ભારતને આઝાદ બનાવવાની ચળવળ 200 વર્ષથી વધુ સમય સુધી ચાલી. લાખો લડવૈયાઓએ આઝાદી મેળવવા માટે પોતાનું લોહી રેડી દીધું. આ લડાઇમાં મહિલાઓ પણ આગળ રહીને મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. ગુજરાતની વાત કરીએ તો કેટલાક મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ આપ સરળતાથી આપી શકશો. જો કે આ યાદી ખૂબ લાંબી છે. આ યાદીમાંથી કેટલીક મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓની વાત અહીં કરીએ છીએ...
આઝાદીની લડતમાં ખભેખભો મિલાવી ચાલી હતી આ મહિલાઓ..
કસ્તુરબા ગાંધી
કસ્તુરબા ગાંધીને આપણે મહાત્મા ગાંધીના પત્ની તરીકે ઓળખીએ છીએ. ગુજરાતના પોરબંદરમાં 11 એપ્રિલ, 1869ના રોજ જન્મેલા કસ્તુરબાએ 22 ફેબ્રુઆરી, 1944ના રોજ દેહત્યાગ્યો હતો. હંમેશા ગાંધીજીની સાથે રહીને તેમણે સ્વતંત્રતાની ચળવળને આગળ વધારવામાં મદદ કરી હતી. તેમણે દક્ષિણ આફ્રિકામાં 1904થી 1914 સુધી ફિનિક્સની ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમને ભારતીયોને ખરાબ કાર્ય પરિસ્થિતિઓમાં કામ કરાવવા અંગેના વિરોધ પ્રદર્શનમાં 3 માસની સખત કામના કેદી તરીકે જેલ થઇ હતી. ભારતમાં પણ ગાંધીજી જ્યારે જેલમાં હોય ત્યારે તેમનું બધું કામ કસ્તુરબા સંભાળતા હતા. તેમણે સામાજિક ક્ષેત્રે બદલાવ લાવવા ઘણું કાર્ય કર્યું હતું.
મણિબેન પટેલ
ગુજરાતના કરમસદમાં 3 એપ્રિલ, 1903ના રોજ જન્મેલા મણિબેન પટેલનું જીવન શિસ્ત અને માતૃભૂમિ માટે બલિદાન આપવા તૈયાર રહેવાના પ્રતીક સમાન હતું. સરદાર વલ્લભભાઇ પટેલના આ પુત્રીએ મહિલાઓને આઝાદીની લડાઇમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી. તેમણે પિતા સરદાર પટેલને સતત સાથ આપ્યો. ભારત છોડો આંદોલન દરમિયાન તેમને પકડીને યરવાડા જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. વર્ષ 1976ની કટોકટી દરમિયાન પણ તેમની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 1990માં તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી હતી.
ઉષા મહેતા
ગુજરાતના સુરત પાસે આવેલા સારસ ગામમાં 25 માર્ચ, 1920ના રોજ જન્મેલા ઉષાબેન મહેતા પાંચ વર્ષની વયથી જ ગાંધીજી દ્વારા ચલાવાતા કેમ્પમાં ભાગ લેતા હતા. બ્રિટિશ રાજ સામે પહેલો અવાજ તેમણે 28 વર્ષની વયે લીધો હતો. સિમોન કમિશનના સૂચનો સામે તેમણે 'સિમન ગો બેક' ચળવળમાં ભાગ લીધો હતો. તેમના પિતા બ્રિટિશ રાજમાં જજ હોવાથી તેમને ઘરેથી આઝાદીની ચળવળમાં ભાગ લેવા પ્રોત્સાહન મળતું ન હતું. તેમણે 1930માં મુંબઇ આવી પોતાના મિત્રો સાથે આઝાદી માટે લડવાનું પ્રોત્સાહન આપતા ચોપાનીઆઓ વહેંચવાનું શરૂ કર્યું હતું. વર્ષ 1942માં ભારત છોડો આંદોલન સમયે તેમણે કોંગ્રેસના ગુપ્ત રેડિયોનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી હતી. ભારત આઝાદ થયું પછી પણ ઉષાબેને સામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. તેઓ ગાંધી વિચારના પ્રચાર - પ્રસાર માટે કામ કરતા રહ્યા હતા. તેમણે અંગ્રેજી અને ગુજરાતીમાં અનેક લેખો, નિબંધો અને પુસ્તકો લખ્યા છે. તેઓ 11 ઓગસ્ટ, 2000ના રોજ મૃત્યુ પામ્યા હતા..
મૃદુલા સારાભાઇ
અમદાવાદના ઉદ્યોગપતિ જૂથ સારાભાઇ પરિવારમાંથી આવતા મૃદુલા સારાભાઇનો જન્મ 6 મે, 1911માં થયો હતો. તેઓ બાળપણથી જ ગાંધીજીના પ્રભાવમાં હતા. તેમણે નાની વયે ઇન્દિરા ગાંધીની વાનર સેનામાં પણ કામ કર્યું હતું. તેઓ સત્યાગ્રહીઓને પાણી પીવડાવવાનું કામ કરતા હતા. તેમણે કોંગ્રેસના સેવા દળમાં જોડાઇને મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો તેમણે વિદેશી વસ્તુઓ અને કપડાંઓનો પણ વિરોધ કર્યો હતો. આઝાદી મળી તે દિવસે તેઓ ગાંધીજીની મંજૂરીથી પટનામાં રાષ્ટ્રધ્વજ લહેરાવવાના હતા. જો કે તેમને પંજાબમાં રમખાણો ફાટી નિકળવાના સમાચાર મળતા જ નહેરૂજી સાથે વાત કરીને તેઓ પંજાબમાં શાંતિ સ્થાપવાના કાર્યમાં જોડાઇ ગયા હતા.
પરિનબેન નવરોજી
ગુજરાતના કચ્છના માંડવીમાં 12 ઓક્ટોબર, 1988ના રોજ જન્મેલા પરિનબેન નવરોજી દાદાભાઇ નવરોજીના પૌત્રી હતા. પરિનબેન નાનપણથી માત્ર આઝાદ ભારત નહીં પણ ભારતની સ્થિતિ વધારે સારી બને તે દિશામાં કામ કરવાનું સપનું જોતા હતા. આ માટે તેમણે વૈશ્વિક કોંગ્રેસમાં રજૂઆતો કરી હતી. તેમણે બિહારના ચંપારણમાં મજૂરોના શોષણ સામે અવાજ ઉઠાવ્યો હતો. મીઠાના સત્યાગ્રહમાં તેઓ પ્રથમ મહિલા પ્રમુખ બન્યા હતા. તેમણે રાષ્ટ્રીય સ્ત્રી સભા સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ગાંધીજીની સૂચનાથી હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે પ્રચારિત કરવાનું બીડું ઉઠાવ્યું હતું. તેઓ 17 ફેબ્રુઆરી, 1958માં મૃત્યુ પામ્યા હતા.
મણિબેન નાણાવટી
ગુજરાતમાં 27 ફેબ્રુઆરી, 1905ના રોજ જન્મેલા મણિબેન નાણાવટી કાંતણને ભારતભરમાં ફેલાવનારા પ્રથમ મહિલા હતા. તેમણે આદિવાસી અને દલિત મહિલાઓ અને બાળકો માટે કપડાં સિવવાનું કામ કર્યું હતું. તેઓ પુરુષવાદી સમાજમાંથી મહિલાઓને આઝાદ કરવા માંગતા હતા. તેમણે ગાંધીજીના નજીકના ગણાતા ચુનીલાલ નાણાવટી સાથે લગ્ન કર્યા હતા. ગાંધીજીની સલાહથી તેમણે ગ્રામ્ય વિકાસ, શિક્ષણ, ખાદી પ્રચાર અને મહિલા સશક્તિકરણની દિશામાં કામ કર્યું હતું.તેમણે મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. આઝાદીની ચળવળ માટે કામ કરતા તેમણે 10 મહિનાનો જેલવાસ ભોગવ્યો હતો. તેઓ 95 વર્ષની વયે વર્ષ 2000માં મૃત્યુ પામ્યા હતા.
મણિબેન કારા
વર્ષ 1905માં મુંબઇના મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા મણિબેન કારા સામાજિક કાર્યકર હતા. તેમણે મજૂરો માટે ઘણા કાર્યો કર્યા હતા. ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષા પર સારી પકડના કારણે તેમણે સામાજિક જાગૃતિ લાવવાની દિશામાં અનેક કાર્યો કર્યા. આ બાબતને મહત્તમ લોકો સુધી પહોંચાડવા તેમણે પ્રિન્ટિંગ પ્રેસ પણ શરૂ કર્યું હતું. તેઓ મજૂરોના હક માટે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયનમાં જોડાયા હતા. તેમણે ટ્રેડ યુનિયન મૂવમેન્ટ ચલાવી હતી. ટ્રેડ યુનિયનના રાષ્ટ્રીય નેતા તરીકે તેમણે મજૂરોને આઝાદીની લડતમાં જોડાવા પ્રેરણા આપી હતી. વર્ષ 1932માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ 1979માં મૃત્યુ પામ્યા હતા.
હંસા મહેતા
સુરતના નાગર કુટુંબમાં 3 જુલાઇ 1897ના રોજ જન્મેલા હંસાબેન મહેતા મનુભાઇ મહેતાના પુત્રી હતા. તેઓ શિક્ષણવિદ હતા અને ભારતની કો-એજ્યુકેશનલ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર હતા. તેઓ આઝાદીની લડતમાં આક્રમક હતા આ કારણે મુંબઇમાં તેમને ડિક્ટેટર તરીકે ઓળખવામાં આવતા હતા. લંડનમાં તેઓ સરોજિની નાયડુને મળ્યા હતા. તેમના આગ્રહથી મહિલા ચળવળ શરૂ કરી હતી. બરોડા સ્ટેટમાં ચીફ મેડિકલ ઓફિસર ડૉ. જીવરાજ એન મહેતા સાથે તેમના લગ્ન થયા હતા. ગાંધીજીની આગેવાનીમાં તેમણે આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો અને અનેકવાર જેલવાસ ભોગવ્યો હતો. તેઓ 4 એપ્રિલ, 1995ના રોજ મૃત્યુ પામ્યા હતા.