બનાવીને ક્રિક પણ એકએક ડગલું ભરતો ગુફાના મુખ પાસે આવ્યો. હવે પેલા બંને પહેરેદારો ગુફાની અંદર હતા અને સ્ટીવ સાથે ક્રિક ગુફાના દ્વાર પર હતો. એની પીઠ બહારની તરફ હતી.
અચાનક જ ક્રિકે સ્ટીવને જોરથી ગુફાની અંદરની તરફ ધક્કો મારી દીધો. સ્ટીવ ગડથોલું ખાઈને પેલા બંને જણા સાથે અથડાયો અને ત્રણેય ગુફાની જમીન પર પડ્યા. એ તકનો લાભ ઊઠાવીને વિલિયમ્સ અને ક્રિક બંને જીવ લઈને ત્યાંથી ભાગ્યા.
પણ અહીં દોડી શકાય એવી ધરતી નહોતી. પહાડ પર સહેજ ત્રાંસમાં બખોલ હોય એ રીતે ગુફાનું સ્થાન હતું. બંને દોડવા ગયા ત્યાં જ ઢાળના લીધે પગ લપસ્યા અને બંને ગબડીને ખાઈમાં પડ્યા. બંને જણા એ વાત તદ્દન ભૂલી જ ગયા હતા કે એમને આ માર્ગેથી જ ગુફામાં લાવવામાં આવ્યા હતા. કટોકટીની સ્થિતિ વચ્ચે એમનું દિમાગ કામ કરતું અટકી ગયું હતું.
માત્ર એકાદ મિનિટ સુધી બેસી રહ્યા પછી વિલિયમ્સ અને ક્રિક પાછા ઊભા થયા. ઊપરથી પેલા ચોકીયાતોના અને સ્ટીવના બરાડા સંભળાતા હતા, ‘પકડો એ હરામખોરોને ! હાથમાંથી છટકી જશે તો બધી બાજી ઊંધી વળી જશે...’
સ્ટીવના વાક્ય તરફ ધ્યાન આપ્યા વિના જ વિલિયમ્સ અને ક્રિક ફરી દોડ્યા અને ખાઈની બહાર નીકળવા માટે એક તરફથી ચઢાણ ચડવા લાગ્યા. બંનેના શ્વાસ ધમણની જેમ ઊપર-નીચે થતા હતા. શરીર પરસેવે રેબઝેબ થઈ ગયાં હતાં. પણ એમને એટલી ધરપત હતી કે જોખમી હથિયારો એમણે કબજે કરી લીધા હોવાથી દુશ્મનો પાસે હુમલો કરવા માટે બીજું કાંઈ હતું નહીં. જોકે વિલિયમ્સ અને ક્રિક પોતાની પાસે હથિયારો હોવા છતાં એમને હમણાં પડકારવા નહોતા માગતા.
***
આ તરફ અમારે હવે બ્લૂ લગૂન એટલે કે ભૂરું સરોવર શોધવાનું હતું. અગાઉ અમને 7 હજાર ફૂટની ઊંચાઈએ આવા ભૂરાં સરોવર દેખાયાં હતાં. પણ એ બધાં પહાડની ઊંડી ખીણોમાં હતાં. આરોહણની શરૂઆતમાં જ ફ્રેડી જોસેફે દોલત છુપાવી હોય એ બનવાજોગ નહોતું. એટલે અમારે હજી ઉપર ચડ્યા વિના છૂટકો જ નહોતો.
અમે તંબૂ સમેટીને ફરી પેલી ઊંચી કરાડ પાસે આવ્યા જ્યાંથી પિન્ટોએ અમને ધક્કો મારીને પછાડ્યા હતા. ખડકમાં સ્ટીવે ખોડેલા ત્રણેક પિટન હજી જેમના તેમ હતાં. બાકીના ત્રણ નીચે પડી ગયાં હતાં. અમારે એમાં નવેસરથી દોરી પરોવીને ચડવાનું હતું. અમે સમય ગુમાવ્યા વગર સજ્જ થઈ ગયા. દોરીનો એક ગાળિયો કમર અને જાંઘ ફરતે સજ્જડ રીતે બાંધ્યો. એક જ દોરી સાથે અમારે ત્રણેયે જોડાયેલા રહેવાનું હતું. સૌથી પહેલાં થોમસ ચડવાનો હતો.
આરોહણ શરૂ થયું. કરાડ સાવ જ સીધી નહોતી, સહેજ ત્રાંસી હતી એટલે અમને ચડવામાં અતિશય તકલીફ નહોતી પડતી. થોમસ આખરે એ જગ્યા પર પહોંચ્યો જ્યાંથી પિન્ટોએ અમને પટક્યા હતા. ત્યાં ખોડાયેલા પિટનનું કાણું હતું, પણ પિટન નીચે પડી ગયો હતો. આવાં ત્રણેક કાણાં હતાં જેનાં પિટન અમે નીચેથી ઊઠાવી લીધાં હતાં. થોમસે એ પિટનને ફરીથી એ કાંણામાં ખોસીને હથોડીથી ઠોકીને મજબૂત બનાવ્યો. એમાં ક્લિપ નાખી દોરડું ગરકાવ્યું, એને પકડીને એ આગળ વધ્યો અને લગભગ અડધા કલાકે એ ટોચ પર પહોંચ્યો. અમને બંનેને ઉપર આવવામાં મદદ કરી.
ઉપર પહોંચી અમે બેસી જ પડ્યા. થોડી મિનિટો સુધી થાક ખાધો. મને વિચાર આવ્યો કે પિન્ટોની બુદ્ધિ કેટલી જડ હતી ! અમને આ રીતે નીચે પાડીને એ ચાલ્યો ગયો, પણ જે સાધનોથી આરોહણ કરવાનું હતું એ તો અમારી પાસે હતાં જ. એના કૃત્યથી અમને ખાસ કોઈ ફરક ન પડ્યો. એને થોડો સમય મળી ગયો હશે એટલું જ.
ઉપરથી દેખાતો નજારો કંઈક ઓર જ હતો. ભલે અમે કાંઈ વાસ્કરનની ટોચે નહોતા. એ પહાડ કરતાંય ક્યાંય ઊંચા પહાડો અમારી આસપાસ ઊભા હતા, પણ થોડા દૂર હતા. અહીં આ એક જ પર્વત હતો. એની ચારે તરફ લીલા રંગની વિવિધ ઝાંયના જંગલો પથરાયેલાં હતાં. શાંત વાતાવરણમાં એ ગાંઢ વનરાજીમાંથી જીવજંતુઓનો એકદમ મંદ અવાજ સાંભળી શકાતો હતો. એના સિવાય ક્યાંય કોઈ અવાજ નહોતો. પવનના સપાટા બોલતા હતા. સૂર્ય હમણાં જ ઊગ્યો હતો અને આકાશ સ્વચ્છ હતું. વાસ્કરનના કુદરતી સૌંદર્યને મેં શ્વાસ ભરીને માણ્યું. મેં પીઠ ફેરવી અને... મારું મોઢું ખુલ્લું જ રહી ગયું. દૂર, નીચે તળેટીમાં ભૂરું, નિર્મળ જળ ભરેલું લગૂન દેખાયું ! એટલું જ નહીં, એના મથાળે સૂર્યપ્રકાશ પરાવર્તિત થતો હતો અને એટલો ભાગ મોતીની જેમ ચળકતો હતો.
‘આવી પહોંચ્યા આપણે ! પેલી પંક્તિમાં ઉલ્લેખ છે એ લગૂન આ જ છે !’ હું બોલી પડ્યો એ સાંભળીને જેમ્સ અને થોમસે પણ એ દૃશ્ય જોયું. એ બંને રાજીના રેડ થઈ ગયા. પણ બીજી જ પળે અમારો ઉત્સાહ ઠંડો પડી ગયો. ક્રિક અને વિલિયમ્સ કોણ જાણે ક્યાં હશે એ વિચારે અમને સામેના પ્રાકૃતિક સૌદર્યને માણવા ન દીધું.
અમે ફટાફટ ઉતરાણ શરૂ કરી દીધું. ચઢાણની સરખામણીએ ઉતરાણ ઘણું સરળ હતું. નાના-મોટા પથ્થરો પર પગ ટેકવતાં નીચે ઊતરતા જવાનું હતું. અડધો-પોણો કલાકે અમે નીચે ઊતરી આવ્યા. એક ઝાડની નીચે આરામ કર્યો અને નીકળી પડ્યા લગૂનની દિશામાં.
ઉપરથી મેં હોકાયંત્રથી લગૂનની દિશા જોઈ લીધી હતી. હોકાયંત્રની સોયની સીધમાં અમારે ચાલતા જવાનું હતું. અમે ગાઢ જંગલમાં પ્રવેશી ચૂક્યા હતા.
‘યાર, આપણી પાસે હવે આજનો દિવસ ચાલે એટલું જ ખાવાનું છે. પછી શું કરીશું ?’ મેં મારા થેલામાં ખાંખાંખોળા કરીને કહ્યું,
‘ઓહ ! આ તો મોટી મોકાણ થશે.’ જેમ્સનો અવાજ ધ્રૂજી ગયો.
‘કંઈ વાંધો નહીં. થઈ પડશે કંઈકનું કંઈક. આપણે આપણા દોસ્તોને અને વોટ્સનને શોધવાના એકમાત્ર હેતુથી આ સાહસમાં કૂદી પડ્યા છીએ પછી બીજી બધી બાબતો ગૌણ બની જાય છે. ચલો, આગળ.’ થોમસે હિંમત અપાવી.
બપોર સુધીમાં અમે જંગલના છેડે આવી પહોંચ્યા. અહીં થોડો ખોરાક લીધો. બને એટલું ઓછું ખાવાનો પ્રયત્ન કર્યો. સૂર્ય માથે હતો. ચારેબાજુ ખડકો વચ્ચેની જમીનમાં ગોબો પડ્યો હોય અને એમાં પાણી ભરાયું હોય એવું ભૂરું સરોવર સામે જ હતું. અમારી ધીરજનો હવે અંત આવતો હોય એવું લાગતું હતું.
સૂર્યએ સ્થાન બદલ્યું હતું છતાં સરોવરનો મથાળાનો ભાગ હજી ચમકતો હતો. આવું કેમ હતું એ નવાઈની વાત હતી. અમે સરોવરની ફરતે ચાલીને તેના ઉત્તર તરફના છેડે આવ્યા. હવે આંખ આંજી નાખે એવો પ્રકાશ દેખાતો હતો. નજીક પહોંચીને જોયું તો એક જગ્યાએ મોટો કાચ જડેલો હતો. આસપાસ ખડક હોવાથી એ સુરક્ષિત હતો. ફ્રેડી જોસેફનો ખજાનો અહીં જ ક્યાંક હોવો જોઈએ. આવી રચના બદલ મેં મનોમન ફ્રેડી જોસેફને દાદ આપી.
અમે એકબીજાની સામે જોયું. એ ઘડી આવી પહોંચી હતી. ફ્રેડી જોસેફનો દલ્લો હવે હાથવેંતમાં હતો. અમે થોડું મલક્યા. ત્યાં જ એકાએક થોડે દૂરથી ઘૂરકાટ સંભળાયો. અમે ચેતીને સતર્ક થઈ ગયા. ભેખડ પરથી નાની કાંકરીઓ ખરવાનો અવાજ આવ્યો. અમે એ તરફ નજર માંડી તો ઠરી ગયા. અમારાથી માત્ર દસ-બાર ડગલાં દૂર જ હિમ દીપડો ઊભો હતો. એ ભેખડ પર હતો અને ચમકતી આંખોથી અમારી સામે જ જોઈ રહ્યો હતો.
(ક્રમશઃ)