"આમને આમ દિવસો પૂરા થઈ જશે. મને નથી લાગતું કે હું ક્યારેય આ દલદલમાંથી છૂટી શકીશ. જો મે કાઈ ના કર્યું તો કદાચ મારે આ જ જિંદગી જીવવાની થશે. મારી જોબ, મારું સ્વપ્ન, મારી લાઇફ!! હવે તો કાંઈક નક્કી કર્યેજ છૂટકો." ધ્યાંશી પોતાના ડેસ્ક પર બેઠા બેઠા વિચારો કરી રહી હતી.
ત્યાજ એની ફેસ સામે કોઈએ ચપટી વગાડી. એટલે એ વિચારમાંથી બહાર આવી. થોડા અચરજ સાથે એને ઉપર જોયું તો સીધી ચેરમાંથી ઊભી થઈ ગઈ.
"કામ કરવા આવ્યા છો કે સપનાની દુનિયામાં રાચવા મિસ ધ્યાંશી?" રૂઆબદાર અવાજ, ભૂરી આંખો, ગોરો ચહેરો, જીમમાં જઇને બનેલું ઘાટીલું બોડી, જોઈનેજ કોઈ ઘાયલ થઈ જાય એવું વ્યક્તિત્વ.
"આમ જ જોઈ રહેવાનું છે કે પછી કાંઈક બોલશો?" જવાબ ના મળતા અકળાયેલા અવાજે ફરી ધ્યાંશીની આંખમાં આંખ નાખીને ફરી અવાજ આવ્યો.
હજુ ધ્યાંશી એ ચહેરા સામું જોઈ રહી હતી. આ એ જ ચહેરો હતો જેણે ૨ વર્ષમાં ધ્યાંશીની જિંદગી સમૂળગી બદલી નાખી હતી. આ જગ્યાએ બીજી કોઈ છોકરી હોત તો આ ચહેરાના પ્રેમમાં પડી ગઈ હોય. પણ આ તો ધ્યાંશી હતી. એના માટેતો આ ચહેરો પ્રેમ તો શું પણ નફરતને પણ લાયક નહોતો. નફરત કરવા માટે પણ એક સંબંધ હોવો જરૂરી હોય, જ્યારે આ માણસ સાથે તો એને કોઈ સંબંધ નહોતો રાખવો.
"હે??...શું??" ધ્યાંશી હજુ શું બોલવું એનો વિચાર કરતી હતી. આ જગ્યાએ જો એનું ઘર હોત તો ક્યારનો ઉધડો લઇ લીધો હોત પણ ઓફિસમાં તો આ માણસની જીહજૂરી જ કરવાની હતી.
"મિસ. ધ્યાંશી પરીખ, તમને કેવામાં આવે છે" આ વખતે બોલાયેલો અવાજ એટલો ઊંચો હતો કે ત્યાં સૌથી છેલ્લે બેઠેલો માણસ સહિત બધા અવાજ સાંભળીને ઉભા થઈને વિસ્ફારિત ચહેરે જોવા લાગ્યા.
"આજેતો ધ્યાંશી ગઈ." બધા મનોમન ધ્યાંશી સામે જોઇને વિચારી રહ્યા હતા.
"નજર નીચે" એકદમ કડક અવાજમાં બોલાયેલા શબ્દો જેવા બધાના કાનમાં અથડાયા એવા બધાની નજારો ધ્યાંશિ માંથી હટીને નીચે થઈ ગઈ અને પેલા ચહેરાની નજર ધ્યાંશી તરફ ફરી સ્થિર થઈ.
"અમમ... હ...હું...એતો..." ધ્યાંશી હજુ શબ્દો ગોતી રહી હતી.
"બે મિનિટમાં મારી કેબિનમાં તમે જોઈએ." ઓર્ડર આપતો એ ચહેરો એજ રુક્ષ ચહેરે અને કડકાઈ સાથે ઠાસ્સાથી ચાલતો કેબિન તરફ ગયો.
હજુ દ્યાંશી ત્યાજ ઊભી હતી. એની આંખોમાંથી એ ચહેરો ઓજલ નહોતો થયો. થાય પણ કેમ એ માણસના લીધે આજે એની પરિસ્થિતિ ખરાબ બની હતી.
બાજુમાં ત્યાજ ઊભી રહેલી કૃતા એની પાસે આવી અને એના ખભે હાથ મૂક્યો. જાણીતો હાથ મૂકાતા એની નજર કૃતાં પર પડી. ધ્યાંશી આમ તો રડું રડું થઈ ગઈ હતી પરંતુ અત્યારે રડવાનો વખત નહોતો એની પાસે એટલે એ ફટાફટ વોશરૂમ તરફ ગઈ.
વોશરૂમમાં જતા જ પોતાના આંસુને સંતાડવા એણે ઠંડા પાણીની છાલકો મોઢા પર લગાવવા માંડી. ઠંડા પાણીથી એને પોતાને પણ થોડું સારું લાગ્યું એટલે રૂમાલથી ચહેરાને ટેપ ટેપ કરીને લૂછ્યો અને મિરરમાં પોતાની જાતને નિરખીને પોતાને હવે પછીની પરિસ્થિતિ માટે એણે તૈયાર કરી.
"ચલ ધ્યાંશી, તૈયાર થઈ જા... ગોળીઓ જીલવા માટે. આ લોર્ડ કર્ઝન તારા શરીરના ટુકડે ટુકડા કરીને આજે કચરામાં ફેંકી દે એ પહેલાં જ કાઇક વિચાર જેથી તું બચી જાય..." ધ્યાંશી મિરરમાં જોઇને પોતાને આજની પરિસ્થિતિ માટે તૈયાર કરી અને પછી વધુ સમય ના બગાડતા ઉપર એના બોસની ઓફિસમાં જવા પગ ઉપાડયા.
"જેવું એમનું મગજ છે એના કરતા ક્યાંય ઊંધું એમના કેબિન બહારનું વાતાવરણ છે... એકદમ શાંત... શાંત જ હોય ને... કોણ ફરકવા માંગે આ કેબિનની આજુબાજુ પણ... ખબર નહીં મારા નસીબ કેમ આવા હશે કે મને આ જ બોસ મળ્યા મારી પહેલી નોકરી પર... બોન્ડ સાઈન કરાવ્યો એટલે જોબ છોડી પણ નહીં શકું... ભગવાન પ્લીઝ આ દસ મહિના મારા હેમખેમ પાર પાડી દેજો બસ" ધ્યાંશી ભગવાનને હાથ જોડતા જોડતા ઉપરના માળે જવા પગથિયાં ચડતી જતી હતી અને બોલતી જતી હતી.
"અંદર આવું સર?" ધ્યાંશીએ એકદમ ધીમા અવાજે દરવાજો નોક કરીને પૂછ્યું.
કેબિનમાં અંદર એકદમ શાંતિ હતી ... ધ્યાંશી જાણતી હતી કે આ યુદ્ધ પહેલની શાંતિ છે...
(જોવું છે કેવું યુદ્ધ થાય છે ધ્યાંશી અને એના બોસ વચ્ચે?)