બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩)
પ્રકરણ-૩
“મારે એક દિવસ માટે જામનગર જવાનું છે...! NCCના કેડેટ્સને ટ્રેઈનીંગ કેમ્પમાં રાઈફલ શૂટિંગના બેઝીક ટ્રેઈનીંગ આપવા માટે..!”
અથર્વએ કામ્યાને કહ્યું.
તેના સ્વરમાં વેદીકાની દેખભાળ માટે ચિંતાના ભાવો કામ્યા પારખી ગઈ. છેલ્લાં લગભગ ત્રણ મહિનાથી અથર્વની દીકરી વેદિકાનું ધ્યાન કામ્યા જ રાખી રહી હતી. વેદિકાને સ્કુલેથી લેવા જવાનું, તેણીનું જમવાનું, ટ્યુશન વગેરે બધું જ કામ્યા સંભાળતી. વધુમાં વેદિકા સાથે રમવાનું હોય કે પછી વેદિકા સોસાયટીની ગલીના બાળકો સાથે રમતી હોય ત્યારે પણ તે તેનું ધ્યાન રાખતી. વેદિકાને અને કામ્યાને એકબીજા સાથે ફાવી ગયું હોઈ અથર્વને સારી એવી રાહત થઇ હતી. વેદિકાની દેખભાળ વગેરે માટે અથર્વ દર મહીને પાંચ હજાર આપતો હોઈ કામ્યાને પણ ઘર ચલાવવામાં થોડી રાહત રહેતી.
“તમે ચિંતા ના કરો....!” કામ્યા સ્મિત કરીને બોલી “એક જ દિવસની વાત છે ને...! હું સંભાળી લઈશ..!”
બંને ઘરના ઓટલે ઉભા રહીને વાત કરી રહ્યાં હતાં. ત્રણ મહિનામાં આવું માત્ર ચોથીવાર જ થયું હતું જયારે અથર્વએ કામ્યા સાથે ઘરે વાતચિત કરી હોય. અગાઉ ત્રણેય વખત માત્ર ઘરનું રેન્ટ અને વેદિકાના ટ્યુશન અને દેખભાળ કરવાની ફી આપવા માટે જ અથર્વએ ઔપચારિક વાતચીત કામ્યા સાથે કરી હતી.
આજુબાજુના પંચાતીયા પુરુષોમાંથી ઘણાની નજર છેલ્લાં કેટલાક સમયથી કામ્યા અને અથર્વ વચ્ચેની એ કહેવાતી “નજદીકીયા” ઉપર હતી. “ખાટી દ્રાક્ષ” કામ્યા વિશે એલફેલ બોલતાં રહેતાં અને કામ્યાના પતિ વિશાલની કાન ભંભેરણી કરતાં રહેતાં એ શિયાળીયાઓની નજરમાં અથર્વ ક્યારનો ખટકી રહ્યો હતો. પરંતુ અથર્વ આર્મીવાળો અને શરીરે રફ એન્ડ ટફ હોઈ, પાન-મસાલા ખાઈ-ખાઈને જ્યાં-ત્યાં થૂંકતા અને ખોખલા થઇ ગયેલાં ડંફાશિયા દાળભાતીયાં પુરુષોમાં અથર્વને સીધે-સીધો પડકારવાની હિંમત નહોતી થતી. એટલે જ તેઓ વિશાલના કાન ફૂંકતા. એમાંય વિશાલને કાયમ ઉધાર પૈસા આપતો અને તેના ઘરની સામે રહેતો આઘેડથી વધુ વયનો અતિ દંભી અને ભગત હોવાનો દેખાડો કરતા “બગભગત” રમાકાંત ત્રિવેદીની નજર ખૂબસૂરત કામ્યા પર ક્યારની હતી. ગાંજા અને દારુના શોખીન વિશાલને ઉધારી આપી દેવાના ડુંગરમાં દબાવી દઈ છેવટે ઉધારી ચુકવવાના બદલામાં કામ્યાને ભોગવવા માંગવી એ “ગેમ પ્લાન” રમાકાંતે ક્યારનો સેટ કરી રાખ્યો હતો.
પોતાનાથી લગભગ અઢારેક વર્ષ મોટા એ વાસના ભૂખ્યા રમાકાંત ત્રિવેદીની નિયત કામ્યા પણ જાણતી જ હતી. કામ્યા ઘરમાં કામ કરતી આઘી-પાછી થતી હોય, કે પછી ઘરેથી નીકળી શાકભાજી કે બીજું કંઈ લેવા બહાર આવ-જા કરતી હોય, ગીધની જેમ રમાકાંત ત્રિવેદી તેણીની જોઈ રહેતો. સાડી પહેરેલી કામ્યાના ખૂબસૂરત ઘાટીલા દેહ પર દર વખતે રમાકાંતની ભૂખી લાળ ટપકાવતી નજર ફરી વળતી. આ કારણે જ કામ્યાએ ઘણીવાર વિશાલને એ “ડોસા” રમાકાંત પાસેથી ઉધારી લેવાની નાં પાડી હતી, પણ ઉલટાનું વિશાલે કામ્યા સાથે મારામારી કરી એ બાબતે માથાકૂટ કરવાનું તેણીને બંધ કરાવી દીધું હતું. કંટાળેલી કામ્યાએ છવટે વિશાલ સાથે એ બાબતે માથાકૂટ કરવાનું પડતું મુક્યું હતું. તેણીએ સ્વીકારી લીધું હતું કે તેણીની નિયતિ રમાકાંત અને તેના જેવા સોસાયટીના અન્ય “ગીધોની” નજરોથી ચૂંથાવાની જ હતી. જોકે કેટલીયેવાર ગુંગળામણ અનુભવતી કામ્યાને મન થઇ આવતું, બધું જ છોડી દઈને ભાગી જવાનું. પણ સમાજ, સંસ્કૃતિ અને મર્યાદાના એવા કેટલાય બંધનો તેણીને પાછાં વાળતાં. બેશુમાર વેગથી વહેતી નદીના પાણીને સાચવીને બેઠો હોય એવો બંધ કામ્યાએ પોતાનાં મન અને શરીર આવેગો પર બાંધી રાખ્યો હતો. ધીરે-ધીરે એ બંધમાં હવે તિરાડો પડી રહી હતી. કામ્યા પણ એ પરીસ્થિતિ પામી ગઈ હતી અને “બંધ તૂટી પડી પાણી વહી ન જાય” એ માટે તે પોતે અથાક પ્રયત્નો કરી રહી હતી.
“તો એનું સુવાનું વગેરે...!?” અથર્વએ સહેજ ખચકાઈને પૂછ્યું.
“ચિંતા ન કરો...!” કામ્યા સાંત્વના આપતી હોય એમ બોલી “હું સંભાળી લઈશ...!”
“તમારા હસબન્ડને કોઈ પ્રોબ્લેમ ...અ..!” અથર્વ વધુ ખચકાયો.
“મેં કીધુને...હું જોઈ લઈશ..હમ્મ..!” કામ્યાએ એવા જ સ્વરમાં કહ્યું.
કામ્યા સાથે ઔપચારિક વાત કરીને અથર્વ આર્મી મેસ જવા નીકળી ગયો.
કામ્યા જાણતી હતી, કે વિશાલ સાથે આ બાબતે કોઈને કોઈ કકળાટ થવાનો જ હતો. જોકે આ વખતે વિશાલને સમજાવવા માટે તેણી પાસે પૈસાનું બહાનું હતું જ. પણ કામ્યા જાણતી હતી, કે પૈસાનું બહાનું કાઢે વિશાલ કદાચ માથાકૂટ ઓછી કરશે, પણ કરશે તો ખરી જ.
***
“સાલી છિનાળ...!”
“સટ્ટાક...!”
દારુના નશામાં ધૂત વિશાલે કામ્યાના ગાલ ઉપર જોરથી તમાચો ઝીંકી દીધો.
ગોરી ચિટ્ટી કામ્યાના ગાલ લાલ થઈ ગયાં.
“વિશાલ પ્લીઝ....મારી વાત તો સાંભળ...!” કામ્યા આજીજીભર્યા સ્વરમાં બોલી “વેદિકા સાંભળી જશે તો ...!”
ગઇકાલે સવારથી અથર્વ જામનગર ગયો હતો. ગાઈકાલથી વેદિકા કામ્યાની સાથે જ હતી. રાત્રે પણ વેદિકા કામ્યાની સાથે નીચે તેણીના રૂમમાં ઊંઘી હતી. આજનો આખો દિવસ કામ્યાએ વેદિકાને સ્કૂલ લેવા-મૂકવામાં અને તેની સંભાળ રાખવામાં વિતાવ્યો હતો. વેદિકાની હાજરીને લીધે ઘરે માત્ર હાજરી પૂરતો આવેલો વિશાલ ગઇકાલે અને આજે આખો દિવસ કશું જ નહોતો બોલ્યો પરંતુ સાંજે પાનના ગલ્લે રમાકાંત ત્રિવેદીએ કામ્યા અને અથર્વના મામલે વિશાલના કાન ફૂંકતાં વિશાલના મગજનો પારો ચઢી ગયો.
“તો શું...!?” વિશાલ ઘાંટો પાડીને બોલ્યો “આખો દિવસ એ આર્મીવાળાની છોકરીની પાછળ-પાછળ ફર્યા કરે છે...એ કઈં તારો ધણી છે...? તું ઓલીની માં છે...હેં..!?”
“અરે બાપા તું સમજતો કેમ નથી...એ મને મહિને પાંચ હજાર આપે છે..!” રડતાં-રડતાં કામ્યા દલીલ કરતાં બોલી.
“શેના...? એની પથારી ગરમ કરવાના....!?” વિશાલે ફરીવાર ઘાંટો પાડ્યો.
“આવું શું બોલે છે તું...!?” કામ્યા ભાંગી પડી “હું કોઈ બીજાની સામું પણ નઈ જોતી ....!”
“સાલી જુઠ્ઠી...!”
“સટ્ટાક...!” ઘાંટો પાડીને બોલી વિશાલે વધુ એક તમાચો કામ્યાના ગાલ ઉપર ઝીંકી દીધો.
“તારે પૈસા લઈને લોકોની પથારીઓ ગરમ કરવાનો ધંધો જ કરવો હોય...તો પછી મારે જે લોકોને ઉધારી ચૂકવવાની છે એમની પથારીઓ ગરમ કર...કમસે કમ મારુ દેવું તો ઓછું થશે...!” દારૂના નશામાં ધૂત વિશાલ હવે એલફેલ બકવાસ કરવા લાગ્યો “ઓલાં રમાકાંતે મને મોટી રકમ આપેલી છે...થોડા દિવસ એની પથારી ગરમ કરી આપ...એ મારો જીવ ખાતો મટે..!”
“તો તું એ ડોસા જોડે મારો સોદો કરીને આ’યો એમને...!?” આઘાત પામી ગયેલી કામ્યા રડતી આંખે બોલી.
જે વાતનો કામ્યાને ડર એ છેવટે આજે વિશાલે કહી નાંખી હતી.
“બીજા કેટલા લોકો જોડે તે સોદો કર્યો મારો....!? બોલ...!?”
કામ્યાએ વિશાલનો કોલર પકડી લીધો.
બંને વચ્ચેનો ઝઘડો વધારે ઉગ્ર થઈ ગયો.
“આટલાં વર્ષોથી તું મારી મારઝૂડ કરે છે...મને એલફેલ બોલે છે...તોય હું ઝેલી લઉ છું...! જે સ્ત્રીઓ ચરિત્રહિન હોય...એ કઈં આવી મરઝૂડ સહન કરીને ઘર માંડીને રહે નઈ...!”
કામ્યાની દલીલો કે પ્રશ્નોના કોઈ વિશાલ પાસે કોઈ જ જવાબ ન રહેતાં વિશાલે કામ્યાને ઝૂડી નાંખી. અહિયાં સુધી કે મારઝૂડને લીધે પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરવા જતાં કામ્યાના બાવડે વગેરે જગ્યાએ ઉઝરડા પડ્યા અને મોઢા પર અનેક તમાચાઓને લીધે તેણીના ગાલ પર વિશાલની આંગળીઓની નિશાનીઓ પડી ગઈ. બાકી હતું તો વિશાલે તેણીના મોઢા ઉપર મોબાઈલ ફોન છૂટ્ટો ફેંકતા, ફોન તેણીના કપાળે વાગ્યો અને થોડું લોહી પણ આવ્યું.
કામ્યા રડતી રહી. વિનંતી કરતી રહી.
“મારી નાંખ મને .... મારી નાંખ...!”
છેવટે કંટાળીને તે ભાંગી પડી અને વિશાલના પગ પકડી લીધાં.
“મારી નાંખ એટ્લે પાર આવે....મારી નાંખ...!”કામ્યા રડી પડી.
કામ્યાને ધક્કો મારીને વિશાલ ઘરેથી નીકળી ગયો.
ફ્લોર પર પડે-પડે કામ્યા ક્યાંય સુધી રડતી રહી.
***
“તારે પૈસા લઈને લોકોની પથારીઓ ગરમ કરવાનો ધંધો જ કરવો હોય...તો પછી મારે જે લોકોને ઉધારી ચૂકવવાની છે એમની પથારીઓ ગરમ કર... ગરમ કર...”
“ઓલાં રમાકાંતે મને મોટી રકમ આપેલી છે...થોડા દિવસ એની પથારી ગરમ કરી આપ... એની પથારી ગરમ કરી આપ...”
વિશાલના એ શબ્દોથી આઘાત પામેલી કામ્યા વોશરૂમમાં પોતાનું મોઢું ધોઈ રહી હતી. આટલાં વર્ષોથી ચાલતાં અને અત્યાચારથી ભરેલાં આ સબંધમાં વિશાલે આજે તેની છેલ્લી હદ પણ પાર કરી નાંખી હતી.
કામ્યા માટે હવે આ બધુ તેણીની સહનશક્તિની બહાર હતું. લગભગ ડોસા જેવા એક પારકા પુરુષ સાથે સુવા માટે વિશાલ કેવી રીતે કહી શકે એ વાત હજી પણ કામ્યાને નહોતી સમજાતી.
જોકે કામ્યા સમજી ગઈ હતી, કે વિશાલ સાથે લગ્ન તેણીની જીવનની સૌથી મોટી ભૂલ હતી. અને પોતે હવે એ ભૂલ સુધારી લેવા માંગતી હતી.
શાવરમાં નાહીને તેણીએ પોતાના ઘા જેમતેમ સાફ કર્યા.
બેડરૂમમાં આવીને તેણીએ માળીયા ઉપરથી પોતાની બેગ ઉતારી.
બેગમાંથી તેણીએ લગ્નમાં પહેરેલી પાનેતરની સાડી, શૃંગારનો ચૂડો વગેરે સામાન કાઢ્યો.
પાનેતર પહેરી, શૃંગાર કરીને તેણી લગ્ન વખતે થઈ હતી એવી રીતે સુંદર તૈયાર થઈ.
વિશાલ સાથે લગ્નનો ફોટો આલ્બમ પોતાના ખોળામાં મૂકી તેણીએ ભીની આંખે લગ્નના ફોટાઓનો આખો આલ્બમ જોયો. લગ્નની એ સુંદર યાદો, એ વખતે જોયેલાં સુંદર સપનાઓ બધુ જ યાદ આવી જતાં તેણીની આંખ ભીની થઈ ગઈ અને આંખમાંથી આંસુની ધાર વહીને આલ્બમ દેખાતાં વિશાલના ચેહરા પર પડી. ફોટા પર ચડાવેલા ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકના કવરને લીધે આંસુ સરકીને નીચે પડી ગયું. પથ્થર જેવા વિશાલની ઉપર જેમ કામ્યાના આંસુ કોઈ જ અસર આજ સુધી ના થઈ એમ જ ફોટા ઉપર પડેલું આંસુ પણ પોતાની કોઈ અસર વર્તાવ્યા વગર વ્યર્થ વહી ગયું.
ફોટાનો આલ્બમ પાછો બેગમાં મૂકીને કામ્યા ઊભી થઈ અને સ્ટોરરૂમમાં આવી. સ્ટોરરૂમમાંથી એસિડનો બોટલ લઈને તે પાછી પોતાના બેડરૂમમાં આવી અને વોર્ડરોબના મિરર સામે ઊભી રહી.
આજે આટલાં વર્ષે પણ તે અત્યંત સુંદર લાગી રહી હતી. નવોઢા જેવી જ.
પાનેતર વગેરે પહેરીને સુંદર તૈયાર થયેલી કામ્યા પોતાને મિરરમાં ભાવથી જોઈ રહી.
તેણીના બધા જ સપના, અરમાનો, બધી જ ઈચ્છાઓ કચડાઈ ગઈ હતી. તેણીની અંદર જે કઈં પણ હતું, એ બધુ જ હવે જાણે મરી ચૂક્યું હતું.
“આજે તે બધુ જ ખતમ કાર નાંખ્યું વિશાલ....! બધુ જ ...!”
મિરરમાં પોતાની સામે જોઈ રહીને કામ્યા બબડી. તે ફરીવાર રડી પડી અને તેણીની આંખ વહેવા લાગી.
“હવે નથી સહન થતું....”
તે બબડી અને નીચે ડ્રેસિંગ મિરર આગળ મૂકેલી એસિડની બોટલ પોતાના હાથમાં ઉઠાવી લીધી.
****
સિદ્ધાર્થ
instagram@siddharth_01082014