Aekant - 11 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 11

Featured Books
Categories
Share

એકાંત - 11

ઇન્સ્પેક્ટરે યોગીનું બયાન લેવાનું ચાલું કરી દીધું. યોગીના કહેવા પ્રમાણે એ એક છોકરીનાં પ્રેમમાં હતો. એ છોકરી પણ તેને એટલો જ પ્રેમ કરતી હતી. સંજોગોને આધીન એ છોકરીએ પરિવારનાં દબાણને કારણે તેને બીજી જગ્યાએ સગાઈ કરવી પડી. તેણે એ છોકરીને ભૂલવાની ઘણી બધી કોશિશ કરી પણ એને ભૂલી ના શક્યો. અંતે ના છૂટકે તેને ઝેર પીવા જેવુ હલકું પગલું ભરવું પડ્યું. 

ઇન્સ્પેક્ટર યોગીની વાત સાંભળીને ગુસ્સે થઈ ગયા. તેમણે થોડાક કડક અવાજથી યોગીને સલાહ આપી, "તે સ્યુસાઇડ કરવાનો વિચાર કર્યો એમાં તારા મા-બાપનો શું દોષ હતો ? તને કાંઈ થઈ ગયું હોય તો તારાં મા-બાપ તો જીવતેજીવ મરી જ જવાનાં હતાં. તારા મરી ગયા પછી સમાજને જવાબ આપતા આપતા એ પણ તારી પાસે પહોચી જવાના હતા. એકવાર તે એ લોકોનો વિચાર કર્યો હોય કે જેમણે તને જન્મ આપ્યો અને એ કાબિલ બન્યો કે તુ એ છોકરીને પ્રેમ કરી શકે. વ્યક્તિનો પહેલો પ્રેમ તેનાં મા - બાપ અને પરિવાર હોય છે. પરિવારની બહાર બીજાને પ્રેમ કરતા પરિવાર શીખવે છે. અફસોસ તુ એટલો સ્વાર્થી છે કે તુ તારી જાતને પ્રેમ કરે છે."

"તું એવો દાવો કરે છે કે તું એ છોકરીને સાચો પ્રેમ કરે છે. એકવાર સાચા પ્રેમ માટે થઈને તને દુનિયાની સામે લડી લેવાનો વિચાર ના આવ્યો ! તું એ છોકરીને પ્રેમ કરતો ન હતો. એ છોકરી તારી જીદ્દ બની ગઈ હતી. એ જીદ્દ તારી પૂરી ના થઈ તો પ્રેમમાં નાસીપાસ થઈને ઝેર પી લીધું. અરે સાચો પ્રેમ એક નવું જીવન આપે છે."

"સાચો પ્રેમ એ નથી કે તમે પૂરું જીવન એની સાથે વ્યતિત કરવાના સપના જુઓ. સાચો પ્રેમ તો એ છે કે જ્યાં ખાત્રી હોય છે કે એ આપણને મળવાનો નથી. તે છતા એની ગેરહાજરીમાં સતત એની હૂંફનો એહસાસ કરતા રહેવું. તું ઝેર પીને મરી ગયો હોય તો શું એ છોકરી સુખેથી જીવી શકવાની હતી? તારી અને તારા પરિવારની ખુશી માટે નહિ પણ એકવાર એ છોકરીના સારાં ભવિષ્ય માટે જીવવાની તૈયારી દાખવી હોય. તમે આજના જમાનાના યુવા વર્ગ સાચો પ્રેમ કરી શુ શકવાના છો !"

"વાહ સર, હું તમારો આજથી ફેન બની ગયો. પ્રેમની સાચી સમજણ તો તમે કહી એ જ હોવી જોઈએ." પ્રવિણ ઈન્સ્પેક્ટરની વાતોથી પ્રભાવિત થઈ ગયો. 

યોગી ઇન્સ્પેકટરની વાત સાંભળીને બોલ્યો, "સર, મને માફ કરી દેજો. મે તેને ભૂલવા માટેની પૂરી કોશિશ કરી હતી પણ હું એ છોકરીને ભૂલી ન શક્યો. પરિણામે મારે મરી જાવુ જોઈએ એવો છેલ્લો વિચાર કરી લીધો હતો. હું બધું જાણું છું તો પણ હું મારા પ્રેમ પાસે હારી ગયો. મને માફ કરી દો, સર. ફરી આવી ભૂલ નહિ થાય."

યોગીની પ્રેમ કહાની સાંભળીને પ્રવિણને એનો ભુતકાળ યાદ આવી ગયો. એક સમયે એ પણ એ જ સ્થાન પર હતો. તેની પાસે બે જ રસ્તા હતા જીવ આપી દે કે પછી પરિવારની ખુશી માટે બધુ ભૂલીને આગળ વધે. પ્રવિણ નિડર હતો. એ પરિસ્થિતિથી હારીને યોગી જેવું હલકું પગલું ભરે એવો ન હતો. પ્રવિણે વર્તમાન પાસેથી કડવા અનુભવોના ઘૂંટડા પીને ભવિષ્યને સારુ બનાવવા માટે પાછળ વળીને કદાપિ જોયું ન હતું. જેના પરિણામે પ્રવિણ જે મુકામે પહોચ્યો ત્યાં એ ખૂબ ખુશ હતો. 

યોગીની આવી હરકત જોઈને પ્રવીણે યોગીને કહ્યું, "યોગી, આજે તે જે કાંઈ કર્યું છે તે ડરપોક અને મૂર્ખ લોકો કરે છે. તમારા જેવા આજના યુવા લોકોને બીજુ આવડે છે શુ ! પરીક્ષામા નાપાસ થયા હોય કે તમારા વડિલ તમારા સારા ભવિષ્ય માટે બે શબ્દ કડવા કહે, તો બસ ઝેરની બોટલ પકડીને ગટગટાવી લેવી. આજે ખરેખર મને તારા પર ખૂબ ગુસ્સો આવે છે. હવે મને તારા પર વિશ્વાસ નથી. ના કરે નારાયણ ફરી તું હતાશ થઈ જાય અને મરવા માટે ફરી તું દવા પી લે તો કાંઈ કહેવાય નહિ."

"કાકા, મને માફ કરી દો. હું ખૂબ ડિપ્રેશનમાં આવી ગયો હતો. હું તમને પ્રોમિસ કરું છું કે કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું. છેલ્લી વાર મને માફ કરી કરી દો." યોગી બોલી રહ્યો હતો તેમાં એના પ્રશ્ચાતાપના સૂર હતા. 

"તું ભલે અત્યારે કહેતો હોય કે હવે‌ આવું પગલું કોઈ દિવસ ભરીશ નહિં. માની લો, ભવિષ્યમાં પાછો હતાશામાં આવી જઈશ અને આવી ભૂલ કરવા નવો નુસખો અજમાવીશ તો..?" પ્રવિણે પૂછ્યું. 

"હું સોમનાથ દાદાના સમ ખાઈને કહું છું કે ફરી કોઈ દિવસ મરવાની ટ્રાઈ નહિ કરું. છેલ્લી વાર મારો વિશ્વાસ કરો."

યોગી સોમનાથ દાદાના સમ ખાધા એ પછી પ્રવીણને યોગી પર વિશ્વાસ કરવા સિવાય બીજો કોઈ ઉપાય ના સુજ્યો. તેણે યોગીને માફ કરી દીધો. યોગીની વિનંતીને સ્વીકારતા તેણે ઝેર પીવાનું સાચું કારણ વોર્ડની બહાર કોઈને ખબર ના પડે, એવુ ઈન્સ્પેક્ટર અને પ્રવિણ પાસેથી વચન લઈ લીધું. ખાસ તો આ જાણ તેના ઘરના લોકોને જરા પણ ના કરે. 

ઇન્સ્પેક્ટર યોગી પાસેથી જે કંઈ વિગતો લેવી હતી, એ બધી વિગતો લઈ લીધી હતી. હવલદાર દરેક વિગતનો એક રિપોર્ટ તૈયાર કરી નાખ્યો હતો. ત્યારબાદ ઇન્સ્પેક્ટર પ્રવિણની રજા લઈને વોડમાંથી બહાર નીકળી ગયા. યોગીના ભાઈ અને તેના પપ્પા યોગીને મળવાની રાહ જોઈ રહ્યા હતા. ઈન્સ્પેકટરે યોગીના પિતાને યોગીને મળવાની પરવાનગી આપી દીધી. યોગી પાસે જે કાંઈ વિગત લેવાની હતી એ તેમણે લઈ લીધી અને હવે ફરી ક્યારે એ આવશે નહીં, એવું વચન આપીને તેઓ હોસ્પિટલમાંથી જતા રહ્યા.‍‌‍‌‍‍

ઇન્સ્પેકટના ગયા પછી યોગીના પિતા, તેનો ભાઈ અને કાનો વોર્ડની અંદર આવીને યોગીના ખબર અંતર પૂછવા લાગ્યા. વધુ વાત કરવાની મંજુરી ના હોવાને કારણે યોગી ચૂપચાપ તેના પિતાની વાત સાંભળી રહ્યો હતો. યોગીની આવી હરકતથી તેના પિતા લાગણીવશ થઈને તેને ઠપકો આપવા લાગ્યા. યોગીને આવી હાલતમા જોઈને તેના પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા. તેના પિતાને લાચારીમા રડતા જોઈને યોગી રડવા લાગ્યો. કાનો અને તેનો ભાઈ તેમના આંસુને રોકી ના શક્યા અને તે બન્ને રડવા લાગ્યા. પ્રવીણ યોગીના પિતાને શાંત કરવામાં વ્યસ્ત થઈ ગયો. 

"જો તમે આમ યોગીની સામે કમજોર પડી જશો તો‌‌ યોગીની હાલત ખરાબ થઇ શકે છે. તમને બધાને રડતા જોઈને એ પણ રડવા લાગ્યો છે. સોમનાથ દાદાએ યોગીને નવજીવન બક્ષ્યુ છે. એના‌ માટે ‌તમારે એમનો‌ આભાર માનવો ‌જોઈએ અને ‌ફરી યોગી આવુ‌ પગલુ ‌‌ના ભરે એના‌ માટે સોમનાથ દાદાને‌ પ્રાર્થના‌ કરવી જોઈએ." પ્રવિણે યોગીના પપ્પાને સમજાવ્યા.

પ્રવિણની વાત યોગીના પિતાને યોગ્ય લાગી. તેમણે એના આંસુ સાફ કરી નાખ્યા અને રડવાનુ બંધ કરીને શાંત થઈ ગયા. એ યોગી પાસે જઈને કહેવા લાગ્યા, "આખરે અમારા પ્રેમમાં તને શુ ખોટ વર્તાઈ કે અમારાથી વધારે વ્હાલુ તે મોતનો સ્વીકાર કરવા તૈયાર થયો ?"

યોગી કશુ બોલી ના શક્યો અને પ્રવિણની સામે જોવા લાગ્યો. પ્રવિણ યોગીની મુંજવણ સમજી ગયો. યોગી માટે પૂછાયેલા સવાલનો જવાબ પોતાને આપવાનું યોગ્ય લાગ્યું, "જે થયુ એ ભૂલી જાવ. એમ સમજો કે આજથી યોગીનો નવો જન્મ થયો. તેણે સોમનાથ દાદાના સમ ખાધા છે. હવે આજ પછી મરવાનો કોઈ દિવસ વિચાર નહિ કરે. આપણા માટે યોગી આપણી નજરની સામે સલામત છે. એ જોવાનુ છે." પ્રવિણના કહ્યા પછી કોઈ કશું ના બોલ્યું. 

(ક્રમશઃ...) 

✍️મયુરી દાદલ "મીરા"