Betterhalf - 6 - Last part in Gujarati Short Stories by S I D D H A R T H books and stories PDF | બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-6 (અંતિમ પ્રકરણ)

Featured Books
Categories
Share

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-6 (અંતિમ પ્રકરણ)

 બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩)

પ્રકરણ-૬ (અંતિમ પ્રકરણ)

        “ખટ..ખટ...!”

        મોડી રાતે રમાકાન્ત ત્રિવેદીએ વિશાલના ઘરના દરવાજે ટકોરાં માર્યા.

        કેટલીકવાર પછી દરવાજો ખુલ્યો. અંદર અથર્વને ઉભેલો જોઇને રમાકાન્ત સહેજ ગભરાયો પણ અને ચોંક્યો પણ.

        “ઓહ..અ..વિશાલ..!” કંઈ ન સૂઝતાં રમાકાન્ત સહેજ ગભરાયેલાં સૂરમાં બોલ્યો “મારે પૈસા લેવાનાં છે...ઉધાર આપ્યા’તા...!”

        “ઉધારી હું ચૂકવવાનો છું...!” ઠંડા કઠોર સ્વરમાં બોલી અથર્વે રમાકાન્તનો કોલર પકડ્યો અને તેને અંદર ખેંચ્યો.

                “અરે પણ..”

        “મારી વાત કાન ખોલીને સાંભળ....!” રમાકાન્ત કંઈ બોલે એ પહેલાં અથર્વે દરવાજો બંધ કરી તેને દરવાજાની પાછળ દબોચીને એવા જ કઠોર સ્વરમાં કહ્યું.

        “આજ પછી જો તે આ ઘર સામે કે પછી કામ્યાની સામે આંખ ઉંચી કરીને જોયું...! તો તારી ઉંમર પૂરી થાય એ પહેલાં જ તને ઉપર પહોંચાડી દઈશ...!”

        “હું ...હું તો ખાલી મ..મારાં પ...પૈસા લેવા..!” ગભરાયેલો રમાકાન્ત “ત..ત..ફ..ફ..” થઇ ગયો.

        “શશશ....!” અથર્વે પોતાના હોંઠ ઉપર આંગળી મૂકી તેને ચૂપ રહેવાનો ઈશારો કર્યો.

        “તારે અને વિશાલને જે લેન-દેન હોય...એ તું જાણે અને વિશાલ જાણે....કામ્યા સામે જોયું....હાથ પગ સાજા નઈ રે’વા  દઉં..!”

        અથર્વની લાલ-લાલ આંખો જોઈને રમાકાન્ત ગભરું પારેવાંની જેમ ફફડી ગયો.

        “અને વિશાલને પણ જોઈ કંઈ કીધું...તો..!”

        અથર્વે રમાકાન્તને સારી પેઠે ધમકાઈ નાંખ્યો. આઘેડથી વધુ વયનો, પાન-મસાલા ખાઈ-ખાઈને સુકલકડી થઇ ગયેલો રમાકાન્ત ત્રિવેદી ફફડી ગયો.

***

        “તમારે ચિંતા કરવાની જરૂર નથી....!” ઉપરના માળે આવતાં જ અથર્વ બોલ્યો “હવે એ તમને હેરાન  નઈ કરે...!”

        કામ્યાએ ચિંતાતુર ચેહરે મલકાઈને અથર્વ સામે જોયું.

        “પણ એ વિશાલને કોલ કરીને કઈ દેશે...!” કામ્યા એવા જ સ્વરમાં બોલી.

        “તમે ચિંતા ન કરો..!” અથર્વ સાંત્વના આપતો હોય એમ બોલ્યો “બધું જોયું જશે..! હું સમજાઈ દઈશ એને”

        “હું આટલાં વર્ષોથી સમજાઉં છું...એ સમજે એવો નથી...કેમકે એ સમજવા જ નથી માંગતો...!” કામ્યા બોલી “એ મને કોઈને કોઈ રીતે મજબૂર કરશે...એ ડોસા જોડે અ..!”

        કામ્યા બોલતાં-બોલતાં અટકી ગઈ. વિશાલની હરકતથી પોતે શરમ અનુભવતી હોય એમ તેણીએ સંકોચથી મોઢું ફેરવી લીધું.

        “મારે બસ છૂટવું છે..!” કામ્યા બોલી.

        કશું ન સૂઝતાં અથર્વ મૌન રહ્યો અને સહાનુભૂતિપૂર્વક કામ્યા સામે જોઈ રહ્યો.

        “થેન્ક યુ..!” કામ્યા ભાવુક સ્વરમાં પરાણે સ્મિત કરીને બોલી અને જવા લાગી “મારી હેલ્પ કરવા માટે...!”

        અથર્વે વળતું દબાયેલું સ્મિત કર્યું અને કામ્યાથી ચાલી ગઈ.

        “મારે બસ છૂટવું છે..!” કામ્યાના એ શબ્દો અથર્વના કાનમાં પડઘાઈ રહ્યાં અને અથર્વ વિચારી રહ્યો.

***

        કામ્યા પોતાના રૂમમાં આવીને બેડમાં ફસડાઈ પડી.

        આજે અથર્વ ન હોત તો પોતે કદાચ આ જ બેડમાં ડોસા રમાકાન્તની વાસના સંતોષતી હોત અને વિશાલનું દેવું ચુકવતી હોત. પોતાની એ સ્થિતિ ઉપરથી તેણીને મહાભારતની દ્રૌપદી યાદ આવી ગઈ. દ્રૌપદીએ પણ પોતાના જુગારી પતિનું દેવું જ ચૂકવવા માટે જ ભરી સભામાં નિર્વસ્ત્ર થવું પડ્યું હતું. તે જાણી ગઈ હતી કે યુગ કોઈ પણ હોય, સ્ત્રીઓની હાલત આ જ રહેવાની હતી. પોતે હવે નક્કી કરી ચૂકી હતી કે તે આ યાતનામાંથી કાયમ માટે છુટી જવા માંગે છે. પરંતુ અથર્વને લીધે તે અટકી ગઈ હતી. અથર્વની યાદ આવી જતા તેણીને અથર્વ સાથે વિતાવેલ આજનો દિવસ યાદ આવી ગયો અને તે મલકાઈ ઉઠી. ઘડીકવાર માટે તેણીને રાહત થઇ. ત્યાં જ ફરીવાર વિશાલ, રમાકાન્ત વગેરે વાતો યાદ આવી ગઈ અને તેણીનું મૂડ બદલાઈ ગયું.

“ઠક.... ઠક....”

બેડમાં બેઠાં-બેઠાં તેણી વિચારે ચડેલી હતી ત્યાં જ રૂમના દરવાજે ટકોરા પડ્યા.

ટકોરાનો અવાજ સાંભળી કામ્યા ધ્રુજી ઉઠી.

“ફરીવાર રમાકાન્ત આયો હશે કે શું..!” તે બેડમાંથી સફાળી બેઠી થઇ ગઈ.

“ના...ના..એની હિંમત હવે ના થાય....!” કામ્યાએ વિચાર્યું પછી દરવાજો ખોલવા ગઈ “વિશાલ હોવો જોઈએ...!”

દરવાજો ખોલતાં-ખોલતાં તે અટકી અને વિચાર્યું.

“પણ એ તો હજી એક-બે દિવસે આવશે..!?” ફરીવાર તે વિચારવા લાગી “તો પછી...? ક્યાંક એણે રમાકાન્તની જેમ બીજા કોઈને તો નઈ કીધું હોય ને..!? મારી પાસે ઉધારી વસૂલ કરવા...?”

કામ્યા ફરીવાર ધ્રુજી ગઈ. માંડ હિમ્મત ભેગી કરીને તેણીએ દરવાજો ખોલ્યો.

“ઓહ...તમે..!?” સામે અથર્વને ઉભેલો જોઇને કામ્યાને આશ્ચર્ય થયું.

“તમે કીધું કે તમે છૂટવા માંગો છો...!” અથર્વ શાંત સ્વરમાં બોલ્યો.

“ઓહ...એટલે તમને એમ કે હું...!” અગાઉની ઘટના યાદ આવી જતાં કામ્યા છોભીલી પડી હોય એમ બોલી અને રૂમમાં સહેજ અંદર ખસી.

અથર્વ અંદર આવીને ઉભો રહ્યો.

“મારી પાસે બીજો કોઈ રસ્તો નથી..!” અથર્વ તરફ પીઠ રાખીને ઉભેલી કામ્યા નિ:સહાય સ્વરમાં બોલી.

“મારું ટ્રાન્સફર થઇ ગયું છે....!” અથર્વ એવા જ શાંત સ્વરમાં બોલ્યો “આવતીકાલે ત્યાં રીપોર્ટીંગ કરવાનું છે...! હું વેદિકાને પણ જોડે લઇ જવાનો છું...”

કામ્યા તેની તરફ ફરી. અથર્વના ચેહરા ઉપર કોઈ જ હાવભાવ નહોતાં. તેનો સ્વર પણ એકદમ સ્વસ્થ હતો.

“ત્યાં વેદિકાની દેખભાળ માટે કોઈ નથી..!” અથર્વ બોલ્યો અને કામ્યાની આંખોમાં જોયું.

કામ્યાના ધબકારા વધી ગયાં.

“તમારે અહિયાંથી છૂટવું જ છે..તો મારી સાથે ચાલો...”  

પોતે કદાચ જે સાંભળવા માંગતી હતી તે અથર્વ તદ્દન સ્પષ્ટ શબ્દોમાં બોલી ગયો.

“હું વચન આપું છું...તમને કોઈ જ તકલીફ નઈ પડવા દઉં...!” અથર્વ પોતાની હથેળી આગળ કરીને બોલ્યો “અને હું ફક્ત વેદિકા માટે તમને સાથે આવવા નથી કહેતો...મારા માટે પણ કહું છું...!”

કામ્યાની આંખ ભીની થઇ ગઈ. પોતે જે યાતનામાં ફસાયેલી હતી, ત્યાંથી કોઈ તેણીને બચાવી લે એવું તે ક્યારની ઈચ્છતી હતી. અથર્વના રૂપમાં તેણીને એ તારણહાર દેખાયો પણ હતો અને છેવટે અથર્વે તેણીની તરફ પોતાનો હાથ પણ લંબાવી દીધો.

“Be my Better half...!” કામ્યા સામે હથેળી ધરી રાખી અથર્વ શાંત સ્વરમાં બોલ્યો.

કેટલીક ક્ષણો કામ્યા અથર્વ સામે જોઈ રહી. પછી પોતાની હથેળી લંબાવી અથર્વના હાથમાં મૂકી દીધી.

***

“આ શું...!?દરવાજાને ખાલી હેન્ડલ મારેલું છે...!”

બહાર ફરવા ગયેલો વિશાલ ઘરે આવતા જ બંધ દરવાજાના હેન્ડલ સામે જોઈને બોલ્યો.

“કેટલીવાર કીધું આ બાઈને...કે ઘરની બહાર જાય..ત્યારે તાળું મારીને જાય...! હુંહ..!”

ગુસ્સે થયેલો વિશાલ દરવાજાનું હેન્ડલ ખોલી અંદર પ્રવેશ્યો અને બોલ્યો.

“બીપ...બીપ...!”

તે રૂમમાં અંદર પ્રવેશ્યો જ હતો કે તેના મોબાઈલમાં મેસેજ આવ્યાની ટોન વાગી.

મોબાઈલ હાથમાં લઈને તેણે મેસેજ જોયો.

“કામ્યાનો મેસેજ...!” કામ્યાનો મેસેજ જોઇને તેને આશ્ચર્ય થયું અને તે મેસેજ વાંચવા લાગ્યો.

“ડીયર વિશાલ....!

આટલાં વર્ષોની યાતનાથી ભરેલું તારી સાથેનું આ લગ્નજીવન...તારી પત્ની તરીકે આ જ સુધી નિભાવેલી બધી જ જવાબદારીઓથી આજે હું પોતાને આઝાદ કરું છું...અને કાયમ માટે તારાથી દૂર જાઉં છું. હું નવેસરથી મારું જીવન શરુ કરી રહી છું; અને તારી સાથેના તમામ બંધનો તોડી રહી છું.

બેડમાં એક કવર પડ્યું છે...જેમાં ડિવોર્સ પેપર્સ છે. મેં સહી કરી દીધી છે...તું પણ કરી દેજે...!

ઘરમાં કે આજુબાજુમાં..મને શોધવાનો પ્રયત્ન ના કરતો...હું નઈ મળું...! અને જ્યાં સુધી તું મને શોધીશ શકીશ...ત્યાં સુધીમાં તો હું અથર્વની ઓફીશીયલ પત્ની પણ થઇ જઈશ...

હા વિશાલ...! હા...!

બે દિવસ પહેલાંની જે રાતે તે ઓલા ડોસા રમાકાન્તને મારી પાસે ઉધારી વસૂલ કરવા મોકલ્યો હતો એ રાતે જ... હું મારી મરજીથી અથર્વને સમર્પિત થઇ ચૂકી છું મનથી પણ અને તનથી પણ....!

લિ. કામ્યા.”

***

(પૂર્ણ)

Better half: શબ્દનો ગુજરાતી ભાષામાં સરળ અર્થ “જીવનસાથી” એવો થાય છે. પતિ માટે બેટર હાલ્ફ એટલે “પત્ની” અને પત્ની માટે બેટર હાલ્ફ એટલે પતિ એવો અર્થ થાય. “Be my Better half...!” વાક્ય જયારે અથર્વ કામ્યાને કહે છે ત્યારે તે કામ્યાને પોતાની સાથે લગ્ન કરવા અને પોતાની પત્ની બનવા કહે છે.

સિદ્ધાર્થ

instagram@siddharth_01082014