Aekant - 53 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 53

Featured Books
Categories
Share

એકાંત - 53

પ્રવિણે કુલદીપને પ્રેમ અને વાસના વચ્ચેનો ભેદ સમજાવ્યો. પ્રવિણની વાત સાંભળીને કુલદીપને પસ્તાવો થયો. સુખમાં પાછળ રહેનાર એના દોસ્તોએ કુલદીપને તકલીફમાં પૂરો સાથ આપ્યો. કોલેજની પાસે ઝાડ નીચે એક બાકડા પર ત્રણેય બેસીને આગળના સમય વિશે ચર્ચા કરવાં લાગ્યાં.

"કુલદીપ, જે થવાનું હતું એ થઈ ગયું. નિયતિમાં જે થવાનું હોય છે એ થઈને રહે છે. સારો વ્યક્તિ એને જ કહેવાય કે એ એની કરેલી ભૂલોને સુધારી શકે. ભૂલોમાંથી આપણને કાંઈક શીખવા મળે છે. આગળ જીવનમાં કોઈપણ પગલું ભરે એ પહેલાં તું તારી આંખો બંધ કરીને તારા અંતઃમનને પૂછી જોજે કે તારો આત્મા તારા કર્મોમાં સાથ આપે છે કે નહિ." પ્રવિણે એને સમજાવ્યો.

"જે કાંઈ થયું એ બધું તો ભુતકાળ બની ગયું છે. હું ભુતકાળમાં જઈને વર્તમાનને સુધારી શકતો નથી. હવે મારે એવું કરવું છે કે જેને કારણે મારું ભવિષ્ય સુધરી શકે." કુલદીપે એની વાત રજુ કરી.

"ગીતા ફેઈલ થઈ ગઈ છે. એનાં પેરેન્ટસે એને રૂમમાં બંધ કરી રાખી છે. તું પણ ફેઈલ થઈ ગયો છે. આ બધું હવે તારે તારા ઘરે કહેવું જોઈએ. તું તારાં ઘરે ગીતાના પ્રેમની વાત કરી શકે છે. એમને તું સમજાવ કે એ ગીતાનાં ઘરે જઈને એનાં પેરેન્ટ્સને તમારાં મેરેજ વિશે સમજાવે. જે કાંઈ ભૂલ થઈ એ તમે બન્નેએ કરી છે. તમારાં બન્નેનાં પેરેન્ટ્સ તમારાં મેરેજ માટે માટે હા કરી દે તો ઘીના ઠામમાં ઘી પડી જાય." પ્રવિણે રસ્તો સુજાડ્યો.

"મારી અને ગીતાની જ્ઞાતિ અલગ છે. ગીતાનાં પેરેન્ટ્સ સહેલાથી માને એવાં નથી. બીજો કોઈ રસ્તો મને સુઝી રહ્યો નથી."

"એ બધું તારે પહેલાં વિચારવું જોઈએ ને. મેરેજના ચાર ફેરા ફર્યા પહેલાં ગીતાને પત્નીનાં બધાં હક આપ્યાં પછી તું વાત કરે છે."

ભુપત હજું કુલદીપથી નારાજ હતો. એ કુલદીપને સંભળાવી રહ્યો હતો. પ્રવિણે ઈશારેથી ભુપતને ચૂપ કરાવી દીધો. પ્રવિણને કારણે ભુપત ચૂપ થઈ ગયો.

"કુલદીપ, લડ્યા વિના તું હથિયાર નીચે મૂકી દે તો તું મહેનતનો સ્વાદ નહીં માણી શકે. એકવાર તું ઘરે તારાં માતાપિતાને ગીતાનાં ઘરે મૂકી જો."

પ્રવિણના કહેવાથી કુલદીપે એને કહ્યું કે એ ઘરે આ વિશે વાત કરશે અને ગીતાનાં ઘરે એ બન્નેનાં મેરેજ વિશે વાત કરવાં માટે સમજાવશે.

વાતને એ લોકોએ ત્યાં જ સ્ટોપ કરી દીધી. ઘરમાં કુલદીપે હિમ્મત કરીને એનાં મમ્મી પપ્પાને એક્ઝામમાં ફેઈલ થવાની વાત કરી. એણે ફેઈલ થવાનું કારણ એનો પ્રેમ ગીતા હતી. ગીતાની વાત સાંભળીને એનાં મમ્મી પપ્પાને પણ ખૂબ આંચકો લાગ્યો.

હોશિયાર છોકરો દર વખતે એક્ઝામમાં સારા માકર્સથી પાસ થનાર એક છોકરીનાં ચક્કરમાં પડવાથી ફેઈલ થઈ ગયો હતો. એ આઘાત હર કોઈ માતા પિતાને સહન થાય એવો ના હોય શકે.

કુલદીપનાં મમ્મી પપ્પા એની વાત સાંભળીને દુઃખી થઈ ગયાં હતાં; પણ એનાં દીકરાને સાચાં માર્ગે લઈ જવાં માટે એને માફ કરી દીધો.

કુલદીપે એના પપ્પાને મનાવી લીધા કે એ ગીતાનાં ઘરે જઈને એનાં પપ્પાને એના અને ગીતાનાં મેરેજ માટે સમજાવવાં જાય. દીકરાની ખુશી માટે એમણે કુલદીપને જણાવી દીધું કે ટુંક સમયમાં એ ગીતાનાં ઘરે જરૂર જશે.

એક દિવસે કુલદીપના પપ્પા પ્રવિણના પપ્પા દલપતકાકાને લઈને ગીતાનાં ઘરે પહોંચી ગયાં. એકલા જતા એમના પગ ઊપાડતા ના હોવાથી એમણે દલપતકાકાને આ બધામાં વચ્ચે રાખ્યાં.

ગીતાનાં પપ્પા સ્વભાવે ખૂબ જ કડક હતાં. ગીતા કોઈ દિવસ કુલદીપનું નામ ઘરમાં લેશે નહિ એવી શરતથી એને રૂમમાંથી બહાર કાઢી હતી. ગીતાનાં ઘરમાં વાતાવરણ હજું શાંત પડ્યું હતું, ત્યાં કુલદીપના પપ્પા અને દલપતકાકાએ એમનાં ઘરમાં દસ્તક દીધી.

ગીતાનાં મમ્મીએ એ બન્નેને વિવેકથી આવકાર આપ્યો અને હોલની મુખ્ય જગ્યાએ ખુરશી પર બેસાડ્યાં. કુલદીપના પપ્પાએ એમની ઓળખાણ કરાવી. ઘરે આવેલ વ્યક્તિને જાકારો આપવો ગીતાના મમ્મીને યોગ્ય ના લાગ્યું. 

દલપતકાકાએ દરેક વાતની જાણ ગીતાનાં મમ્મીને કરી દીધી. તેઓ કુલદીપ માટે ગીતાને પત્ની તરીકે સ્વીકાર તૈયાર થઈ ગયાં છે. એ વાત ગીતાનાં મમ્મીને પણ ગમી. એ જ વાત ગીતાનાં પપ્પા માની જાય તો ઘરની વાત ઘરમાં રહી શકે.

ગીતાનાં પપ્પા બજારમાંથી ઘરે આવ્યાં. ઘરની અંદર કુલદીપના પપ્પા અને દલપતકાકાને જોઈને આંખનાં ઈશારે ગીતાનાં મમ્મી પાસે વ્યક્તિની ઓળખાણ પૂછી લીધી.

"આ એ છોકરાના પપ્પા છે જેને આપણી ગીતા પ્રેમ..."ડરને કારણે ગીતાનાં મમ્મી આગળ કશું બોલી શક્યાં નહીં.

"એના દીકરાએ આપણી આબરૂને ઓછી બદનામ કરી છે કે એ લોકો અહીં સુધી આવી પહોંચ્યા. એમને અત્યારે જ ઘરના દરવાજા બતાવીને બહાર જવાનું કહી દે." ગુસ્સામાં ગીતાનાં પપ્પાએ એ લોકો સામે જોયાં વિના જણાવી દીધું.

"અમારા દીકરાની ભૂલ થઈ છે, પણ તાળી એક હાથે પડતી નથી. તમારી દીકરી પણ એટલી જ જવાબદાર છે." દલપતકાકાએ ગીતાનાં પપ્પાને સમજાવ્યાં.

"હવે તમારાં લોકોનું એવું કહેવું છે કે મારી દીકરી સામે ચાલીને તમારાં છોકરાને ફસાવ્યો છે. અમે અમારી દીકરીને મર્યાદામાં રાખતાં શીખવી છે."

ગીતાનાં પપ્પાનો જોરથી અવાજ સાંભળીને ગીતા એનાં રૂમમાંથી હોલમાં પહોંચી ગઈ.

"એવું પણ અમે કહેવાં માંગતાં નથી. અમે આનો ઉકેલ કાઢવા આવ્યા છીએ. જેથી કુલદીપનાં પરિવારની અને તમારાં પરિવારની આબરૂ સચવાય જાય. અમારી ઈચ્છા છે કે કુલદીપ અને ગીતાનાં લગ્ન કરાવી દેવાં જોઈએ. બન્ને બાળકોની ખુશીથી વધુ માતા પિતા માટે કશું નથી હોતું. તમારી દીકરી પણ કુલદીપને પ્રેમ કરે જ છે."

"તમે ભાઈસા'બ ! આ વ્યક્તિની સાથે આવેલા છો. હું તમને ઓળખતો નથી અને મારાથી ગરમ મગજને કારણે તમારું અપમાન થઈ જશે. આ કોઈ ઢીંગલા અને ઢીંગલીના લગ્ન કરવાની વાત નથી ચાલતી. એક દીકરીનો બાપ એમના જેવાં નીચાં વર્ણને ઘરમાં પણ બોલાવી ના શકે એ વ્યક્તિના દીકરાના હાથમાં હું મારી દીકરીનો હાથ દઈ ના શકું. ક્યાં કોની સાથે સંબંધની વાત કરવાની હોય, એનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ."

ગીતાના પપ્પાએ કુલદીપના પપ્પાને એની ઔકાત બતાવી દીધી. કુલદીપના પપ્પાને એમની વાતનું ખૂબ માઠું લાગ્યું.

કુલદીપના પપ્પાનું એના પપ્પાએ અપમાન કર્યું એ જોઈને ગીતા રડવાં લાગી. ગરમ મગજનાં એનાં પપ્પાની સામે એ કશું બોલવાં માટે વિવશ બની ગઈ.

"જુઓ ભાઈ, તમે અત્યાર સુધી જે બોલ્યાં એ મેં બધું સહન કરી લીધું. હું ચૂપ હતો કારણ કે હું બે પ્રેમીને પવિત્ર લગ્ન સંબંધમાં બાંધીને બે પરિવારનાં સંબંધ સુધારવાં માંગતો હતો. તમારી ભાષા જ એવી તોછડાઈથી ભરેલી છે  એ કારણે મને મારા ખુદ પર ગર્વ થઈ રહ્યો છે કે કમ સે કમ અમારા શબ્દો તો તોછડાઈથી ભરેલા નથી." કુલદીપના પપ્પા ખુરશી પરથી ઊભા થઈ ગયા.

કુલદીપના પપ્પાની વાતથી સંબંધ સુધરવાની જગ્યાએ વધુ બગડી રહ્યો હતો. દલપતકાકાએ કુલદીપના પપ્પાને સમજાવીને શાંત કર્યા.

"આપણે અહીં નવો સંબંધ જોડવા આવેલા છીએ. આવી વાતો કરીને આપણે સંબંધ બગાડવો જોઈએ નહીં."

"અરે એક નીચા વર્ણ પાસેથી બીજી કોઈ આશા પણ રાખી ના શકાય. મારા ઘરમાં આવીને મારું જ અપમાન કરો છો. હજી સુધી તમને અહીં ઊભા રહેવા દીધા એ જ અમારી સભ્યતા છે. અરે તમારા જેવા લોકોથી અમારું ઘર અપવિત્ર થઈ ગયું."

ગીતાનાં પપ્પાની કુલદીપના પપ્પા સાથે બહસ વધવા લાગી. બન્નેમાંથી કોઈ નમતું મુકવા તૈયાર થઈ રહ્યું ન હતું. ગીતાના પપ્પાએ ધક્કા મારીને કુલદીપના પપ્પાને ઘરની બહાર કાઢી મુક્યાં.

આ બધુ જોઈને ગીતા રડતી રડતી એનાં રૂમમાં જતી રહી. એક ક્ષણમાં એને વિચાર આવી ગયો કે બંધ પંખામાં દુપટ્ઠો લટકાવીને એનાં જીવનને ટુંકાવી નાખે. જો એ એવું કરી બેસે તો કુલદીપ પણ એની પાછળ આવું કોઈ પગલું ભરી લેશે એવો ડર સતાવવાં લાગ્યો.

કુલદીપના પપ્પા એના ઘરે જઈને ગીતાના પપ્પાની બધી ખીજ કુલદીપ પર કાઢવા લાગ્યા. વાતથી અજાણ કુલદીપ કાંઈ સમજી ના શક્યો. દલપતકાકાએ ગીતાનાં ઘરે જે કાંઈ બન્યું એ દરેક વાત જણાવી દીધી. દલપતકાકાની વાત સાંભળીને કુલદીપે એનાં જીવનનો બહુ મોટો ફેસલો લઈ લીધો.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"