પરિવારના માળાનાં પારેવડા રંગ - રૂપથી એક સરખાં ના હોય અને સ્વભાવ અને વર્તનથી પણ કદી કોઈ એક સરખાં જોવાં મળતાં નથી. દલપતદાદાના માળામા છ સભ્યોનાં પારેવડાં એમની ઉંમર પ્રમાણે નાનાં મોટાં હતાં. એ સાથે એક પારેવડું એમનાં વિચારો પરથી ઘણું નાનું પડી જતું હતું.
હેતલની વાતોથી દલપતદાદાને ખૂબ દુઃખ લાગી આવ્યું હતું. તેઓ હેતલની સામે કશું બોલીને વાતને વધારવાં માંગતાં ન હતાં. આથી તેઓ વાતને ટુંકાવીને એમનાં ઊઠવા અને બેસવા માટે ફાળવેલ લીવીંગ રુમમા જતા રહ્યા.
લીવીંગ રૂમમાં રહેલ એમના સિંગલ લોખંડના પલંગ પર લાકડીને બે હાથે પકડીને ધ્રૂજતા શરીર અને ધ્રૂજતી વેદના સાથે બેસી ગયા. તેઓ પલંગની સામે રહેલ દિવાલ પર સુખડના ફોટા સાથે ટીંગાડેલ ફોટા સામે જોવા લાગ્યા. એ ફોટો પ્રવિણની માંનો હતો. દલપત દાદા મૌન થઈને એકીટસે એ ફોટા સામે જોવાં લાગ્યાં. ધૂંધળી આંખોએ ફોટો પણ એમને ધૂંધળો દેખાવા લાગ્યો હતો. સ્વચ્છ ફોટો નિહાળવા માટે એમણે ચશ્માને નાકની ટોચ પરથી ઊતારીને ક્યાંક મૂકી દીધા હતા. ઉંમરને કારણે મૂકેલી વસ્તુઓ એમને યાદ આવતી ન હતી પણ અમુક માણસોનાં કહેવાયેલાં શબ્દો આ ઉંમરે ભુલવા હોય છે તો પણ એમનાથી ભુલાતા ન હતા.
દલપત દાદા તેમની જગ્યાએથી મહાપરાણે ફરી ઊભા થયા. તેઓ તેમને સાથ આપનાર લાકડીના ટેકે પ્રવિણની માંના ફોટાને સરખો નિરખવા એ દિવાલ સુધી પહોંચી ગયાં. ફોટો એમના કદ કરતાં ખૂબ ઊંચો લટકાવેલો હતો. તેમણે તેમનો કરચલી વાળો હાથ એ ફોટાને અડકવા લાંબો કર્યો પણ હાથ એને સ્પર્શ ના કરી શક્યો. આંખોની સાથે એમના હાથને નિરાશા મળી. એ વસવસો દલપતદાદાના અંતરમન પર લાગી આવ્યો.
ફોટાને જોતી તેમની વેલ વાળી ધૂંધળી આંખો વધુ ધૂંધળી થઈ ગઈ અને એ સાથે એ આંખોએ આંસુઓનો દરિયો ઝીલી ના શકવાને કારણે એમના કરચલી વાળા ગાલ પર આવીને ઊછળવા લાગ્યો. ઘરની અંદર એ અને હેતલ હતાં. પારુલ હજી વત્સલને મૂકીને પાછી આવી ન હતી. તેઓએ હળવેકથી એક ડૂમો ભર્યો અને સ્વસ્થતા કેળવીને ફરી લાકડી પકડીને ધીરે ધીરે ડગમગ કરતા પલંગ પર જઈને બેસી ગયા.
દલપત દાદા પલંગ પર બેઠા બેઠા પ્રવિણની માંને ફરિયાદ કરતાં હોય એમ અંતરમનમાં બોલવાં લાગ્યાં, "વાહ પ્રવિણની માં, તને મારી પહેલાં ઉપર જાવાની બહું ઉતાવળ લાગી ગઈ હતી.જાણે ત્યાં બોરડી પાકેલી હોય અને તું ખાધાં વિનાની રહી ગઈ હોય. સાત ભવનાં તાંતણે બંધાવાં માટે આપણે અગ્નિની સાક્ષીએ સાત વચન લીધાં હતાં. તે તો એક જ ભવમાં મને દગો આપી દીધો. તને એક ભવમાં મારાં પર વિશ્વાસ ના રહ્યો કે, જીવનની લાંબી સફરમાં તું મને એકલી મુકીને જતી રહી."
"કહેનારાએ સાચું કહ્યું છે, સ્ત્રી અને પુરુષ એ એક ગાડીનાં બે પૈડાં છે. જીવનની ગાડી ચલાવવાં માટે બન્નેની એટલી જરુર પડે છે. જો એક પૈડું ખસી ગયું તો એકલાં હાથે ગાડી ચલાવવી ખૂબ મુશ્કેલ પડી જાય છે. પ્રવિણની માં, તું તો પ્રવિણનાં લગ્ન કરીને જતી રહી. પારુલ વહુએ આ ઘરને તારાં સિંચેલ સંસ્કાર સાથે સાચવીને બેઠાં છે. હવે યુગ બદલાવવાં આવ્યો છે. નવી પેઢીનો વિકાસ થઈ ગયો છે. આજની પેઢીને વૃધ્ધ સાચવવાં એટલે એક બોજ લાગી આવે છે. હું સંયુક્ત કુટુંબની દરેક પાસે મિસાલ આપતો હતો. આજે એ સંયુકત કુટુંબમાં આપણાં સભ્યોને રહેવું વસમું લાગી રહ્યું. સૌ કોઈને આઝાદી જોઈએ છે. હું લાગણીથી દરેક પારેવડાં એક જ માળામાં સિંચવવાનો પ્રયાસ કરું છું, જેથી તેઓ માળામાંથી બહાર નીકળીને કોઈ ખોટાં રસ્તે ભટકી ના જાય. આજની પેઢીને આ લાગણીનો માળો એક પિંજરું લાગી રહ્યું છે."
"હેતલ વહુની ઉંમર હજી નાની છે. દૂનિયાદારીની એમને ક્યાં ભાન છે ? જ્યારે તેઓ પરિપકવ થશે ત્યારે સમજાશે કે, હું સભ્યોને માળાનાં દોરાની અંદર મોતીઓ પોરવી રાખતો આવ્યો છું. એ તેમની ભલાઈ માટે જ કરતો આવ્યો છું. સાચું કહું પ્રવિણની માં, તારી પહેલાં તો મારે જ આ દૂનિયા છોડીને જતું રહેવાની જરૂર હતી. તું તો એક સ્ત્રી છે. સ્વમાન સાથે તું તારાં બે ટંક રોટલાંને તારી રીતે રોળવી લે. હું તો રહ્યો પુરુષ જાત અને એમાં પણ પરોપકાર પર જીવવાં વાળો. અહીં તો તું મને જેમ સમયસર થાળી બનાવીને પીરસતી એમાં પણ ફેરફાર થવાં લાગ્યાં છે. તું હોય તો બે શબ્દો વહુને કહીને તારી અંદરની વેદનાને ઠારી દે પણ અહીં મારે રોજ દુઃખનાં ઘૂંટ પીને અંદરની વેદનાને તારાં સિવાય કોઈ પાસે ઠાલવી શકતો નથી અને રડી પણ શકતો નથી." તેમનાં લીવીંગ રૂમમાં કોઈનાં આવવાનો અવાજ આવતાં તેમણે આંખોનાં આંસુઓ જલ્દીથી સાફ કરી નાખ્યાં.
"પિતાજી તમે રડી રહ્યા હતા ?" પારુલ રુમની અંદર આવતાં દલપતદાદાની ભીની આંખોને પારખી લીધી.
"ના, એવું તો કાંઈ નથી. અરે હુ એક પુરુષ છુ. પુરુષ તો કઠણ કાળજુ રાખનાર હોય છે. એ કોઈ દિવસ સ્ત્રીઓની જેમ રડવાં બેસે એવો નથી." આટલું બોલીને રડવાને કારણે ગળુ સુકાઈ જતા દલપત દાદાને ઉધરસ ચડવા લાગી અને તેઓ જોરથી ઉધરસ ખાવા લાગ્યા.
ઉધરસ ખાવાનો અવાજ રસોડામાં રોટલી કરતી હેતલ સુધી પહોચી ગયો. એ ધીરે ધીરે બબડવાં લાગી, "હોવ હવે મમ્મીજીને જોઈને એમનાં નાટકો ચાલું થઈ ગયાં. રોજ કોઈને કોઈ નવી બિમારીને લઈને બધાં પાસે સેવા ચાકરી કરાવતાં રહેશે. હે ભગવાન, એમની પિચ્યાંશી ઉપરની ઉંમર તો થઈ જ ગઈ હશે. ભગવાન હજુ એમને કેટલા વર્ષ જીવવુ હશે ! એ આ ઘર અને દૂનિયામાંથી જશે તો કદાચ મને આ જુનાં ઘરમાંથી આઝાદી મળશે. આ મારો સસરો પણ એક નંબરનો મારવાડી છે. સરકારી નોકરી છે. કેટલી સારી ઈન્કમ છે. સારાં એરિયામાં લક્ઝરી બંગલો નહિ તો કાંઈ નહિ. એક ફલેટ લઈને રહેવા જતા રહીએ તો પણ સારું. આ ડોસો જશે પણ પછી સસરા નામનો બીજો ડોસો થશે એ પણ આમની જેમ અમને અલગ નહિ કરે તો ભવિષ્યમાં મારી...! ના હો મારે આગળ મારું સારું વિચારવું છે. મારે હજી જીવવાનું છે. પૂરી વર્લ્ડ ટુર મારે કરવાની બાકી છે. હે સોમનાથ દાદા, તમે મને જલ્દીથી આ ઘરમાંથી છુટકારો અપાવશો તો હું તમને પાંચ કિલો દેશી ઘીનાં ચુરમાનાં લાડવા ચડાવીશ." રોટલીનું વેલણ છોડીને હેતલ બે હાથ જોડીને સોમનાથ દાદાને પ્રાર્થના કરવાં લાગી.
દલપત દાદાને અચાનક ઉધરસ ચડવા લાગી. જે બંધ થવાનુ નામ લઈ રહી ન હતી. પારુલે પાણીનો ગ્લાસ ભરીને એમને પીવડાવ્યો અને સાથે પીઠ થપથપાવી તો પણ ઉધરસ ધીમીધીમી ચાલું જ હતી.
પારુલે દલપત દાદાને પલંગ પર તકિયાનાં ટેકે આરામ કરવા માટે સુવડાવી દીધાં. તેણે દલપત દાદાને આરામ કરવાનું કહીને હળદર અને મીઠાં વાળું ગરમ પાણી લેવાં જતી રહી. હેતલ છેલ્લી રોટલી તાવડી પરથી નીચે ઊતારીને તેનાં રૂમમાં જતી રહી.
પારુલે રસોડામાં જઈને ગેસ પર હળદર અને મીઠાવાળું ગરમ પાણી કરીને દલપત દાદાને પીવડાવી દીધું. એમની આંખો બંધ કરાવીને પારુલે આરામ કરવાં એકલાં છોડીને રૂમની બહાર જતી રહી.
સાંજ પડતાં માળાના બે પારેવડા ખોરાક માટેની મહેનત કરીને ઘરે પરત ફર્યા. પ્રવિણ તેના સ્વભાવ પ્રમાણે મહોલ્લામાં દરેક સાથે વાતો કરતા અંદર આવી પહોંચ્યો. વત્સલ માટે લીધેલો નાસ્તો તેણે તેના હાથમા પકડાવીને હાથ - પગ ધોઈને જમવાની જગ્યાએ આવીને બેસી ગયો. રવિ પ્રવિણની પહેલા જ આવીને જમવા બેસી ગયો હતો.
"રવિ, કેમ ચાલે છે તારો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ ?" પ્રવિણે રવિને રોજની માફક જમવાની જગ્યાએ બેસીને સવાલ કર્યો.
"બસ પપ્પા, હાલ્યા કરે. ક્યારેક કામનુ ભારણ વધારે હોય તો જમવાનો સમય રહેતો નથી અને ક્યારેક સ્ટ્રાઈક પડી હોય એવુ વાતાવરણ સર્જેલુ હોય છે." જમવાનું પીરસવાની રાહ જોતો રવિ બોલ્યો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"