Aekant - 9 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 9

Featured Books
Categories
Share

એકાંત - 9

દલપત દાદાની વાર્તા પરથી વત્સલે જે શીખ વડીલોને આપી, તેનાથી સૌની બોલતી બંધ થઈ ગઈ. અલગ થવાની વાતને ત્યાં જ વચ્ચે મુકીને રવિ કામ માટે ઘરની બહાર ગયો પછી પ્રવિણ એની નોકરી પર જઈ રહ્યો ત્યાં અચાનક એની પાડોશમા રહેતો કાનો તેને સિવિલ હોસ્પિટલમાં સાથે આવવા માટે બોલાવવા આવ્યો. કાનાના દોસ્ત યોગીએ ઝેરની બોટલ ગટગટાવી લેતા એને તાત્કાલિક સારવારની જરુર હતી.

"રવિની માં, તું આપણાં લેન્ડલાઈનથી મારી ઓફીસે કોલ કરી દેજે કે મારે આજે ઓફીસે આવતાં મોડું થશે."

પ્રવિણે પારુલને સુચના આપીને કાના સાથે યોગીની સારવાર માટે હોસ્પિટલ જવા માટે ઊતાવળે પગમા પગરખા પહેરીને નીકળી ગયો.

પ્રવિણ, કાનો, યોગીનો મોટો ભાઈ અને તેના પપ્પા યોગીને લઈ જવા તૈયાર થયા. તેઓ યોગીને લઈને ફોર વ્હીલમા સિવિલ જવાના રસ્તે આગળ વધવા લાગ્યા. ફોરવ્હીલને કારણે થોડીક મિનિટોમાં તેઓ સિવિલ પહોચી ગયા.

કાનો હોસ્પિટલની અંદર એક સ્ટ્રેચર લઈ આવ્યો. સ્ટ્રેચરની મદદથી તેઓ યોગીને તેમા સુવડાવીને હોસ્પિટલની અંદર ગયા.

પ્રવિણ એક નર્સ પાસેથી તેના ભાઈ સમાન મિત્ર ડૉ.કેશવની પુછતાજ કરી. નર્સનાં કહેવાથી ડૉ.કેશવ ઓફ ડ્યુટી પર હતા. એ હોસ્પિટલમાં હાજર જ હતા નહિ.

"સિસ્ટર, પ્લીઝ અહી કોઈ પણ ડૉકટર હાજર હોય તો તેમને કહીને આ યુવાનની ટ્રીટમેન્ટ ચાલું કરાવી દો." પ્રવિણે વિનંતી કરી.

"આ યુવાનને શું થયુ છે ?" નર્સે સ્ટ્રેચરમાં બેભાન પડેલાં યુવાન સામે જોયું.

"એ ઝેર પીને એનું મૌત વ્હાલુ કરવા જઈ રહ્યો હતો." યોગીના પિતા નર્સનાં સવાલથી પોતાની જાતને રોકી ના શક્યાં અને ખુદ બોલતાની સાથે રડવાં લાગ્યાં.

યોગીના પિતા જ નહિ પણ સંસારમા એવો કોઈ પણ બાપ હોય, જેનુ કાળજુ કઠણ અને મરદ મૂછાળો હોય એને પણ જ્યારે જાણ થાય કે એનો દીકરો જીવન અને મૌતની વચ્ચે લડાઈ લડે છે, ત્યારે એ નબળો પડી જતો હોય છે. દીકરો એ બાપના ઘડપણની લાકડી હોય છે. દીકરાને કારણે ઘરમાં રોનક ભરેલી હોય છે. દીકરો બાપની નનામી ઊપાડીને એને છેલ્લી ઘડીએ અંતીમ સંસ્કાર આપીને મોક્ષ આપે છે. એ જ દીકરો બાપને ભરબપોરના તાપમાં અધવચ્ચે મુકીને અંતીમની વાટ પકવાની તૈયારી કરી બેઠો હોય તો એ બાપ એક જીવતી લાશ બનીને રહી જાય છે.

યોગીના પિતાની પીડા એ ખુદ જ મહેસુસ કરી રહ્યા હતા. ખૂબ લાડકોડથી યોગીને મોટો કર્યો અને તેને ભણાવ્યો. એ સ્ટ્રેચરમાં બેભાન હાલતમાં મૌતની પુકાર કરી રહ્યો હતો.

યોગીના પિતાની વાત સાંભળીને નર્સ બોલી, "સોરિ, આ સ્યુસાઈડ કેશ છે. અમારે પોલીસને જાણ કરવી જોશે. જ્યાં સુધી પોલીસ અહી આવીને બધી પુછતાજ ના કરી જાય ત્યાં સુધી અમે આ કેશ હાથમાં નહિ લઈ શકીએ."

"તમારામાં બુધ્ધિ છે કે નહિ. તમે પોલીસને બોલાવશો. પોલીસ તેનાં ફ્રી સમયે અહી આવશે. પુછતાજ કરવામા બીજો વધારાનો સમય લેશે. જો આ સમયગાળામાં આ વ્યક્તિને કાંઈ થઈ ગયું તો તમે એની જવાબદારી લેવા તૈયાર થશો? "પ્રવિણ નર્સની વાત સાંભળીને ઉશ્કેરાઈ ગયો.

"જુઓ સર, આ અમારી ડ્યુટીમાં આવે છે. અમારે પોલીસને જાણ કરવી જોશે. એ પછી અમે આગળની ટ્રીટમેન્ટ ચાલુ કરશુ."

"તમારે જેમને કોલ કરીને બોલાવવાં હોય એમને બોલાવો. આ યુવાનની પહેલા ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દો. નહિતર મારાથી ખરાબ આ દૂનિયામાં કોઈ નહિ હોય." પ્રવિણ ઉગ્ર થઈ ગયો.

"સર, તમે સરકારી જગ્યાએ એક સરકારી કાર્યકર સાથે આમ વાત ના કરી શકો." રિસેપ્સનિસ્ટ પાસે ઊભો રહીને બધુ સાંભળતો એક વોર્ડ બોય આવીને બોલ્યો.

"મારે કઈ જગ્યાએ અને કોની સાથે કેમ વાત કરવી. એ મને સમજાવવુ એવુ તમારી ડ્યુટીમાં આવતુ નથી, યંગ મેન. આઈ એમ ઓલ્સો ગવર્મેન્ટ વર્કર. હું મારી જોબ એટલી જ વફાદારીથી નિભાવી જાણું છું. તમે લોકો આ યુવાનની સારવાર ચાલુ નહિ કરો તો આવતી કાલે સવારે તમારા સિવિલના ગેટ પર મોટા તાળા લગાવેલા જોશો. સમજી ગયો યંગ મેન કે વધુ સારી રીતે સમજાવુ." પ્રવિણે એ વોર્ડ બોય પર આંખો કાઢી. 

વોર્ડ બોય પ્રવિણની ધમકીથી ડરી ગયો. તેને ફરી પ્રવિણની સામે બોલવાની હિમ્મત ના થઈ. હોસ્પિટલમાં હાજર બીજા લોકો જે અહી દવા માટે કે એમના પ્રિયજન એડમીટ છે એની મુલાકાતે આવેલા હતા, એ લોકો પણ પ્રવિણે કરેલો હોબાળો જોવા ટોળુ વળીને ઊભા રહી ગયા. પ્રવિણના ક્રોધની જાણ ત્યાં ઉપસ્થિત ડ્યુટી નિભાવતા સિનિયર ડૉકટર સુધી પહોચતી થઈ ગઈ.

સિનિયર ડૉકટર જનરલ વોર્ડમાં પેશન્ટને ચેક કરીને પ્રવિણ અને બીજા લોકો હતા ત્યાં આવી પહોચ્યા, "એક્સક્યુઝ મી મિસ્ટર..."

"મારું નામ પ્રવિણ છે. હું તાલુકા પંચાયતમા મારી ગર્વમેન્ટની ફરજ નિભાવું છું." પ્રવિણે એનો પરિચય આપ્યો. 

"મિસ્ટર પ્રવિણ, તમે એક સરકારી વર્કર છો. એક સરકારી જગ્યાએ આવીને તમે આવો તમાશો કરો છો. એ તમને શોભા આપતુ નથી. તમારે કારણે અમે લોકો તો ડિસ્ટર્બ થયા છીએ. એ સાથે અહી એડમીટ પેશન્ટ અને એમના પરિવારજનો પણ ડિસ્ટર્બ થઈ ગયા છે. "સિનિયર ડૉકટર બોલ્યા.

સિનિયર ડૉકટરના કહેવાથી પ્રવિણને વાસ્તવિકતાનુ ભાન થયું. એણે એની આસપાસ નજર કરી તો ઘણા લોકો પ્રવિણના વર્તનને કારણે નવીન કોઈ હરકત જોવા ઊભા હતા.

"મને માફ કરી દેજો, ડૉકટર. મારે આવી રીતે ઊંચાં અવાજેથી વાત કરીને ટોળું એકઠું કરવું જોઈતું ન હતું. પરિસ્થિતિ એવી હતી કે હું મારો ગુસ્સો કન્ટ્રોલ ના કરી શક્યો અને ઊંચા અવાજે તમારા વર્કર સાથે વાત કરવી પડી." પ્રવિણે બધા વચ્ચે એની ભુલ કબૂલ કરી અને ડૉકટરની માફી માંગી. 

પ્રવિણની એ જ તો મોટાઈ હતી. આવેશમાં આવીને ભુલ કરી નાખે જ્યારે એનો આવેશ શાંત પડે ત્યારે એની કરેલી ભુલની માફી માંગવામાં એ કોઈ દિવસ નાનપ અનુભવતો ન હતો.

"મેટર શુ છે ? શા કારણે તમે પબ્લીક એકત્ર કર્યુ છે ?"

"સર, અમારા પાડોશીના દીકરા યોગીએ ઝેર પી લીધું છે. એ ઘટનાને એક કલાક જેવું થઈ ગયું. તાત્કાલીક એની સારવાર કરવામાં આવશે નહિ તો એક બાપને એનો દીકરો ને એક ભાઈને એનો નાનો ભાઈ ખોઈ બેસવાનો વારો આવશે. અહીની નર્સને સારવાર ચાલું કરવાનું કહ્યું તો એમણે પોલીસ કેશ કરવાની વાત કરી. આ કારણે હું ગરમ થઈ ગયો. વ્યક્તિ જ્યારે ક્રોધાવેશમાં હોય ત્યારે તેને વ્યક્તિ અને જગ્યાનુ ભાન રહેતુ નથી. પછી એ મન ફાવે તેમ બોલવા લાગે છે. તમે જલ્દી આ યોગીની સારવાર ચાલુ કરી દો. કાનુની કાર્યવાહી કાંઈ પણ થશે એ હું સંભાળી લઈશ." પ્રવિણે બે હાથ જોડીને ડૉકટર પાસે વિનંતી કરી.

"મિસ્ટર પ્રવિણ, તમે મારી સામે બે હાથ ના જોડો. તમે આ વ્યક્તિના ખાલી પાડોશી છો. તમારો આ વ્યક્તિ સાથે લાગણી સિવાય બીજો કોઈ સંબંધ નથી. તે છતાં માણસાઈને ખાતર એ વ્યક્તિનો જીવ બચાવવા માટે તમે તમારુ આત્મસન્માન દાવ પર લગાવવા તૈયાર થઈ ગયા. શરમ અમને આવવી જોઈએ. પોલીસ કેશને કારણે અમે અમારી ડ્યુટીને ભૂલી ગયા. જો પોલીસ કેશ અમે ના કરી તો અમારી નોકરી દાવ પર લાગી શકે એમ હતી. તમે અમને ભાન કરાવ્યુ કે, અમે આ હોસ્પિટલમાં પેશન્ટનો જીવ બચાવવા માટે સેવા આપીએ છીએ. અમારી નોકરીની અમને પરવાહ કરવા જશુ તો કોઈ વ્યક્તિને એનો જીવ ગુમાવવાનો વારો આવશે." ડૉકટરે નર્સની ભૂલ કબૂલ કરી. નર્સને પણ તેની ભૂલ સમજાણી તો શરમથી માથુ નીચું કરી નાખ્યું. 

સિનીયર ડૉકટરે ત્યાં હાજર ટોળાને છુટું કર્યુ. ડૉકટરના કહેવાથી વોર્ડ બોય અને નર્સ યોગીને આઈ.સી.યુ.ના વોર્ડમાં લઈ ગયા. પ્રવિણ અને એની સાથે બીજા લોકો યોગીની પાછળ ગયા. ડૉકટર આઈ.સી.યુ.માં જઈને દરવાજો અંદરથી બંધ કરી દીધો અને યોગીની ટ્રિટમેન્ટ ચાલુ કરી દીધી.

પ્રવિણ, કાનો, યોગીના ભાઈ અને એના પપ્પા વોર્ડની બહાર યોગી સ્વસ્થ થઈ જાય એના માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરવા લાગ્યા. રિસેપ્સનિસ્ટમાંથી કોઈએ પોલીસ સ્ટેશનેથી કોલ કરીને પોલીસને હોસ્પિટલ બોલાવી લીધા.

એક વોર્ડ બોયે બતાવેલી જગ્યાએ પોલીસ પ્રવિણ અને યોગીના પરિવારજનો ઊભા હતા ત્યાં આવી પહોંચ્યાં. 

"તમે અહી એક સ્યુસાઈડનો કેશ લઈને આવ્યા છો, એવી બાતમી અહીંથી પોલીસ સ્ટેશને કોલ આવેલો છે. આમાંથી સ્યુસાઈડ કરનાર પેશન્ટના પરિવારજનો કોણ છે?" ઈન્સ્પેકટરે પ્રવિણ પાસે આવીને સવાલ કર્યો.

(ક્રમશ:..)

✍️મયુરી દાદલ "મીરા"