ગામડા નું એ ગોંદરું આજે યાદ આવ્યું ને આંખો માં દરિયા ની ભરતી શરૂ થઈ છે ,
એ આમળી પીપળી ની રમત સાંભરે ત્યાં આજ ના આ કુમળા બાળક ની સ્થિતિ દયનીય લાગે .
માસ્તર ના માર થી શરીર પર લાગેલો ઘા આજે સ્મૃતિ બની દિલ ને વલોવી નાખે છે .
હૈયાફાટ રુદન નો ડુમડૂમો ભર્યો છે પણ ખભા થી ખભા મિલાવી કેટલુય અંતર કાપનાર ભેરુ ક્યાં છેજ?
ભાઈ ના બંધન થી જોડાયેલો ભાઈબંધ જો એકાદ દિવસ ના હોઇતો જાણે મારો સંસાર તો સુનો થઈ જતો .
ભમરડાં,લખોટી,ગીલી દંડો ,કે નારગેલ તો અમારી દિનચર્યા નો ભાગ હતો ,
માસ્તર વૃક્ષ ના જતન કાજ અમને ગામ ની ડંકી થી ડોલ ભરી લાવવા કહેતાં અને અમે તો હડી કાઢતા
પેલા પોગવાના આનંદ કદાચ ઓલમ્પિક ના મેડલ થી વિશેષ હતો ..
ગામ નો ચોરો તો જાણે આજે પણ અમને આલિંગન આપવા બોલાવતો હોય એવું પ્રતીત થાય છે ... એ અષાઢી મે થી અમારું ગામડું શોભી ઊઠતું ... ક્યાક થોડા દી પ્રસંગ માં જઈને આવું ત્યાં ગામ નું પાદર જાણે અનિમેષ દ્રષ્ટિ મારી વાટડી જોઈતું હોય એઉ લાગતું..
બોરડી માં બોર આવે ને ખાવા માટે આવકારતી હોય એવું હમેશા લાગતું... ગામ માં તારું ને મારૂ વળી શું ?હૈયા તેદી સમંદર જેટલા મોટા હતા કે કોઇની વાડી માથી કેરી,શીંગ કે પોંખ વણ માગે મળતા. એક એક ક્ષણ એવું જીવ્યા કે સમય ને ખીલા ધરબી સ્થિર કરી દેવાનું મન થતું ... ગામ માં કોઈ દિવસ બસ દેખાઈ તો મન હિલોળે ચડતું કે આજે ગામ માં મેમાન આવ્યા છે ...મેહમાન આવે એટલે જાણે લાગણી ની હેલી વરસે.
ક્યારેક કોઈ ની ટપાલ આવે તો થોક બંધ લાગણી નું પરબીડિયું આવ્યું છે આવો ભાવ જાગતો, એમાં પણ મારા નામ નો ઉલ્લેખ છે કે નૈ એ ઉત્કંઠા હમેશા રેહતી.. જમવાનું નક્કી ના હોય જ્યાં થાળી પીરસાય ત્યાં રસોડુ અને પીરસે એજ અન્નપૂર્ણા ....ગામ નો વરો તો આજ ની ફાઇવ સ્ટાર હોટલ ના પકવાન ને ઝાંખા પાડે ,એ સેવગૂંદી કે ઘારી કે બરફી અને જલેબી નું ચલણ તો અમારું જૂનું , એમાય કાચા કૂવારા ગામ ના જુવાનિયા ને પંગત માં પીરસતા જોઈ વડીલો મોઢે મોઢ સગપણ નક્કી કરી નાખતા .. અને જેદી ગામ માં ભવાઇ રમાવા ની હોઇ તો ગામ આખું હિલોળે ચડે હું તો વેલા વાળું કરી મારો કોથળો પાથરી ધૂણી ધખાવી બેસી જતો ...સવાર ના પ્રભાતિયા થી શરૂ થતો મારો દિવસ રાતે રામજી મંદિર ની આરતી માં પૂરો થતો .. શિયાળા ની કડકડતી ઠંડી માં ગામ ભેકાર બની ઠૂઠવાઇ સૂતું હોય ત્યારે અમે હાઠિયું ભેગી કરી તાપણી કરતાં હોય , તેદી મનોરંજન માટે સાંધનો ના હતા મિત્રોજ કાફી હતા ... ઉનાળા ની આગ ઓકતિ ગરમી માં અમે વડલા નીચે ખાટલા ઢાળી વિસામો લેતા ... ગામ ની નદી માં ધુબાકા કરી કરી ને જ અમે મોટા થયા ...એક વાત તો નકી છે અમે નદી હોય કે ખેતર હોય કે પાદર હોય કે ગામ ની નિહાળ કે વડલા ની ડાળું એની હારે અમારે પોતિકા પણાનો એવો સબંધ બંધાણો છે કે શહેર માં આવ્યા આટલી સુખ સગવડ માં રયા તોઈ ઇ જીવન જીવવા માટે ના અબરખા આજેય અધૂરા છે ..શું એ ગામડા પાછા જીવીત થઈ શકે જ્યાં નિખાલસ માણસો, નિર્દોષ સંબંધ, નિતાંત પ્રેમ થી બંધાયેલો સમાજ અને નેહનીતરી અમારી માતૃભૂમિ.... આશિષ રાવ