પર્વત નજીક દરેક જણ હાવરુંબાવરું થઈ ક્યાંક આશ્રય ગોતતું હતું.
કોઈએ એક ઝૂંપડી હેઠળ, કોઈએ નજીકમાં કોઈના શેડમાં ગાયભેંસ સાથે તો અમુક લોકોએ દોડીને ભોલારામની દુકાનના ઓટલે જ આશ્રય લીધો.
એકલી બિંદિયા જ એવી હતી કે દોડીને ક્યાંય ન ગઈ.
એને તો એ જ જોઈતું હતું, પોતાની છત્રી નીચે વરસાદમાં ઊભવું. છત્રી નીચે ઊભી નીચેથી એનાં આસમાની રંગનાં પ્લાસ્ટિક નીચેથી એને ઉપરથી પડતી વરસાદની ધારાઓ જોવાની ખૂબ જ મઝા આવી. વરસાદ પૂરો થયો પણ ઘેર જવાની ના એને ઉતાવળ હતી ન એની નીલુ કે ગૌરીને.
આખરે બધું કોરું થતાં એ ધીમા પગલે છબછબિયાં કરતી ઘેર જવા નીકળી તો એણે જોયું કે બિજજુ કોઈ ગુફા જેવી જગ્યાએ એક ખૂણે ચોપડીઓ સાચવીને ઊભો હતો. એને પલળવું ગમતું હતું પણ પોતાની ભણવાની ચોપડીઓ પલળે એ પોષાય એમ ન હતું. બિંદિયાએ એને બોલાવી છત્રી આપી ને પોતે એની ચોપડીઓ હાથમાં રાખી સાથે ચાલી.
ઘર આવતાં જ મા બહાર ઊભી કહે “અરે બિંદિયા, આવા વરસાદમાં શું કરતી હતી?”
“મા, હું મારી છત્રી કેવુંક કામ આપે છે એ જોતી હતી. મા, એણે મને જરાય પલળવા ન દીધી.” કહેતાં એણે છત્રી ખુલ્લી જ મૂકી દીધી.
**
થોડા જ દિવસોમાં ચોમાસું બરાબરનું જામ્યું. સૂર્ય ક્યારેક જ ડોકિયું કરતો. સફેદ વાદળોએ પર્વતોનો જાણે કબજો લઈ ડેરો જમાવી દીધો હતો. ટેકરીઓ લીલી છમ બની ગઈ હતી. ઋતુ ખૂબ સરસ હતી.
એક માત્ર સમસ્યા જળોની હતી. એ ગમે ત્યાંથી ફૂટી નીકળતી હતી અને લોહી ચૂસીને પણ માંડ છૂટતી. લોહી નીકળે, સૂઝી જાય છતાં કેટલાક લોકો કહેતા કે જળો લોહી ચૂસે તો શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે. ભોલારામ એમાંનો એક હતો. માથાના દુખાવા માટે એ કોઈ જળો પકડીને કપાળ પાસે લગાવતો. હમણાં હમણાં એનું માથું કદાચ સતત દુખતું. મગજમાં પેલી છત્રી પોતાની નથી થઈ એ વિચાર ચાલ્યા કરતો તે!
વરસાદમાં બિંદિયાના ઘરના છાપરે જાતજાતનાં જીવજંતુઓ ને પક્ષીઓના પીંછાં આવીને નીચે ખરતાં. જમીનમાંથી ઉંદરો પણ નીકળીને સંઘરેલું અનાજ ખાઈ જતા. પૂંછડીએથી પકડીને ઉંદરો ફેંકવા એ બિજ્જુનો પ્રિય શોખ હતો પણ ક્યારેક ઉંદરનું દર સમજીએ ને વીંછી કે ક્યારેક તો સાપ પણ નીકળે એનાથી સાચવવાનું રહેતું.
બિંદિયા એક વખત સીમમાંથી જતી હતી ત્યારે એને બાજુની ઝાડીમાં સૂકાં ઘાસ પર ખખડાટ સંભળાયો. એણે કોઈ કાળી વસ્તુ બહાર આવતી જોઈ. એ ફાટી આંખે જોઈ જ રહી. એ તો કાળો નાગ હતો!
એક ક્ષણ તો બિંદિયાં ડઘાઈ ગઈ પણ પ્રતિકાર તો કરવો જ રહ્યો. હિંમત એકઠી કરી એણે પથરા ફેંકવા કોશિશ કરી પણ એમાં તો નાગ ખિજાયો. એણે ફેણ પહોળી કરી, ડોક ટટ્ટાર કરી જીભ લબલાવતો બિંદિયા તરફ હુમલો કરવાની તૈયારી કરવા લાગ્યો. એણે પહેલાં એક જોરદાર ફૂંફાડો માર્યો. બિંદિયાથી ભયના માર્યા ખુલ્લી છત્રી સાપ સામે ધરાઈ ગઈ. એણે છત્રીની અણી સાપ સામે ધરી દીધી. સાપે ચીપિયા જેવી જીભ આગળ કરતાં ફૂંફાડો મારી બિંદિયા તરફ હુમલો કર્યો. બિંદિયા થથરી રહી. એનાં મોંમાંથી અવાજ નીકળી શક્યો નહીં.
સાપે છત્રી સાથે બે વખત થડ.. થડ.. કરતું માથું પછાડ્યું પણ મજબૂત સિલ્કના કાપડે મચક આપી નહીં. આખરે છત્રીની અણી સાથે માથું ભટકાવી ઇજાગ્રસ્ત થયો હોય તો એમ, એ ભીની જમીન પર વળીયાં ખાતો ફરીથી ઝાડીમાં સરકી ગયો.
આજે તો ડરી ગયેલી બિંદિયા ક્યાંય રોકાયા વગર દોડતી ઘેર આવી ગઈ અને શ્વાસ ચડેલા અવાજે એક શ્વાસે મા ને પોતાની આપવીતી કહી. છત્રીએ એને આબાદ બચાવી હતી.
ગાયો હજી સીમમાં હતી. હવે કદાચ કોઈ સાપ સામે મળે તો પ્રતિકાર કરવા બિજ્જુ લાકડી લઈને નીકળ્યો અને ગાયો લઈ આવ્યો.
ક્રમશ: