પ્રવિણ એનુ મન શાંત કરવા માટે અડધી રાત્રે ઘાટ પર જઈને સુઈ ગયો હતો.સવારની સોમનાથ દાદાની આરતી સાથે એની ઊંઘ ઊડી ગઈ.શ્રધ્ધાળુ લોકોને જોઈને એની ઈચ્છા વૈરાગ્ય બનવાની થઈ ગઈ હતી પણ એના સ્વાર્થને કારણે એ એનાં માતા અને પિતાની જવાબદારી પણ છોડી શકતો ન હતો.
એને સંસારમાં રહેવુ હતુ પણ બીજા કોઈ બંધનમાં બાંધાઈને કોઈનુ જીવન ખરાબ કરવાની એની ઈચ્છા ન હતી.એણે બે હાથ જોડીને એની તકલીફને સોમનાથ દાદાને કહી સંભળાવી. સોમનાથ દાદા એની સાથે જરુર કાંઈક સારુ જ કરશે એવી આશાએ તે ઘાટ પરથી ઊભો થઈને ઘર તરફ જવા નીકળી ગયો.
આકાશમાં અંધકાર હતો કારણ કે સૂરજદાદાએ હજુ પૃથ્વી પર કોઈને દર્શન આપ્યા ન હતા.શિયાળાને કારણે રસ્તા પર ધુમ્મસે એનું રાજ જમાવી લીધું હતું. પ્રવિણ સ્ટ્રીટ લાઈટના અજવાળે એનો માર્ગ ઓળખીને આગળ વધી રહ્યો હતો.
પ્રવિણ જે રસ્તે જઈ રહ્યો હતો ત્યાં એની નજીક આધેડ વર્ષના એક શાહુકાર વ્યક્તિ પોતાની ગાડીમાંથી ઊતરી એની પાછળ રહેલ ટ્રેકટરમાંથી નીયણના પૂળાને લઈને રસ્તામાં રખડતી ગાયોને નીયણ આપી રહ્યા હતા.પ્રવિણની નજર એ વ્યક્તિ પર પડી. વહેલી સવારે અબોલ પ્રાણીની ભૂખ સંતોષવા નીકળી પડેલા વ્યક્તિની દાતારી જોઈને પ્રવિણને ખુશી થઈ.ગાયો તરફથી એમનો ધન્યવાદ કરવા માટે વાતની શરુઆત કરી.
"માફ કરજો જો તમારી પાસે મારી સાથે વાત કરવા માટે બે મિનિટનો સમય હોય તો હુ તમારી સાથે વાત કરી શકુ છુ?"
એ વ્યક્તિની નજીક જઈને વિનમ્રતાથી એણે વાત કરવા માટે સમય માંગી લીધો.એ વ્યક્તિનુ ધ્યાન ગાયો પરથી હટીને પ્રવિણ તરફ ગયુ.
"તારે જે વાત કરવી હોય એ મારી સાથે નિઃસંકોચ પણે કરી શકે છે.હુ પણ તમારા જેવો માણસ છુ.તમારુ શરીર હાડકા અને માંસનુ બનેલુ છે અને મારુ પણ એવુ જ."એ વ્યક્તિ ખૂબ સુંદર વાત કહી દીધી હતી.
"આ તો તમારી મોટાઈ છે.બાકી પૈસાદાર લોકો મિડલ ક્લાસ લોકો સાથેના વર્તન કેવા હોય એના મને અનુભવો થયેલા છે."
"યુવાન અહીં પૃથ્વી પર લોકો પૈસાથી વ્યક્તિની ઓળખ કરે છે.હકીકતમાં લોકોની ઓળખ એમના કર્મો પરથી કરવી જોઈએ.સોનાના પલંગ પર સુતા માણસની અંદર દયાભાવ ના હોય તો એને સોનાનો પલંગ ચૈનની ઊંઘ કદિ આપી શકતો નથી.જ્યારે જમીન પર સુતો માણસ દિવસ ભરમાં કોઈની અજાણતા મદદ કરે છે તો એ આરામની ઊંઘ કરે છે.આટલો ફરક હોય છે.જે ખરેખર પૈસાદાર છે એને ચૈનથી સૂવા માટે પૂણ્યના પોટલા બાંધવા પડે છે."
"જી તમે બિલકુલ સાચુ કહ્યુ છે.મારા પપ્પાના વિચારો પણ આવા જ છે.ખાસ તો હુ તમને ધન્યવાદ કહેવા આવ્યો છુ કે તમે ઠંડીની મૌસમમાં તમારા હાથો વડે આ અબોલ પ્રાણીઓની માટે ભૂખ સંતોષવા નીયણ ખવડાવી રહ્યા છો."
"મારી પાસે છે એ જ હુ વહેંચી રહ્યો છુ.જે મુકામ પર રહીને હુ કરી રહ્યો છુ એના માટે તમારે મારા પાલક પિતાનો ધન્યવાદ માનવો જોઈએ.એમણે મને અને મારી માંનો સ્વીકાર ના કર્યો હોય તો હુ પણ આ રેઢિયાળ ગાયોની જેમ ક્યાંક ભીખ માંગતો હોત."
"હુ તમારી વાત સમજી શક્યો નહિ.તમારા જન્મ દેનાર પિતા..!"
"મારા જન્મ દેનાર પિતા મારી ખૂબ નાની ઉંમર હતી ત્યારે જ ગુજરી ગયા હતા.મોસાળમાં નાના અને નાની વિના અમારાં માં અને દીકરાનો કોઈ આધાર હતો નહિ.એ પછી એક મસિહા મારી માંનાં જીવનમાં આવ્યાં.એમણે મારી માં સાથે પાણિગ્રહણ કરીને મારા નામની પાછળ એમનુ નામ આપી દીધું.એમનો હેતુ મારી માં અને મને ખુશ કરવાનો હતો.આ દૌલત એમની જ છે.અફસોસ કે હવે મારાં માતા અને પિતા હયાત નથી."
"ઓહ્ તમારી વેદના જાણીને દુઃખ થયુ.એક વાત કહુ?"
"હા બોલને."
"તમારા પાલક પિતા શુ પિતા બની શકવાને સમર્થ ન હતા એટલે જ તમને દીકરા તરીકે સ્વીકાર કરેલો હતો?"
"એવુ કાંઈ હતુ નહિ.મારા પપ્પાને એવી કોઈ તકલીફ હતી નહિ.એમને મારી માં સાથે પ્રેમ થઈ ગયો હતો.અમારાં બન્નેની ખુશી માટે પાણિગ્રહણ કરેલુ હતુ.તેઓ ઈચ્છે તો સંતાનને જન્મ આપી શકવાના હતા પણ ભવિષ્યમાં મારા ભાઈઓની સામે મારે લાચારવશ જીવવુ ના પડે એના માટે એમણે પિતા બનવાની ઈચ્છાને મનમાં દબાવી રાખી.સાચુ કહુ તો મારા પાલક પિતા જેવા જન્મ આપનાર પિતા પણ ના હોય શકે.એ મારા માટે ભગવાન બનીને આવ્યા હતા.એમનુ ઋણ આ જન્મમાં ચુકવવા બેસુ તો ચુકવી ના શકુ."
પ્રવિણ એ વ્યક્તિની વાતો સાંભળી રહ્યો હતો અને સમજી પણ ગયો હતો.સોમનાથ દાદા પૃથ્વી પર વ્યક્તિનો જન્મ કોઈ ઉદ્દેશ માટે આપેલો હોય છે.એ વ્યક્તિએ પ્રવિણને અજાણતા બહુ મોટી શીખ આપી દીધી હતી.એણે એમનો આભાર માનીને પોતાની મંજીલ તરફ જતો રહ્યો.
પ્રવિણ મનમાં સોમનાથ દાદા સાથે વાતો કરતો ઘર જવા માટે હરણફાળ ડગલા ભરવા લાગ્યો,"સોમનાથ દાદા અત્યાર સુધી હુ તમારો ઈશારો સમજી શક્યો ન હતો.હવે હુ તમારો ઇશારો સમજી ગયો છુ.એ વ્યક્તિ સાથે તમે જ મારી મુલાકાત કરાવી હતી.જેથી એને જોઈને મને કોઈ દીકરાને પોતાનુ નામ આપવાની મરજી થઈ શકે.મને એક પુત્ર મળી જશે અને એને એક પિતાની છત્ર છાયા મળી જશે."
પ્રવિણ સોમનાથ દાદા સાથે વાતો કરતો ઘરે પહોંચી ગયો હતો.સૂરજ દાદાએ સવારનો કૂંણો તડકો ધુમ્મસ પર પાડી રહ્યાં હતાં જેને કારણે ધુમ્મસ ધીરે ધીરે વિલીન થઈ રહી હતી.
પ્રવિણ ઘરની અંદર જઈને દલપતકાકાના રુમમાં જઈને પોતે લગ્ન કરવા તૈયાર છે એ વાત જણાવી દીધી.પ્રવિણની વાત સાંભળીને એનાં માતા અને પિતા બન્ને ખુશ થઈ ગયાં હતાં.
દિવસના સમયે જરાક પણ ઢીલ રાખ્યા વિના દલપતકાકાએ એમના સાળાને ટેલિફોન કરીને જણાવી દીધુ કે પ્રવિણ લગ્ન કરવા માટે ત્યાર થઈ ગયો.
સામે છેડે એમના સાળા પાસેથી ખુશ ખબર જાણવા મળ્યા કે છોકરી વાળાને પ્રવિણની તકલીફથી કોઈ લેવાંદેવાં નથી.એ લોકોએ એમની દીકરીને પ્રવિણ સાથે લગ્ન કરવાં માટે મંજુરી આપી દીધી.તેઓ બહુ જલ્દી છોકરા વાળાને મળીને લગ્નની તારીખ ફીક્સ કરવાં ઊતાવળા થઈ રહ્યાં છે.
પ્રવિણના ઘરે આવ્યા પછી દલપત કાકાએ એના મામાની દરેક વાત પ્રવિણને કહી જણાવી.
"એ બધુ ઠીક છે પણ જેની સાથે મારાં મેરેજ થવાનાં છે એનાં નામની પણ હજી મને ખબર નથી."
"અરે હુ તો સાવ બાવરો બની ગયો છુ.એ છોરીનું નામ પારુલ છે.તારાં મામા કહેતાં હતાં કે એ ખૂબ સંસ્કારી અને ગુણીયલ છે."
પ્રવિણે નામ સાંભળીને મનમાં બોલી ગયો,'પારુલ.'
"લોકો તો વખાણ કરે પણ આપણે મળીને વાત કરશું તો ખબર પડશે.બે દિવસ પછી મારે રજા આવે છે.તમે એ લોકોને જણાવી દેજો કે આપણે એ દિવસે એમના ઘરે જશુ."
પ્રવિણના કહ્યા મુજબ બધુ સેટ થઈ ગયુ હતુ.બે દિવસ પછી એ દલપતકાકા અને એના મામા સાથે પારુલનાં ઘરે મહેમાનગતિ માણવાં પહોંચી ગયાં હતાં.
પારુલે પીળાં રંગની ગુજરાતી સાડી પહેરી હતી.સૌની વચ્ચે એ નાસ્તાની ટ્રે લઈને આવી ત્યારે પ્રવિણે જોયું.પહેલી મુલાકાતમાં પારુલને ઝીરો માર્ક મળી ગયાં હતાં કારણ કે પ્રવિણને પીળો રંગ જરાય પસંદ હતો નહિ.
વડિલો વચ્ચે વ્યવહારિક વાતો કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા.પારુલ એનાં દિકરાંને રમાડવા લાગી હતી.દૂરથી પ્રવિણે એનાં દીકરાંને જોઈ લીધો. પ્રવિણની મરજી પાંચ મિનિટ પારુલ સાથે એકાંતમાં વાત કરવાની હતી.એણે ઈશારેથી એના મામાને જણાવી દીધુ.એના મામા સમજીને વડિલોને મંજુરી મેળવીને પ્રવિણ અને પારુલને એકાંતમાં વાત કરવાં મૂકી દીધાં.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ"મીરા"