પ્રવિણે ખુશ થઈને કાજલની વાત કુલદીપનાં પેરેન્ટ્સ અને ભુપત સામે કહી દીધી. કુલદીપનાં પેરેન્ટ્સ આ વાત જાણીને ખૂબ ખુશ લાગી રહ્યાં હતાં, પણ ભુપતને આ વાત જરાય પણ સારી ના લાગી. વાત સાંભળતા એના હાથમાંથી કપ છટકી ગયો. જોકે એણે કપ નીચે પડે એ પહેલાં પકડી લીધો.
"ધ્યાન રાખ, ભાઈ. તારા હાથે કેમ સાથ આપવાનું છોડી દીધુ ?"
"તે આટલા મોટા ન્યુઝ આપ્યા એટલે એ ખુશીમાં કપ હાથમાંથી પડવાનો હતો, એ પહેલાં મેં એ પકડી લીધો." કૃત્રિમ હાસ્ય સાથે ભુપત બોલ્યો.
"તું સાચે જ ખુશ છે ?" પ્રવીણે ભુપત સામે ખુશ થતા બોલ્યો.
"હા ભાઈ, મારાથી વધુ કોણ ખુશ હોય શકે ?" હોઠની અંદર દાંત કચકચાવતો ભુપત બોલ્યો.
કાજલે કોલેજમાં પહેલી વાર પગ મુકેલો એ સમયથી ભુપતને એની સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો. કાજલનું ધ્યાન હમેંશા બુક્સની અંદર પરોવાયેલું રહેતું. ઘણીવાર ભુપત એની સાથે વાત કરવાને બહાને કાજલને ગુડ મોર્નિંગ વીશ કરે તો કાજલ સ્મિત સાથે એને ગુડ મોર્નિંગ કહીને એનાં સ્ટડિમાં વળગી જતી.
ડાન્સ પ્રોગ્રામને દિવસે કુલદીપ એનું અને પ્રવિણનું નામ લખાવા ગયો હતો. કાજલ કદાચ પ્રોગ્રામમાં પાર્ટ નહીં લે એવું વિચારીને ભુપતે પ્રોગ્રામમાં પાર્ટ ના લીધો.
જે વિચાર્યું એ ભુપતથી વિરુધ્ધ થયું હતું. કાજલે ડાન્સ પ્રોગ્રામમાં પાર્ટ લીધો. કાજલનો ડાન્સ પાર્ટનર નસીબ જોગે પ્રવિણ હતો અને એ બન્ને એકબીજાંને ખૂબ નજીકથી ઓળખવાં લાગ્યાં.
સૌથી વધુ ગુસ્સો ભુપતને એ સમયે પ્રવિણ ઉપર આવ્યો. કુલદીપે ફોડ પાડી કે પ્રવિણ પણ કાજલને પ્રેમ કરે છે. ભુપતના હાથમાંથી કાજલ છટકવાની હતી, પણ એન્ડ સમયે પ્રવિણે કહ્યું કે, 'જ્યાં સુધી હું કરિયરમાં સેટ ના થઈ જાવ ત્યાં સુધી કાજલને આ વાત નહીં જણાવું.'
ભુપત પાસે કાજલને ઈમ્પ્રેસ કરવાની નવી તક મળી ગઈ. એ કાજલ સામે પોતાની ઈમેજ સારી કરવાં મોટાંભાગે એનો સમય સ્ટડિમાં વ્યતિત કરતો. એ કારણે ભુપત પાસ થઈ ગયો.
પ્રવિણે ફરી બાજી જીતી લીધી. ભુપતે હજી કાજલને કહેવાની હિમ્મત કરી ના શક્યો અને પ્રવિણ કાજલને પ્રપોઝ કરીને આવતો રહ્યો હતો. કાજલને એક તરફી પામવાની ચાહ એની મનની મનમાં જ રહી ગઈ.
"હવે તમે વર અને વધુ રાજી હોય તો શેની ઢીલ થઈ રહી છે ? આપણે હવે જલ્દી એ છોરીને તારી વહુ બનાવીને લઈ આવીએ." કુલદીપનાં મમ્મીને ઊતાવળ થઈ.
"કાકી, એક સમસ્યા છે. જોકે સોમનાથ દાદા એ સમસ્યા પાર ઊતારી જ દેશે. મને એમના પર પૂરો વિશ્વાસ છે." પ્રવિણ મૂંઝવણ સાથે બોલ્યો.
"પ્રવિણ, તું કોઈ મૂંઝવણમાં છે ? તું અમને કહી શકતો હોય તો જણાવ. તારું મન હળવું થઈ જશે." કુલદીપના પપ્પાએ વાત કરી.
"વાત જરાક એમ છે કે, નાનપણમાં મારો અકસ્માત થયો હતો. એ અકસ્માત એટલો ગંભીર હતો કે હું પિતા બનવાની શક્તિ ખોઈ બેઠો છું. બીજી કોઈ સમસ્યા નથી." પ્રવિણ નિ:સાસો નાખતા બોલ્યો.
"એમ વાત છે તો એ છોરી તારી આ તકલીફ જાણીને પણ તારી સાથે લગ્ન કરવાં તૈયાર થઈ ગઈ ?" કુલદીપનાં મમ્મીએ આગળ પૂછ્યું.
"માફ કરજો કાકી. એણે મારી સાથે લગ્ન કરવાની હા કરી તો હરખમાં મારી સમસ્યા હું એને કહેતાં ભૂલી ગયો. હવે પપ્પા એની ઘરે જવાનાં છે. એ લોકોને આ જાણકારી જરૂર આપશે. મને વિશ્વાસ છે કે કાજલ મારી સમસ્યા જાણીને પણ મારાથી મેરેજ કરવાની ના પાડશે નહીં."
પ્રવિણની આ વાત સાંભળીને ભુપત મનોમન ખુશ થયો. કાજલને પામવાની ભગવાને એને એક નવી તક આપી દીધી હતી.
"દીકરા, દરેક છોરીની સપનું હોય છે કે એનાં લગ્ન પછી એનો ખોળો ભરાય. જો એને જાણવાં મળશે કે એનો ખોળો એ સામે ચાલીને ખાલી રાખશે તો એ લગ્ન કરવાની હા પાડી નહીં શકે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું કે તારી સાથે લગ્ન કરવાં માટે એ કોઈ આનાકાની કરે નહીં." કુલદીપનાં મમ્મી સોમનાથ દાદાને પ્રાર્થના કરી.
"આ વાત મને મમ્મીએ પણ કરી હતી, પણ કાજલને હું જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી એ આવું કરશે જ નહીં. એ સમય સાથે ચાલનાર છે."
ભુપતના શૈતાની દિમાગમા એક ગેમ રમવા લાગી. એ ગેમની વ્યુહ રચના એણે ઘડી લીધી. પ્રવિણ પાસેથી રજા લઈને ત્યાંથી નીકળી ગયો. પ્રવિણ થોડીક વાર પછી એનાં ઘરે જતો રહ્યો.
ભુપત એનાં ઘરે બેડ પર બેસતા પગ હલાવતા વિચારી રહ્યો હતો અને ધીમેકથી બોલવા લાગ્યો : "એવું તે શું કરી શકાય કે કોઈને મારી પર શંકા ના પડે અને કાજલનાં મેરેજ પ્રવિણ સાથે નહીં, પણ મારી સાથે થઈ જાય. કાંઈક વિચાર ભુપત એવું તે તું શું કરી શકે એમ છો ?"
ભુપત ઊભો થતા વિચાર કરવા લાગ્યો અને એને એક વ્યક્તિ યાદ આવી; જે એની કંપનીમાં એની સાથે કામ કરે છે અને કાજલને એ સારી રીતે ઓળખે છે.
ભુપત ઘરની બહાર નીકળીને એક દૂકાનની અંદર એક લેન્ડ લાઈન પર એમાંથી એ વ્યક્તિને કોલ કરીને કાજલનાં લેન્ડ લાઈન નંબર લઈ લીધાં. એ સમયે સોમનાથ વિસ્તારમાં અમુકનાં ઘર અને દૂકાનમાં ટેલિફોન રાખી શકવાની સગવડ હતી. ભુપતની ઘરે ટેલિફોન હજું આવ્યો ન હતો. કાજલની ઘરે ટેલિફોન હતો એ ભુપત જાણતો હતો.
બીજે દિવસે સવારે કંપનીના ટેલિફોનમાંથી ભુપતે કાજલને સાંજે મળવાં માટે બોલાવી લીધી. કાજલ મળવાની આનાકાની કરી, પણ ભુપતે વાત એવી કરી કે કાજલે એને મળવાની હા કરી દીધી.
ભુપત નક્કી કરેલાં સ્થળે આઈસ્ક્રીમ પાર્લરની અંદર ખુરશી પર બેસતાં કાજલની રાહ જોઈ રહ્યો હતો. એની નજર ઘડીક રસ્તા પર હતી તો ઘડીક એનાં કાંડા ઘડિયાળ પર જતી રહેતી.
ભુપતની ઈન્તેજારીનો અંત આવ્યો. એણે કાજલને આઈસ્ક્રીમ પાર્લરની અંદર આવતાં જોઈ. કાજલને જોઈને ભુપત ઊભો થઈને વિવેક ખાતર એને ખુરશી પર બેસવા કહ્યું. કાજલ સ્મિત સાથે ખુરશી પર બેસી ગઈ એ પછી એ એની સામે બેસી ગયો.
"તારાં માટે કઈ ફ્લેવરનો આઈસ્ક્રીમ ઓર્ડર કરું ?" ભુપતે કાજલને કહ્યું.
"એવી કોઈ ઈચ્છા નથી. તમે મને અહીં કેમ બોલાવી ? તમે એમ કહ્યું કે આ વાત મારાં ભવિષ્ય સાથે જોડાયેલી છે. એ કારણે હું તમને મળવાં તૈયાર થઈ નહિતર હું કોઈને આમ મળવાં આવતી નથી."
"આઈ નો કાજલ. હું તને કોલેજનાં સમયથી ઓળખું છું."
"તમે પ્રવિણનાં દોસ્ત છો ? એવું જ તમે મને કોલ પર કહ્યું હતું."
"હા એટલે જ હું તમને રૂબરૂ અભિનંદન આપવાં માટે અહીં સુધી બોલાવી."
"એ તમે કોલ પર કહી શકતાં હતાં."
"કહી શકતો હતો પણ આ ખુશી થોડીક વધારે છે. પ્રવિણની સાથે જે કાંઈ બની ગયું એ પછી તે એની સાથે મેરેજ કરવાની હા કરી. એનાં માટે હું તને હૃદયથી આભાર કહેવાં માંગતો હતો." ભુપતે રહસ્યમય હાસ્ય કર્યું.
"પ્રવિણ સાથે એવું શું બની ગયું ?"
"એણે તને કહ્યું હશે."
"ના પ્રવિણે એના જીવન વિશે કશું કહ્યું નથી." કાજલને નવાઈ લાગી.
"મને પણ નવાઈ લાગે છે કે એણે આટલી મોટી વાત કેમ નહીં કરી હોય ? એણે અડધા સોમનાથને કહી દીધું કે તે એની સાથે મેરેજ કરવાની હા પાડી દીધી. તમે બન્ને થોડોક સમય એકાંતમાં પણ પસાર કરેલો હતો." ભુપત વાત કરતો ત્રાસી આંખે કાજલનાં હાવભાવને જોઈ લીધાં.
"પ્રવિણે મને પૂછ્યાં વિના બધી જગ્યાએ જાહેર કરી દીધું. હજું એના પપ્પા મારાં ઘરે આવ્યાં નથી. મારાં પપ્પાને આ સંબંધ વિશે જાણ નથી કરી."
"તું આ શું કહે છે ? તમારાં પરિવાર તરફથી હજી મંજુરી મળી નથી તો એ બધાંને તમારો સંબંધ જાહેર કેમ કર્યો હશે !"
"મને પણ એ નથી ખબર. હા એ મારા રૂમમાં મને આ વાત કરવાં આવ્યાં હતાં. અમે ખાલી વાતો કરી હતી. એકાંતનો ગેરફાયદો અમે ઊપાડ્યો નથી."
કાજલ ચિંતીત થઈને બોલવાં લાગી. ભુપત એનાં હાથમાં હાથ મૂકીને એને આશ્વાસન આપવાં લાગ્યો : "મને હવે એની ચાલ બધી સમજાય ગઈ છે કે એણે આવું કેમ કર્યુ હશે ?"
કાજલ આ સાંભળીને ભુપત સામે જોવાં લાગી.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"