બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩)
પ્રકરણ-૫
“પરેઢ આગે બઢ...!”
આર્મી કેન્ટોન્મેન્ટના વિશાળ મેદાનમાં પ્રજાસત્તાક દિનની પરેઢ ચાલી રહી હતી. સામાન્ય જનતાને પણ પ્રજાસત્તાક દિવસની પરેઢ અને ધ્વજ વંદન કાર્યક્રમમાં આમંત્રણ હોઈ પરેઢ ગ્રાઉન્ડની આજુબાજુ ઓડિયન્સમાં સારી એવી મેદની જમા થયેલી હતી. આર્મીમાં હોય તેવાં સૈનિકોના ફેમિલીને બેસવા માટે મેદાનમાં એક જગ્યાએ પેવેલિયન જેવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. પેવેલિયનમાં આગળની સીટમાં કામ્યા વેદિકાની સાથે બેઠી હતી.
પરેઢમાં પોતાની યુનિટનું આગળ રહીને સંચાલન કરી રહેલાં અથર્વને તે મલકાઈને જોઈ રહી. આર્મીના ઈસ્ત્રી ટાઈટ ડાર્ક ગ્રીન યુનિફોર્મ, માથે મરુન બેરેટ કહેવાતી કેપ, યુનિફોર્મમાં ચેસ્ટ ઉપરના ભાગે લાગેલાં ત્રણ-ચાર મેડલ, હાથમાં તલવાર લઈને શિસ્ત બદ્ધ રીતે ચાલી રહેલાં અને પોતાની યુનિટને પરેઢની ઇન્સ્ટ્રકશન આપી રહેલાં અથર્વને કામ્યા મુગ્ઘ ભાવે જોઈ રહી.
“અથર્વે અને એની યુનિટના બીજાં સોલ્જર્સે બીજાં સોલ્જર્સ કરતાં જુદી મરુન કલરની કેપ કેમ પહેરી છે...!?”
પોતાની બાજુમાં બેઠેલાં અને એક અન્ય સોલ્જરના પત્ની લાગતી બહેનને કામ્યાએ કુતૂહલવશ પૂછ્યું.
“એને મરુન બેરેટ કહેવાય...!” તે બહેને પરેઢમાં ચાલી રહેલાં અથર્વ સામે એક નજર નાંખી કામ્યા સામે જોઈ મલકાઈને કહ્યું “આર્મીના ખૂબ ચુનંદા અને કમાન્ડો જેવાં અત્યંત એલીટ સોલ્જર્સને જ એ મરુન બેરેટની કેપ મલે છે...અને એવી કેપ જેને મલે એ સોલ્જર મરુન બેરેટ કહેવાય છે...!”
“ઓહ...!” કામ્યા મલકાઈને અથર્વ સામે જોઈ રહી.
“તમે...અ...અથર્વના ન્યુ વાઈફ...!?” તે બહેને સહેજ ખચકાઈને પૂછ્યું.
“ના..ના...આન્ટી તો મારાં ટીચર છે...!” બંનેની વચ્ચેની સીટમાં બેઠેલી વેદિકા બોલી પડી.
“એમ...!” એ બહેને પ્રેમથી વેદિકાના ગાલ ખેંચ્યા.
“તમે એમને ઓળખો છો...!?” કામ્યાએ વેદિકાના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને તે મહિલાને પૂછ્યું.
“હા...અથર્વની વાઈફ નિશા અને હું કૉલેજ ફ્રેન્ડસ હતાં...!” તે મહિલાએ પરાણે સ્મિત કરીને કહ્યું.
“ઓહ...સોરી...!” કામ્યાએ પણ એવું જ સ્મિત કર્યું.
“આઈ હોપ એને સારી છોકરી મળી જાય..!” તે મહિલા બોલી “નઈ તો વેદિકાને એનાં પપ્પા સાથે રહેવાં નઈ મલે...!”
“ના...હું તો પપ્પા જોડે જ રઈશ...!” વેદિકા મોઢું બગાડીને કાલો ગુસ્સો કરતાં બોલી.
કામ્યા અને તે મહિલા બંને હસીને વેદિકાના માથે પ્રેમથી હાથ ફેરવ્યો.
તે મહિલાની વાત સાંભળી કામ્યાએ પરેઢમાં સૌથી આગળ ચાલી રહેલાં અથર્વ સામે જોયું. આર્મીના યુનિફોર્મમાં અથર્વને જોઈ કામ્યાને ગર્વની લાગણી થઈ. એમાંય અથર્વ એક મરુન બેરેટ કહેવાતાં અત્યંત એલીટ લેવલનો સોલ્જર છે એ વાત જાણીને કામ્યાને તેની ઉપર વધારે માન ઉપજ્યું.
***
“થેન્ક યુ...વેદિકાને લઈ આવવાં માટે...!” અથર્વે સ્મિત કરતાં કામ્યાને કહ્યું.
પ્રજાસત્તાક દિવસનો પરેઢ વગેરેનો પ્રોગ્રામ પત્યા પછી પેવેલિયનમાં બધાં ઉભાં હતાં. પરેઢમાં ભાગ લેનાર સોલ્જર્સના ફેમિલી મેમ્બર્સ વગેરે બધાં એકબીજાં સાથે વાતો કરી રહ્યાં. અથર્વે કામ્યાની ઓળખાણ પોતાનાં કેટલાક ખાસ મિત્રો સાથે કરાવી. તેમજ નિશાની કૉલેજ ફ્રેન્ડ રોશની જેની જોડે કામ્યા પરેઢ જોવાં બેઠી હતી તેણીની સાથે અને તેણીનાં હસબન્ડ પ્રતિક જે અથર્વની જોડે જ તેની યુનિટમાં હતો તેની સાથે પણ ઓળખાણ કરાવી.
કેન્ટોન્મેન્ટમાં બપોરે જમવાનું પતાવી યુનિટના અન્ય કપલ ફ્રેન્ડસ મુવી વગેરે જોવાં જવાનાં હતાં. નિશાની ફ્રેન્ડ રોશનીએ આગ્રહ કરીને અથર્વ અને કામ્યાને વેદિકા માટે થઈને મુવી જોવાં માટે સાથે આવવાનું કહ્યું. બંને તેણીનાં આગ્રહને ટાળી ન શક્યા. રમાકાન્ત યાદ આવી જતાં કામ્યાને પોતાને પણ ઘરે જવાની કોઈ જ ઈચ્છા નહોતી આથી તેણીએ કોઈ ખાસ આનાકાની ના કરી.
બપોરે મુવીનો શો જોઈ, મોલમાં ફરી સાંજે ડીનર પણ બધાએ બહાર જ કર્યું. આખો દિવસ અથર્વની સાથે રહેવામાં કામ્યાને કોઈ જ સમસ્યા નહોતી. એ બહાને તેણીને અથર્વના અન્ય મિત્રો પાસેથી અથર્વ વિશે વધુ જાણવા મળ્યું. કામ્યાને ખૂબ આશ્ચર્ય થયું જયારે યુનિટના એક અન્ય મિત્રએ અથર્વ પહેલાં ખુબ તોફાની હતો એવું કહ્યું. નિશાના અચાનક મૃત્યુ પછી અથર્વ શાંત થઈ ગયો એ વાત પણ કામ્યાને જાણવા મળતાં કામ્યાએ અથર્વ પ્રત્યે સહાનુભૂતિ અનુભવાઈ.
ગોલ્ડન સાડીમાં અત્યંત ખૂબસૂરત લાગતી કામ્યા જોડે અથર્વની યુનિટના અન્ય કુંવારા મિત્રોએ મીઠી મજાક મસ્તી અને થોડું ફલર્ટ પણ કયું. જોકે તેઓ આર્મીમાં હોઈ તેમનું ફલર્ટ પણ મર્યાદાપૂર્ણ અને શાલીન હતું. અથર્વે જોકે દરેક બાબતનો પ્રતિભાવ માત્ર મલકાઈને જ આપ્યો. આખો દિવસ સાથે રહ્યાં છતાંય પણ અથર્વે સહેજેય મર્યાદા નહોતી ઓળંગી.
સાંજ ઢળતાં જ કામ્યાને વિશાલે મેસેજમાં કહેલી વાત યાદ આવી ગઈ. જેમ જેમ સમય વીતતો ગયો કામ્યાના ધબકારા વધતા ગયાં. ઘરે જવાની અનિચ્છા છતાંય કમને તે અથર્વ -વેદિકા સાથે આર્મીની જીપમાં પાછી જવા લાગી. સવારે જતી વખતે અથર્વને આર્મી જીપમાં જવાનું હોય તે પોતાનું એન્ફિલ્ડ લઈને નહોતો ગયો. આથી પાછાં ફરતી વખતે કેન્ટોનમેન્ટની આર્મી જીપ તેમણે ડ્રોપ કરવા આવી.
“લાવો...હું તેડી લઉં...!” જીપમાંથી નીચે ઉતરી કામ્યાએ કહ્યું.
આખાં દિવસના થાકને લીધે વેદિકા સુઈ ગઈ હતી. અથર્વની ના છતાંય કામ્યાએ સુતેલી વેદિકાને તેડી લીધી. સોસાયટીના ગેટ પાસે પાણીની પાઈપ લાઈન રીપેર કરવા ખોદકામ કરેલ હોઈ જીપ અંદર જાય એવી નહોતી. આથી અથર્વે જીપ બહાર જ થોભાવવા કહ્યું હતું. તેમને ડ્રોપ કરીને જીપ નીકળી ગઈ.
વેદિકાને તેડી કામ્યા અથર્વની સાથે ચાલવાં લાગી. આખો દિવસ અથર્વની સાથે સમય વિતાવી તેણીને રાહત લાગી હતી. થોડો સમય પૂરતો પણ અથર્વનો સાથ તેણીને અંદરથી જીવવા માટે ઉત્સાહી કરી રહ્યો હતો.
સોસાયટીમાં પ્રવેશી તેઓ કામ્યાના ઘરની ગલી તરફ ચાલવાં લાગ્યાં. રાત પડી ગઈ હોઈ અને શિયાળાની ઠંડી હોઈ સોસાયટીમાં કંઈ ખાસ નહોતી. ઘરે પહોંચતાં જ વેદિકાને તેડીને ચાલી રહેલી કામ્યાએ રમાકાન્તના ઘર તરફ જોઈ લીધું. બહાર કોઈ ન હોવાથી કામ્યાને થોડી રાહત થઈ. તે જાણતી હતી કે લુચ્ચો, ખંધો, દોગલો બગભગત રમાકાન્ત ત્રિવેદી મોડી રાતે જ આવશે. જેથી સોસાયટીમાં બધાં સુઈ ગયાં હોય અને આવતાં-જતાં તેને કોઈ જોઈ ન જાય.
ઘરમાં આવીને કામ્યા વેદિકાને લઈને ઉપરના માળે અથર્વના રૂમમાં આવી વેદિકાને સુવાડી.
“થેન્ક યુ...!” અથર્વ બોલ્યો “વેદિકાનું ધ્યાન રાખવા માટે...!”
“કોઈ વાંધો નઈ...!” કામ્યાએ દબાયેલું સ્મિત કરીને પ્રત્યુત્તર આપ્યો.
“કોઈ તકલીફ છે..!?” અથર્વે સહેજ ખચકાઈને પૂછ્યું.
કામ્યા જાણતી હતી કે અથર્વ ગઈકાલ રાતની વાતના અનુસંધાનમાં પૂછી રહ્યો હતો જ્યારે તે એસિડ પીને પોતાના જીવનનો અંત આણવા જઈ રહી હતી ને અથર્વ આવી ગયો હતો.
“તમે ઈચ્છો તો કહી શકો છો..!” અથર્વે મૃદુ સ્વરમાં કહ્યું.
કામ્યા અથર્વના ચેહરા સામે જોઈ રહી. તેનાં ચેહરા ઉપર કામ્યા માટે સાહનુભૂતિ અને દુ:ખના ભાવો હતાં. પોતાનાં માટે કોઈના ચેહરા પર આવાં ભાવો કામ્યાએ કદાચ ઘણાં વખત પછી જોયાં હતાં. છેલ્લાં કેટલાક મહિનાથી અથર્વ સાથે તેણીને ઔપચારિક સબંધ બંધાયો હતો. અથર્વ માટે કદાચ કામ્યા વેદિકાની દેખભાળ કરનાર એક સ્ત્રી માત્ર હશે, પરંતુ કામ્યાએ અથર્વ માટે ઘણાં સમયથી આકર્ષણ હતું, એ વાત કામ્યા પોતે સ્વીકારી ચૂકી હતી. વેદિકાને લીધે અથર્વ જે થોડી ઘણી પળો કામ્યાને “જીવવા” મળતી હતી, એનાથી કામ્યાને ઘણી રાહત થતી હતી. એમાંય આજે આખો દિવસ અથર્વ સાથે ગાળ્યા બાદ કામ્યાને અથર્વ પ્રત્યે વધારે ખેંચાણ અનુભવાતું હતું. આર્મીના એ ગૌરવશાળી યુનિફોર્મમાં શિસ્તબદ્ધ રીતે અથર્વને ચાલતાં જોઈને કામ્યાને તેની તરફ આકર્ષણ થયું હતું તો અથર્વની સાથે અખો દિવસ બહાર મુવી, મોલ વગેરે જગ્યાએ ફરતી વખતે અજાણતાં કેટલીકવાર થયેલાં અથર્વના કઠોર શરીરના સ્પર્શથી ઘણાં વર્ષોથી સુકાઈ ગયેલી નદી જેવી કામ્યાના શરીરમાં આવેગોનું ઝરણું વહેતું અનુભવ્યું હતું. અત્યારે જ્યારે અથર્વે તેણીને પૂછ્યું ત્યારે તેનાં ચેહરા ઉપર કામ્યા માટેના એ ભાવો જોઇને તેણીએ અથર્વ તરફ ભાવનાત્મક ખેંચાણ અનુભવ્યું. ઈચ્છવા છતાય તે પોતાને રોકી ન શકી અને ભાંગી પડી. રડી પડતાં તેણીએ અથર્વને પોતાની આખી વાત કહેવા માંડી.
***
“તમે ચિંતા ના કરો...!” અથર્વ મક્કમ સ્વરમાં બોલ્યો “હું રમાકાન્તને જોઈ લઈશ...”
કામ્યાએ પોતાની કહી સાથે-સાથે વિશાલે મોકલેલો મેસેજ પણ અથર્વને વંચાવ્યો હતો. કામ્યાની વાત સાંભળી અને એમાંય વિશાલે મોકલેલો મેસેજ વાંચી અથર્વને ભારે ગુસ્સો ચડ્યો હતો. કામ્યાની દયનીય સ્થિતિ ઉપર તેને દયા આવી ગઈ હતી. બેડમાં સૂતેલી વેદિકાની સામે જોઈ અથર્વે કશુંક વિચાર્યું અને કામ્યા સામે જોયું. તેણીની આંખમાંથી હજી પણ પાણી વહી રહી હતું.
અથર્વે જે વિચાર્યું હતું તેનો અમલ કરવા માટે પહેલાં રમાકાન્તની અક્કલ ઠેકાણે લાવવી જરૂરી હતી.
“તમે અહિયાં જ રહેજો...” રડી રહેલી કામ્યાને અથર્વે કહ્યું “હું આવું છું...!”
કામ્યા થોડી મૂંઝાઈ. પરંતુ અથર્વના ચેહરા ઉપર વિશ્વાસના ભાવો જોઈ તેણીની મૂંઝવણ દૂર થઈ.
સૂતેલી વેદિકા જોડે કામ્યાને રહેવાં દઈ અથર્વ નીચે આવ્યો અને કામ્યાના રૂમમાં જઈ દરવાજો આડો કરીને બેસી ગયો. રમાકાન્ત આવે એની તે રાહ જોઈ રહ્યો.
***
સિદ્ધાર્થ
instagram@siddharth_01082014