દલપતકાકા પ્રવિણને લગ્ન વિશે સમજાવી રહ્યા હતા; પણ પ્રવિણને લગ્ન કરવાની ઈચ્છા જાણે અંદરથી મરી ગઈ હતી. એના પપ્પાએ કહેલી વાતોની પ્રવીણને કોઈ અસર થઈ રહી ન હતી.
"તને હું આટલો સમજાવી રહ્યો છું અને તારે સમજવું નથી."
દલપતકાકાને કહેવાથી પ્રવિણ એની રૂમ તરફ જતા અટકીને એમની સામે જોયું,
"મને પણ એવું લાગતું હતું કે પ્રેમ એ જ સર્વસ્વ હોય છે. પ્રેમની આગળ બીજા સુખો ક્ષણિક હોય છે. એ મારી ધારણા હતી, જે એક ઘટના પછી ધારણા તુટી ગઈ. લોકો લગ્ન જ પ્રેમ માટે નહીં પણ સંસાર શરૂ કરવા માટે કરે છે. અહીં લગ્ન કરીને મારો સંસાર શરૂ થવાનો જ નથી તો લગ્ન કરવાનો કોઈ મતલબ રહ્યો નથી. આમ પણ જે વ્યક્તિની મૂર્તિને મેં મારા મન મંદિરમાં સ્થાન આપી જ દીધું હોય એની જગ્યાએ હું કોઈ બીજી મૂર્તિને રાખવાનું પાપ કરી નહીં શકું."
"તને કોણ કહે છે કે તારાં મંદિરમાંથી એ મૂર્તિને દૂર કરીને કોઈ બીજી મૂર્તિની સ્થાપના કર, પણ જો તારી સાથે કોઈ બીજું વ્યક્તિ જોડાઈને તને અને એ મૂરતને પ્રેમથી સાચવવાં તૈયાર થતું હોય તો તું ના કર."
"સંસારમાં તને પુત્રનું સુખ સોમનાથ દાદા સામેથી આપવા માંગે છે. કોઈ પક્ષીએ એના માળામાંથી એનાં બચ્ચાને તરછોડ્યું છે તો તું એક સારો વ્યક્તિ બનીને તારા પોતાના હાથે ગુંથેલા માળામાં એ બચ્ચાને સ્થાન આપી શકે છે. બદલામાં તને અનેકગણો પ્રેમ મળશે. એ પુત્રને પિતાનો છાયડો મળી જશે અને તને પિતા કહેનાર મળી જશે."
દલપતકાકાએ એમની રીતે પ્રવિણને જેટલો સમજાવવાનો હતો એટલો સમજાવ્યો. હવે પ્રવિણને એમની વાત યોગ્ય લાગે અને કોઈ સારો ફેસલો લે એ એના પર હતું. પ્રવિણને દલપતકાકાની વાતો સમજવા લાગી. એણે એના પિતાની વાતો સાંભળીને પોતાના લગ્ન વિશે વિચાર કરીને છેલ્લો ફેસલો સવારે જણાવી દેવાનું કહીને એના રૂમમાં જતો રહ્યો.
પ્રવિણે રૂમની અંદર જઈને દરવાજો બંધ કરી દીધો. બેડ પર પોતે સાથે લાવેલ બુકને મૂકી દીધી. અરીસાની સામે ઊભો રહીને એણે પોતાના ચહેરા પર બાંધેલો ગમછો ખોલી નાખ્યો. એકીટશે એ ચહેરા પર લાગેલા ઘાવને જોવા લાગ્યો અને એની સાથે કાજલના શબ્દો એના કાનમાં પડઘાવા લાગ્યા.
"આ વેદના તને આજીવન યાદ અપાવશે કે, તું નામરદ છે. તારા સુંદર ચહેરા પર બાપ ના બનવાનો ડાઘ લાગી ગયો છે. જ્યારે હવે તું કોઈને તારી ખંડિતતા કહેવાનું ભૂલી જઈશ ત્યારે આ ડાઘ તને હમેંશા યાદ અપાવશે."
"રાતના સૂવા સમયે તું આ ડાઘને જોવીશ ત્યારે તને યાદ આવશે કે કોઈ સ્ત્રીને માતા ના બનવાની ઈચ્છાને વંચિત રાખવાનો વિચાર કરવાથી કેવી સજા મળે છે. આ ડાઘ તને રાતનાં ચૈનથી કોઈ દિવસ સૂવા દેશે નહીં અને તું અંતિમ ઘડીએ તારી ખંડિતતાની વેદના તારી સાથે લઈને જઈશ."
પ્રવિણનાં કાનોમાં કાજલનો અવાજ અને એના શબ્દો એને પરેશાન કરવાં લાગ્યાં. બે હાથ વડે એણે પોતાનાં બન્ને કાન બંધ કરી નાખ્યાં; તે છતાં એનો અવાજ ચારેય તરફ ગુંજવાં લાગ્યો. કાજલનો અવાજ બંધ થઈ રહેવાનું નામ લઈ રહ્યો ન હતો. એણે જોરથી એક ચીસ પાડી.
અરીસાના ટેબલ પર ગોઠવેલી દરેક વસ્તુઓનો પ્રવિણે ઘા કરી નાખ્યો. કાજલના અવાજથી એ બેચૈન બની ગયો.એણે આવેશમાં આવીને બેડ પરની ચાદર કાઢી નાખી.
"કેમ..કેમ સોમનાથ દાદા એનો અવાજ કે એની કહેલી વાતો મારે ભુલવી છે તો પણ ભુલાતી નથી ? મારી ખંડિતતાની આટલી મોટી સજા તમે મને કેમ ભોગવવા આપી છે ? શું મારું જીવન બસ આમ જ એનાં શબ્દોને યાદ કરીને પૂરું થઈ જવાનું છે ? સંતાન સુખ એટલું બધું સર્વોપરી માનવામાં આવે કે પ્રેમ કે લાગણી કોઈ કિંમત જ ના રહે."
પ્રવિણ બેડની કિનારી પકડીને ભોંય પર બેસીને સોમનાથ દાદાને ફરિયાદ કરતો રડવા લાગ્યો. એના મનને ચૈન પડી રહ્યું ન હતું. બે વર્ષ પહેલાંની ઘટના લગ્નનું નામ સાંભળીને એની આંખોમાં ફરી તાજી થઈ ગઈ હતી. એણે એના મન પર પૂરો કંટ્રોલ કર્યો પણ કોઈ રીતે એનું મન શાંત થવાનું નામ લઈ રહ્યું ન હતું.
રાતના એક વાગી ગયો હતો. એ ભોંય પર પાથર્યા વગર સુઈ ગયો પણ એનુ મન અશાંત થઈ ગયું હતું. એને કેમેય કરીને નિંદર આવી રહી ન હતી. એણે કાંઈક વિચાર કરીને ભોંય પરથી ઊભો થયો.
શિયાળાની રાત શરૂ થઈ ગઈ હતી. બહાર અડધી રાત્રે ઠંડી હવા પ્રસરવા લાગી. પ્રવિણે સ્વેટર અને ચહેરા પર મફલર બાંધીને એકાંતમાં એણે નિયત કરેલી જગ્યાએ જવા નીકળી ગયો. એનાં માતા અને પિતા સુઈ રહ્યાં હતાં. એમને જગાડીને કહી જવાથી એમની નિંદર ખરાબ કરવી એવું એને ગમ્યું નહીં. આથી એ કોઈને કહ્યાં વિના ઘરની બહાર નીકળી ગયો.
ત્રિવેણી ઘાટ પર પહોંચ્યો ત્યારે રાતના દોઢ વાગી ગયા હતા. ઠંડીની અસર પ્રવિણે ધારી હતી એનાથી વધુ હતી. ઘાટ પર આવીને નદીની અંદર એના પગ ધોયા તો પાણી હાડ ધ્રૂજાવે એવું ઠંડું લાગી રહ્યું હતું. એણે ઘાટ પર રહેલા પગથિયે બેસવાની ઈચ્છા કરી લીધી.
પ્રવિણ એક નજરે નદીના પાણીને જોઈ રહ્યો હતો. પવન પાણીને સ્પર્શ કરતો પ્રવિણ તરફ આવતો હતો ત્યારે પ્રવિણ દાંત કચકચાવી નાખતો હતો. આવી ઠંડીમાં એને એકાંતમાં બેસવું એના મનને ટાઢક આપી રહ્યું હતું. પ્રવિણ ઠંડીને કારણે એ જગ્યાએ માથુ ટેકવીને સુઈ ગયો.
સવારના પાંચ વાગ્યે સોમનાથ દાદાના મંદિરે આરતી ચાલુ થઈ. ઘંટ અને શંખનો નાદ સુતા પ્રવિણના કાનમાં પડ્યો. અવાજ આવવાને કારણે પ્રવિણે જાગીને જોયું તો એને ખબર પડી કે એ રાતના ઘાટ પર આવીને સુઈ ગયો હતો.
ઘાટ પર સોમનાથના ભક્તો અને બહાર ગામથી આવેલા શ્રધ્ધાળુઓ સ્નાન કરી રહ્યાં હતાં. કોઈ વ્યક્તિ બ્રાહ્મણને શોધીને પિતૃકાર્ય કરાવી રહ્યાં હતાં. પ્રવિણને આ નજારો જોવાની ખૂબ મજા આવી રહી હતી.
પ્રવિણને ઘરની અંદર રહેલ લોકોની વચ્ચે જવાની ઈચ્છા થઈ રહી ન હતી. એના હૃદયે સોમનાથ દાદાની સેવા કરીને વૈરાગ્ય બનવાની ઈચ્છા પ્રગટ થઈ રહી હતી.
આવો વિચાર આવવો એ સહજ છે; કારણ કે મન ચંચળ છે અને હૃદય તો જે જોઈ જાય એના તરફ આકર્ષાય જાય છે. પ્રવિણને એનું ઘર પાછું યાદ આવ્યું. ઘરની સાથે એની અંદર રહેલાં માતા અને પિતા એની રાહ જોતાં ચિંતા કરતાં હશે એ યાદ આવ્યું. હૃદય અચાનક બદલાઈ ગયું. એણે મસ્તિકને સુચના આપી દીધી.
ઘરની અંદર રહેલ સાંસારિક સંબંધોની જવાબદારી પૂરી લગનથી ઊઠાવી એ પણ એક પ્રકારની ભક્તિ છે. ભક્તિ કર્યા વગર વૈરાગ્ય પ્રાપ્ત થતું નથી. પ્રવિણ એનો વિચાર અમલમાં મૂકે એ પહેલાં એને એનું ઘર દેખાવા લાગ્યું.
"હે સોમનાથ દાદા, મારું મન તમારું નામ લેવા છતાં બેચૈન થઈ જાય છે. મારે સંસાર ત્યાગી વૈરાગ્ય જીવન લઈ લેવું છે, પણ કોઈ એવી આસક્તિ છે જે મને વૈરાગ્ય લેતા અટકાવી રહી છે. મેં જે ફેસલો લીધો છે; એમાં મારુ મન અસ્થિર વર્તાય છે. મારે સંસાર ત્યાગવો છે પણ મારી સાથે જોડાયેલ મારાં માતા અને પિતાને તરછોડી શકતો નથી."
"તેઓ મારાં વિશ્વાસે જીવી રહ્યાં છે. એમનો મારા તરફનો મોહ મને સંસાર છોડતાં અટકાવી રહ્યો છે. જો સંસાર નહીં છોડું તો તેઓ મને કોઈ નવાં બંધનમાં બાંધી દેશે. મારે મારા જીવનમાં નવાં સંબંધોની સ્થાપના કરવી નથી."
"હું સમજું છું કે આવનાર મારી પરણેતરે મારાં ઘરને અને પરિવારને સારી રીતે સાચવી લેશે પણ મારી આત્માએ વર્ષો પહેલાં કોઈને મારી પરણેતર માની બેઠી છે. એની જગ્યાએ હું કોઈ બીજાંને મારી પરણેતર તરીકે સ્વીકાર કરી શકતો નથી."
"સોમનાથ દાદા, હું આવનાર સ્ત્રી સાથે એનાં દીકરાને જોવીશ તો મને લાગેલું મેણું કે હું નામરદ છું એ મારી નજર સમક્ષ રહેશે. એનાં દીકરાનાં ચહેરાને જોઈને મને કાજલનાં કહેલાં શબ્દો રોજ યાદ અપાવશે કે હું ખંડિત છું; એટલે જ કોઈનાં સંતાનને મારું નામ આપેલું છે. આ દરેકમાંથી તમે કોઈ રસ્તો સુજાડો. તમારો પ્રિય ભક્ત હોવા છતાં મને આવાં નીચ કોટિનાં વિચારો આવવા ના જોઈએ."
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"