જીવન પથ
-રાકેશ ઠક્કર
ભાગ-૩૨
‘વસ્તુઓ અપેક્ષા મુજબ ન હો પણ આગળ વધતાં રહેશો તો જીત તમારી જ થશે.’
આજના જમાનામાં જ્યાં બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે ત્યાં આ વિચારનું મહત્ત્વ વધી જાય છે. વસ્તુઓ આપણા પ્લાન પ્રમાણે ન થાય તોય અટકવાનું નહીં બસ 'મૂવ ઓન' થવાનું.
સફળતા એ નથી કે તમે કેટલું ઝડપથી પહોંચ્યા પણ એ છે કે તમે કેટલીવાર પડીને ફરી ઊભા થયા. પરિણામ ભલે તમારી અપેક્ષા મુજબ ન હોય. જ્યાં સુધી તમારો 'સંઘર્ષ' ચાલુ છે ત્યાં સુધી 'જીત' માત્ર સમયની વાત છે.
હું તમને એક યુવાન એન્જિનિયર જૈનિલનું ઉદાહરણ આપું છું. જૈનિલે કોલેજ પૂરી થતાં જ એક 'ગ્રીન ટેક' સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તેનો આઇડિયા પાવરફુલ હતો, પણ માર્કેટમાં તેને બિલકુલ સારો રિસ્પોન્સ ન મળ્યો.
કારણ? તેના બનાવેલા પ્રોટોટાઇપ ત્રણ વાર ફેલ થયા. ઇન્વેસ્ટરોએ તેને સપોર્ટ આપવાની ના પાડી દીધી.
એક વર્ષની સખત મહેનત પછી પણ તેનું સ્ટાર્ટઅપ બંધ કરવું પડ્યું.
જૈનિલની અપેક્ષા હતી કે તે એક વર્ષમાં લાખોનો બિઝનેસ કરશે, પણ થયું ઊલટું.
જૈનિલ નિરાશ થયો પણ હાર માનવાને બદલે તેણે તેના અનુભવોમાંથી શીખ લીધું. તેણે તેના સ્ટાર્ટઅપમાં વાપરેલી ટેકનોલોજીનું જ્ઞાન વાપરીને એક મોટી MNC (મલ્ટિનેશનલ કંપની) માં રિસર્ચ અને ડેવલપમેન્ટ વિભાગમાં અરજી કરી. ઇન્ટરવ્યૂમાં તેણે તેના નિષ્ફળ સ્ટાર્ટઅપની કહાણી એકદમ પ્રામાણિકતાથી કહી. તેણે કહ્યું કે ભલે સ્ટાર્ટઅપ ફેલ થયું પણ 'સતત શીખવાની અને મુશ્કેલીઓનો સામનો કરવાની' તેની જીદ હજુય જીવંત છે.
કંપનીએ તેના જુસ્સા અને શીખને જોઈને તેને તુરંત નોકરી આપી. આજે તે એ જ કંપનીના સૌથી મહત્ત્વના પ્રોજેક્ટ્સ લીડ કરે છે. તેની જીત માત્ર નોકરી મેળવવાની નહોતી. નિષ્ફળતાને પગથિયું બનાવીને આગળ વધવાની હતી.
નમિતા (જૈનિલની બહેન) અને જૈનિલ વચ્ચેનો સંવાદ જુઓ. જ્યારે સ્ટાર્ટઅપ ફેલ થયા પછી જૈનિલ તૂટી ગયો હતો:
જૈનિલ:‘નમિતા, યાર! બધું ફેલ. પ્રોજેક્ટ ફેલ, પૈસા પૂરા, અને આઇડિયા પણ માર્કેટમાં કોઈને ન ગમ્યો. હવે તો બસ 'ગિવ અપ' કરવાનું મન થાય છે.’
નમિતા:‘એય! શું 'ગિવ અપ'? જૈનિલ, તું એન્જિનિયર છે, રોકેટ સાયન્સ ભણ્યો છે! તારું સ્ટાર્ટઅપ ફેલ થયું છે તું ફેલ નથી થયો. તું ભૂલી ગયો? તું હંમેશાં કહેતો,‘પહેલી ટ્રાયલમાં જીત મળે એ તો લક, પણ હાર પછી પણ ટ્રાય ચાલુ રાખીએ એ આપણો એટીટ્યુડ!’
જૈનિલ: (નિરાશ થઈને)‘પણ હવે શું કરું? કંઈ જ વિઝન નથી દેખાતું.’
નમિતા:‘જો, વસ્તુઓ તારી અપેક્ષા મુજબ નથી થઈ એની મને ખબર છે. પણ તું અટક્યો તો નથી ને? છેલ્લા એક વર્ષમાં તેં જે ટેકનિકલ નોલેજ અને પ્રોબ્લેમ સોલ્વિંગની સ્કીલ મેળવી છે એ ક્યાંય નથી ગઈ. તું બસ આગળ વધતો રહે. તું નોકરી શોધીશ, નવો આઇડિયા શોધીશ, પણ બેસી ન રહે. તારું નોલેજ જ તારી 'જીત' બનશે. બસ એને તું ચાર્જ કરતો રહે. જેન ઝી છો તું, ભાઈ! રિવાઇન્ડ નહીં, ફોરવર્ડ મોડમાં રહે!’
'માઇન્ડસેટ'નું મહત્ત્વ: સફળતા માત્ર પરિણામ નથી, પ્રક્રિયા છે. જ્યારે તમે 'આગળ વધતા રહેવાનું' નક્કી કરો છો ત્યારે તમે 'ગ્રોથ માઇન્ડસેટ' અપનાવો છો. આ માઇન્ડસેટ નિષ્ફળતાને અંત નહીં 'જરૂરી ડેટા પોઈન્ટ' માને છે. જો પ્લાન A ફેલ થાય તો તરત જ પ્લાન B, C કે Z તરફ વળવું એ જ તમારી વાસ્તવિક જીત છે.
સંભાવનાનો નિયમ: જો તમે કોઈ પણ કાર્યમાં સતત પ્રયત્નો કરતા રહો તો ગાણિતિક રીતે તમારી સફળ થવાની સંભાવના વધતી જાય છે. જે લોકો પ્રથમ નિષ્ફળતા પછી અટકી જાય છે તે લોકો તો જીતની રેસમાંથી જ બહાર થઈ જાય છે. પણ જે સતત પ્રયત્ન કરે છે તે નિષ્ફળતાની સંભાવના ઘટાડીને સફળતાની સંભાવના વધારે છે.
પ્રતિરોધકતા: જીવનમાં સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે બાઉન્સ બેક થાઓ. આ વિચાર તમને શીખવે છે કે વસ્તુઓ અપેક્ષા મુજબ ન હોવા છતાં લડતા રહેવું એ તમારી 'રેઝિલિયન્સ' વધારે છે. આ રેઝિલિયન્સ જ ભવિષ્યમાં તમને મોટી તકો અને પડકારો માટે તૈયાર કરે છે.
ટૂંકમાં, લાઇફમાં 'કોડિંગ' કરતી વખતે જેમ 'બગ' આવે છે એમ જ જીવનમાં પણ મુશ્કેલીઓ આવે છે. 'બગ' આવે તો કોડિંગ બંધ નથી કરી દેવાનું, 'ડીબગિંગ' કરીને આગળ વધવાનું છે. આ જ જેન ઝીનો જીતવાનો અસલી અંદાજ છે!
જ્યારે રસ્તો અઘરો લાગે ત્યારે યાદ રાખો: હીરાને ચમકવા માટે તપવું પડે છે. તમારી અપેક્ષા તૂટે તો વાંધો નહીં બસ તમારા પગલાં ચાલતાં રહેવા જોઈએ. સતત ચાલતા રહેવું એ જ સૌથી મોટી જીત છે!
મોમેન્ટમ' (ગતિ) જાળવી રાખવું એ સૌથી મોટી તાકાત છે. તમારી અપેક્ષા તૂટે ત્યારે સૌથી મોટું જોખમ એ છે કે તમે મોમેન્ટમ ગુમાવી દો છો અને બ્રેક લાગી જાય છે. કોઈ પણ મોટી સફળતા માટે નાના પગલાંની સતત ગતિ જરૂરી છે. જો તમે અપેક્ષા મુજબનું પરિણામ ન મળવાથી અટકી જશો તો તમને ફરીથી શરૂ કરવા માટે વધારે ઊર્જા અને વધારે સમયની જરૂર પડશે.
જ્યારે તમે આગળ વધતા રહો છો, ભલેને ધીમી ગતિએ તો પણ તમારી સંઘર્ષની ગતિ જળવાઈ રહે છે. એકવાર ગતિ જળવાઈ જાય, પછી તે તમને આપોઆપ આગળ ધકેલે છે. નાની નાની જીત કે નાનું એવું સુધારેલું પરિણામ પણ તમને આગળ વધવાની ઊર્જા આપતું રહેશે. સતત ગતિશીલતા જ અંતે લક્ષ્ય સુધી પહોંચાડે છે.