બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩)
પ્રિય વાચક મિત્રો,
આપ સૌને તેમજ આપના પરિવારજનોને ચૈત્ર નવરાત્રી પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ.
અગાઉ “લવ રિવેન્જ” નવલકથાના પાત્રોની વાર્તાઓમાં “અજનબી મિત્રો” અને “ઝરૂખો” હું માતૃભારતી ઉપર રજૂ કરી ચૂક્યો છું. હવે લવ રિવેન્જ નવલકથાના પાત્રોની વાર્તાઓમાં નવી વાર્તા “બેટરહાલ્ફ” આજે રજૂ કરવા જઈ રહ્યો છું. આ વાર્તા લવ રિવેન્જ નવલકથાના બે પાત્રો “કામ્યા” અને “વિશાલ”ને લઈને લખેલી છે. વાર્તાના થોડાક અંશો કામ્યા અને વિશાલના વાસ્તવિક જીવન પર આધારિત છે. જયારે બાકીની વાર્તા કાલ્પનિક છે.
પાખંડ અને દંભથી ભરેલા અત્યાચારી ભારતીય સમાજ અને લગ્ન જીવનનો ભોગ બનતી અનેકમાંથી એક દબાયેલી કચડાયેલી સ્ત્રીની આ વાર્તા છે. પ્રસ્તુત વાર્તા પણ લઘુવાર્તા જ છે. જે સમયના (અને ઊંઘના) અભાવે નાના-નાનાં ભાગમાં લખી છે. વાર્તા નાનકડી જ છે, એટલે દરેક પ્રકરણ નાના રહેશે. પ્રથમ પ્રકરણ આજે આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ સિવાય લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓના સંગ્રહમાંથી કેટલીક અન્ય વાર્તાઓ પણ માતૃભારતી ઉપર આવનારા સમયમાં રજૂ થવા જઈ રહી છે.
આશા છે આપ સૌને પસંદ આવશે.
આપના પ્રતિભાવોની અપેક્ષા સહ....!
(નોંધ: આ ટૂંકી વાર્તાને લવ રિવેન્જ નવલકથાની મૂળ વાર્તા સાથે કોઈ જ લેવાદેવા નથી. “લવ રિવેન્જ” નવલકથા અંગે આપનાં પ્રશ્નો આપ મને મારા ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર પણ પૂછી શકો છો.)
***
સિદ્ધાર્થ
instagram@siddharth_01082014
બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩)
પ્રકરણ-૧
“સટ્ટાક.... સટ્ટાક....!” વિશાલે કામ્યાના ગાલ ઉપર એક પછી એક બે-ત્રણ તમાચાઓ જડી દીધાં અને ધક્કો મારીને તેણીને હડસેલી.
“સાલી નીચ...!” બોલીને તે ત્યાંથી ઝડપથી નીકળી ગયો.
બેડની ધારે માથું ટેકવીને કામ્યા ડૂસકાં ભરીને રડતી રહી.
આ હવે રોજનું થઈ ગયું હતું. માતા-પિતાની સહમતીથી થયેલા લગ્ન જીવનમાં થોડો સમય સુધી બધુ સારું ચાલ્યું. પરંતુ ઉડાઉ વિશાલે પોતાના પિતાના મૃત્યુ પછી તેને વારસામાં મળેલી બધી જ દોલત શેર-સટ્ટા અને દારૂ ઢીંચવામાં ઉડાડી મારી. વારસામાં મળેલી દોલતને લીધે તે વધુ બેફામ બન્યો હતો. રોજના દરે મિત્રો સાથે પાર્ટીઓ કરવી, હોટલો-રેસ્ટોરન્ટમાં જમવાનું, સટ્ટામાં પૈસા લગાડવા અને ગુમાવવા. આ બધુ કામ્યા કમને જેમ-તેમ સહન કરી લેતી હતી. પરંતુ વિશાલની એક વાત કામ્યાથી નહોતી સહન થતી-દારૂની જેમ વિશાલ સ્ત્રીઓનો પણ શોખીન હતો. છાશવારે તે પોતાના મિત્રો સાથે થાઈલેન્ડ ઉપડી જતો. થાઈલેન્ડ જેને સુંદરીઓનો દેશ કહેવાય છે, ત્યાં વિશાલ લગભગ દર બીજા મહિને મિત્રો સાથે “મોજ-મજા” કરવા ઉપડી જતો અને સહેજેય પંદર દિવસે પાછો આવતો. અમદાવાદમાં પણ કૉલેજકાળની કેટલીક ચરિત્રહીન છોકરીઓ જોડે તેને આવા આડા સબંધો હતાં જ.
એવું નહોતું કામ્યા દેખાવડી કે રૂપાળી નહોતી. લગ્ન પછી આટલાં વર્ષેય કામ્યા લગભગ કૉલેજની એ જ કામ્યા હતી જેની પાતળી કામણગારી કમર કે ફિગર પાછળ એક સમયે વિશાલ ઘેલો હતો અને કૉલેજમાં કામ્યા સાથે “સેટિંગ” કરાવવા માટે તે પોતાની એક “ખાસ દોસ્તને” એ વખતે કેટલીયવાર કહી ચૂક્યો હતો; કામ્યાનું રૂપ હજીયે લગભગ એવું જ જળવાઇ રહ્યું હતું. એ જ કામ્યા સાથે વિશાલના મમ્મી-પપ્પાએ એક જ કાસ્ટ અને ધર્મના હોઈ સામે ચાલીને લગ્નનું માંગુ નાંખ્યું હતું. વિશાલને “ભાવતું ભોજન” મળી જતાં તે રાજી થઈ ગયો. કામ્યાની અનિચ્છા છતાં વિશાલના પિતા સમૃદ્ધ હોઈ તેનાં માતા-પિતાએ “આવું સગું સામે ચાલીને આવ્યું છે..ફરીવાર નહીં મળે” એમ કહી કામ્યાના લગ્ન વિશાલ સાથે કરાવી દીધાં. લગ્ન બાદ એક પછી એક કરુણાંતિકાઓ ઘટી. લગ્નના તુરંત બાદ જ કામ્યાના માતા-પિતા જેઓ જૈન હતાં તેમણે દિક્ષા લઈ લીધી અને વિશાલના માતા-પિતાનું વારાફરતી અણધાર્યું મૃત્યુ થયું.
તેમના લગ્ન થઈ ગયા પછી શરૂઆતમાં બધુ બરાબર ચાલ્યું. પણ જેમ-જેમ સમય વિત્યો, વિશાલ વધુ ને વધુ ઉડાઉ બન્યો અને પરસ્ત્રીઓની સંગતને લીધે તેને કામ્યામાંથી “રસ” ઊડી ગયો. પોતાની ઉડાઉ લાઈફસ્ટાઈલ અને સટ્ટામાં મોટા નુકશાને વિશાલને કંગાળ કરી મૂક્યો અને સાવ દારૂડિયો પણ. પોતાની કંગાલિયત માટે તે કાયમ કામ્યાને દોષ આપતો. એમાંય વિશાલના મમ્મીએ તો પોતાના મૃત્યુ પહેલા જ કામ્યાને “અશુભ પગલાની” ગણાવી વિશાલના મનમાં “કામ્યાના લીધે જ તેના સસરાનું મૃત્યુ થયું” એવું ઠસાવી દીધું હતું. અધુરામાં પૂરું લગ્નના ઘણાં વર્ષો પછી પણ સંતાન ન થતાં તેણીના સાસુએ તેમના મૃત્યુ પહેલા જ કામ્યાના માથે “વાંઝણી”નું “લેબલ” મારી દીધું હતું. પોતાનાં રિપોર્ટ્સ નોર્મલ હોવાનું જાણતી કામ્યાએ વિશાલને પોતાનાં રિપોર્ટ્સ કરાવવાનું કહ્યું હતું જે સાંભળી વિશાલની “મર્દાનગી” ઉકળી ઉઠી હતી અને રિપોર્ટ કરાવવાનું તો બાજુ ઉપર રહ્યું, ઊલટાનું વિશાલે કામ્યા સાથે મારઝૂડ ચાલુ કરી દીધી હતી. એમાંય જ્યારથી વિશાલને ખબર પડી હતી કે કૉલેજકાળમાં કામ્યાને પણ કોઈ અન્ય “છોકરા” માટે ફીલિંગ્સ હતી ત્યાર પછી તો વિશાલે કામ્યાને ચરિત્રહીન, છીનાળ જેવા અત્યંત હીન શબ્દો કે આરોપો આપી “નવાજી” હતી. અને એ દર વખતે મારઝૂડ કરી એ જ શબ્દો તે કામ્યાને સંભળાવતો.
આજે પણ એવી જ મારઝૂડ કરીને તે બહાર ચાલ્યો ગયો હતો. કંગાળ થયા પછી વિશાલે તેના પિતાનું ભવ્ય મકાન વેચી માર્યું હતું અને તેમાથી મળેલી મોટી રકમમાંથી એક સારી કહી શકાય તેવી સોસાયટીમાં થ્રી બીએચકે ઘર લીધું હતું જેની ઉપર બીજો માળ બનાવી ઉપરનો માળ ભાડવાતોને આપી વિશાલે જેમ-તેમ મહિને બાર-પંદર હજારની ઈન્કમ ઊભી કરી હતી અને બેય જણાં નીચે રહેતાં હતાં. ભાડાની આવકમાંથી કામ્યા જેમ-તેમ ઘર ચલાવતી. વિશાલ પાસે કોઈ નોકરી નહોતી પરંતુ તે શેરબજારમાં ભાડાની આવકમાંથી થોડા પૈસા રોકતો. જેમાંથી મોટેભાગે પૈસા ડૂબતાં તો કોઈ કોઈ વાર નફો પણ થતો. નફો થાય તો ખુશીમાં અને નુકશાન થાય તો દુ:ખમાં, એમ બંને “પ્રસંગે” તે દારૂ ઢીંચતો અને કામ્યા સાથે મારઝૂડ કરતો. નુકશાન થયું હોય તો કામ્યાને મારઝૂડ કરી દોષનો ટોપલો તેણીના “દુષ્ટ પગલાં”ને આપતો.
સારાં દિવસો આવશે અને વિશાલ સુધરશે એ આશાએ કામ્યા ક્યારની પરંપરાગત ભારતીય નારીઓની જેમ પોતાનું આ લગ્ન જીવન ઢસડી રહી હતી. જોકે તે પોતે હવે ત્રાસી હતી. પોતાની સહનશક્તિની સીમા નજીક હોવાનું હવે તેણીને ક્યારનું ફીલ થઈ રહ્યું હતું.
છેલ્લા દોઢેક મહિનાથી ઘરનો ઉપરનો માળ ખાલી હતો. દારૂડિયા વિશાલના ત્રાસથી કંટાળીને ભાડવાત ઘર ખાલી કરીને જતો રહ્યો હતો. બીજો ભાડવાત મળે ત્યાં સુધી ઘરમાં પૈસાની તંગી વરતાઈ રહી હતી. બચત કરેલાં પૈસામાંથી કામ્યા માંડ-માંડ ઘર ચલાવી રહી હતી. સટ્ટામાં પૈસા રોકવા રઘવાયો થયેલો વિશાલ કામ્યા પાસે પૈસાની માંગણી કરી રહ્યો હતો. માંડ ઘર ચલાવી રહેલી કામ્યાએ પૈસા આપવાની ના પાડતા વિશાલે મારઝૂડ કરી હતી.
વિશાલના ગયા પછી ક્યાંય સુધી કામ્યા રડતી રહી. છેવટે રોજની આ જ ઘટમાળ છે એ યાદ આવતા તે ઊભી થઈને અને પોતાનાં કામે વળગી.
***
“પંદર હજાર ભાડું, બે ભાડા ડિપોઝિટ અને એક ભાડું એડવાન્સ....!” વિશાલ બોલ્યો.
બે-ત્રણ દિવસ પછી તે કોઈ નવા ભાડવાતને ઘર બતાવવા લઇ આવ્યો હતો. તે ભાડવાતે “હા” પાડતાં વિશાલે તેને ભાડું વગેરે કંડિશન્સ કહી સંભળાવી. વિશાલે ક્યાં મુજબ ભાડા કરાર વગેરે વિધિ પતાવી એ ભાડવાત પોતાનો સમાન લઈને બે-ત્રણ દિવસમાં શિફ્ટ થવાનું કહીને જતો રહ્યો.
“આ વખતે ભાડે આપતા પહેલાં તને કઈ દઉં છું....!” કામ્યા બોલી “મારી ઉપર વ્હેમાતો નઈ...આ વખતે હું સહન નઈ કરું...!”
અગાઉના ભાડવાતો વખતે વિશાલે કામ્યા ઉપર ભાડવાત પુરુષો સાથે આડા સબંધોની આરોપ લગાવી તેણી સાથે કેટલીયવાર મારુઝૂડ કરી હતી. તેણે આ અંગે ભાડવાતો સાથે પણ માથાકૂટ અને ઝઘડા કર્યા હતાં. આથી કંટાળીને ભાડવાત ઘર ખાલી કરીને જતો રહ્યો હતો.
“એ ફેમિલીવાળો છે....!” વિશાલ તોછડા સ્વરમાં બોલ્યો.
“અગાઉના પણ હતાં જ....!” કામ્યા ચિડાયેલા સ્વરમાં બોલી.
“પણ અગાઉના લંપટ હતાં....! આ આર્મીવાળો છે....!” વિશાલ બોલ્યો “આર્મીવાળા મોટેભાગે સારાં જ હોય...!”
“એ લોકો લંપટ હતાં તોય તું મારી જોડે મારઝૂડ કરતો હતો...!”
“તુંય એ લોકો જેવી લંપટ જ છે....! ને મારુઝૂડને લાયક જ છે...!” વિશાલ મોઢું બગાડીને બોલ્યો અને વૉર્ડરોબમાં પોતાનાં ખાનામાંથી પૈસા લઈને નીકળી ગયો.
કામ્યા સમસમીને ઊભી રહી.
***
બે-ત્રણ દિવસ બાદ એ ભાડવાત ઉપરના માળે પોતાનો સામાન લઈને રહેવા આવી ગયો. બે ભાડા ડિપોઝિટ અને એક ભાડું એડવાન્સ એમ વિશાલને સામટા પિસ્તાલીસ હજારની રકમ મળી જતાં વિશાલ ગેલમાં આવી ગયો અને મિત્રો સાથે પાર્ટી અને સટ્ટાબાજીમાં લાગી ગયો હતો.
વિશાલે કહ્યું હતું તેમ તે ભાડવાત ફેમિલીવાળો તો હતો, પરંતુ તેણી ફેમિલીમાં માત્ર એક જ સદસ્ય હતું-તેની દસ વર્ષની દીકરી-વેદિકા. જે આખો દિવસ ઉપરના માળે દોડાદોડ કરતી. એમાંય જ્યારે તેના પપ્પા ઘરે હોય ત્યારે તો ખાસ. થોડા દિવસો પછી તે છોકરી વેદિકા નીચે સોસાયટીની ગલીમાં અન્ય બાળકો સાથે રમવા આવવા લાગી. તે બાળકો સાથે રમતી હતી ત્યારે જ સામેવાળા રમીલાકાકીએ તેને તેનું અને તેના પપ્પાનું નામ પૂછ્યું હતું. કામ્યા એ વખતે પોતાનાં ઘરના ઓટલા ઉપર કપડાંવાળી રહી હતી ને તેણીને એ વખતે એ બેયનું નામ ખબર પડી હતી. રમીલાકાકીએ પૂછતાં વેદિકાએ પોતાનાં પપ્પાનું નામ “અથર્વ” કહ્યું હતું. હજી સુધી કામ્યાની વેદિકા કે અથર્વ સાથે કોઈ ઔપચારિક મુલાકાત નહોતી થઈ. જોકે પોતાની બાજુના એક ભાઈ સાથે વાત કરી રહેલા અથર્વને સાંભળી કામ્યાને એટલું તો ખબર પડી હતી કે અથર્વ આર્મીમાં હતો અને તેનું ટ્રાન્સફર થોડા સમય માટે અમદાવાદ કેન્ટોનમેન્ટમાં થયું હતું. સવારે પોતાની નોકરી જતાં સમયે તે વેદિકાને સ્કૂલે મૂકતો જતો. તેણીના છૂટવાના સમયે તે વેદિકાને લઈ આવતો અને ત્યારબાદ પોતાની સાથે કેન્ટોનમેન્ટ લઈ જતો. અહિયાંથી કેન્ટોનમેન્ટ બહુ દૂર નહોતું. છતાંય વેદિકા આખો દિવસ કેન્ટોનમેન્ટમાં કંટાળી જતી. આથી અથર્વ એ સમસ્યાનું કોઈને કોઈક સોલ્યુશન શોધી રહ્યો હતો.
અથર્વની વાતો સાંભળી કામ્યાને તેના વિશે અને તેની પત્ની વિશે જાણવાની ઉત્કંઠા થઈ આવી હતી. જોકે વિશાલને ખબર પડે તો તે વહેમાય અને મારઝૂડ થાય એ બીકે તેણીએ એ વિશે કશું જાણવાનો પ્રયત્ન નહોતો કર્યો.
છતાંય અથર્વની પત્ની કોણ છે? તે ક્યાં છે? તે શું કરે છે? તે કેમ અથર્વની સાથે નથી વગેરે જાણવાની કામ્યાને સતત ઉત્કંઠા થઈ આવી હતી. એમ પણ ઉપરોક્ત પ્રશ્નો હવે સોસાયટીની ગલીમાં અથર્વને ભાડવાત તરીકે ઓળખતી લગભગ બધી જ સ્ત્રીઓ/પુરુષોમાં ચર્ચાઇ રહ્યાં હતાં.
***
સિદ્ધાર્થ
instagram@siddharth_01082014