ભુપત કાજલ પાસે પ્રવિણની સાચી ખોટી વાતો કરવાં લાગ્યો. પ્રવિણે એની અને કાજલનાં મેરેજની વાત દરેકને કહી જણાવી એ વાત સાંભળીને કાજલને દુઃખ થયું. સૌથી મોટું દુઃખ એ જાણીને થયું કે પ્રવિણે એ પણ જણાવ્યું કે તેઓ બન્ને એકાંતમાં મળ્યાં હતાં.
ભુપત કાજલને હિમ્મત આપતો એનો હાથ પકડીને કહ્યું : "કાજલ, હું તને અને પ્રવિણને સારી રીતે ઓળખું છું. તમે લોકો કુલદીપ અને ગીતા જેવી ભૂલ કરો જ નહીં. આ પ્રવિણને એવી વાત ના કરવી જોઈએ કે તમે એકાંતમાં મળ્યાં હતાં. સમાજ એમનાં ખરાબ વિચારથી એવું વિચારશે કે તમે બન્ને એક થવાં મળ્યાં હશો."
ભુપત આવુ બોલ્યો એ સાથે કાજલનાં આંખમાંથી આંસુ ટપકવાં લાગ્યાં. એ રડતાં બોલવાં લાગી : "અમારી વચ્ચે સાચે જ એવું કાંઈ નથી થયું. એ એનાં મનની વાત જ કરી હતી. એ પછી બીજી વાતોએ અમે ચઢી ગયાં હતાં. ઘરની અંદર અમે એકલાં હતાં નહીં. મારાં મમ્મી પણ ઘરે જ હતાં."
કાજલનાં આંસુથી એ નક્કી થઈ ગયું હતું કે, એણે ફેંકેલું તીર સાચી જગ્યાએ લાગેલું હતું. એણે કાજલનાં આંસુ સાફ કરવાં પોતાની પાસે રહેલો રૂમાલ આપ્યો. કાજલ એનાં આંસુ સાફ કરવાં લાગી.
"હવે મને સમજાય રહ્યું છે કે, એણે આવું બધું કેમ કર્યુ ? મને એની પાસે એવી અપેક્ષા ન હતી કે એ આવું કરશે. મને હવે એની ચાલ બધી સમજાઈ ગઈ છે કે એણે આવું કેમ કર્યુ હશે ?"
કાજલને કશું સમજાયું નહીં કે ભુપત આવું કેમ બોલી રહ્યો છે ?એવી તે કઈ વાત હતી કે જેને કારણે પ્રવિણે આવી વાતો બધાની સામે ફેલાવી ?
"તમે વાતોને ફેરવો નહીં. જે કાંઈ હોય એ તમે સાચું કહી દો. તમને શું લાગે છે કે એણે આવું કેમ કર્યુ હશે ?" કાજલને જાણવાની ઉત્સુકતા હતી.
"મારી વાત તું ધ્યાનથી સાંભળ. આ વાત એણે મને કરી એટલે મને ખબર છે. એણે મને કહ્યું કે એનો નાનપણમાં અકસ્માત થયો હતો. એ કારણે એ પિતા બનવાનું સુખ ખોઈ બેઠો છે."
કાજલને વાત જાણીને આઘાત લાગ્યો : "એણે મને આવી કોઈ વાત કરી જ નથી."
"એ જ તો મેં એને કહ્યું કે તેં કાજલને આ વાત કરી. કોઈને અંધારામાં રાખીને મેરેજ કરી શકાય નહીં. એણે કહ્યું કે એમાં શું કહેવાનું હોય? મેરેજ ડેટ ફીક્સ થશે પછી જણાવી દઈશ. એનાં પછી એ મેરેજ કરવાની ના પાડશે નહીં."
ભુપત બોલતો હતો અને કાજલ બધું સાંભળી રહી હતી. મનોમન એને પ્રવિણ પર ખૂબ ગુસ્સો આવતો હતો, તો પણ એ ભુપતની વાતનો પૂરો વિશ્વાસ કરવાં તૈયાર ન હતી.
"કાજલ, મને લાગે છે કે આ બધું એણે સમજી વિચારીને પ્લાન બનાવેલો છે. તારી સાથે એકાંતમાં એ મળ્યો અને બધાને જણાવી દીધું. હવે તને એ પિતા ના બનવાની વાત જાણવાં મળે તો તું સમાજમાં તારી આબરૂ સાચવવાં માટે એની સાથે મેરેજ કરવાની જ છો."
"એ જે પણ હોય. પહેલી વાત એ કે મને ખોટાં લોકોથી નફરત છે; એટલે કોઈ કાળે ખોટાં લોકોથી હું મેરેજ ના કરું. બીજી વાત એ કે આ વાત તમે મને જણાવી. કોઈ પૂરાવાં વિના હું તમારી વાતનો વિશ્વાસ કઈ રીતે કરી શકું ?" કાજલને ભુપતની વાત પર વિશ્વાસ બેસી રહ્યો ન હતો.
"સાચી વાત છે કે ઘણાં સમય પછી આપણે મળ્યાં તો તું મારો વિશ્વાસ ના કરી શકે. એક વાત એ પણ સાચી છે કે કોઈ દોસ્ત એનાં દોસ્તનું લગ્નજીવન શરૂ થતાં જ તોડવાની ઈચ્છા ના રાખી શકે. ખોટું બોલીને મને કોઈ ફાયદો નથી."
ભુપતનાં બોલ્યાં પછી કાજલ નિઃશબ્દ થઈ ગઈ. એણે ખાલી હમ્મમાં જવાબ આપ્યો.
"એ લોકો તમારાં ઘરે આવવાનાં છે. તું એ સમયે એને પૂછી લેજે. એને પૂછજે કે તમારાં મેરેજની વાત ઘરની બહાર કોઈને બતાવી હતી કે નહીં."
ભુપતની વાતનો કાજલ પાસે કોઈ પ્રત્યુતર ન હતો. એણે ભુપતથી રજા લઈને એનાં ઘરે જતી રહી.
ઘરે બધાંની સાથે રાતનું જમવાનું પૂરું કરીને એનાં રૂમમાં જતી રહી. બેડ પર આંખો બંધ કરી તો એને વારંવાર ભુપતની કહેલી વાતો કાનમાં સંભળાઈ રહી હતી. એણે ઘણી ટ્રાઈ કરી પણ એને નિંદર ના આવી. અંતે કંટાળીને એણે સોમનાથ દાદાનું નામ લઈને સૂવાની ટ્રાઈ કરી તો આંખો ખોલતાં સવાર પડી ગઈ હતી.
પ્રવિણનાં ઘરે દલપતકાકા કાજલની ઘરે જવાં ઊતાવળાં થઈ રહ્યાં હતાં. પિતા ના બનવાની પ્રવીણની તકલીફ વાળી વાત એ કાજલ પાસે લાંબો સમય છુપાવાં માંગતાં ન હતાં.
"બેટા, હું આજ સવારે દસ વાગ્યે કાજલનાં ઘરે જવાં માંગું છું. તું કાજલને ટેલિફોન કરીને તપાસ કરી દે કે એનાં પપ્પા ઘરે હોય તો વાત કરવી સરળ બને."
પ્રવીણને વાત સાંભળીને મનમાં લગ્નના લાડવા ફુટવા લાગ્યા. દલપત કાકાને હકારમાં માથુ હલાવીને કાજલનો ટેલિફોન નંબર ડાયલ કર્યો.
ફોનની રીંગ સંભળાતાં બાજુમાંથી પસાર થતી કાજલે રિસિવર ઊપાડીને 'હેલો' બોલી.
"હેલો કોણ કાજલ ?" સામેથી અવાજ આવતાં પ્રવિણે પૂછ્યું.
"હા, હું જ બોલું છું. તમે?"
"હું બોલું છું તારો પ્રવિણ."
પ્રવિણનું નામ સાંભળતાં કાજલને ભુપતે કહેલી વાતો યાદ આવી. એ વાતો સાથે એનાં ચહેરાં પર પ્રવિણ માટેનો ગુસ્સો આવી ગયો. આગળ એણે પ્રવિણને કોઈ જવાબ આપ્યો નહીં.
"હમણાં તો તું હતી. એટલી વારમાં કેમ કોઈ જવાબ આવતો નથી ? અત્યારથી મારાંથી શરમાવાની પ્રેકટીસ કરે છે ?"
"ખોટાં લોકો હોય એને પ્રેકટીસ કરવી પડે. હું ખોટી નથી કે મારે પ્રેક્ટીસ કરવી પડે." કાજલે થોડાંક ગુસ્સામાં કહ્યું.
"તારી તબિયત તો ઠીક છે ? આવી વાતો તું કેમ કરે છે ?" પ્રવિણને કાજલની વાત ના ગમી.
"એ બધું તમે છોડો. તમે આજ સવાર સવારમાં કેમ કોલ કર્યો ?"
"મારા પપ્પા તારા પપ્પા પાસે લગ્નની વાત કરવાં આવવાનાં છે. મેં એ જાણવાં તને કોલ કર્યો કે એ ઘરે હોય તો દસ વાગ્યે મારા પપ્પા તારા ઘરે આવે."
"પપ્પા આજ પૂરો દિવસ ઘરે છે. એક કામ કરશો તમે ?"
"હા બોલને તારા માટે હું કાંઈ પણ કરી શકું છું."
"મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. શક્ય હોય તો સાથે આવજો."
કાજલનાં બોલાવાથી પ્રવિણે એકવાર દલપત કાકાને પૂછી લીધું, ત્યાં એને સાથે જવામાં કોઈ વાંધો ના હોય તો એ કાજલને હા કરી દે. દલપત કાકાએ તેને સાથે આવવાની મંજુરી આપી દીધી.
પ્રવિણે કાજલને જણાવી દીધું કે એ એનાં પપ્પા સાથે એની ઘરે જરૂર આવશે. કાજલે એ સાથે સંપર્ક વિચ્છેદ કરી નાખ્યો.
દસ વાગવામાં બહુ વાર લાગી નહીં. દલપત કાકા અને પ્રવિણ તૈયાર થઈને કાજલનાં ઘરે પહોંચી ગયાં. કાજલનાં પેરેન્ટ્સેએ બન્નેને મહેમાન તરીકે મીઠો આવકાર આપીને હોલમાં રાખેલ ખુરશી પર બેસાડ્યાં.
કાજલનાં મમ્મીએ કાજલનાં પપ્પા સાથે પ્રવિણ વિશે અગાઉથી વાત કરી રાખી હતી. જેને કારણે કાજલનાં પપ્પા પહેલેથી દલપતકાકાને મળવાં માટે તૈયાર હતાં.
કાજલ રસોડામાંથી ચાય અને નાસ્તાની ટ્રે લઈને આવી. એણે અનારકલીનો લોન્ગ ઘેર વાળો લીલા રંગનો ડ્રેસ પહેરેલો હતો. પ્રવિણે કાજલને જોઈ તો મનમાં બોલી ઊઠ્યો : "મારી અનારકલી.."
કાજલને સૌને ચાય અને નાસ્તો આપી દીધો. દલપત કાકાએ એની ઓળખાણ કાજલના પપ્પાને આપી દીધી. કાજલના પપ્પાને દલપત કાકાનો સ્વભાવ સારો લાગ્યો.
"વાત જરાક એમ છે કે, પ્રવિણને તમારી દીકરી કોલેજના સમયથી પસંદ આવી ગઈ છે. તમારી દીકરીની ઈચ્છા મારા દીકરા સાથે જીવન વિતાવવાની છે. આ દરેકમાં હું..." દલપત કાકા પ્રવિણની હકીકત કહેવાં જતાં હતાં ત્યાં વચ્ચે કાજલ બોલી.
"મને દરેક વડીલ માફ કરજો. તમે આગળ કાંઈ આ વિશે કોઈ ચર્ચા કરો એ પહેલાં પાંચ મિનિટ માટે મારે પ્રવિણ સાથે એકાંતમાં વાત કરવી છે."
બે હાથ જોડીને કાજલે મંજુરી માંગી. એનાં મમ્મીને કાજલ વડીલની વચ્ચે બોલી એ પસંદ ના આવ્યું. એમણે તર્જની હોઠ પર રાખીને ચૂપ થવાનો ઈશારો કર્યો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"