ધ્યાંશી શિવાંશ એટલે કે એના બોસ દ્વારા બોલાયેલા ઊંચા અવાજ અને શબ્દોથી આઘાતમાં હતી. રડતી રડતી એ બહાર તરફ જવા દરવાજો ખોલતી હતી ત્યાં જ એને ચક્કર આવ્યા.
ચક્કર ખાઈને એ નીચે પડવા જ જતી હતી ત્યાં જ એને કોઈએ પોતાની મજબૂત બાહોમાં લઈ લીધી. એ મજબૂત હાથ બીજો કોઇનો નહીં પણ ખુદ શિવાંશ એટલે કે ધ્યાંશીના બોસ નો જ હતો!
શિવાંશે ધ્યાંશીને ઊંચકીને કેબિનમાં રાખેલા સોફા પર જાળવીને સૂવડાવી અને ફટાફટ જઈને ટેબલ પર રાખેલો પાણીનો ગ્લાસ લઈને આવ્યો. પાણીના ગ્લાસમાંથી પાણી હાથમાં લઈને એણે ધ્યાંશી પર છાંટ્યું અને એને હલબલાવીને બોલાવવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ ધ્યાંશીની આંખ પણ ના ખુલી કે ના તો એનું શરીર હલ્યું.
"હેલ્પ... હેલ્પ" મદદની બૂમો પણ શિવાંશે પાડી પરંતુ સાઉન્ડ પ્રૂફ કેબીનની બહાર એનો અવાજ થોડી નીકળવાનો!!
પોતાની નાદાની સમજાતા શિવાંશ ધ્યાંશીની બાજુમાંથી ઊભો થયો અને નીચે બૂમ પાડી અને ડોક્ટરને બોલાવ્યા.
શિવાંશનો અવાજ આવતા જ ત્યાં રહેલા ડોક્ટર પણ ફટાફટ દોડતા ઉપર આવી પહોંચ્યા અને પરિસ્થિતિ ફટાફટ સમજીને ડોક્ટરે પોતાની સારવાર પણ શરૂ કરી દીધી.
"સર, આપણે મેડમ ને નીચેના વોર્ડમાં લઈ જઈએ??" ત્યાં રહેલા ડોક્ટરે ડરતા ડરતા શિવાંશને પૂછ્યું.
"ના... જે સારવાર કરો એ મારી સામે કરો.. અને... અને.. એને શું થયું છે?" શિવાંશ હવે અધીરો બની ગયો હતો. કદાચ એ ધ્યાંશીને એકલા કોઈ ભરોસે મૂકવા નહોતો માંગતો.
"સર, વી શુડ નોટ ટેક રિસ્ક. આપણે ડૉ. ધ્યાંશીને વોર્ડમાં લઈ જવા જ પડશે. પ્લીઝ ટ્રાય ટુ એન્ડરસ્ટેન્ડ." ડૉ. મિહિર જે અહીંના સિનિયર હાર્ટ સ્પેશિયલિસ્ટ હતા એ અત્યારે ડૉ. શિવાંશને સમજાવી રહ્યા હતા.
"પણ... ધ્યાંશી..." શિવાંશ પણ ડોક્ટર હતો એટલે એ કેસની ગંભીરતા સમજતો હતો. એણે કમને ધ્યાંશીને વોર્ડમાં ખસેડવાની પરવાનગી આપી.
ડૉ. શિવાંશની પરમિશન મળતા જ થોડો પણ સમય ગુમાવ્યા વગર ડૉ. મિહિર ધ્યાંશીને આગળ ચેકઅપ કરવા માટે વોર્ડબોયને ધ્યાંશીને સ્ટ્રેચર પર સૂવડાવી અને સ્પેશિયલ વોર્ડમાં લઈ જવા સૂચના આપી અને ત્યાં હાજર રહેલા સ્ટાફમાંથી સૌથી અનુભવી નર્સને એક પછી એક સુચના આપીને ફટાફટ પોતે પણ ધ્યાંશી પાસે જવા લાગ્યા.
આ બધા તો અત્યારે ડૉ. શિવાંશના કેબીનમાંથી જતા રહ્યા પણ ડૉ. શિવાંશના પગ હજુ ત્યાં જ જમીનને ચોંટેલા રહી ગયા હતા.
ડૉ. શિવાંશે પોતાના પગ ઉપાડયા અને ફટાફટ નીચે જવાં માટે કેબીનની બહાર નીકળતા હતા ત્યાં જ એમને કંઈક યાદ આવ્યું અને ફરી એ ત્યાં જ રોકાઈ ગયા.
"આ હું શું કરી રહ્યો હતો? હું હવે શિવ નથી રહ્યો. એ તો ઘણા વખત પહેલા જ મરી ગયો હતો." ડૉ. શિવાંશ પોતાની કેબીનની અટેચ રહેલા બાથરૂમના મીરર સામે જોઇને પોતાને બોલતા હતા.
સ્વસ્થ થઈને એ કેબીનની બહાર આવ્યા અને ફરી પોતાની ચેર ઉપર જઈને બેઠા. હમણાં થોડીવાર પહેલા રહેલી ચિંતાની લકીરો અત્યારે ગાયબ હતી. હવે ફરી પહેલા જેવો સપાટ ચહેરો ડૉ. શિવાંશનો હતો. ચહેરાના હાવભાવને તો એ કંટ્રોલ કરી શક્યો પણ મનની અને હૃદયની અંદર ઉમટી રહેલી ચિંતા સહેજેય હટવાનું નામ નહોતી લેતી.
"એક વાર ખાલી જોઈ લવ હું. ગમે તેમ તોયે એ મારી હોસ્પિટલની સ્ટાફ મેમ્બર છે. હોસ્પિટલના ડીન હોવાને નાતે મારે મારા સ્ટાફનું ધ્યાન રાખવાની ફરજ બને અને આ ઘટના તો આમેય મારી કેબિન માં જ બની છે એટલે એક વાર એક ડીન હોવાના નાતે હું જાતે જઈને એની ખબર પૂછી આવું." બધા વિચારો કર્યા પછી છેલ્લે ડૉ. શિવાંશે ધ્યાંશીની ખબર પૂછવા જવાનું નક્કી કર્યું એ પણ ફક્ત ડીન હોવાના નાતે!!
એણે નીચે જવા માટે પગ ઉપાડયા ત્યાં જ એના ડેસ્ક પર રહેલા લેન્ડલાઇનની રિંગ વાગી.