પ્રવિણને એના ઓફીસથી વાત જાણવા મળી કે ભુપતના મેરેજ થોડાક સમયમાં થવાના છે અને કુલદીપના પપ્પાએ એની પાસે એવી વાત કરી હતી કે ભુપત તો સોમનાથની અંદર નથી. પ્રવિણ વાતની ખરાઈ કરવા માટે કુલદીપના ઘરે પહોચી ગયો.
ભુપત વિશે કુલદીપના પપ્પાની વાત સાંભળીને પ્રવિણનું હૃદય એક ધબકાર ચુકી ગયુ. જે દોસ્ત એનો કાળજાનો કટકો હતો એ એનાથી અચાનક નફરત કરી ના શકે. પ્રવિણ હવે કોઈ વાત પર વિશ્વાસ કરવા માંગતો ન હતો.
"કાકા ! તમારી ભૂલ થતી લાગે છે. એ અને કુલદીપ મારા જીવ છે. એ લોકોને લીધે જ હું જીવી રહ્યો છું. એ એવું કોઈ દિવસ સપનામાં પણ આવીને મને બોલી ના શકે."
"મેં તને કીધું એ જ સત્ય છે."
કુલદીપના પપ્પાએ એ પછી ભુપત અને કાજલના મેરેજ થવાના છે એ વાત પણ એને જણાવી દીધી.
"પ્રવિણ, તું કાજલને પ્રેમ કરે છે. તે એ વાત તારાં મનની અંદર કોઈ દિવસ રાખી નહીં. ભુપત એને તારી પહેલાં પ્રેમ કરી બેઠો હતો. એનામાં હિમ્મત આવી નહીં કે આ વાત તને કહી જણાવે. એની એવી ઈચ્છા હતી કે આ વાત તું કહ્યા વિના કેમ ના સમજી શક્યો."
કુલદીપના પપ્પાની વાત સાંભળીને પ્રવિણ સ્તબ્ધ થઈ ગયો હતો. કોઈપણ શબ્દ બોલવા માટે એનું મુખ ખુલી રહ્યું ન હતું. દોસ્તીમાં એને આટલો મોટો વિશ્વાસઘાત મળી શકશે; એવો ખ્યાલ એણે એના મનમા લાવ્યો ન હતો. એના હાથ - પગ આઘાતને કારણે ઠંડા પડી ગયા હતા. જાણે, હવે એના જીવનમાં કશુ શેષ રહ્યુ જ ના હોય એવું એનું મન કહેવા લાગ્યું. પ્રવિણને નિ:શબ્દ જોઈને કુલદીપના પપ્પાએ એને પગથી હલબલાવ્યો.
પ્રવિણ કોઈપણ પ્રતિક્રિયા આપે એવી અવસ્થામાં એ રહ્યો નહીં. એણે નજર નીચે કરીને મૂંગે મોઢે બે હાથ જોડીને ઘરની બહાર નીકળવા લાગ્યો.
"તારી હાલત મને ઠીક લાગી રહી નથી. આવી હાલતમાં હું તને ક્યાંય નહીં જવા દઉં."
કુલદીપનાં મમ્મીએ પ્રવિણનો હાથ પકડીને એને બહાર જતા રોક્યો.
"કાકી, હું ઠીક છું. મને એકલો મૂકી દો. હું અત્યારે રોકાઈ શકું એવી હાલતમાં નથી. તમે મારી ચિંતા ના કરો."
પ્રવિણ હાથ છોડાવતા કુલદીપના ઘરની બહાર નીકળી ગયો. પ્રવિણ રસ્તાઓ વચ્ચે વાહનોને ચિરતો ત્રિવેણી ઘાટ પર પહોંચી ગયો. રાત થવા આવી હતી; માણસો ઓછા દેખાય રહ્યા હતા.
પ્રવિણ ઘાટ પાસે બેસીને નદીનાં વહેણને એની આંખોમાં સમાવી રહ્યો હતો. એની આસપાસ લોકોની અવર - જવર થઈ રહી હતી; એનાથી એ બેખબર બનીને બેઠો હતો. રાતના અંધારામાં હવે લોકોના ચહેરા સ્પષ્ટ દેખાય રહ્યા ન હતા.
પ્રવિણ વિચારોમાં ગરકાવ થઈ ગયો. એની વેદના ગળામાંથી એક જોરદાર રાડ સાથે નીકળી ગઈ. ઘાટ પર આટા મારતા લોકોએ અવાજની દિશા તરફ જોયું, પણ અંધારામા કોઈ પ્રવિણને ઓળખી ના શક્યું. કોઈને પ્રવિણના દુઃખ સાથે કોઈ નિસ્બત જ ના હોય એમ અવગણીને સૌ પોતપોતાને સ્થાને નીકળી ગયા.
પ્રવિણ એકાંતમાં એની દોસ્તીને યાદ કરતો ખૂબ રડવા લાગ્યો. કોઈ દિવસ એકાંતમાં ના રહેનાર પ્રવિણને એકાંત એનો સાથી લાગવા લાગ્યો.
"હે સોમનાથ દાદા, હું તો દરેક પાસે ખુલ્લી કિતાબ બનીને રહ્યો છું. મનની અંદર કોઈ વાત હોય એ મેં મારા દોસ્તોથી છુપાવી નથી. કાજલે મારી સાથે કર્યું એ તકલીફને હું ભૂલી પણ જઈશ, કારણ કે એની સાથે એટલો ગહેરો નાતો મને હતો નહીં. એણે જે મારી સાથે કર્યું હતુ એ મારી સામે નજરથી નજર મિલાવીને કર્યું હતું."
"મારા મિત્રોથી મને આવી કોઈ અપેક્ષા હતી નહીં કે એ મારી પીઠ પાછળ વાર કરશે. હું તો એ લોકોની સામે મૂર્ખ જ બનતો આવ્યો. મેં એમને મારા કાળજાના કટકા માન્યા હતા. એ બન્નેને હું છાતી સરખો ચાંપીને રાખતો હતો. એ લોકોએ જ મને છેતર્યો !
"કુલદીપ દરેક એની વાતને મનમાં દબાવીને રાખી. બબ્બે વાર હું એનો ચહેરો વાંચવામાં અસમર્થ નીવડ્યો હતો. છેલ્લે મને દગો આપીને કોઈને કહ્યાં વિના ગીતા સાથે ભાગી ગયો. એણે એક વાર વિચાર ના કર્યો કે લોકો એના દોસ્તોને ભગાડી મુકવા માટે ગુનેગાર માની બેસશે."
"કુલદીપની કદાચ કોઈ તકલીફ હશે એટલે એણે આવું કર્યું હોય એમ માની લવાય. એનાથી મને થોડુંક દુઃખ થયું હતું, પણ ભુપતને હું સમજદાર વ્યક્તિ માનતો હતો. કુલદીપ અને ગીતાનું પ્રેમ પ્રકરણ ભુપતને જરાય પસંદ હતું નહીં. એને કોઈ છોકરી સાથે મસ્તી કરતાં કે કામ વગરની વાત કરતાં મેં જોયો ન હતો."
"ભુપતને જોઈને કોઈ એવું અનુમાન લગાવી ના શકે કે એ કોઈને પ્રેમ કરતો હશે. મને જો થોડોક અંદાજો આવ્યો હોય કે મારા દોસ્તને મારી કાજલ પસંદ છે તો હું એ ક્ષણે કાજલથી દૂર થઈ ગયો હોત. ભુપત તો સાવ દોસ્તીમાં ખોટો રૂપિયો જ નીકળ્યો. સ્વાર્થ માટે થઈને એણે દોસ્તીના લાગણીભર્યા સંબંધ પર ડાઘ લગાડી દીધો."
"સોમનાથ દાદા, કાજલ પછી ભુપત જ હતો કે જેની પાસે હું મારા મનની વાત કરતો હતો. હવે મને સબક મળી ગયો. હમદર્દ થકી જ આપણને નવા દર્દો મળે છે. આજ પછી મારા અંતરની વાતો કોઈને પણ કહેતો નહીં ફરું. મારા મનની વાતોને મારા મનમાં રાખીશ."
પ્રવિણ અંધારામાં પાગલોની જેમ એકલો - એકલો બબડી રહ્યો હતો. એકવાર તો એને નદીમાં ઝંપલાવીને જીવ ટુંકાવી નાખવાનો વિચાર આવ્યો. જો એ આવું કરે તો એની પાછળ એને પિતા અને માતા સંતાન વિના એકલાં થઈ જશે એની ચિંતા ઊભરાવવા લાગી. એણે મન મક્કમ કરીને જીવનના કડવા ઘુંટને પી જવામાં મન વાળી લીધું. એ ગોઠણ્યે માથુ રાખીને ભુપત અને કાજલે આપેલ દગાને યાદ કરીને રડી રહ્યો હતો.
રાતના નવ વાગી ગયા હતા. દલપતકાકાને પ્રવિણ ઘરે સમયસર આવ્યો નહીં એની ચિંતા થવા લાગી. એ પ્રવિણને શોધતા ઘાટ સુધી આવી પહોચ્યા. હાથમાં એક ટોર્ચના અજવાળેથી દલપતકાકા પ્રવિણને શોધવામાં કામિયાબ નીવડ્યાં.
"તું અહીં કેમ રડી રહ્યો છે, દીકરા ? પૂરા સોમનાથમાં મેં તને શોધી કાઢ્યો અને તું અહીં એકલો રડી રહ્યો છે."
દલપતકાકા પ્રવિણની પાસે બેસીને દુઃખી થતા બોલ્યાં. પ્રવિણ એનું દુઃખ એના પિતા પાસે છુપાવી ના શક્યો. એ દલપતકાકાને બાથ ભીડીને ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો.
દલપતકાકા પ્રવિણને રડતા જોઈને ખુદ કમજોર પડી ગયા. એ સમયે તેઓ પ્રવિણ માટે મિત્ર બનીને એને આશ્વાસન આપવા લાગ્યા.
"તારે આજે જેટલું રડવું હોય એ એટલું રડી લે. આજ પછી જો તારી આંખમાં આંસુ આવશે તો એ આંસુ મારા હૃદયને ચીરતા જ નીકળશે."
દલપતકાકાએ બે પગ પહોળા કરી લીધાં. પ્રવિણને એમણે નાના બાળકની જેમ ખોળામાં લઈને સાચવી લીધો. પ્રવિણ મન મૂકીને આંખોથી વરસવા લાગ્યો. એ ત્યાં સુધી વરસ્યો જ્યાં સુધી એની વેદનાનું વાદળ ખાલી ના થઈ ગયું.
એક પિતા સંતાનો માટેના એ મિત્ર છે કે વિપતિમાં એના સંતાનોને પોતાની હૂંફમાં સમાવી લે. પિતા એના સંતાનને કહી શકતો નથી, પણ એની હૂંફથી એવો વિશ્વાસ અપાવી દે છે કે હવે બસ થયું. જેટલું સહન કરવાનું હતું એટલું સહન કરી લીધું.
શરીર પર પહેરેલા કપડા સમય થતા ઘસાઈ જાય છે. એ કપડા પર ભરોસો કરી શકાય નહીં કે એ ક્યારેય દગો આપીને ફાટી જાય. આતો ભગવાને બનાવેલા માટીના રમકડા કહેવાય. એમણે પૃથ્વી પર એકલા મૂકીને એક સમાજની રચના કરી.
આ સમાજની અંદર લોકો લોહીના અને લાગણીના સંબંધો સાથે જોડાઈને રહે છે. સંબંધો છે તો લોકોની અંદર સ્વાર્થ ઉત્પન્ન થવાનો છે. કોઈ વ્યક્તિને પોતાની સાથે સંકળાયેલા લોકોનો હસતો ચહેરો જોવાનો સ્વાર્થ હોય છે તો કોઈને કશું મેળવી લેવા માટે સ્વાર્થનો કિટાળુ પેદા થઈ જાય છે.
જ્યારે આપણને બીજાને ખુશ રાખવાનો સ્વાર્થ હોય છે, ત્યાં સુધી બધુ બરાબર હોય છે પણ જો એ સ્વાર્થ આપણી લાલચ બની જાય છે અને એ જ એનું જીવવાનું કારણ બની જાય છે, ત્યારે વ્યક્તિ એના કર્મો થકી ખરાબ બની જાય છે. એને કર્મોને કારણે એના પોતાને કોઈ તકલીફ પડશે એનો એ વિચાર કરતો નથી.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"