ભાગ 14
આગળ આપણે જોઈ ગયા કે કેસી ક્યાંક જતી રહે છે. હવે આગળ...
કેસી મીરાને કહ્યા વગર વિજયાબેન પાસે જાય છે. કેસી વિજયાબેનના ઘરે જઈને તેમને કહે છે કે મારે તમારી સાથે કંઈક મહત્ત્વની વાત કરવી છે. વિજયાબેન કહે છે, "કેસી, હવે તારે શું મારી સાથે વાત કરવી છે? બધું પતી તો ગયું. તેં તારી મરજીનું કર્યું. હવે તારે શું જોઈએ છે મારી પાસે? તું અહીં શા માટે આવી છે?"
કેસી કહે છે, "આકાશની મીરા સાથે સગાઈની વાત મેં માનવ અને તેના પરિવારથી છુપાવી છે."
વિજયાબેન કેસીને કહે છે, "તો એ વાતનો મારી સાથે શું સંબંધ છે, તે તું મને કહીશ? તારે શું કામ છે તે તું મને સીધેસીધું કહે, આમ ગોળ-ગોળ વાત ન કર."
કેસી કહે છે, "આકાશ મીરાનો ભાઈ છે તેમ મેં માનવને કહ્યું છે."
વિજયાબેન કેસી સામે જુએ છે અને કહે છે, "કેસી, તારે ખોટું બોલવાની શું જરૂર પડી? માનવને આજ નહીં તો કાલે આ વાતની જાણ થવાની જ છે. તું ક્યાં સુધી આ વાતને છુપાવીશ?"
કેસી કહે છે, "વિજયાબેન, માનવ તમને અને આકાશને મળવા માંગે છે. તેણે મીરાને કહ્યું છે તમને ઘરે લંચ કે ડિનર પર બોલાવવાનું. તમે જ કહો જોઈએ શું કરવું?"
આ બધી વાત થતી હતી ત્યાં ધનરાજ આવી જાય છે અને કેસીને પૂછે છે, "આ હવે અહીં શું લેવા આવી છે? જરૂર તેનો કંઈક સ્વાર્થ હશે તો જ આવી હશે."
વિજયાબેન કહે છે, "પ્લીઝ, તમે થોડા શાંત થાઓ, અમને બંનેને વાત કરવા દો ધનરાજ."
ધનરાજ ગુસ્સામાં અંદર જતા રહે છે.
વિજયાબેન કહે છે, "હું આકાશને તો મારી સાથે ત્યાં મીરાના ઘરે ન લઈ જઈ શકું, પણ એક કામ થાય. હું તેમને બધાને મારા ઘરે ડિનર માટે ઇન્વાઇટ કરી શકું અને આકાશ ઘરે નથી એનું કંઈક બહાનું આપી શકાય."
કેસી વિજયાબેનને કહે છે, "તમે મીરાને જાણ કરી દેજો. હું જાઉં છું, મને મોડું થાય છે."
એમ કહીને કેસી વિજયાબેનના ઘરેથી નીકળીને બસ પકડી પાછી વસ્તીમાં પ્રમીલાબેનની દુકાને પહોંચે છે. કેસી દોડાદોડમાં એકદમ થાકી જાય છે. દુકાનમાં જેવી કેસી પગ મૂકે છે કે તરત જ પ્રમીલાબેન પૂછે છે, "કેસી, તું ક્યાં ગઈ હતી?"
કેસી શ્વાસ લેતા ખુરશી પર બેસે છે.
મીરા કહે છે, "મમ્મી, પ્લીઝ મને કોલેજ માટે મોડું થાય છે. તમે મને કહેશો કે શું કરું? માનવને બધું સાચું કહેવું છે. તો હું કોલેજથી પાછી આવું ત્યારે આપણે કહી દેશું. આમ ખોટું ક્યાં સુધી માનવ સાથે બોલશું? તેને એક દિવસ તો ખબર પડવાની જ છે."
પણ કેસી મીરાને ના પાડતા કહે છે, "માનવને તે સહન નહીં થાય કે તારી સગાઈ આકાશ સાથે થઈ હતી. માનવ ગરમ મગજનો છે. ક્યાંક આકાશની સાથે તને પણ કંઈ કરી બેસશે તો અમે તને ખોવા નથી માંગતા."
મીરાને કંઈ પણ સમજાતું નથી. તે કેસીને કહે છે, "તમે જ માનવને મારા માટે પસંદ કર્યો છે. તમને આ બધી ખબર હતી ને કે તે જૂનવાણી વિચાર ધરાવતો, પઝેસિવ, રિઝર્વ માઈન્ડનો, શોર્ટ-ટેમ્પર છે?"
નીતા કહે છે, "હા, તે તેની બહેનોને પણ ધમકાવે છે. તેની એક બહેનનું તો કોઈ ગુંડા સાથે અફેર પણ હતું. પછી તે ગુંડાનો તેની બહેનથી પીછો છોડાવવા માનવે પાંચ વર્ષ માટે તેને જેલમાં નખાવી દીધો."
મીરા કહે છે, "શું વાત કરે છે નીતા?"
ત્યાં આકાશનો ફોન મીરાને આવે છે. નીતા જુએ છે કે મીરાને આકાશનો ફોન આવે છે, પણ મીરા ફોન ઉપાડતી નથી.
મીરા કહે છે, "ચાલ નીતા, મોડું થાય છે."
કેસી કહે છે, "મીરા, તને વિજયાબેન ફોન કરશે તો તું તેની સાથે વાત કરી લેજે. હું તેમને જ મળવા ગઈ હતી."
મીરા અને નીતા દુકાનની બહાર નીકળીને ચાલવા લાગે છે.
નીતા મીરાને પૂછે છે, "તું આકાશનો ફોન કેમ આન્સર નથી કરતી?"
મીરા જવાબ નથી આપતી અને કહે છે, "કોલેજે મોડું થાય છે, મારી એક્ઝામ છે. મારે કોઈના વિશે કંઈ વિચારવું નથી. મારે મારી એક્ઝામ પર ધ્યાન આપવું છે. આટલા ટેન્શનમાં મને સમજાતું નથી હું કેમ એક્ઝામ આપીશ? શું લખીશ?"
નીતા હસતા કહે છે, "બાકી કેસી આંટીને કહેવું પડે હો! તારી મોમને કન્વિન્સ કરી લીધા."
મીરા કહે, "હા, મમ્મીએ પણ મોમને ખોટું બોલવામાં સામેલ કરી લીધા. મોમ મારા માટે એ બધું કરશે, તેમને ખોટું બોલવું પસંદ નથી."
ત્યાં મીરાના ફોનમાં માનવનો ફોન આવે છે. મીરા ફોન ઉપાડીને કહે છે, "હલો."
માનવ મીરાને કહે છે, "હું તને એક વાત તો કહેતા ભૂલી જ ગયો."
મીરા કહે છે, "શું?"
માનવ કહે છે, "બેસ્ટ ઓફ લક મીરા! તારી એક્ઝામ છે ને, હું તને ઉતાવળમાં કહેતા ભૂલી ગયો."
મીરા કહે છે, "થેંક્યુ માનવ, મને એક્ઝામ માટે લેટ થાય છે. હું તારી સાથે પછી વાત કરું છું."
એમ કહી મીરા ફોન કાપી નાખે છે.
પછી સાંજે મીરા એક્ઝામ આપીને બહાર નીકળે છે તો માનવ ગાડી લઈને સામે ઊભો હોય છે. મીરા માનવ પાસે જાય છે અને કહે છે, "મેં તને કહ્યું હતું કે હું મારી રીતે આવી જઈશ. હું નાની નથી અને મને આ બધું પસંદ નથી. હું સમજણી થઈ ત્યારથી એકલી જતી હતી, હું મારું ધ્યાન રાખી શકું છું. મારા ના પાડવા છતાં તું મને અહીં કોલેજે લેવા કેમ આવ્યો? તું મારો પીછો તો નથી કરતો ને?"
માનવ મીરા સામે જુએ છે અને કહે છે, "પેપર કેવું ગયું મીરા?"
મીરા ગુસ્સામાં કહે છે, "સારું ગયું."
માનવ કહે છે, "સારું, ચાલ ગાડીમાં બેસી જા."
મીરા ગાડીનો દરવાજો ખોલીને બેસી જાય છે અને માનવને કહે છે, "કાલથી હું એકલી જ આવીશ, તારે મને મૂકવા કે તેડવા આવવાની જરૂર નથી."
માનવ ગાડીમાં બેસે છે અને ગાડી ચાલુ કરતાં કહે છે, "તને ભૂખ લાગી હશે ને મીરા? તેં સવારનું કંઈ ખાધું નથી. હું તારા માટે સેન્ડવીચ લઈ આવ્યો છું. જો પાછળ સીટમાં પાર્સલ છે, લઈ લે."
મીરા માનવની સામે જોતા વિચારે છે, "મેં સવારનું કંઈ ખાધું નથી, તે માનવે નોટિસ કર્યું છે. તે મારી કેટલી ધ્યાન રાખે છે! મારા માટે સેન્ડવીચ પણ લઈ આવ્યો છે. હું માનવને આટલું ખીજાઈ, તેનું અપમાન કર્યું, પણ તેણે ચૂપચાપ સાંભળી લીધું. આવો માણસ શોર્ટ-ટેમ્પર અને શંકાશીલ કેવી રીતે હોઈ શકે?"
માનવ મીરાને કહે છે, "મારી સામે શું જુએ છે? મને ખબર છે હું હેન્ડસમ છું," અને હસવા લાગે છે. હસતા હસતા કહે છે, "ચલ હવે નાસ્તો કરી લે."
મીરા સેન્ડવીચ ખાઈ લે છે અને માનવને પૂછે છે, "તમારી કારમાં ટિશ્યુ છે?"
માનવ કહે છે, "ના."
મીરા પૂછે છે, "પાણી છે?"
માનવ કહે છે, "ના."
મીરા પૂછે છે, "તો માનવ, તમે જમીને પાણી નથી પીતા? ટિશ્યુથી હાથ પણ નહીં લૂછતા હો?"
માનવ કહે છે, "સોરી, મને એવું કંઈ યાદ ન આવ્યું. મેં આ પહેલા કોઈના માટે આવું કર્યું નથી."
માનવ ગાડી ઊભી રાખી અને તરત જ પાણીની બોટલ અને ટિશ્યુ લઈ આવે છે.
સાંજે જ્યારે મીરા સ્ટડી કરતી હોય છે ત્યારે વિજયાબેનનો ફોન આવે છે. મીરા મોમનો ફોન ઉપાડીને કહે છે, "કેમ છો મોમ?"
વિજયાબેન કહે છે, "સારું છે. તું તો મને ભૂલી જ ગઈ."
મીરાની આંખમાં આંસુ આવી જાય છે. મીરા કહે છે, "એવું કંઈ નથી મોમ, હું તમને કોઈ દિવસ ભૂલી ન શકું. તમે તો મારી પ્રેરણા છો."
વિજયાબેન કહે છે, "તારી એક્ઝામ કેવી ગઈ?"
મીરા કહે છે, "સારી ગઈ."
વિજયાબેન કહે છે, "તું ઘરે આવ પછી નિરાંતે બધી વાત કરીએ." અને કહે છે, "મીરા, કાલે રાતે માનવના પરિવાર સાથે ડિનર પર મળીએ. તું માનવને ઇન્વિટેશન આપી દેજે."
મીરા કહે છે, "ઠીક છે મોમ, હું માનવને જાણ કરી દઈશ."
મીરા માનવને જાણ કરવા નીચે જાય છે. માનવ ટેબલ પર બેઠો હોય છે તેની સાથે એની બહેન મંજરી પણ બેઠી હોય છે. મીરા માનવને કહે છે, "હમણાં મોમનો ફોન હતો. તેમણે આપણને બધાને કાલે ડિનર માટે ઇન્વિટેશન આપ્યું છે."
મંજરી મોઢું બગાડતા કહે છે, "મીરા, તારી મોમે માનવને ફોન ન કર્યો ઇન્વિટેશન માટે?"
માનવ મીરા સામે જોતા કહે છે, "કંઈ વાંધો નહીં, આપણે બધા ડિનર માટે જશું. મીરાની મોમ બધું ભૂલી અને આપણને ડિનર ઇન્વાઇટ કર્યા છે તો આપણે પણ આપણી ભૂલ બદલ માફી માંગી અને સંબંધ સુધારી લેવા જોઈએ."
સામેની તરફ સોફા ઉપર બેઠેલા શારદાબેન માનવ સામે જોતા કહે છે, "બરાબર છે માનવ, સંબંધ સુધારી લેવા જોઈએ. કાલે આપણે બધા જશું." અને મંજરીની સામે જોતાં શારદાબેન કહે છે, "હવે એમાં કોઈ પંચાત ન થવી જોઈએ."
મંજરીની બીજી બહેન દીપા રસોડાની બહાર આવીને કહે છે, "આપણે બધાએ જવું જોઈએ."
બીજે દિવસે સાંજે ડિનર માટે બધા તૈયાર થઈ જાય છે. માનવ મીરાને બોલાવવા તેના રૂમમાં જાય છે. મીરાએ વન પીસ પહેર્યું હોય છે તે ખૂબ સુંદર લાગતી હોય છે. માનવ બારણું ખખડાવે છે.
મીરા કહે છે, "ખુલ્લું છે, અંદર આવી જાઓ."
માનવ દરવાજો ખોલે છે તો મીરા અરીસા સામે ઊભી હતી. ગ્રીન કલરના વન પીસમાં મીરા ખૂબ સુંદર લાગતી હતી. મીરા પ્લેટફોર્મ હીલના સેન્ડલ પહેરતા કહે છે, "હું તૈયાર જ છું, બસ સેન્ડલ પહેરી લઉં. આ સેન્ડલમાં મને રાઈટ પગની દોરી બાંધવામાં પ્રોબ્લેમ થાય છે."
માનવ કહે છે, "મીરા, રહેવા દે બીજા સેન્ડલ પહેરી લે."
પણ મીરા કહે છે, "આ સેન્ડલ મારા ફેવરિટ છે. મોમે મને ગિફ્ટ આપ્યા છે. એ જ્યારે અમેરિકા ગયા હતા ત્યારે મારા માટે લઈ આવ્યા હતા."
મીરા વાંકી વળી અને સેન્ડલની દોરી બાંધવાની કોશિશ કરે છે પણ તે બંધાતી નથી.
માનવ મીરાના પગ પાસે બેસી અને સેન્ડલની દોરી બાંધવા જાય છે.
મીરા સંકોચથી કહે છે, "માનવ, રહેવા દે હું બાંધી લઈશ."
પણ માનવ સાંભળતો નથી. મીરા સંકોચથી ખીજાય અને ઊભી થઈ જાય છે અને માનવને કહે છે, "રહેવા દે માનવ, કીધું ને હું બાંધી લઈશ."
એટલી વારમાં માનવ દોરી બાંધીને ઊભો થઈ જાય છે અને દરવાજાની બહાર નીકળતા કહે છે, "ચાલ, બધા નીચે રાહ જુએ છે."
મીરા કંઈ બોલે ત્યાં મીરાના ફોનમાં વિજયાબેનનો ફોન આવે છે. મીરા ફોન ઉપાડે છે તો વિજયાબેન કહે છે, "મેં તમારા માટે ગાડી મોકલી છે, તમારા ઘરની બહાર ઊભી છે. તમે લોકો તેમાં બેસી અને આવી જાઓ."
મીરા હા પાડી અને ફોન મૂકી દે છે.
માનવ અને મીરા બંને એકસાથે નીચે ઉતરે છે. ઘરના બધા માનવ અને મીરાને એક સાથે સીડી પરથી નીચે ઉતરતા જુએ છે. તે બંને સુંદર લાગતા હોય છે. શારદાબેન અને દીપા બંને એકબીજાની સામે જુએ છે. દીપા મીરાને કહે છે, "તું આજે ખૂબ સુંદર લાગે છે." શારદાબેન માનવને કહે છે, "આજે મારો દીકરો રાજકુમાર જેવો લાગે છે."
પછી બધા વિજયાબેનના ઘરે પહોંચે છે.
શું માનવને આકાશ વિશે ખબર પડશે? આગળ શું થશે?