પ્રભુ એ એટલું સરસ જીવન આપ્યું છે આપડે તે જીવી શકતા નથી ,આખી જિંદગી શું આપડે પોતાનો તાલ ભૂલી પર તાલે જ નાચવાનું ?બસો વર્ષ ની ગુલામી ના ભૂતકાળ નું શું વારંવાર પુનરાવર્તન કરવાનું ?કોઈ તન થી ગુલામ કોઈ મન થી ગુલામ તો કોઈ ધન ના ગુલામ.
સ્વાતંત્ર મળ્યા ને આટલા વર્ષો થયા છતાં માનવ હજુ સ્વતંત્ર થઈ શ્વાસ પણ નથી લઈ શકતો ,ખુલ્લા આકાશ માં મુક્તમને વિહરવા વાળા પક્ષી ને પાંજરે પુરો એવીજ પરિસ્થિતિ આજે માનવ ની થઈ છે ,જાણે પ્રાણવાયુ ની હંમેશા અછત રહેતી હોઈ તેમ અંદર ને અંદર ગૂંગળાઈ છે ,અભિવ્યક્તિ ખલાસ થઈ છે તેથી નથી મુક્ત મને હસી શકતો કે નથી બોલી શકતો ,કાગળ ના ખોટા ફૂલ જેવા સુક્કા સબંધો માં ભાવ ની ભીનાશ કે સ્નેહ ની સુગંધ નથી,સબંધો માં એટલી મોકળાશ ના હોવાથી હૈયા વરાળ કયા ઠાલવે ? ચહેરા પર નકાબ આટલા છે કે પોતીકા કોણ એ શોધવું મુશ્કેલ છે ,એક સમયે જીવન જીવવું એ સાધ્ય હતું અને જીવિકા સાધન આજે જીવિકા સાધ્ય બની ગયું અને જીવન સાધન ,અર્થોપાર્જન ની આટી ઘૂંટી માં અટવાયેલ માનવ જાણે કૅલેન્ડર ના પાના રોજ એકજ ઘરેડ માં ફાડ્યા કરે છે ,જીવન જીવવા ને બદલે પસાર થતું રહેલું છે કારણ જીવન ના ખરા આનંદ ની કલ્પના જ ખતમ થઈ ગઈ છે ,કારણ ભૌતિકતા ની હરણફાળ દોટ માં દરેક એક બીજા ને પછડાટ આપવા માટે આતુર છે ,સુખ તો સાપેક્ષવાદ ની થિયરી પર ચાલે છે ,જેનો અંત આવવો અશક્ય છે ,તેથી સુખ કે આનંદ ઝાંઝવા ના જળ જેટલા પણ ઝાંઝરમાન નથી .
સબંધો માં સ્પર્ધા ખતમ થશે તો સ્નેહ નું સ્પંધન નિર્માણ થશે નહીં તો વળી સ્પર્ધકો માં લાગણી કેવી ?હું મોટો તું નાનો નું ચલક ચલાણું રમતા માનવ ને જીવન ને માણવા કરતા એના પ્રદર્શન માં વધારે રસ છે.હોવું અને દેખાવું આ બંને ની ખરી વાસ્તવિકતા નું સ્પષ્ટ ચિત્ર નું નિરૂપણ કોઈ કરી શકતું નથી. તને ગમે તે તારું જીવન મને ગમે તે મારું જીવન આમ જો જીવન સ્વેરછિક અનુભૂતિ નો એહસાસ હોઈ તો રમણીય લાગે પરંતુ સ્વતંત્રતા માં પણ સ્વરચ્છદંતા નથી એજ સમાજ જીવન ના ધારાધોરણ ને માન્ય કરી અનુશાસન નું ઓઢણું ઓઢી જીવન જીવવાની મજા છે .
આજે સુખી હોવા કરતા સુખી દેખાવા માં માનવ ને વધુ રસ છે,સુખ ના કોઈ માપદંડ કે પેરામીટર નથી તેનો સીધો સબંધ અંતર મન સાથે છે કોઈ મીઠું અને રોટલો ખાઈને પણ તૃપ્તિ નો ઓડકાર લે છે અને કોઈ છપન ભોગ સામે હોવા છતાં ભોગવી શકતું નથી કારણ એને બીજાની થાળી નો લાડવો જોયા પછી થયેલો અસંતોષ પોતાના છપ્પન ભોગ પણ ભોગવા દેતો નથી આવા તુલનાત્મક અને સ્પર્ધાત્મક માનસિકતા માંથી બહાર નીકળીશ ત્યારે હું મને મળેલ નાના માં નાની વસ્તુ નો આનંદ માણી શકીશ .
પરંતુ આ દરેક વાત સમજવા માટે મનાવે પોતાની જાત ને એકજ પ્રશ્ન કરવો પડશે જીવન શા માટે ?તો કદાચ માનવ ને જીવન જીવવા નું કારણ મળી જાય ,આટલું સમજી જાય તો પણ ઘણું છે કે Nothing is Permenent.
જીવન નું અંતિમ સત્ય મૃત્યુ હોય તો જીવન માટે નાહક ની દોડધામ શા માટે ?જીવન ના અંતિમ સત્ય માટે વિચાર વિમર્શ કે ચર્ચા કરતા ડરતો માનવ મૃત્યુ ની નરી વાસ્તવિકતા નો સ્વીકાર કરવા કરતા આંખ આડા કાન કરવા માં વધુ રસ ધરાવે છે ,કારણ મૃત્યુ ની તાત્વિક ચર્ચા થી જીવન ની ક્ષણભંગુરતા સમજાય તોજ ઉન્નત જીવન ની કલ્પના આવી શકે .
પરંતુ મૃત્યુ એ શૂન્યાવકાશ ની પ્રતીતિ છે માનવ ના અસ્તિત્વ પર વજ્ર પ્રહાર કરે છે પોતાના અસ્તિત્વ માટે આખી જિંદગી સંઘર્ષ કર્યો હોઈ એજ અસ્તિત્વ ને કોઈ ઘડી ના છઠા ભાગ માં સાગર ની રેત જેમ ખેચી ને લઈ જાય એ અહંકાર નું ઓઢણું ઓઢેલ માનવ સ્વીકારી શકે ખરો ?મમ નું ભ્રામક અને મિથ્યા અજ્ઞાન ઓગળી જાય ત્યારે કોઈ શંકરાચાર્ય બ્રહ્મ સત્યમ જગન મિથ્યા નો નિર્ઘોષ કરે ,આભાસી મૃગ જળ થી આગળ જઈ અંતિમ તત્વ ની અનુભૂતિ નો એહસાસ શંકરાચાર્ય ને અદ્વૈતવાદ ના ઉન્નત શિખર પર લઈ ગયું હશે .
અહીં તો બત્રીસ પૂતળી ના ખેલ રોજ રચાય છે જેમાં કઠપૂતળા સ્વાધીન નહીં પરાધીન છે મારા જીવન નો માપદંડ નક્કી કરવા નિર્ણાયકો ની લાંબી કતાર છે.મારું પ્રતિબિંબ કેવું ચીતરવું એ લોકો ના અરીસા પર નિર્ભર છે.આમ માનવીય જીવન અંત માં સત્વ અને સ્વત્વ બંને ગુમાવી બેઠે છે .
પરંતુ એને કયા ખબર છે કે સત્કાર કે તિરસ્કાર કરનાર કોઈ કાયમ નથી ,તમારી કીર્તિ નું ગાન કરનાર ગવૈયા અમરપટ્ટો લઈ આવ્યા નથી કે તમારી નિંદા કરનાર નિદામણ કુદરત ક્યારે કાઢી નાખશે એનાથી ખુદ પોતે પણ અજાણ છે.તમે જે છો તે તમારી જાત અને બીજા પ્રભુ સમજી શકે તેમાં પણ જીવન ની ધન્યતા છે કહેવાનો તાત્પર્ય જે શાશ્વત કે સત્ય નથી એની પાછળ આંધળી દોટ શા માટે ?અંતે જીવન ના રંગમંચ પર હું એવો અભિનય કરી ને જાવ કે પ્રભુ બીજી વાર કોઈ નક્કર કે વિશેષ કિરદાર ના નાયક ની ભૂમિકા માં પૃથ્વી પર મને વારંવાર મોકલે..... આશિષ રાવ ની કલમે