તારું બધું સારું ચાલી રહ્યું છે ને?’
‘હા, હું મસ્ત જ છું...’ – કેટલાંય લોકો માટે આ જવાબ માત્ર શબ્દો છે. અંદર ક્યાંક કંઈક ખાલી છે, પણ બહારથી બધું ઠીક ઠાક દેખાડવાનું છે. એવા લોકો 'હાઇ ફંક્શનીંગ ડિપ્રેશન' સાથે જીવી રહ્યાં હોય છે. કોઈને ખબર પણ ન પડે, કારણ કે તેઓ પોતાનું કામ, જવાબદારી અને સંબંધો બધું બરાબર નિભાવતા હોય છે.
એવો વ્યક્તિ દરરોજ ઊઠે, ઓફિસ જાય, મિત્રો સાથે મજાક કરે, પણ અંદરથી ભાવનાત્મક રીતે થાકેલો હોય છે. જૂના શોખો હવે રસ આપતાં નથી, સવાર ફ્રેશ થતી નથી ને રાત સારી જતી નથી. ભલે બધું યોગ્ય ચાલે, છતાં આનંદની લાગણી ગાયબ લાગે છે.
લક્ષણો પર નજર કરીએ તો
સતત થાક કે ઊંઘ પૂરતી ન લાગવી.
પહેલા જેમાં રસ ધરાવતાં હતા તે વિષયોથી ઉદાસીનતા.
કોઈ કાર્યની શરૂઆત કરવી મુશ્કેલ લાગે છે અને પોતાને ધક્કો મારીને કરવું પડે છે.
લોકોમાં રહેવાં છતાં ખાલીપો અનુભવાતો હોય તેમ લાગે.
બધા કામ બરાબર છતાં પોતાને નિષ્ફળતા અનભવાય.
આપણી ભાષામાં સૌથી વધુ પૂછાતો પ્રશ્ન એટલે ‘કેમ છો?’ અને સૌથી જૂઠો જવાબ એટલે, ‘મજામાં’.
આ પ્રશ્ન સંવાદ શરુ કરવા માટે પણ હોય અને માત્ર ઔપચારિક વ્યવહારનો ભાગ પણ હોય. આ પ્રશ્નનો જવાબ પણ પૂછનાર વ્યક્તિ અને તેની સાથેની આપણી ઘનિષ્ટતા પર નિર્ભર કરે છે. અંગત વ્યક્તિને જયારે આપણે ‘કેમ છે’ નો જવાબ આપીએ છીએ ત્યારે તેમાં માત્ર સારું કે મજા નહીં જે તે સમયની વાસ્તવિક મનોસ્થિતિ હોય છે.
સરેરાશ ભારતીય સ્ત્રી શક્ય હોય ત્યાં સુધી એનો ચહેરો અને બાહ્ય વર્તનમાં ‘બધું સારું’ અને ‘મજામાં’નો પ્રયત્ન કરે છે. જો એ સારું ચિત્ર સાચું હોય અથવા આંશિક સાચું હોય તો બરાબર છે પરંતુ જયારે પરિસ્થિતિ સંપૂર્ણ વિપરિત હોય ત્યારે મનની અંદર અંધારું શરુ થાય છે.
‘ફાવશે, ચાલશે, ભાવશે’ના જીવનમંત્ર સાથે મોટી થતી દીકરીઓ સૌને ‘ડાહી’ બહુ લાગે છે. પિતાની તુમાખી હોય કે પતિની દાદાગીરી હોય, જે ઘરમાં પુરુષોના અસ્વીકૃત વર્તનને ઢાંકવામાં આવે છે તે ઘરમાં સમૃદ્ધિ હોય તો પણ સુખનો અહેસાસ નથી હોતો.
આ જ બાબત પુરુષોને પણ લાગુ પડે છે. પરંતુ સ્ત્રીઓ સરખામણીમાં ઢાંક પીછોડો કરવામાં વધુ હોંશિયારહોય છે. પોતાનો પરિવાર, પતિ કે સંતાનો બધું જ આદર્શ છે અને પોતે પણ આદર્શ છે એ ચિત્ર દર્શાવવા માટે સ્ત્રીઓ સૌથી વધુ પ્રયત્ન કરે છે. પરંતુ પ્રશ્ન એ છે કે જીવનમાં બધું જ સારું, પૂર્ણ કે આનંદદાયક હોતું નથી. તમામ પ્રકારના અનુભવોના પડાવો જીવનની મુસાફરીમાં આવે છે, તો શા માટે સ્ત્રીએ તમામ આદર્શ વ્યાખ્યામાં પોતાની જાતને સાબિત કરવી જોઈએ?
‘આ વિશ્વમાં કશું જ પૂર્ણ હોવું શક્ય નથી, અને દરેક અપૂર્ણતાની આગવી સુંદરતા હોય છે.’ આ સત્ય જેને સમજાય છે તે પ્રત્યેક અપૂર્ણતા અને અધૂરપનો પૂર્ણ સ્વીકાર કરી શકે છે અને તેને સુંદર અને સંતોષજનક બનાવવાનો પ્રયત્ન કરે છે. જાપાનમાં એક સરસ વિચાર છે જેનું નામ છે વાબી સાબી. આ વાબી સાબીમાં સાદગી અને અપૂર્ણતાની સુંદરતાની વાત છે.
જે સ્ત્રી માતૃત્વ ધારણ કરી શકે તે જ પૂર્ણ હોય, જે સ્ત્રી તેનાં પતિની તમામ ઈચ્છાઓ પૂરી કરી શકે કે જે સ્ત્રીના પરિવારના સભ્યોની તમામ અપેક્ષાઓ પૂરી કરે શકે એ જ આદર્શ સ્ત્રી હોય એવી અનેક સામાજિક વિભાવનાઓએ સ્ત્રીના અર્ધજાગૃત મનમાં પણ સજ્જડ બેડીઓ બાંધી છે. અને આથી જ સ્ત્રી પોતાની અને પરિવારની ઇમેજ હંમેશાં સારી આપવાનો પ્રયત્ન કરે છે.સ્ત્રીની ફરજો વિશેની વાત આવે ત્યારે અવાજ મોટો થઇ જાય અને અધિકાર, ઈચ્છા કે ઓળખની વાત આવે ત્યારે ત્યાગ, સમર્પણ અને મમતાની કહાનીઓ થાય છે. મહિનામાં છવ્વીસ દિવસ પવિત્ર ગણાતી સ્ત્રી રજસ્વલા થાય ત્યારે સૌથી અપવિત્ર થઇ જાય, અને જેને પતિની શારીરિક નબળાઈને કારણે બાળક ના થયું હોય તે સ્ત્રી ‘અધૂરી’ સાબિત થઇ જાય?
આ તો માત્ર એક ઉદાહરણ છે, સ્ત્રીને જયારે સમાજની દૃષ્ટિએ આદર્શ અને પૂર્ણ બનવાનો ભાર વધે છે ત્યારે બીજું કશું નહીં, હાઇપર ટેન્શન, બ્લડ સુગર, એસિડિટી અને અન્ય સાઈકોસોમેટિક એટલે કે મનોશારીરિક સમસ્યાઓ ઘર કરી જાય છે. જીવનની પ્રત્યકે ક્ષણે ‘મજામાં’ હોવું જરૂરી નથી, પરંતુ પડકારોને નિજી મજા સાથે જીવીએ અને જીતીએ તે જરૂરી છે.