આપણે ત્યાં સદીઓથી ચારિત્ર્યને સ્ત્રી સાથે જોડી દેવામાં આવ્યું છે. ‘એનું ચારિત્ર્ય ડાઉટફૂલ છે, એની સાથે સંબંધ રાખવાની ભૂલ નહીં કરતા....!’ આવું સ્ત્રી સામે આંગળી ચીંધીને છાતીભેર બોલાતું હોય છે.
પણ પુરૂષ સામે આંગળી ચીંધાય ત્યારે આ જ વાક્ય બદલાઇ ગયું હોય છે- ‘આ થોડા રંગીલા મિજાજનો છે, એને ભરપૂર પ્રેમ આપશે તો વાંધો નહીં આવે!!!’
એક સાથે એક જ સમયે-એકબીજાને છેતરીને-એકબીજાને આપેલા કમિટમેન્ટને તોડી-ફોડીને એકથી વધારે સ્ત્રીઓ કે પુરૂષો સાથે ઇમોશનલ કે સેક્સુઅલ રિલેશનશિપ રાખવા એ નૈતિકતાની દૃષ્ટિએ ખોટું છે-અપરાધ છે! પણ-આજની પેઢી તો સિચ્યુએશનશિપ, નેનોશિપમાં વિશ્વાસ રાખતી થઇ છે. કમિટમેન્ટ પાળી શકાશે-એવો જાત પર વિશ્વાસ આવતો નથી ત્યાં સુધી આ પેઢી કમિટમેન્ટ આપતી નથી! કમિટમેન્ટ આપીને તોડી નાખવું એના કરતાં પાળી શકાશેની ખાતરી ના થાય ત્યાં સુધી કમિટમેન્ટ આપવું જ નહીં-અને આપ્યું એ પછી કંઇપણ થઇ જાય આપેલું કમિટમેન્ટ અકબંધ રાખવું-એ પવિત્રતા નહીં?
બીજા એક બાબાનાં જણાવ્યા અનુસાર છોકરીઓ પચ્ચીસ વર્ષની થાય એ પહેલા એમને પરણાવી દેવાની-કારણ કે નહીં પચ્ચીસ વર્ષ સુધી નહીં પરણેલીવર્ષ સુધી કુંવારી રહેલી છોકરીની જવાની ક્યાંક ને ક્યાંક લપસી ચૂકી હોય તો પાંત્રીસ વર્ષ સુધી કુંવારા રહી ગયેલા છોકરાઓ ક્યાંય નહીં લપસ્યા હોય? સ્ત્રીઓ અપવિત્ર-છોકરીઓ ચારિત્ર્યહીન તો છોકરાઓ??? છોકરાઓ બગ-ભગત?? સદીઓ પહેલા ચારિત્ર્યની અગ્નિ પરીક્ષા સીતા માતાએ આપવી પડેલી-અને સદીઓ પછી હજી આજેપણ સ્ત્રીનાં જ ચારિત્ર્ય સામે આંગળી ચીંધાય છે, સ્ત્રીની જ પવિત્રતાને ત્રાજવામાં મૂકીને તોળવામાં આવે છે-કેમ?? તમે પવિત્રતા કોને કહેશો?
ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ શાંતિ, ક્ષમા, દયા, વિનમ્રતા, લોભનો અભાવ-આ બધાને પવિત્રતા સાથે જોડયા છે. એમણે કહ્યું છે કે-સત્વગુણથી ઉત્પન થતી મનની સ્વચ્છતા, સ્પષ્ટતા, સંતુલન અને વિવેક પવિત્ર છે. એમણે સાચું બોલનાર, પ્રિય બોલનાર અને અન્યને હાનિકારક ન બોલનારને પવિત્ર ગણાવ્યો છે.
ભગવદ્ ગીતા અનુસાર પવિત્રતા ન તો જન્મથી આવે છે, ન તો લિંગ સાથે જોડાયેલી છે અને ન તો શરીર સાથે જોડાયેલી છે. પવિત્રતા તમારા કર્મ અને તમારા મન સાથે જોડાયેલી છે!
હવે સવાલ એ છે કે-સ્ત્રીએ એક પુરૂષને સમર્પિત રહેવાનું, ફાઇન-એક જ પુરૂષને સમર્પિત રહેવું પણ જોઇએ-તો પુરૂષે કેટલી સ્ત્રીઓને સમર્પિત રહેવાનું?એક? બે? ત્રણ? ચાર? પોતે એક સ્ત્રી સાથે પરણેલો હોવા છતા ફેસબુકનાં મેસેન્જરમાં કે ઇન્સ્ટાગ્રામનાં DMમાં બીજી કેટલી સ્ત્રીઓ સાથે સંદેશાઓની આપ-લે કરવાની? એકથી વધારે સ્ત્રી સાથે આંખોથી, વાતોથી કે સ્પર્શોથી રાસલીલા રમતો પુરૂષ પવિત્ર ગણાશે કે અપવિત્ર ગણાશે?
ધારો કે એક પુરૂષ સાથે કોઇ કારણોસર સંબંધ તૂટી ગયો એ પછી એ સ્ત્રી બીજા પુરૂષ સાથે સંબંધમાં આવી-તો આવી સ્ત્રીને પવિત્ર ગણવાની? ધારો કે-કોઇ એક સ્ત્રી એનાં પુરૂષ સાથે કોઇપણ પ્રકારનો મનમેળ કે તનમેળ અનુભવતી નથી-મનથી ખૂબ દુખી- વ્યથિત રહે છે અને છતાં એ પુરૂષ સાથે એનું સાંસારિક જીવન ઢસડ્યા કરે છે-તો એ સ્ત્રીને તમે પવિત્ર ગણશો? પવિત્રતા સત્યમાં નથી? નથી ફાવતું તો ફવડાવવાની હજ્જારો કોશિષો કરી લીધા પછી હવે સાથે નહીં જ રહેવાય-એવું કહેવામાં નથી? સ્ત્રી માટે સમર્પણની-પવિત્રતાની વ્યાખ્યા જુદી અને પુરુષ માટે સમર્પણ-પવિત્રતાની વ્યાખ્યા જુદી એવું કેવી રીતે હોય શકે?
પુરૂષ સાથેનો સંબંધ ટકાવવાની, નિભાવવાની એકમાત્ર જવાબદારી સ્ત્રીની છે? જો હા-તો કેમ? જો હા-તો આવો અન્યાય કેમ?
છોકરીઓ ચાર-પાંચ જગ્યાએ મોઢું મારી આવે છે.
સવાલ એ છે કે-આ મોઢું મારી આવવું એટલે શું? છોકરી અને બકરી-આ બંનેમાં કોઇ ફર્ક ખરો કે નહીં?
પરણાવી દેવાની એટલે શું?
પરણવું એટલે સાંકળ પહેરવી કે પાંખ પહેરવી? છોકરીઓ બીજે ક્યાંક મોઢું ના મારી આવે એટલા માટે એને પચ્ચીસ કરતા વહેલી પરણાવી દેવાની તો છોકરાઓ બીજે ક્યાંય મોઢું નથી મારતા એની શું ખાતરી? કે એમને મોઢું જ નથી?
જે સંતો-જે બાબાઓને હજ્જારો-લાખો સ્ત્રીઓ ફોલો કરે છે, જે સ્ત્રીઓ આંખ અને દિમાગ બંને બંધ કરીને એમની વાણી પર વિશ્વાસ મૂકી દે છે-એ જ સ્ત્રીઓ
વિશે આવી વાતો અયોગ્ય છે.
ચારિત્ર્ય સ્ત્રીનું હોય છે તો ચારિત્ર્ય પુરૂષનું પણ હોય જ છે. એકસાથે એકથી વધારે પુરૂષો સાથે સંબંધ રાખનારી સ્ત્રી ખોટી તો એકસાથે એકથી વધારે સ્ત્રીઓ સાથે સંબંધ રાખનારો પુરૂષ પણ ખોટો જ!! જો સ્ત્રી માટે પવિત્રતાનાં નામે ચારિત્ર્યનાં નિયમો ઘડવા હોય તો સૌથી પહેલા એ જ નિયમો પુરૂષો પર પણ લાગુ કરવા જોઇએ. સ્ત્રીએ પુરૂષને સમર્પિત રહેવાનું હોય તો પુરૂષે પણ સ્ત્રીને તન-મન-ધનથી સમર્પિત રહેવું પડે!
પવિત્રતા ચારિત્ર્ય કરતા પણ કર્મથી આવે છે, વાણીથી આવે છે!સ્ત્રીઓ ક્યાં સુધી કોઇ ધોબીનાં કહેવાથી સળગતા પથ્થરો પર ચાલીને અગ્નિપરીક્ષા આપ્યા કરશે? હવે ચારિત્ર્યનાં નામે અગ્નિપરીક્ષા આપી સળગતા પથ્થરો પર ચાલવાનો વારો પુરૂષોનો પણ છે! ચારિત્ર્યની વાત કરવી હોય તો સ્ત્રી-પુરૂષ બંનેની થવી જોઇએ, એકમાત્ર સ્ત્રીની તો નહીં જ!!!