Apharan - 8 in Gujarati Adventure Stories by Param Desai books and stories PDF | અપહરણ - 8

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અપહરણ - 8

૮. છૂપો સંકેત

 

અડધી રાત્રે અમારા પર હુમલો થયો અને એક અમેરિકન યુવાન સાથે અમારા બે મિત્રો અચાનક ગાયબ થઈ ગયા હતા. આ ઘટનાએ અમારું મગજ સુન્ન કરી નાખ્યું હતું.

હાથમાં ટોર્ચ પકડેલી રાખીને હું એ જ સ્થિતિમાં કેટલીક મિનિટો સુધી ઊભો રહ્યો. રાતનો સમય હોવાથી ઠંડીનું જોર અત્યંત વધી ગયું હતું. થથરાવી નાખે એવી ઠંડી લહેરો વાઈ રહી હતી. હું વિલિયમ્સ અને ક્રિકવાળા તંબૂમાં પાછો આવ્યો. મારી સાથે જેમ્સ અને થોમસ જોડાયા. જેમ્સના બાવડામાંથી લોહી નીકળતું હતું એટલે થોમસે વિલિયમ્સ કે ક્રિકના થેલામાંથી ફર્સ્ટ એઇડ બોક્સ શોધવા માંડ્યું.

મેં આમ-તેમ નજર ઘૂમાવી. ટેબલ પર સામાન વેરવિખેર પડયો હતો. મેં જોયું તો ટેબલ પર ‘ફન એન્ડ જોય’ની ટિકિટો પડી હતી. તેમના પર પેનથી કંઈક ચિતરામણ કરેલું હતું. એ પેન સ્ટીવની હતી. એની પાસે મેં એ પેન જોઈ હતી એ મને યાદ આવ્યું. એનો અર્થ એ કે ટેબલ પર ટિકિટો રાખીને સ્ટીવ કંઈક કરી રહ્યો હતો. મેં એક ટિકિટ ઉઠાવીને જોયું. એના સિરિયલ નંબરમાં બે અંકો ફરતે વર્તુળ કરેલાં હતાં. આઠ અંકોનો સિરિયલ નંબર હતો અને તેની ઉપર એટલી જ સંખ્યાના અંગ્રેજી મૂળાક્ષરો હતા. નીચે બે નંબરો ફરતે સર્કલ કરેલાં હતાં તેની ઉપરના અંગ્રેજીના આઠ મૂળાક્ષરોની લાઈનમાંથી પહેલાં N અને પછી ત્રણ મૂળાક્ષર છોડીને W ફરતે કુંડાળું દોરેલું હતું. સિરિયલ નંબર અને મૂળાક્ષરોની સાઈઝ નાની હતી. સામાન્ય પ્રવાસીનું એ તરફ ધ્યાન જ ન જાય.

સ્ટીવે કદાચ આગળની કડી શોધી લીધી હતી. કઈ તરફ જવાનું હતું એ દિશા શોધી કાઢી હતી. અમારે બસ તેને ઉકેલવાનું હતું.

હું ટિકિટો જોતો હતો એ દરમિયાન થોમસે જેમ્સના બાવડા પર મલમપટ્ટી કરી દીધાં હતાં.

‘એલેક્સ ! થોમસ ! જેમ્સ !’ અચાનક બહારથી અવાજ આવ્યો અને પછી પિન્ટો તંબૂના દ્વાર પર દેખાયો. એ હાંફળોફાંફળો દોડી આવ્યો હતો એટલે હાંફતો હતો.

અમે બહાર નીકળ્યા.

‘પેલા... પેલા ટેન્ટમાંથી પેલા બે પ્રવાસીઓ ગુમ થઈ ગયા !’ શ્વાસ પર કાબૂ મેળવીને પિન્ટો બોલ્યો.

‘શું...? ગુમ થઈ ગયા ? પણ હમણાં જ તો હતા અહીં !’ મારું મગજ બહેર મારી ગયું. ટોર્ચ સળગાવીને હું એ તંબૂ તરફ ભાગ્યો. ત્યાં કોઈ નહોતું. હું પાછો આવ્યો.

‘અરે હું ટેન્ટમાં જતાં પહેલાં પાછળની બાજુ થોડીક તપાસ કરવા ગયો એટલી વારમાં બંને જણ ભાગી ગયા હશે.’ પિન્ટોએ કહ્યું.

‘પણ એમને ભાગી જ જવું હતું તો પછી થોડી વાર પણ રોકાયા શું કામ ?’ થોમસને પ્રશ્ન થયો. તેનો જવાબ કોઈ પાસે નહોતો. બધા એકબીજાના મોઢા તાકતા ઊભા રહ્યા. રાત વહી રહી હતી. ઠંડાગાર વાતાવરણમાં આજુબાજુની વનરાજીઓમાંથી જીવજંતુઓના વિચિત્ર અવાજો આવી રહ્યા હતા. ચારે બાજુ ભેંકાર માહોલ હતો. આવા સમયે પેલા બે પ્રવાસીઓ ક્યાં જઈ શકતા હતા ?

‘ઓહ, મને સમજાઈ ગયું !’ થોમસ બોલી ઊઠયો, ‘એ બંને પ્રવાસીઓ હતા જ નહીં, એલેક્સ ! આપણા પર હુમલો કરવા જ આવ્યા હતા. એમણે જ તીરનો મારો ચલાવ્યો હોવો જોઈએ. પણ પિન્ટો...’ થોમસ પિન્ટો તરફ ફર્યો, ‘એ બંનેની સાથે તો તમે જ હતા. તમને કેમ આની ખબર ન પડી ?’

‘તમારા પર હુમલો થયો એ સમયે હું બાથરૂમમાં હતો. કદાચ એ દરમિયાન એ બંનેએ ટેન્ટની બહાર નીકળીને તીરો છોડ્યા હોય. તમે પિસ્તોલનો ધડાકો કર્યો એ સાંભળીને હું બાથરૂમની બહાર નીકળ્યો હતો. ત્યારે એ બંને લોકો ટેન્ટમાં નહોતા. હું ટેન્ટની બહાર આવ્યો ત્યારે એ લોકો તમારા ટેન્ટ તરફ જઈ રહ્યા હતા. એમની પાસે ત્યારે કોઈ તીરકામઠા જેવું હથિયાર નહોતું.’

‘એનો મતલબ કે તમે આવ્યા ત્યાં સુધીમાં એમણે તીરકામઠા કે એવું કોઈ શસ્ત્ર છુપાવી દીધું હશે અથવા નજીકમાં ફેંકી દીધું હશે.’ અમારી વાતો સાંભળી રહેલો જેમ્સ ઘણી વાર પછી બોલ્યો.

‘હા, એ બની શકે છે.’ પિન્ટોએ ટાપસી પુરાવી.

‘થોમસ તું અને પિન્ટો સવારે આસપાસમાં કામઠું શોધવાનો પ્રયત્ન કરજો. ત્યાં સુધી હું અને જેમ્સ આ ટિકિટો પર સ્ટીવે કરેલા સંકેત ઉકેલવાની કોશિશ કરશું.’ મેં અમારા કામોની વહેંચણી કરી.

‘ટિકિટો પર સંકેત ?’ પિન્ટોને નવાઈ લાગી.

અમે નછૂટકે એને ફ્રેડી જોસેફના પડકાર વિશે અને અમારા મિત્રના અપહરણ વિશેની હકીકત જણાવી દીધી. અમારી વાતો સાંભળીને એના ચહેરાની રેખાઓ આશ્ચર્યથી ખેંચાઈ ગઈ. એ અચંબામાં સરકી ગયો. પોતે એક પર્વતારોહણ એજન્સીનો મામૂલી ગાઈડ હતો. ફ્રેડી જોસેફે એજન્સીનો આ રીતે ઉપયોગ કર્યો હતો એ જાણીને એની નવાઈનો પાર ન રહ્યો.

બાકીની રાત અમે જેમતેમ કરીને વીતાવી. સવારે સાતેક વાગ્યે આવશ્યક ક્રિયાઓ પતાવીને અમે કામે લાગી ગયા. હું અને જેમ્સ વિલિયમ્સ, ક્રિકવાળા તંબૂમાં જઈ ટિકિટ પરનો સંકેત ઉકેલવા મંડી પડ્યા. બહાર પિન્ટો અને થોમસ તીરકામઠાની તપાસ માટે ગયા.

હું અને જેમ્સ બેડ પર સામસામે બેઠા હતા. વચ્ચે પેલી ટિકિટ પડી હતી જેના પર સ્ટીવે સંકેતો કરેલા હતા. થોડુંક મગજ લગાવ્યા બાદ ખ્યાલ આવી ગયો કે સ્ટીવ શું કહેવા માગતો હતો.

ઉપરની લાઈનમાં અંગ્રેજી મૂળાક્ષરો હતા અને નીચેની લાઈન અંકોની હતી. સૌથી પહેલાં N અને પછી W પર વર્તુળ કરેલું હતું. N એટલે નોર્થ – ઉત્તર દિશા અને W એટલે વેસ્ટ – પશ્ચિમ દિશા. એટલું સ્પષ્ટ થયા પછી નીચેની લાઈનના સિરિયલ નંબરમાં પહેલાં 2 અને પછી 4 અંક ફરતે સ્ટીવે ગોળ ચિતર્યું હતું. આ સમજવામાં થોડું અઘરું હતું. 2 અને 4 શું હોઈ શકે ? જો અમને દિશા મળી ગઈ હતી તો પછી આ બંને અંકો જરૂર અંતર સૂચવતા હોવા જોઈએ. પણ અંતરનું માપ શું ?

‘આ કિલોમીટર તો ન હોય, એલેક્સ, કેમ કે પહાડ પર અંતર એટલે કે ઊંચાઈ ફૂટથી જ સામાન્ય રીતે મપાતી હોય છે.’ જેમ્સે શંકાનું મોટેભાગે સમાધાન કરી આપ્યું.

‘પણ જેમ્સ, 2 ફૂટ અને 4 ફૂટ જેટલા નજીવા અંતરનો તો કોઈ અર્થ જ નથી ને. તો પછી કદાચ 200 અથવા 2,000 ફૂટ હોઈ શકે.’ મેં મગજનો ઘોડો દોડાવવાનો પ્રયત્ન કર્યો. કદાચ તીર નિશાન પર ચોંટ્યું હતું.

‘સો નહીં પણ હજાર લેખે ચાલીએ, એલેક્સ.’ જેમ્સની આંખોમાં ચમકારો થયો, ‘અહીંથી 2 હજાર ફૂટ ઉત્તર અને પછી 4 હજાર ફૂટ પશ્ચિમ. એ રીતે ચાલીએ.’

મને પણ એની વાતનો અમલ કરવા જેવો લાગ્યો. આમ પણ અમારી પાસે ગમે તે રીતે આગળ વધવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. અમે તંબૂની બહાર આવ્યા. પેલા બંને પણ થોડી વારમાં ત્યાં ભેગા થઈ ગયા. એમના નિસ્તેજ ચહેરાઓ કહેતા હતા કે એમને હથિયાર નથી મળ્યું. હુમલાખોરોએ કોણ જાણે કેવી ચાલાકી વાપરી હતી. એ વિશે વિચારવાનું પડતું મૂકીને અમે પિન્ટો અને થોમસને સંકેતના ઉકેલની વાત કરી. એનું પણ કહેવાનું એ જ થયું કે સમય ગુમાવ્યા વિના આગળ વધવું.

દસ વાગ્યા આસપાસ અમે ફરી બેગ સાથે તૈયાર થઈ ગયા. વિલિયમ્સ અને ક્રિકના સામાનમાંથી જરૂરી વસ્તુઓ અમે અમારી બેગમાં રાખી લીધી હતી. પિન્ટો પાસે ઓલ્ટીમીટર (ઊંચાઈ માપક યંત્ર) હતું એટલે તેને આધારે અમારે અંતર અને ઊંચાઈ માપતાં આગળ વધવાનું હતું.

‘એલેક્સ, આપણે એક કામ કરીએ. ચડતી વખતે આજુબાજુ જમીન પર જોતા જઈએ. કદાચ ક્યાંક આપણા મિત્રોએ કોઈ નિશાની મૂકી હોય તો દેખાઈ જાય.’ થોમસે અગત્યનું સૂચન કર્યું.

‘હા. બીજું એ કે ક્યાંય સહેલો રસ્તો કે કેડી દેખાય તો એ રસ્તેથી જ ચડવાનું રાખીએ. અપહરણકારોએ પણ ઓછી તકલીફ પડે એવો જ રસ્તો લેવાનું પસંદ કર્યું હશે.’ મેં વળી બીજો તર્ક લગાવ્યો.

અમે તંબૂ છોડીને ફરી ઉત્તર તરફ આરોહણ શરુ કર્યું. પિન્ટો અમારી સાથે આવવા તૈયાર થયો હતો. આવી જોખમી સ્થિતિ વચ્ચે પણ એ અમારી સાથે આવતો હતો એ જાણીને અમને એના પ્રત્યે માન થઈ આવ્યું. બેઝ પર મેં સ્ટોરરૂમમાંથી અમુક વસ્તુઓ ચોરી હતી એ વિશે મારે એને કહી દેવું હતું. પણ મારી જીભ ન ઉપડી.

(ક્રમશઃ)