Aekant - 52 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 52

Featured Books
Categories
Share

એકાંત - 52

કુલદીપ છેલ્લાં ઘણાં સમયથી ગીતા સાથે સમય પસાર કરતો હતો. જેને કારણે એ સ્ટડિમાં સરખું ધ્યાન આપી રહ્યો ન હતો. પ્રવિણે એને ઘણો સમજાવતો કે પ્રેક્ટિકલ બનીને એના કરિયર વિશે વિચારે, પણ કુલદીપ ગીતાનાં મોહમાં પાગલ થઈ ગયો હતો. એ પ્રવિણની વાતોને એક કાને સાંભળીને અને બીજા કાને કાઢી નાખતો હતો. એ એની મરજી મુજબનું વર્તન કરવા લાગ્યો.

વધુ જો પ્રવિણે એને કાંઈ કહે તો કુલદીપ અહંકારમાં આવીને એની સાથે ઝઘડો કરી બેસતો. પ્રવિણને કુલદીપનું આવું વર્તન ખટકવા લાગ્યું. એક છોકરીને કારણે દોસ્તીમાં દરાર પડશે એવો ડર પ્રવિણને સાચો પડવા લાગ્યો.

કુલદીપ ગીતાનાં પ્રેમમાં પૂરી રીતે પાગલ થઈ ગયો હતો. કોલેજની લાસ્ટ એક્ઝામ પર કુલદીપ આખા વર્ષની તૈયારી કરવામા મંડાઈ ગયો. રંડાયા પછી ડાહપણ આવે એ શું કામનુ ? પતિ મરી ગયાં પછી વિધવા પત્નીને એના પતિની ખોટ સાલે પછી શું કામનું ?

કુલદીપ અડધું વર્ષ ભણવામાં ધ્યાન આપ્યું નહીં. ગીતાની સાથે વધુ રખતો રહેતો. એક્ઝામના સમયે એ જ્યારે તૈયારીઓ કરે તો કોઈ રીતનું એનું ભેગું થઈ શકે એમ ન હતું.

એક્ઝામ આવીને જતી રહી. રિઝલ્ટની ડેટ પર કુલદીપ, પ્રવિણ અને ભુપતની સાથે કોલેજમાં રિઝલ્ટ લેવા જતો રહ્યો. 

ચારુ મેડમ એક પછી એક સ્ટુડન્ટ્સને રિઝલ્ટ આપતા હતા. કલાસમાં ટોપર પ્રવિણ અને કાજલનું નામ મોખરે હતું. જે વાતની ખુશી ભુપત અને કુલદીપને થઈ. ભુપત પાસ થઈ ગયો હતો પણ એના માર્ક બહુ ખાસ હતા નહિ; તે છતાં પાસ થવાની ખુશી હતી.

આ દરેકથી અલગ કુલદીપ ત્રણ સબ્જેક્ટમાં રહી ગયો. જેની જાણ હાથમાં ચારુ મેડમે આપેલ રિઝલ્ટ પછી થઈ. જે પ્રવિણ અને ભુપત માટે આઘાતજનક હતી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ગીતા દરેક સબ્જેક્ટમાં ફેઈલ થઈ હતી.

ગીતા રિઝલ્ટનાં સમયે કોઈ જગ્યાએ દેખાય રહી ન હતી. કુલદીપને કાજલ પાસે જાણવાં મળ્યું કે, ગીતાના પપ્પાને એના અને ગીતાનાં અફેરની ખબર પડી ગઈ. ગીતાને બે દિવસથી ઘરનાં એક રૂમમાં બંધ કરી રાખેલ છે. એ લોકો આવીને ગીતાનું રિઝલ્ટ લઈ ગયાં.

કુલદીપને એક પછી એક ખરાબ સમાચાર સાંભળવા મળતા રહ્યા. આટલા બધા સમાચાર સાંભળીને કુલદીપના હાથ પગમાંથી જાણે પાણી વછુટી રહ્યું હોય; એવુ પ્રતિત થવા લાગ્યું. એણે એક બેન્ચનો ટેકો લઈને એના પર બેસી ગયો.

કુલદીપ એનાં અને ગીતા વચ્ચે જે કાંઈ થયું એ બધું યાદ કરવાં લાગ્યો. જેને કારણે એ બન્નેનું કરિયર બરબાદ થઈ ગયું. કુલદીપે બન્ને પગ બેન્ચ પર ઊંચા કરીને માથુ નીચું કરીને રડવા લાગ્યો. એક વર્ષની અંદર એ આકાશમાંથી ઊડતો નીચો પડી ગયો હતો. આંખોની સામે અંધારા આવી ગયેલા હોય એમ એની આસપાસ શું થઈ રહ્યું છે એનું પણ એને ભાન રહ્યું નહીં.

પ્રવિણ અને ભુપત બન્ને થઈને કુલદીપને ખરાબ સમયમાં એનો સાથ આપવાનું નક્કી કરી લીધું. કુલદીપને શાંત રાખવા માટે એ બન્ને એની પાસે બેસી ગયા.

"તું રડવાનું બંધ કર અને અમને હવે તો સાચી જાણ કરીશ. પહેલાં કોઈ દિવસ અમે તારું આવું રિઝલ્ટ જોયું ન હતું. ભુપત કરતા તું વધારે હોશિયાર હતો. દિવાળી પછી અમે નોટીસ કરી રહ્યાં છીએ કે તારું ધ્યાન ભણવામાં સાવ ઓછું રહેતું હતું અને પેલી ગીતાનાં પ્રેમમાં વધુ ખોવાયેલ હતું." પ્રવિણ સાચી હકીકત જાણવાની ટ્રાઈ કરી. 

કુલદીપ પ્રવિણની કોઈ વાતનો જવાબ આપ્યો નહીં. એમ કહીએ કે એને પ્રવિણના કોઈ શબ્દો એના કાન સુધી પહોચતા ન હતા. ભુપત કુલદીપના આવા વર્તનથી અકળાઈ ગયો. એણે કુલદીપનો ચહેરો પકડીને એની સામે રાખીને બોલ્યો. 

"હવે આમ બાયલાની જેમ રડવાનુ બંધ કર. જે તું છેલ્લાં છ મહિનાથી અમારાથી છુપાવી રહ્યો છે. એ તારે હવે કહેવું છે કે તારી અને ગીતાની અફેર વાળી વાત અમે તારાં ઘરે કહી દઈએ. જેમ ગીતાનાં પરિવાર વાળાએ એને પૂરી રાખી છે એમ તને પણ તારા પરિવાર વાળા ભલે પૂરીને રાખે." ભુપત થોડોક ક્રોધાવેશમાં આવીને કુલદીપ પર ગુસ્સો કર્યો.

"અમારી વચ્ચે જે કાંઈ થયું એ અફેર ન હતું. અમારી વચ્ચે પ્રેમ થયો. વારંવાર અમે ચોરીછુપી મળતાં રહ્યાં અને અમારી વચ્ચે પ્રેમ થતો રહ્યો હતો. એને તમે લોકો અફેર ના કહી શકો." ભુપતની વાત સાંભળીને કુલદીપ આંખનાં આંસુ સાફ કરીને જોરથી બોલ્યો.

પ્રવિણ અને ભુપત કાંઈ સમજી ના શક્યાં. ભુપતે કુલદીપનો ચહેરો છોડી દીધો. પ્રવિણે કુલદીપને શાંત કરીને એને સાચી જાણકારી કહેવા માટે સમજાવ્યો. કુલદીપ ખૂબ દુઃખી થઈ ગયો હતો. એને થયું કે જો એની અંદરની વેદના એના દોસ્તોને કહી દેશે તો એના મનનો ભાર હળવો થઈ જશે.

કુલદીપે એના દોસ્તોને દરેક વાત જણાવી દીધી. ગીતાએ ચિઠ્ઠીમાં સ્યુસાઈડની ધમકી આપીને બોલાવ્યો. એ કારણે એણે ક્રિકેટ રમવા જવાની ના પાડી દીધી. બગીચે પહોંચતા કમોસમી વરસાદ થયો અને ગેસ્ટ હાઉસમાં રાત પસાર કરવી પડી.

ગીતા સાથે એક વાર એકાંત માણ્યાં પછી કુલદીપને એની આદત પડી ગઈ. કોઈ ણ બહાના કરીને તેઓ બન્ને ચોરીછુપી મળતાં રહ્યાં અને એમની આંતરિક ઈચ્છાઓ પૂરી કરતાં રહ્યાં.

કુલદીપની આ વાત જાણીને પ્રવિણને પહેલી વાર કુલદીપ પર ગુસ્સો આવ્યો. એણે આવેશમાં આવીને કુલદીપને જોરદારનો ફટાકો મારી દીધો. પ્રવિણે કુલદીપને તમાચો માર્યો એ ભુપતને પણ યોગ્ય લાગ્યું.

"તારી બુધ્ધિ શું ઘાસ ચારવા જતી રહી હતી ?મોહમાં આવીને તું આટલી મોટી ભૂલ કરી બેઠો. હજું તું એમ કહે છે કે તું એની સાથે પ્રેમ કરતો હતો. આ પ્રેમ નહિ પણ પ્રેમના નામે તમારી ઈચ્છાઓ પૂરી કરતા હતા. એને લોકો હવસ કહે છે. હવસ એક વ્યસન જેવી હોય છે. એકવાર એની આદત પડી જાય પછી એ છુટતી નથી."

પ્રવિણે આગળ કુલદીપને કહ્યુ : "પ્રેમ એ આત્માથી આત્માનું મિલન છે. પ્રેમમાં દેહથી દેહનું મિલન થવું એ જરૂરી નથી હોતું. સાચો પ્રેમ એ હોય છે કે તમે એને સ્પર્શ કર્યા વગર એની આત્માને સ્પર્શ કરો. સાચો પ્રેમ આપણને એક નવી રાહ દેખાડે છે. પ્રેમ એ તમને તમારી આત્મા સાથે જીવાડે છે. તું જેને પ્રેમ કહે છે એ તારી આત્માને અંદરથી મારી દે છે."

પ્રવિણ બોલતો હતો અને કુલદીપ બધું સાંભળતો હતો. પ્રવિણની કહેલી કોઈ વાતનો કુલદીપ પાસે કોઈ જવાબ ન હતો. અંતે એણે કુલદીપને ચોકવનાર સવાલ કર્યો.

"તું સાચું બોલજે હો. આ બધુ કર્યાં પછી શું તું કદી તારી આત્મા સાથે નજર મિલાવી શક્યો છે ? તેં જે કાંઇ કર્યું એનાથી તારી આત્મા પણ ખુશ હતી ? તને એવું લાગે છે કે આ બધામાં તારી આત્માએ પણ તને સાથ આપેલો હતો ?"

પ્રવિણના પૂછાયેલા સવાલનો કુલદીપ પાસે એક જ એકાક્ષરી જવાબ હતો : 'ના'

કુલદીપ આટલું બોલીને રડવા લાગ્યો. ભુપતને એને રડતા જોઈને વધુ ગુસ્સો આવ્યો. એને એવી ઈચ્છા થઈ કે એ પણ બે ચાર ફડાકા એને મારી દે.

"અબ પછતાયે ક્યા જબ ચિડીયા ચૂક ગઈ ખેત. બધું તારા હાથેથી છુટી ગયું અને હવે તું રડવા બેઠો છે. એનાથી તું પાસ નહીં થઈ જા." ભુપત ઉશ્કેરાય ગયો : "આખરે મને પહેલે દિવસે જે શંકા હતી, એ તું સાચી પાડીને રહ્યો. તેં કહ્યું હતું કે મારા સંસ્કાર એવા નથી. અહીં તેં તારાં માતા પિતાએ આપેલાં સંસ્કારોને લજાવ્યાં. સારું થયું કે અમે આવા લફરામાં પડતા બચી ગયા. નહિતર અમારી હાલત પણ તારા જેવી થવાની હતી."

"ભુપત ! હવે તુ ચૂપ થઈ જા. એ પહેલેથી ઘણો દુઃખી છે. તું બોલીને વધારે દુઃખી ના કર. એક કામ કરીએ પહેલાં આપણે કોલેજની બહાર જઈને એક સારી જગ્યાએ જતાં રહી. ખુલ્લી હવામાં કુલદીપને કાંઈક સારું લાગશે."

પ્રવિણ કુલદીપને સમજાવીને પાણી પીવડાવી દીધું. એ પછી ભુપત સાથે તેઓ કોલેજની બહાર નીકળી ગયાં. કોલેજની પાસે ખુલ્લું મેદાન હતું. એ મેદાનમાં આબાંના ઝાડની નીચે બેસવા માટે લાકડાનો બાકડો રાખેલો હતો. કુલદીપ પ્રવિણ અને ભુપત સાથે બાકડા પર બેસી ગયો.

કુલદીપ પહેલાં કરતા ઘણો સ્વસ્થ લાગી રહ્યો હતો. બહારની હવા એને સુકુન આપી રહી હતી. કુલદીપ ઘરે જતા સ્ટુડન્ટ્સ સામે જોતો હતો. અમુક સ્ટુડન્ટ્સના ચહેરા પર પાસ થવાની ખુશી તો અમુકના ચહેરા પર નાપાસ થવાનું દુઃખ દેખાય રહ્યું હતું.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"