NAVKAR MAHAMANTRA DIVAS in Gujarati Mythological Stories by Jagruti Vakil books and stories PDF | નવકાર મહામંત્ર દિવસ

Featured Books
Categories
Share

નવકાર મહામંત્ર દિવસ


       નવકાર મહામંત્ર દિવસ

   નવકાર મહામંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે 9 એપ્રિલના રોજ ભારત સહિત વિશ્વભરમાં વિશ્વભરના 108 દેશોમાં 100થી વધુ સ્થળોએ 3 લાખથી વધુ લોકો દ્વારા સમૂહ અનુષ્ઠાનો યોજાશે ને સામૂહિક નવકાર મહામંત્રના જાપ થશે. 9 એપ્રિલ 2025ના રોજ વિશ્વ નવકાર મહામંત્ર દિવસ તરીકે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દિવસ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાશે. આ શુભદિને સમૂહ જાપ દ્વારા વિશ્વમાં શાંતિ, આરોગ્ય, ભ્રષ્ટાચાર નિવારણ અને કલ્યાણના આશય સાથે માંગ કરાશે. આ મહામંત્રના સમૂહ જાપથી આત્મિક શાંતિ સાથે આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળી શકે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી જોડાશે. સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે. ઉપરાંત નવ રાજ્યના મુખ્ય મંત્રીઓ પણ જોડાશે. આ કાર્યક્રમમાં જોડાવા માટે ટાઈમ‌ સ્ક્વેર, તથા દુબઈના બુર્જ ખલીફા ઉપર લાઇટિંગ પોસ્ટર દ્વારા લોકોને આ કાર્યક્રમ જોડાવા અપીલ કરાઇ રહી છે. વધુમાં જીતો પ્રમુખ પોખરાજ દોશીએ જણાવ્યું હતું કે, હવેથી 9 એપ્રિલ દર વર્ષે નવકાર દિવસ તરીકે ઉજવવામાં આવશે, તેની જાહેરાત કરવામાં આવશે. તથા આ કાર્યક્રમને ગરીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધણી કરાવવામાં આવનાર છે.  

       ઋષભદેવ ભગવાને નવકાર મંત્ર આપ્યો હતો. સાચી સમજણ અને ભક્તિ સાથે આ મંત્ર કરવાથી ભારે કર્મોનો બોજો હળવો થાય છે. નવકાર મંત્ર ૯ (નવ) પદો અને ૬૮ (અડસઠ) અક્ષરોના સમાવેશ કરતો મંત્ર છે, જેનું જૈન ધર્મમાં ઘણું મહત્વ છે. જૈન ધર્મના અનુયાયીઓ માટેનો આ આધારભૂત મંત્ર છે, જેનો પાઠ દિવસનાં કોઇ પણ સમયે કરી શકાય છે. આ મંત્રપાઠ દ્વારા પ્રાર્થના કરનાર ભક્ત, અરિહંતો, સિધ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સર્વ સાધુઓને આદરપૂર્વક નમસ્કાર કરે છે. આ મંત્ર દ્વારા કોઇ એક વ્યક્તિની પૂજા નહીં પરંતુ બધાજ સર્વોચ્ચ આધ્યાત્મિક મહાત્માઓનાં ગુણોની પૂજા કરવામાં આવે છે. મંત્રમાં કોઇનું પણ, અરિહંત કે સિધ્ધોનું પણ, નામ લેવામાં આવેલ નથી. મંત્રપાઠનાં સમયે, જૈન ભક્ત તેમનાં ગુણોને યાદ કરે છે અને તેમનું અનુસરણ કરવાની કોશિશ કરે છે. આ વાત જૈન ધર્મના અનેકાંતવાદના સિદ્ધાંતની પુષ્ટી કરે છે.નવકાર મંત્ર ને નમસ્કાર મંત્ર પણ કહેવાય છે. મૂળ રૂપે નવકાર પાંચ પદોનો બનેલો છે. આના પ્રથમ પાંચ પદોમાં દેવ-ગુરુને નમસ્કાર કરાયા છે.

નવકાર મંત્ર અને તેનો અર્થ જોઈએ તો,

णमो अरिहंताणं,णमो सिद्धाणं,णमो आइरियाणं णमो उवज्झायाणं,णमो लोए सव्व साहूणं,एसो पंच णमोक्कारो, सव्व पावप्पणासणो,मंगला णं च सव्वेसिं, पढमं हवई मंगलं          

અર્થાત,નમસ્કાર હોજો અરિહંત ભગવંતોને,( જેમણે બધા દુશ્મનોને નાશ કરી નાખ્યા છે, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષરૂપી દુશ્મનોને નાશ કર્યા છે એ અરિહંત કહેવાય. દુશ્મનોને નાશ કર્યા ત્યાંથી પૂર્ણાહુતિ થતા સુધીના અરિહંત કહેવાય.) નમસ્કાર હોજો સિદ્ધ ભગવંતોને,( એ પૂર્ણ સ્વરૂપ ભગવાન કહેવાય! એ પછી ગમે તે ધર્મના હોય, હિન્દુ હોય કે જૈન હોય કે ગમે તે કોમના હોય, આ બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય,જે અહીંથી સિદ્ધ થઈ ગયા છે, જેને અહીં આગળ દેહેય છૂટી ગયેલો છે ને ફરી દેહ મળવાનો નથી અને સિદ્ધ ગતિમાં નિરંતર સિદ્ધ ભગવાનની સ્થિતિમાં રહે છે, એવા સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું. હવે અહીંથી જે ષડરીપુ જીતી અને રામચંદ્રજી, ઋષભદેવ ભગવાન, મહાવીર ભગવાન એ બધા સિદ્ધ ગતિમાં ગયા. એટલે ત્યાં નિરંતર સિદ્ધ દશામાં રહે છે, એમને નમસ્કાર કરું છું.) નમસ્કાર હોજો આચાર્યજી ને,નમસ્કાર હોજો ઉપાધ્યાયજી ને.નમસ્કાર હોજો આ લોકને વિષે વિચરતા સૌ સાધુ-સાધ્વીજીઓને, આ પાંચ પરમેષ્ટીને કરેલા નમસ્કાર છે. બધા પાપોનો નાશ કરનાર છે.અને બધાં જ મંગલોમાં, પ્રથમ (સર્વશ્રેષ્ઠ) મંગલ છે.

     એક અન્ય પરંપરામાં છેલ્લાં ચાર પદોમાં ચૂલિકાને બદલે આ ચાર પદો વપરાય છે, જે પાછળથી એ ધર્મ ગુરુઓ દ્વારા ઉમેરાઈ છે:

  નમો નાણસ્સ - જ્ઞાનને નમસ્કાર હો, નમો દંસણસ્સ -દર્શનને નમસ્કાર હો, નમો ચરિત્તસ્સ - ચારિત્રને નમસ્કાર હો., નમો તવસ્સ - તપને નમસ્કાર હો.

         જૈન ધર્મમાં નવકાર મંત્રનો અચિંત્ય મહિમા દર્શાવવામાં આવ્યો છે. નવકાર મંત્ર જૈનોનો વિરલ અને વિશિષ્ટ મંત્ર છે. વિશ્વના સમસ્ત મંત્રોમાં નવકાર મંત્ર શ્રેષ્ઠ અને અજોડ છે. એનો પ્રતાપ અને પ્રભાવ અપરંપાર છે. નવકાર મંત્રમાં જે નવ વિશેષતાઓ જોવા મળે છે .

1) એ લોકોત્તર મંત્ર છે. નવકાર મંત્રનો ઉપયોગ આત્મશુદ્ધિ અને મોક્ષપ્રાપ્તિ માટે થાય ત્યારે એને લોકોત્તર મંત્ર કહે છે. નવકાર મંત્રને લોકોત્તર મંત્ર કહેવાનું કારણ એ જ છે કે આ મંત્ર અરિહંત જેવા લોકોત્તર મહાપુરુષ વડે કહેવાયો છે અને ગણધર જેવા મહાપુરુષો વડે સંકલના પામેલો છે. તેથી જ નવકાર મંત્રની લોકોત્તરતા વિશે જરા પણ સંદેહ રહેતો નથી. 2) અન્ય મંત્રોની આરાધના કરવાથી ઘણા પ્રયત્નોએ એ ફલદાયી થાય છે, પરંતુ નવકાર મંત્ર તો નિષ્કામ ભાવે જપવા છતાં એ અલ્પ પ્રયાસે ફળદાયી નીવડે છે અને સાધકની મનોકામના પૂર્ણ કરે છે. 3) નવકાર મંત્ર વડે જેની આરાધના આપણે કરીએ છીએ તે તો પંચપરમેષ્ઠી, વિતરાગી, નિ:સ્પૃહી પુણ્યાત્મા જ છે. તેમની અચિંત્ય શક્તિ આગળ એ બધાં જ દેવી-દેવતાઓની શક્તિ કોઈ વિસાતમાં નથી. નવકાર મંત્ર અનુપમ શક્તિશાળી હોવાનાં અગણિત કારણો પૈકીનું એક કારણ એ છે કે એના અધિષ્ઠાતાઓની પરમ વિશુદ્ધિને કારણે કે સરાગીની ગમેતેટલી શક્તિ હોય તો પણ પંચપરમેષ્ઠી ભગવંતોની અચિંત્ય શક્તિમત્તામાં તેઓ માત્ર બિન્દુ સમાન ગણી શકાય.4)નવકાર મંત્રનો કોઈ અધિષ્ઠાયક દેવ નથી. ઊલટું સમ્યક્ત્વધારી અનેક દેવીદેવતાઓ તેમના સેવક થઈને રહેલા છે. અને અનન્ય ભાવે સેવા કરનાર આરાધકોના તેઓ સર્વ મનોરથ પૂર્ણ કરે છે. મહામંત્ર નવકારની શક્તિ અને પ્રભાવ જ એટલાં જબ્બર છે કે દેવોને પણ તેમના સેવક બનીને રહેવું પડે છે.5) અન્ય મંત્રો અનુગ્રહ-નિગ્રહ, લાભ-હાનિ ઉભય માટે ઉપયોગમાં આવે છે; પરંતુ નવકાર મંત્રથી કોઈને હાનિ કરી શકાતી નથી. આ મહામંત્રથી તો કેવળ લાભ જ થઈ શકે છે. લોકોત્તર વસ્તુનું આકર્ષણ એ જ મહામંત્રની પાંચમી વિશેષતા છે.6)નવકાર મંત્ર ઉચ્ચારણમાં એકદમ સરળ છે, એનો અર્થ પણ સ્પષ્ટ છે. તેથી આબાલવૃદ્ધ એને સરળતાથી બોલી શકે છે એટલું જ નહીં, એનો અર્થ પણ સરળતાથી સમજી શકે છે.7) નવકાર મંત્રમાં ઓમકાર, હીંકાર, અર્હં વગેરે શક્તિશાળી બીજમંત્રો છુપાયેલા છે. પ્રવચન સારોદ્ધાર’ વૃત્તિમાં પણ ‘સર્વમંત્રરત્નાનામુત્પત્યાકરસ્ય’ એમ કહીને આ વસ્તુને સાધકો સમક્ષ સૂચિત કરવામાં આવી છે.8) નવકાર મંત્રમાં ‘નમો’ પદ પાંચ વાર આવે છે. આ ‘નમો’ પદ ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ વિનયનું મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ મન અને આત્માની શુદ્ધિ કરનારું અને શાંતિક પૌષ્ટિક ક્રિયાનો સંકેત આપનારું છે. એનાથી સર્વ ઉપદ્રવો શમી જાય છે, ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે.9) આ મહામંત્રનું ભાવપૂર્ણ ઉચ્ચારણ કરતાં આપણાં ૬૮ તીર્થોની યાત્રા થઈ જાય છે. આ મહામંત્રનો એક-એક અક્ષર એક-એક ર્તીથ બરાબર છે.એ રીતે આ નવકાર મંત્રની આરાધના કરતાં-કરતાં સાથે ૬ તીર્થોની યાત્રાનો લાભ પણ મળી શકે છે. આમ નવકાર મંત્રની ઉપરોક્ત નવ વિશેષતાઓ છે. આ મહામંત્ર અધમાધમ જીવોના કાનમાં પડે તો એની દુર્ગતિ અટકી શકે છે. યાવત્ ક્રૂર તર્યિંચો પણ એના શ્રવણમાત્રથી લઘુ કર્મી બની ભવસાગર તરી જાય છે. આમ નવકાર મંત્રનો આપણા સૌ પર મહા ઉપકાર છે. તેથી એના પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા રાખી એનું નિત્ય સ્મરણ કરવું એ પ્રત્યેક જીવ માટે પરમ હિતકારી છે.

     આ નવકાર મહામંત્ર વિશ્વસ્તરે પ્રથમવાર ઉજવવા જઈ રહ્યું છે.જે હવેથી દર વર્ષે 9 એપ્રિલે ઉજવાશે.