આ બાજુ નીતા અને મીરા વાતો કરી રહ્યાં હતાં, ત્યાં દીનેશનો ફોન નીતા પર આવે છે.
નીતા દીનેશને પૂછે છે, "શું કામ છે તારે?"
દીનેશ કહે છે, "આજે મારા તરફથી તારા અને મીરા માટે પાર્ટી છે."
નીતા ના પાડે છે, પણ દીનેશ પબમાં જવાની વાત કરે છે.
નીતા મીરાને પૂછે છે, "મીરા, આપણે પબમાં જવું છે?"
મીરા ના પાડે છે. નીતા તેને કહે છે, "ચાલને, મજા આવશે." નીતાનું મન રાખવા માટે મીરા તૈયાર થઈ જાય છે.
મીરા નીતાને કહે છે, "તું આંટીને જણાવી દે. હું જરા ઘરે જઈ આવું અને મમ્મી સાથે વાત કરી લઉં. મારે થોડું કામ છે, તે પતાવીને હું તને ફોન કરીશ." આમ કહીને મીરા માનવના ઘરે જાય છે.
નીતા પ્રમીલાબેનને ફોન પર વાત કરતાં કહે છે, "મમ્મી, હું અને મીરા બંને બહાર જમવા જઈએ છીએ. દીનેશ અમને લઈ જાય છે."
પ્રમીલાબેન કહે છે, "ઠીક છે, જાઓ, પણ મોડું ન કરતાં."
ત્યાર પછી નીતા તૈયાર થવા માટે તેના રૂમમાં જતી રહે છે.
આ બાજુ મીરા તેના ઘરે પહોંચે છે.
મીરા તેની મમ્મી અને શારદાબેનને બધી વાત કરે છે કે તે અને માનવ બંને ડિવોર્સ લેવાના છે અને થોડા દિવસ પછી મીરા બીજું ઘર શોધીને તેના માતા-પિતા સાથે અહીંથી શિફ્ટ થઈ જવાની છે.
શારદાબેન મીરાને કહે છે, "તું ક્યાંય ન જા. આ તારું પોતાનું જ ઘર છે, હું માનવને સમજાવીશ."
પણ મીરા કહે છે, "ના, આ મારું અને માનવ બંનેનું ડિસિઝન છે."
પછી મીરા તેના રૂમમાં જતી રહે છે. આ બાજુ માનવ ઘરે આવે છે. શારદાબેન માનવને પૂછે છે, "આ બધું શું થઈ રહ્યું છે? શું તું મીરા સાથે ડિવોર્સ લે છે?"
માનવ શારદાબેનને કહે છે, "મમ્મી, મેં સમજીને આ નિર્ણય લીધો છે. પ્લીઝ, તમે મારા નિર્ણયનું માન રાખશો."
શારદાબેન કંઈ બોલતા નથી.
મીરા રૂમમાંથી પોતાનો સામાન ભેગો કરી રહી હોય છે. તે પલંગ નીચેથી બોક્સ કાઢે છે. બોક્સમાં બુક ગોઠવતાં ગોઠવતાં તેનું ધ્યાન ટેબલ પર રાખેલી ફ્રેમ પર જાય છે, જેમાં તેનો અને માનવના લગ્નનો ફોટો હોય છે. મીરા ધીરેથી ફ્રેમમાંથી ફોટો કાઢી લે છે અને તે ફોટાને પછી એક બુકના પાનાની વચ્ચે મૂકી દે છે.
પછી તે ઊભી થઈને કબાટમાંથી પોતાના કપડાં સમેટવા લાગે છે. અચાનક મીરાનું ધ્યાન કબાટમાં બીજી તરફ જાય છે, જ્યાં માનવના કપડાં હેંગરમાં ટીંગાળેલા હોય છે.
ત્યાં માનવ આવીને દરવાજો ખખડાવે છે. માનવ કહે છે, "શું હું અંદર આવી શકું?"
મીરા કહે છે, "તમે અંદર આવી શકો છો. આ તમારું ઘર અને તમારો જ બેડરૂમ છે, તમારે મને પૂછવાની જરૂર નથી."
માનવ કહે છે, "હું ફક્ત મારા કપડાં લેવા આવ્યો છું."
મીરા કહે છે, "થોડા દિવસની વાર છે, મને એક ઘર મળી જાય એટલે હું અને મારા માતા-પિતા ત્યાં શિફ્ટ થઈ જઈશું."
માનવ કહે છે, "મીરા, તું શું કામ જાય છે? તું અહીં જ રહે. આ ઘરનો પાછળનો ભાગ મેં તારા માતા-પિતાને એટલે રહેવા આપ્યો છે કે તેઓ પાસે હોય તો હું તેમનું ધ્યાન રાખી શકું અને તેઓ પણ તારી નજર સામે રહે."
મીરા કહે છે, "માનવ, હવે એ જવાબદારી તમારી નથી. તે મારા માતા-પિતા છે, તેમની હું ધ્યાન રાખી શકું છું. તે મારી જવાબદારી છે."
માનવ કહે છે, "પણ મીરા, તારી પાસે જોબ નથી. ઉપરથી મકાનનું ભાડું અને ઘરખર્ચ તું કેવી રીતે મેનેજ કરીશ?"
મીરા માનવને જોઈને કહે છે, "એ તમારે જોવાનું નથી. એ મારો પ્રોબ્લેમ છે, હું સોલ્વ કરી લઈશ."
માનવ બોલ્યા વગર પોતાના કપડાં લઈને રૂમની બહાર નીકળી જાય છે.
આ બાજુ મીરા તૈયાર થઈને નીતાને ફોન કરે છે. નીતા કહે છે, "મીરા, હું પણ તૈયાર છું. દિનેશનો ફોન આવ્યો હતો, આપણે બંને તેને ત્યાં પબમાં મળશું."
મીરા તૈયાર થઈને ઘરની બહાર નીકળે છે તો ગાડી પાસે માનવ ઊભો હોય છે. મીરા માનવને જોઈને થોભી જાય છે. બંને એકબીજાને જોતા રહે છે.
માનવની નજર મીરા પર જાય છે. મીરાએ બ્લેક જેકેટ અને બ્લેક જીન્સનું સ્કર્ટ પહેર્યું હતું અને પગમાં લેધરના બૂટ પહેર્યાં હતાં, જેમાં તે ખૂબ સુંદર લાગતી હતી.
માનવ મીરાને નીરખીને જોતો હતો, તે મીરાને ગમતું નહોતું. મીરા માનવ પાસે જઈને પૂછે છે, "આમ આંખો ફાડીને જોઈશ તો આંખ બહાર આવી જશે."
માનવ મીરા સામે જોઈને પૂછે છે, "તને જ્યાં જવું હોય ત્યાં મૂકી જાઉં?"
મીરા માનવની આંખમાં જોઈને કહે છે, "નો થેન્ક્સ, માનવ. તેં મને મૂકી તો દીધી છે." એમ કહીને મીરા નીતાના ઘર તરફ ચાલવા લાગે છે. માનવ ગાડી લઈને દિનેશને મળવા જતો રહે છે.
મીરા અને નીતા પબમાં દાખલ થાય છે તો માનવ અને દિનેશ પહેલેથી જ બેઠા હોય છે. દિનેશ હાથ હલાવીને નીતાને કહે છે કે હું અહીં છું.
મીરા માનવને જોઈને નીતાને પૂછે છે, "તને ખબર હતી અહીં માનવ આવવાનો હતો?"
નીતા કહે છે, "ના, મને ક્યાં ખબર હતી?"
ત્યાં નીતાના ફોનમાં આકાશનો ફોન આવે છે. નીતા મીરાને કહે છે, "એક મિનિટ, જરૂરી કોલ છે, હું વાત કરી લઉં." એમ કહીને નીતા પબની બહાર ચાલી જાય છે. આકાશ પૂછે છે, "ક્યાં છે?" નીતા કહે છે, "હું મારા ફ્રેન્ડ્સ સાથે બહાર આવી છું, હું તારી સાથે નિરાંતે વાત કરીશ."
નીતા ફોન મૂકીને અંદર ચાલી જાય છે. ચારેય એક ટેબલ ઉપર બેસે છે. બધા ચૂપચાપ બેઠા હોય છે. દિનેશને થાય છે કે લાવ થોડી વાત ચાલુ કરું. દિનેશ નીતાને કહે છે, "ચાલ આપણે આપણા બધા માટે મોકટેલ લઈ આવીએ."
મીરાને માનવ સાથે થોડું અજુગતું લાગતું હોય છે. માનવ મીરા સામે જોતો નથી, તે બીજી તરફ જોતો હોય છે. ત્યાં તેનું ધ્યાન મીરાના પપ્પા ધનરાજ પર જાય છે. તે તેની સેક્રેટરી સાથે પબમાં એક કોર્નરમાં બેઠા હતા. માનવ દિનેશને ઇશારાથી ધનરાજને બતાવે છે, દિનેશ સમજી જાય છે.
આ બાજુ આકાશ પેલા ગુંડાને પબમાં મળવા આવે છે. દિનેશ તે ગુંડાઓને જોઈને બધાને કહે છે, "ચાલો, આપણે ડિનર કરવા બીજી સારી જગ્યાએ જઈએ. અહીં પાસે જ એક નવું રેસ્ટોરાં બન્યું છે."
મીરા ધનરાજને ન જોઈ જાય એટલે માનવ મીરાની નજીક આવીને મીરાના ખભા પર હાથ રાખીને મીરાની આડો ઊભો રહે છે. પછી તે મીરાને પબની બહાર લઈ જાય છે. મીરાને માનવનું આ વર્તન થોડું અજીબ લાગે છે, પણ તે કંઈ બોલતી નથી. આકાશ મીરાને જોઈ જાય છે. મીરા અને માનવને આમ નજીક જોઈને તેને ગુસ્સો આવે છે. તે ટેબલ પર પડેલા ગ્લાસને ધક્કો મારી દે છે. પેલો ગુંડો પાછળથી આકાશના ખભા પર હાથ રાખીને આકાશને શાંત થવાનું કહે છે.
આ બાજુ માનવ પબની બહાર નીકળી જતાં તરત જ મીરાના ખભા પરથી હાથ લઈ લે છે અને મીરાથી થોડોક દૂર થઈ જાય છે. મીરાને સમજાતું નથી કે માનવ શું કરી રહ્યો છે.
પછી બધા એક રેસ્ટોરાંમાં જઈને જમે છે. માનવનું ધ્યાન રેસ્ટોરાંની બહાર એક નાના છોકરા પર જાય છે. તે છોકરો ફાટેલા કપડાંમાં ભીખ માગતો હતો. તે છોકરો એક જણ પાસે ભીખ માગે છે તો પહેલો માણસ તેને ધક્કો મારીને જમીન પર પાડી દે છે. માનવ તરત હોટેલની બહાર આવીને તે છોકરાને ઊભો કરે છે અને પૂછે છે, "તને ભૂખ લાગી છે?" તો પેલો છોકરો કહે છે, "હા, મને બહુ ભૂખ લાગી છે." માનવ તે છોકરાને રેસ્ટોરાંની અંદર લઈ આવીને તેને જમાડે છે.
પછી મીરા તે છોકરાને તેનું નામ પૂછે છે અને કહે છે, "તું એકલો છે?" પેલો છોકરો કહે છે, "ના, મારા મમ્મી અને મારી એક નાની બહેન છે અને મારું નામ જોન છે." માનવ થોડું બીજું ખાવાનું પેલા છોકરાની મમ્મી અને બહેન માટે બંધાવીને તે છોકરાને આપે છે.
છોકરો માનવને કહે છે, "થેન્ક્યુ ઉસ્તાદ." એવું કહીને છોકરો ચાલ્યો જાય છે. દિનેશ માનવને કહે છે, "હવે આપણે ઘરે જઈએ, મોડું થઈ ગયું છે."
પછી બધા જઈને માનવની ગાડીમાં બેસે છે. મીરા મનમાં વિચારે છે, "માનવ કેટલો દયાળુ છે, તેના મનમાં બધા માટે પ્રેમભાવ છે."
નીતાનું ઘર આવતાં દિનેશ અને નીતા નીચે ઊતરે છે. મીરા પણ ગાડીમાંથી નીચે ઊતરવા જાય છે તો માનવ પૂછે છે, "મીરા, તું ક્યાં જાય છે?"
મીરા માનવને કહે છે, "હું નીતા સાથે તેના ઘરે જાઉં છું, આજે રાત્રે હું ત્યાં જ રહીશ." એમ કહીને મીરા ગાડીમાંથી ઊતરી જાય છે.
નીતા માનવને 'ગુડ નાઇટ' કહીને મીરા સાથે તેના ઘરની અંદર જતી રહે છે. દિનેશ પણ જતો રહે છે. માનવને ઘરે જવું ગમતું નથી, તે સાઇડમાં ગાડી પાર્ક કરીને ગાડીમાં જ અંદર સૂઈ જાય છે.
બીજે દિવસે સવારના વહેલા ઊઠીને કોલેજે જવા તૈયાર થઈને નીતા અને મીરા ઘરની બહાર નીકળે છે, તો શું જુએ છે...?
શું માનવ મીરાને જતાં રોકી લેશે?