સ્વાર્થનું ઉદ્દગમસ્થાન સ્વથી નીકળી છે. સ્વાર્થની અંદર હુંપણાની લાગણી જન્મ લે છે. હું જ છું અને જે વસ્તુ કે વ્યક્તિ છે એ ફક્ત સ્વની હોવી જોઈએ. એના પર સ્વનો હક હોવો જોઈએ.
સ્વાર્થ માટે ખોટો રસ્તો પસંદ કરેલ વ્યકિતને મેળવેલું સુખ પણ ક્ષણિક ભોગવવાનું હોય છે; કારણ કે એની અંદર લાલચ પેદા થાય છે. એ લાલચ પૂરી થઈ ગયાં પછી સ્વને વસ્તુ કે વ્યક્તિ પર અણગમો થવા લાગે છે.
ભુપત એના સ્વાર્થ માટે થઈને એના જ દોસ્તની પીઠ પાછળ એની પ્રેયસી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. એ લાલચમાં એટલો અંધ બની ગયો હતો કે સાચા અને ખોટાનું ભાન ભૂલી ગયો હતો.
સતત અડધી કલાક દલપતકાકા પાસે રડીને પ્રવિણ સાવ ખાલીખમ થઈ ગયો હતો. એનું શરીર ગરમ તપી રહ્યું હતું. દલપતકાકાએ એને એનાથી અળગો કર્યો.
"તારી હાલત તું જો. તેં તારી હાલત કેવી કરી નાખી છે ? બીજાના ભૂલની સજા તું તારી જાતને કેમ આપી રહ્યો છે ?"
દલપતકાકાએ પ્રવિણના ચહેરા પર આવેલ વાળની લટો સરખી કરવા લાગ્યા. પ્રવિચણે એનો ચહેરો હાથ વડે સાફ કરી નાખ્યો.
"પપ્પા, આજે મને કાંઈ સારુ લાગી રહ્યું નથી. મને પોતાને ભાન ના રહ્યું કે હું અહીં કઈ રીતે આવી ગયો ? મને અહીં આવીને રડવા માટેનુ એકાંત મળી ગયું હતું. મનની અંદર જેટલું પણ દબાયેલું હતું એ બધું આંસુ વડે બહાર નીકળી ગયું." પ્રવિણ ગળગળો થઈ ગયો.
"હવે તારે જેટલું રડવું હતું એ તેં રડી લીધું છે. આજ પછી મને વચન આપ કે જીવનમાં ગમે એટલી કપરી પરિસ્થિતિ આવે હવે તું આમ કમજોર પડીશ નહીં."
"આનાથી મોટી ખરાબ પરિસ્થિતિ મારી જિંદગીમાં હવે બીજી એકેય નહીં આવે. એક મારી આત્મા હતી અને બીજો મારો જીવ હતો. બન્નેએ એક સાથે મને આટલો મોટો દગો આપ્યો. એક ક્ષણ માટે એવું થયું કે ધરતી અત્યારે માર્ગ આપે અને હું એમાં સમાય જાઉં. મને જો થોડોક પણ પપ્પા એવો ખ્યાલ આવ્યો હોય કે ભુપત કાજલને...."
પ્રવિણને આગળ બોલવું હતું, પણ જાણે શબ્દો ગળામાં ક્યાંક રુધાઈ ગયાં હોય એમ એ એની જાતને લાચાર અનુભવવા લાગ્યો. એને અંદર ગુગળામણ થવા લાગી. એને શ્વાસ લેવામાં તકલીફ પડવાં લાગી. વધારે તકલીફને કારણે આંખમાંથી પાણી નીકળવાં લાગ્યાં.
દલપતકાકાએ પ્રવિણની પીઠ પર હાથ ફેરવવા લાગ્યા. મનમાં સોમનાથ દાદાને પ્રાર્થના કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પ્રવિણ પહેલાની જેમ નોર્મલ થઈ જાય. પીઠ પર હાથ ફેરવાથી પ્રવિણને રાહત થઈ. દલપતકાકાએ એને છાતી સરખો ચાંપી દીધો.
"જે થવાનું હતું એ થઈ ગયું. એ દરેકમાં તું તારી જાતને તકલીફ આપીશ તો સોમનાથ દાદાને દુઃખ થશે. જગતના દેવોના દેવ સોમનાથ દાદા એ આપણા જગત પિતા છે. આપણે એમના અંશ છીએ. જો આપણે દુઃખી થશું તો એ શાંતિથી રહી નહીં શકે. આપણે ખાલી નિમિત્ત માત્ર છીએ. જીવનમાં એ વિચારીને આગળ વધવુ જોઈએ કે કદાચ આપણા જીવનમાં આનાથી કાંઈક સારુ સોમનાથ દાદાએ આપણા માટે વિચારીને રાખ્યું હશે."
"એક વાત હંમેશા યાદ રાખજે દીકરા કે સત્યના માર્ગ પર ચાલવાથી રસ્તામાં ઠોકરો ઘણી આવશે પણ ઠોકરોના ડરને કારણે આગળ ચાલવાનું બંધ કરી દેશું તો આપણે મંજીલ સુધી કદિ નહીં પહોંચી શકીએ. તે જીવનમાં ચાલવાની હજુ શરુઆત કરી છે. અત્યારથી તું નાસીપાસ થઈ જઈશ તો જીવનનો ખારો દરિયો પાર કરવો તારા માટે મુશ્કેલભર્યો લાગશે. હશે જે હોય તે જવા દેવું એ વિચાર કરનાર મરજીવો જ દરિયામાંથી સાચા મોતી વીણી શકે છે."
પ્રવિણ આંખો બંધ કરીને દલપતકાકાની વાતો સાંભળતો સુઈ ગયો હતો. એણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં તો દલપતકાકાએ એની સામે જોયું તો એની આંખો વીંચાઈ ગઈ હતી.
જીવનમાં ગમે એટલી મોટી મુશીબતો આવતી હોય. એ મુસીબતમાં વ્યક્તિને એના માતા - પિતાના ખોળામાં મુશ્કેલી વ્યક્ત કરવાનું સરનામુ મળી રહે તો વ્યક્તિ પોતાની જાતને સલામત મહેસુસ કરવા લાગે છે.
એ ક્ષણે પ્રવિણને દલપતકાકાના ખોળામાં સલામતીનો અહેસાસ થયો અને તેં એના પિતાને વળગીને સુઈ ગયો. દલપતકાકાની ઈચ્છા એને જગાડવાની ન હતી, પણ ઘણું મોડું થઈ ગયું હોવાથી પ્રવિણને જગાડવો પણ ખાસ જરૂરી હતું.
"પ્રવિણ, ઊઠ રાત બહું થઈ છે. તારી મા આપણી ઘરે રાહ જોઈ રહી હશે."
એના પિતાનો અવાજ સાંભળીને પ્રવિણ જાગીને એમની સાથે ઘરે જતો રહ્યો હતો. ઘરમાં એની મા પ્રવિણની ચિંતા કરી રહી હતી. પ્રવિણને સલામત જોઈને એમના જીવને શાંતિ થઈ.
પ્રવિણ એનાં માતા અને પિતાના ચહેરા જોઈને પોતાનું મન મજબુત બનાવી લીધું હતું. એણે એ ક્ષણે નક્કી કરી લીધું હતું કે હવે પછી એનાં જીવનમાં કોઈપણ આવશે એની સામે એ ખુલ્લી કિતાબ બનીને એની આપવીતી જણાવશે નહીં.
પ્રવિણની તબિયત દવા લીધાં પછી સારી થઈ ગઈ હતી. એક દિવસની રજા લઈને એ એની નોકરી પર નિયમિત જવા લાગ્યો હતો. એણે એની બેઠક બદલી નાખી હતી. રોજ લોકો વચ્ચે દેખાતો પ્રવિણ નવરાશની પળોમાં એકાંતમાં રહેવા માટે ઘાટ પર જતો રહેતો હતો.
પ્રવિણે એનો સ્વભાવ તો હજુ એવો જ રાખ્યો હતો. ભૂખ્યાને પેટ ભરીને જમાડવા અને કોઈને આર્થિક મદદ કરતા રહેવું. કોઈ વ્યક્તિનો ચહેરો ઉદાસ હોય તો એના જોક્સથી એ સામે વાળાને પણ હસાવી દેતો હતો. આ બધુ કર્યા પછી પણ રાત્રે એ એનો દાઝેલો ચહેરો અરીસામાં જોઈને એક નિસાસો ખાય લેતો હતો.
ભુપત અને કાજલનાં મેરેજ થઈ ગયાં હતાં. મેરેજ પછી ભુપત કાજલને લઈને બીજાં શહેરમાં રહેવાં જતો રહ્યો હતો.
સમય પસાર થવા લાગ્યો હતો. પ્રવિણે કુલદીપના ઘરે જવાનું બંધ કરી દીધું હતું; તે છતાં એક પુત્ર તરોકે એની ફરજ એ ચુક્યો ન હતો. દર મહિને કુલદીપના ઘરે કોઈપણ વ્યક્તિના સહારે ઘરનું રાશન મોકલાવી દેતો હતો.
કુલદીપનાં પેરેન્ટ્સને ઘરની ચીજ વસ્તુઓથી વધુ જરૂર એક દીકરાની હતી. કુલદીપ પછી એમના માટે પ્રવિણ હતો જે એક દીકરાની ખોટ પૂરી કરી શકતો હતો. ઘણીવાર એ લોકો પ્રવિણનાં ઘરે જઈને એને મળવાં જતાં રહેતાં હતાં. એ લોકોનું જવું પણ નિરર્થક સાબિત થતું હતું, કારણ કે એ જેટલી વાર પ્રવીણને જોવાં માટે એની ઘરે જતાં એટલી વાર એમની મુલાકાત પ્રવિણ સાથે થતી નહીં; પરિણામે એમનો ફેરો ફોગટ જતો હતો.
રાતના જમવાના સમયે દલપતકાકા પ્રવિણને કહેતા કે કુલદીપના ઘરે એ જતો આવે અને એના માતાપિતા સાથે થોડીક વાર સમય પસાર કરે તો એમને ઘણું સારું લાગે.
પ્રવિણને એના પિતાની કહેલી વાતો હવામાં ઊડવા લાગતી. એ વાતનો હોકારો ભરી દેતો પણ એના પગ કુલદીપના ઘર તરફ જવા માટે ઊપડ્યા જ નહીં.
બે વર્ષ પછી પ્રવિણની મમ્મીની તબિયત બગડવા લાગી. ડૉકટરે એમને બેડ રેસ્ટ કરવાની સુચના આપી દીધી હતી.
એ સમયે દલપતકાકાને ઘરનું કામ અનગોરપદુનુંનુ કામ બન્ને એક સાથે કરવાની નોબત આવી પડી. પ્રવિણ નાનપણથી ગોરપદુ વિશે જાણતો હતો. આથી રજાના દિવસે એ એના પપ્પાની જગ્યાએ ગોરપદુ કરવા ઘાટ પર જતો રહેતો.
પ્રવિણના મમ્મીની ખબર અંતર પૂછવા એની ઘરે એના મામા આવી પહોંચ્યા હતા. એની બહેનને ખાટલા પર લાચાર સુતા જોઈને દયા ભાવ પ્રગટ થઈ ગયો.
"જીજાજી, મારી બેનની આવી હાલત ખરાબ છે તો એમની સેવા કરવાં માટે અને ઘરને સાચવવાં માટે એક સ્ત્રીનું ઘરમાં હોવું ખૂબ જરૂરી છે."
"તમારું એમ કહેવાનું છે કે પ્રવિણનાં લગ્ન કરીને આ ઘરમાં એક વહુ લઈ આવવી જોઈએ !" દલપતકાકા એના સાળાની બંધ મૂઠીની વાત સમજી ગયા.
"હા, હું તમને એ જ કહેવા માંગું છું."
"તમે પ્રવિણ વિશે બધુ જાણો તો છો તે છતાં તમે એના લગ્નની વાત કરી રહ્યા છો !"
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"