કુલદીપ ગીતાના પ્રેમમાં પડી ગયો હતો. એનો ખુલાસો એણે કોઈ પણ સંકોચ વિના પ્રવિણ અને ભુપતની સામે કરી દીધો હતો. પ્રવિણને કુલદીપ પર શંકા હતી પણ ભુપતને આ જાણી નવાઈ લાગી. બીજી નવાઈ એને ત્યારે થવાની હતી જ્યારે પ્રવિણ એનો કાજલ માટેનો પ્રેમ ભુપતને કહેવાનો હતો.
"તું કુલદીપ ત્યાં પ્રોગ્રામમાં પાર્ટ લેવા માટે ગયો હતો કે તારું સેટીંગ ગીતા સાથે કરવાં ગયો હતો ?" ભુપતે કુલદીપની વાત જાણીને કહ્યું.
"મારું એકનું નામ ના લે. આ તું પ્રવિણ બહુ સીધો સાદો માને છે. એ પણ કાજલની અદામાં ઘાયલ થઈ ગયો છે."
કુલદીપના કહેવા પછી ભુપતે પ્રવિણ સામે જોયું. પ્રવિણ પોતાના માથાના વાળ ખંજવાળતો શરમાઈ ગયો. ભુપતની આંખો ના કહેવાયેલ સવાલના જવાબ માંગી રહી હતી.
"મેં કાજલને પહેલે દિવસે જોઈ હતી ત્યારથી એ મારાં હૃદયને ગમવાં લાગી હતી. આવી સુંદર યુવતી હજું સોમનાથ દાદાએ જાણે કોઈને બનાવી ના હોય એવું મને પહેલે દિવસે લાગ્યું હતું. એનાં વિચારો અને સ્વભાવ પણ ઘણાં અંશે મારી સાથે મેચ થઈ રહ્યાં છે. એક મહિનો પૂરો થયો એ પહેલાં હું એનાં પ્રેમમાં પડી ગયો. આ આકર્ષણ નથી બસ પ્રેમ છે. કારણ કે એને હું દરેક જગ્યાએ મહેસુસ કરું છું. એ ના હોય તો પણ મને હંમેશા એવું ફીલ થાય છે કે એ મારી આસપાસ જ ક્યાંક છે. એકાંતમાં હું બસ એને મહેસુસ કરતો હોઉં છું. "
"તને એનાં માટે આટલી લાગણી છે તો એને જઈને સાચું કહી કેમ નથી દેતો ?"ભુપતે પ્રવિણને સલાહ આપી.
"સાચું કહું તો ડર લાગે છે. મારી લાગણી એની સામે વ્યક્ત થશે તો એને બોય્ઝ પર મુકેલો વિશ્વાસ તુટી જશે તો ? એનાં મનમાં એવું છે કે કોઈ બોય સાથે વધુ વાત કરવાથી પ્રેમમાં પડી જવાય. એ મારાં પ્રેમમાં છે કે નહિ. એ હું નથી જાણતો પણ જો હું મારી લાગણી એને કહેવાં જઈશ તો એ ફરી કોઈ બોય સાથે દોસ્તી નહીં કરે. એનાં માટે અને મારાં માટે પહેલું અમારું કરિયર છે. એ પછી જ અમારું ફ્યુચર ડિસાઈડ થશે."
"પ્રવિણ, આ બધામાં કાગડો દહીથરું લઈ જશે તો તારી પાસે જોયાં વગર બીજું કશું બચશે નહીં. મારું માન અને આવતી કાલે કાજલને તારાં મનની વાત જણાવી દે." કુલદીપ એની રીતે બોલ્યો.
"તું અત્યાર સુધી કોની રાહ જોઈને બેઠો છે ? તું પણ ગીતાને તારાં મનની વાત કહી શકતો હતો !" પ્રવિણે જણાવ્યું.
"હું મારાં મનની વાત એને કહેવાનો છું. એકવાર સ્વાતંત્ર્ય દિન પૂરો થાય એની રાહ જોઈ રહ્યો છું. આમ તો ઘણી વાર મે ગીતાડીની આંખમાં મારાં માટે પ્રેમ હોય એવું ફીલ થઈ રહ્યું હતું. હું એને પ્રપોઝ કરીશ તો એ મારાં પ્રસ્તાવનો સ્વીકાર કરી જ લેશે." કુલદીપે શરમાઈને કહ્યું.
"એ તો હું તમને બન્નેને કહી રહ્યો છું. તારી અને મારી વાત તદ્દન જુદી છે. ગીતા સમયની સાથે ચાલનારી છોકરી છે. જ્યારે કાજલ પ્રેમના નામથી ડરે છે. સારું તું તારાં મનની વાત કહી દે અને આઈ હોપ કે ગીતા તારી લાગણીને સમજી જાય. એ તારાં પ્રસ્તાવનો સ્વીકાર કરી લે."
પ્રવિણે કુલદીપને શુભેચ્છા આપી. વાતને ત્યાં પૂર્ણવિરામ મૂકીને ત્રણેય દોસ્ત અલગ પડી ગયાં.
રાત થઈ ચુકી હતી. આકાશમાં તારાઓ ચાંદ સાથે વાતો કરી રહ્યાં હતાં. કાજલની અગાશી પર હોમવર્ક કરવાં આવેલી ગીતાનું ધ્યાન નોટ લખવામાં ઓછું હતું અને તારાઓ ગણવામાં વધુ જઈ રહ્યું હતું.
"આકાશમાં કેટલાં તારાઓ છે ? ગણી લીધાં હોય તો ફટાફટ નોટ લખવાં માંડ. આ ડાન્સ પ્રેકટીસનાં ચક્કરમાં હું પણ સ્ટડિમાં ખૂબ પાછળ રહી ગઈ છું. જલ્દી પ્રોગ્રામ બધાં પૂરાં થાય એટલે હું પૂરો ફોક્સ મારાં સ્ટડિમાં આપવાનું ચાલું કરી દઉં." કાજલે ગીતાને ટકોર કરતાં કહ્યું.
ગીતાએ તો કાજલની વાતની એક લાઈન પણ સાંભળી ન હતી. એ તો બેધ્યાન થઇને પેન વડે તારાઓ ગણી રહી હતી. કાજલને ગુસ્સો આવ્યો તો એણે ગીતાનાં પગમાં જોરથી ચુટ્યો માર્યો. ચુટ્યો લાગતાં ગીતાની રાડ નીકળી ગઈ.
"તું અહી તારાઓ ગણવાં આવી છો તો તું શાંતિથી તારાઓ ગણ. હું મારાં રૂમમાં જઈને મારાં નોટ પૂરાં કરી નાખીશ." ગુસ્સામાં કાજલે કહ્યું.
"યાર, આજે આકાશ જોને કેટલું સાફ દેખાય રહ્યું છે ! વરસાદની મૌસમ હોવાં છતાં આકાશમાં ફરતાં વાદળો સાવ ખાલી દેખાય રહ્યાં છે. મને આવી મૌસમ બહું જ ગમે છે. એમ થાય છે કે પૂરી રાત હું આ ચાંદ અને તારાઓને જોતી જ રહું."
"એય ફીલીશોફરની બહેન. તારાં નોટ કમ્પલિટ કરવામાં ધ્યાન આપ. પાછળ રહી જઈશ તો કોઈ આ ચાંદ કે તારાઓ તારાં નોટ પૂરાં કરવાં નહીં આવે."
"મેં એવી અપેક્ષા જ એની પાસે ક્યાં રાખેલી છે ? એ એનાં મનની વાત છે. એ મારી પાસે ના આવે તો હું એને જોવાનું બંધ ના કરી શકું." ગીતા ચાંદને જોતી કાંઈક બીજી જ વાતો કરી રહી હતી.
"ગીતા, તારી તબિયત તો સારી છે ! મારી સામે જોઈને કહે કે તું કોઈ બીજાંની વાતો કરે છે. કોની પાસે તે અપેક્ષા રાખેલી નથી ?"
કાજલને શંકા જતાં ગીતાને સવાલ કર્યો. ગીતાએ એની નજર ચાંદ તરફથી હટાવીને કાજલ સામે જોયું.
"કાજલ, ઘણાં દિવસથી મને એમ થતું હતું કે હું તને મારી અંદર જે કાંઈ ગડમથલ થઈ રહી છે. એ તને સારો મોક્કો જોઈને કહું. તે મને સવાલ કરી જ દીધો છે તો મારે તને એક ઈમ્પોર્ટન્ટ વાત કરવી છે."
"કેવી ઈમ્પોર્ટન્ટ વાત ? જલ્દી કેજે મારે નોટ લખવાનાં છે." કાજલે એણે એનાં ભૌંરા ચડાવતાં બોલી.
"આઈ એમ ઈન લવ. આઈ એમ ઈન લવ."
ગીતાની વાત કાજલે સિરિયસ લીધી નહિ. એ ગીતાની વાત સાંભળીને હસવાં લાગી. કાજલને હસતાં જોઈને ગીતાને ગુસ્સો આવ્યો.
"એમાં હસવાની વાત ક્યાંથી આવી ? હું પણ માણસ છું. મારી અંદર એક હૃદય ધબકી રહ્યું છે."
"તો મોહતરમાં મને કહેશો કે આ તમારું હૃદય કોનાં નામથી ધબકી રહ્યું છે ?"
"કુલદીપ" ખૂબ જ પ્રેમથી અને ઊતાવળે ગીતાએ નામ બોલીને પોતાનો ચહેરો બન્ને હથેળી વચ્ચે સંતાડી દીધો.
"વાહ ! મને કહેવા વાળી કે એમ કોઈ બોયની નજીક જવાથી આપણને પ્રેમ થતો નથી. એ જ છોકરીનું હૃદય કુલદીપનાં નામથી ધબકી રહ્યું છે." કાજલે કટાક્ષમાં કહ્યું.
"અત્યાર સુધી મને જ એવું લાગી રહ્યું હતું કે આપણે કોઈ બોય સાથે વાત કરીએ કે એની નજીક જઈએ તો કોઈ પ્રેમ થતો નથી પણ આ હૃદય ક્યાં આપણી વાત સાંભળે છે. એને તો હવે કુલદીપની આદત પડી ગઈ છે. મને તો ઉઠતાં અને બેસતાં બસ કુલદીપ દેખાય છે. એની વાતો જાણે મારાં કાનમાં ગુંજતી હોય. એનો લુક આહા.. એની પર ફીદા થઈ જવાનું મન થાય છે." ગીતા કુલદીપની વાતોમાં ખોવાઈ ગઈ હતી.
"હવે તો તું ગઈ ગીતા. આ તે જે કાંઈ લક્ષણ આપ્યાં એ તારાં પાગલ થવાં પર આગળ વધી રહ્યાં. તને કોઈ લવરિયા થયો નથી. તારાં માઈન્ડને ઇલેક્ટ્રીક શોર્ટ આપવાની જરૂર છે."
"હું કોઈ પાગલ જેવી વાતો કરતી નથી. મને જે ફીલ થઈ રહ્યું છે એ જ હું તને કહી રહી છું. યાર ખરેખર મને કુલદીપ બહુું ગમે છે. એનાં વિના એક દિવસ કાઢવો મને મુશ્કેલ પડી રહ્યો છે." ગીતા એનાં મનની દરેક વાત કહી જઈ રહી હતી.
"મેં તને કહ્યું હતું કે આ બોય્ઝથી દૂર રહેવું સારું. બોય્ઝની નજીક જઈએ એટલે પ્રેમનાં ચક્કરમાં પડ્યાં વિના તમે રહી ના શકો. સત્યાનાશ આ ઉંમરમાં તારે કરિયરમાં ધ્યાન આપવું જોઇએ અને તને પ્રેમનો રોગ થઈ ગયો. તને ખબર છે કે એ કુલદીપ તને પ્રેમ કરે છે ?"
કાજલની વાત સાંભળીને ગીતા પણ વિચારવાં લાગી. એ કઈ રીતે નક્કી કરે કે કુલદીપનો એનો પ્રેમ એક તરફી છે કે બન્ને તરફ એવી જ લાગણીઓ વિકસેલી છે ?
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"