કુલદીપ અને ગીતા બન્ને એકબીજાંને એટલો જ પ્રેમ કરી રહ્યાં હતાં. આ બન્નેનું વિજાતીય આકર્ષણ હતું કે ખરેખર બન્નેનાં હૃદય પણ એક થઈ ગયાં હતાં ! કુલદીપને ગીતાની આંખોમાં જોયેલું હતું કે ગીતાનાં હૃદયમાં એનાં માટે લાગણીઓ વિકસેલી છે.
આખરે વ્યક્તિ એનાં મનની વાત હોઠ સુધી નથી લાવતી ત્યારે એની આંખો એનાં હૃદયના હાલ જાહેર કરી આપે છે. ગીતાની નજરોએ કુલદીપનાં હૃદયને લીલી ઝંડી આપી દીધી હતી.
કાજલનો પૂછાયેલો સવાલ કે શું એ કુલદીપને એક તરફી પ્રેમ કરે છે કે કુલદીપ પણ એને પ્રેમ કરે છે ? આ સવાલ ગીતાને વિચારવામાં વિવશ કરી દીધો.
"એમ મને કેમ ખબર પડે કે એ મને પ્રેમ કરે છે કે નહિ ?" ગીતાએ સવાલ કર્યો.
"હું તને સમજાવું છું કે તારે આ બધામાં પડવાની જરૂર નથી. આ એક આકર્ષણ છે. બોય સાથે સમજી વિચારીને વાત કરવી જોઈએ. આ પ્રેમનો તને વહેમ છે. એકવાર તું તારાં સ્ટડિમાં ફોકસ કરીશ પછી તને આવાં પેપલાં વેડા કરવાનો કોઈ સમય નહીં મળે."
"કદાચ ! તું સાચું કહી રહી હશે પણ મારું મન હવે સ્ટડિમાં લાગી રહ્યું નથી. બસ એમ થાય છે કે ઊડીને કુલદીપ પાસે જતી રહું."
"એય ઓ કબૂતરી ઊડવાની વાત કરે છે પણ તને એ ખબર છે કે કુલદીપ તને પ્રેમ કરે છે ?"
"અને જો એ મને પ્રપોઝ કરે તો તું શું હારવાં તૈયાર છે ?"
"સોમનાથ દાદા કરે કે એ તને પ્રપોઝ કરે. મને આ પાગલથી તો છુટકારો થશે. હવે રાત બહું થઈ ગઈ છે તારે તારાં ઘરે ના જાવું હોય તો આજે મારાં ઘરે સુઈ જા. આજનાં મારાં નોટ્સ કમ્પલેટ થઈને જ રહ્યાં." કાજલે મોઢું મચકોડીને કહ્યું.
"હું તો પાગલ નથી પણ તું આ સ્ટડિ કરીને જરૂર પાગલ બની જઈશ. દિવસ - રાત બસ તારું મોઢું નોટમાં ડુબેલું રહે છે. જ્યારે તને પ્રેમ થશે ત્યારે તને ખબર પડશે કે આ પ્રેમ વેદના કેટલી અઘરી છે." ગીતા એનાં ઘરે જતાં ઊભી થઈને બોલી.
"એવું કદી મારી લાઈફમાં નહીં બને. મેં મારું મન મક્કમ બનાવી લીધું છે. કોઈપણ બોય મારી લાઈફમાં આવશે. એને હું સિયિયસ લઈશ જ નહીં. એકવાર આ પ્રેમનાં રોગમાં પડીએ પછી આપણું ભવિષ્ય જોખમમાં મુકાય જાય."
ગીતાની સાથે કાજલ પણ ઊભી થઈને એની પાછળ પોતાનાં રૂમમાં જતી રહી. ગીતાને એની મમ્મી રાહ જોતાં હશે એવી ચિંતા થતાં કાજલની બાજુમાં રહેલ એનાં ઘરે જતી રહી.
બે દિવસ પછી સ્વાતંત્ર્ય દિન હતો. કોલેજને ફૂલો અને ફુગ્ગાઓથી ડેકોરેટ કરેલી હતી. એક મોટાં ગ્રાઉન્ડમાં ધ્વજારોહણ કરવાની પૂરી તૈયારી થઈ ગઈ હતી. શહેરનાં મેયર ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત હતાં. એક મોટો સ્ટેજ ગોઠવવામાં આવેલો હતો. એની ઉપર સૌ સ્ટુડન્ટ્સ એમનાં બેસ્ટ પર્ફોમન્સ આપવાનાં હતાં.
સ્ટેજની જમણી સાઈડ ખુરશીઓ ગોઠવેલી હતી. જેનાં ઉપર મેયર, પ્રિન્સીપલ અને એક બે મોટા શિક્ષકો બેસેલાં હતાં. સ્ટેજની સામે બાકીનાં શિક્ષકો અને સ્ટુડન્ટ્સ ખુરશીઓ પર બેસેલાં હતાં.
કાર્યક્રમની શરૂઆત ચારુ મેડમનાં સ્પીચથી કરવામાં આવી. ચારુ મેડમે મેયર અને બીજાં હાજર થયેલ મહેમાનોનું સ્વાગત કર્યું. મેયરનાં હાથ વડે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
ધ્વજ ફરકાવીને સૌ ઊભા થઈને રાષ્ટ્રગીત ગાઈને એમની દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. રાષ્ટ્રીય ગીત પૂરું થતાં ચારુ મેડમનાં કહેવાથી એક પછી એક સ્ટુડન્ટ્સ એમનાં પર્ફોમન્સ રજું કર્યા.
કોઈએ સોલો દેશભક્તિ સોન્ગ ગાયું તો કોઈએ વક્તૃત્વ પર્ફોર્મન્સથી લોકોનાં દિલ જીતવાનાં પ્રયાસો કર્યા. લાસ્ટમાં ચારુ મેડમે બનાવેલાં ગ્રુપનો વારો આવ્યો હતો.
પ્રવિણ એનાં ગ્રુપ સાથે સ્ટેજ પર આવ્યો. બોય્ઝે સફેદ ઝબ્બો લેંઘો અને કમર પર લીલા કલરનો દુપટ્ટો પહેરેલો હતો. ગર્લ્સે સફેદ કુર્તી અને સલવાર પહેરેલાં હતાં. એ સાથે એમણે કમર પર કેસરી કલરનો દુપટ્ટો બાંધેલો હતો.
ગ્રુપ ડાન્સમાં ગીતા અને કુલદીપની જોડીને આગળ રાખવામાં આવી હતી કારણ કે સૌથી સારાં સ્ટેપ એ લોકોને આવડતાં હતાં. જેથી બીજી જોડીઓની કોઈ ભૂલ હોય તો છુપાવી શકાય. પ્રવિણ અને કાજલ બન્ને કુલદીપની પાછળ ઊભાં હતાં. સોન્ગ ચાલું કરવામાં આવ્યું,
'એ વતન એ વતન હમકો તેરી કસમ...'
કુલદીપ અને ગીતાનાં ડાન્સની શરુઆતની સાથે બાકીની જોડીઓ પર્ફોમન્સ કરવાં લાગી. પ્રવિણની નજર કાજલ પર સ્થિર હતી. કાજલનું ધ્યાન એનાં સ્ટેપમાં વધુ હોવાથી પ્રવિણની નજરથી બેખબર હતી. ખૂબ સરળતાથી અને સુંદર રીતે સોન્ગનો ડાન્સ કમ્પલીટ થઈ ગયો.
પ્રોગ્રામમાં આ ડાન્સ પર સૌથી વધુ ખુશ મેયર દેખાય રહ્યાં હતાં. એમણે એમની જગ્યાએથી ઊભા થઈને ચારુ મેડમનાં ગ્રુપને તાળીઓનાં નાદથી વધાવી લીધો. શહેરનાં મેયરે પ્રોગ્રામમાં પાર્ટ લીધેલ દરેક સ્ટુડન્ટ્સને એક સો એક રુપિયાની ભેટ આપીને ખુશ કરી દીધાં.
પ્રોગ્રામનો અંત મિઠાઈ અને ફરસાણ ખવડાવીને પૂરો કરવામાં આવ્યો. પ્રવિણ, ભુપત અને કુલદીપ ભેગાં મળીને નાસ્તો કરવા લાગ્યા. કાજલ અને ગીતા બન્ને અલગ નાસ્તો કરી રહ્યાં હતા.
"વાહ ! તમારાં લોકોનો ડાન્સ તો બહું જ મસ્ત હતો. તમે આપણાં શહેરના મેયરને પણ ખુશ કરી દીધાં. કુલદીપ તે સાચે આ ક્ષણને યાદગાર બનાવી દીધી. હવે મને પણ અફસોસ થઈ રહ્યો છે કે મેં કેમ આ પ્રોગ્રામમાં પાર્ટ ના લીધો." ભુપત પ્રવિણના ગ્રુપે કરેલા ડાન્સના વખાણ કરવા લાગ્યો.
"આ બધું ગીતાને કારણે શક્ય બન્યું. ચારુ મેડમની સાથે ગીતા પણ અમને ડાન્સનાં સરખાં સ્ટેપ શીખવવામાં હેલ્પ કરતી હતી." કુલદીપે બધું ક્રેડીટ ગીતાને આપ્યું.
"અરે હા યાદ આવ્યું, તું આજે એને તારાં મનની વાત કરવાનો હતો. હવે ક્યારે કહીશ ?" ભુપતે સવાલ કર્યો.
પ્રવિણની નજર કાજલને શોધતી હતી. કુલદીપ અને ભુપત શેની વાતો કરતા હતા. એમાં એને કોઈ રસ હતો નહીં.
"મારે એને મારાં મનની વાત કરવી જ છે. બસ આ પબ્લીક ઓછું થાય. ખાસ તો મને ગીતા એકાંતમાં મળે તો હું કહું" કુલદીપે આસપાસ નજર કરીને એની દુવિધા જણાવી.
ગીતા અને કાજલ ચુપચાપ નાસ્તો કરી રહ્યાં હતાં. ગીતાની નજર કુલદીપને શોધવામાં લાગેલી હતી. એણે ચારો તરફ નજર કરી તો એની ડાબી સાઈડ કુલદીપ એનાં દોસ્તો સાથે નાસ્તો કરી રહ્યો હતો.
"એય કાજલ, સામે જો પહેલો કુલદીપ નાસ્તો કરે છે. ચાલ, આપણે પણ ત્યાં પહોચી જઈએ."
"મારે હવે એ લોકોનું કાંઈ કામ નથી. તારે જાવું હોય તો તું જઈ શકે છે. હું પ્રોગ્રામને કારણે જ એ લોકોનાં ટચમાં હતી. મને એ લોકો સાથે વાત કરવામાં કોઈ ઈન્ટરેસ્ટ નથી." કાજલે મોઢું બગાડતાં કહ્યું.
"અરે, એવી સાવ વાહિયાત વાતો કેમ કરે છે ? એક મહિનો એ આપણી સાથે રહ્યાં હતાં. આપણે એકબીજાંને સારી રીતે ઓળખવાં લાગ્યાં છીએ. દોસ્તીનાં સંબંધે તો ચાલ આપણે એમને થેન્ક્યુ કહી આવીએ."
"એ લોકો જસ્ટ પ્રોગ્રામ સુધી જ મારાં દોસ્ત હતાં. હું એમને કાંઈ મારાં ખાસ દોસ્ત માનતી પણ નથી."
"સારું! ઠીક છે. તું એમને દોસ્ત માનતી નથી. મને તો તારી સખી માને છે. મારાં ખાતર તો તું ચાલ એમની પાસે. હું એકલી જઈશ તો બોય્ઝ વચ્ચે ખરાબ લાગશે."
ગીતાએ કાજલ પાસે વધારે રિક્વેસ્ટ કરી તો કાજલ ના કરી શકી નહીં. એ ગીતા સાથે પ્રવિણનાં દોસ્ત પાસે ગઈ. પ્રવિણ બેસબ્રીથી જેને શોધી રહ્યો હતો. એ પળ ભરમાં એની પાસે આવીને ઊભી હતી.
"પ્રવિણ તમારી નજર કોને શોધી રહી હતી ?" ગીતાએ આવીને પ્રવિણની મસ્તી કરી.
"હવે તો શોધ પૂરી થઈ ગઈ. કહીને પણ કોઈ ફાયદો નથી." પ્રવિણે વાતને રહસ્યમાં રાખ્યું.
સૌ મિત્રો ભેગાં થઈને પૂરાં એક મહિનામાં ડાન્સની સાથે જે ધમાલ મસ્તી કરી હતી, એની વાતો વગોળવાં લાગ્યાં. કોલેજમાં પબ્લીક ઓછું થવાં લાગ્યું. કાજલને ઘરે જવાનું મોડું થતાં એણે ગીતા પાસેથી રજા લઈને જતી રહી. કાજલને જતાં પ્રવિણ પાછળથી જોઈ જ રહ્યો હતો. એને વધુ સમય કાજલની સાથે રહેવું હતું પણ એ રહી ના શક્યો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ"મીરા"