Asmani Rangni Chhatri re.. - 10 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસમાની રંગની છત્રી રે.. - 10

Featured Books
  • તલાશ 3 - ભાગ 47

    ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમ...

  • મારા અનુભવો - ભાગ 45

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 45શિર્ષક:- ભેદ - અભેદલેખક:- શ્ર...

  • ડેન્ગ્યુ

                    સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં જુલાઇથી ઓકટોબર...

  • Spyder - એક જાળ - ભાગ 1

    પ્રારંભ વર્ષો સુધી મંદિરમાં માનતાઓ માન્યા પછી, પ્રાર્થનાઓ, વ...

  • અધૂરા સંબંધો

    આ લઘુનવલ "અધૂરા સંબંધો" ને નોવેલ સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છ...

Categories
Share

આસમાની રંગની છત્રી રે.. - 10

10.

પછી બેય વચ્ચે આવો સંવાદ થયો.

“લ્યો બોલો, વધુ પૈસા આપવાનું કહો!  મફત આવે છે? થોડું આડું તેડું કરી, તેલ નીકળી જાય ત્યારે આ તેલ વેંચતા દુકાન ચાલે છે. સમજ્યો?” ગુસ્સામાં ભોલારામ બોલ્યો.

“એને સમજાવો કે છત્રી હવે જૂની થઈ. એના હવે સો તો શું, પચીસ પણ ન આવે.  રંગ ઉખડી ગયો છે, ટાંકા પણ માર્યા છે.  એ સમજાવી એના તમે ત્રીસ કહો.”

“એ કે એનાં મા બાપ નહીં સમજે.”

“સાચું કહું છું શેઠ, આ છત્રી તમે પણ વેંચવા જશો તો સરખા પૈસા નહી આવે. 

આમેય તમે દુકાન છોડીને ક્યાંય જતા નથી તો એનો તમારે કોઈ ઉપયોગ પણ નથી.

એનો મોહ રાખી શું કામ દુઃખી થાઓ છો?”

“તે અહીં કોણ એનાં ફદીયાં  ઊભાં કરવા માગે છે? હું કોણ? આ ગામનો એક માત્ર શાહુકાર. આ છત્રી તો મારી દુકાનમાં જ શોભે. એક ઘરેણાં તરીકે. લોકોમાં મારો મોભો પાડવા. સમજ્યો?”

“એમ તો ખેતરમાં ચાડિયાની પણ શું જરૂર હોય છે? લોકો રાખે અને એની ઉપર બેસીને જ ચકલાં દાણા ચણે. જરૂર વગર શોભાના ગાંઠિયા રાખી દુઃખી શું કામ થવું?”

રાજારામની વાત વ્યાજબી હતી પણ અત્યારે એના શેઠ સમજવાના મૂડમાં ન હતા.

“ડોબા, એમ તો તારી પણ અહીં શું જરૂર છે? હું માણસ રાખી શકું છું એ બતાવવા જ તને રાખ્યો છે ને?” ભોલારામ બોલ્યા.

રાજારામે સાંભળ્યું ન સાંભળ્યું કરી કામનો દેખાવ કરવા માંડ્યો.

થોડી વાર મૂછો ચાવતાં ઊંડો વિચાર કરી ભોલારામ કહે “મારો જીવ હવે આ છત્રીમાં છે. કોઈ પણ ભોગે મારે એ હાથ કરવી છે. પછી ભલે આ દુકાનના થડા સામે ખીંટીએ લટકતી રહે. એ નહીં મળે ત્યાં સુધી મારો જીવ શાંત નહીં થાય.”

મનમાં “લે, આ લોભિયાને મારી જરૂર પેલી છત્રી જેટલી જ છે! હું શોભાનો ગાંઠિયો! બાર બાર કલાક કુટાઈને પણ!” બોલતો રાજારામ ચા ની કીટલીમાં પાણી ઉકાળી રહ્યો. એક ક્ષણ તો થયું કે આ તપેલી ભોલારામનાં થોબડાં પર ફેંકું.

એની વિચારધારા પણ અવિરત ચાલી. ઓચિંતુ કહે “ શેઠ, એ છત્રી હું તમને લાવી આપું તો તમે મને શું આપશો?”

ભોલારામ એકદમ ચમક્યો.

“શું? તું  શું કહેવા માગે છે?”

“તમે સમજ્યા છો એ જ. તમે મને શું આપશો?

“તું ચોરી કરીને એ છત્રી લાવી આપીશ?  નાલાયક? સારું છે તું મારો દીકરો નથી. નહિંતર ઝૂડી નાખત. ગામ આખું જાણે છે એ છત્રી કોની છે. હું નહીં એને બહાર બતાડી શકું નહીં. થોડો વખત સંતાડી શકું. પોલીસનાં લફરાં થાય ને મારાં ધોળા માં ધૂળ પડે.”

“તે અમથી પણ પડી જ છે” ધીમેથી રાજારામ બોલ્યો.

“શેઠ, હું એને કોઈ પણ રીતે લઈ આવું. પછી તમારે એને ફરીથી પહેલાં જેવી રંગાવી દેવાની કે બીજો કોઈ, અર્ધો લાલ અર્ધો ભૂરો રંગ રંગાવી કહેવાનું કે હું તો એને મોટી રકમ આપી દિલ્હીથી ખરીદી લાવ્યો. હા, થોડો વખત ગામમાંથી અલોપ થઈ જવું પડે. બહારગામ ગયા એમ બતાવવા.” રાજારામે  પોતાની યોજના કહી.

“તો મને તમે કેટલા આપશો? આમ તો મારો પગાર છે એમાં મહિને ત્રીસ રૂપિયા વધારી દો.”

“જા જા હવે. એક વાર  છત્રી લાવી આપવાના દર મહિને? હું પચાસ આપીશ. બોલ. સો સવાસો માં તો નવી છત્રી આવે છે.” શેઠે કાઉન્ટર ઓફર મૂકી.

“તમારે રોજ એ  છત્રી જોઈ  દુઃખી થવું છે કે એકવાર હાથ કરી દુનિયાને બતાવવું છે? ચાલો, સો રૂપિયા. નવી કદાચ મળે તો પણ સિલ્કના કાપડની ત્રણસો ચારસો થી ઓછી ન આવે. બોલો, શું કરવું છે?”

રાજારામે છેલ્લો પાસો ફેંક્યો.

“સાલા દુષ્ટ, તું નહીં માને. જા, કબુલ સો રૂપિયા. લઈને કર હાજર.” કહેતાં ભોલારામે પાણીનો કળશ્યો ઊંચેથી પીતાં ગટગટાવ્યો. પાણી   ઓનાળે ગયું. એણે ઉપરાઉપરી ઉધરસો ખાધી.

ક્રમશ: