ઝગડો
નીતાબેનનાં ઘરમાં ઝગડો ઉગ્ર બનતો જાય છે. નીતાબેન પણ હવે પોતાની અંદર દાબીને બેઠેલા ગુસ્સાને બહાર લાવી રહ્યાં છે.
"ખાલી મેં પ્રેમ નથી કર્યો. તમારા દીકરા એ પણ મને પ્રેમ કર્યો છે. તમારો દીકરો ઘોડિયામાં ઊંઘતો નાનો કિકલો નથી કે તેને કંઈ ખબર નથી પડતી. તેને બધી જ ખબર પડે છે. પૂછો એને." નીતાબેનનો ગુસ્સો જોઈને કેવિનનાં મમ્મી પપ્પા પણ રાતા પીળા થઈ જાય છે.
"હા પપ્પા નીતાની વાત સાચી છે. હું લગ્ન કરીશ તો ફકતને ફક્ત નીતા સાથે. એ જ મારી જિંદગી છે." કેવિનની વાત સાંભળી તેની મમ્મી તેને ગાલ પર જોરથી એક તમાચો મારે છે.
"તું ગાંડો થઈ ગયો છે. એ વિધવા છે. એ પણ તારી માની ઉંમરની. તને બીજું કોઈ નહી ને પ્રેમ કરવા આ એક સ્ત્રી મળી. નાલાયક. ઈજ્જત કાઢી તે અમારી." કેવિનની મમ્મી કેવિનને ગુસ્સા સાથે સમજાવવાની કોશિશ કરી રહી છે.
નીતાબેન પોતાની કરેલી અથવા ભૂલથી થઈ ગયેલી ભૂલ પર પસ્તાવો કરી રહ્યા છે. તેમની આંખોમાં સતત આંશુ વહી રહ્યા છે. માનવી પણ રડી રહી છે.
"બેટા મને માફ કરી દે. મેં આ જાણી જોઈને નથી કર્યું." નીતાબેન માનવી પાસે જઈને માફી માંગી રહ્યા છે.
"મને ટચ ના કર. તું મા કહેવાને લાયક નથી. તારે જો આ બધા ધંધા કરવા હતાં. તો જવું હતુને રેડ લાઈટ એરિયામાં." માનવી તેની મમ્મીથી દૂર ખસી જાય છે. નીતાબેન પોતાની દીકરીને પોતાની દૂર થતી જોઈ વધુ રડવા લાગે છે.
"કેવિન છેલ્લીવાર કહું છું માની જા નહીંતર મજા નહિ આવે." કેવિનનાં પપ્પા કેવિન સામે સિંહની જેમ બુમ બરાડા પાડી રહ્યાં છે.
"તમે ગમે તેટલી વાર કહેશો મારો એક જ જવાબ હશે. કે હું લગ્ન કરીશ તો ફક્ત નીતા સાથે. I love you નીતા." કેવિનનો જવાબ સાંભળી નીતાબેન વધુ મૂંઝવણમાં મુકાઈ જાય છે.
"કેવિન તને બે હાથ જોડું છું. આપણી વચ્ચે જે કંઈ હતું તે એક ખરાબ સપનું સમજીને ભૂલી જા. અને અહીંથી જતો રહે. તારા મમ્મી પપ્પાની વાત સાચી છે. મારી જિંદગી તો પુરી થવા આવી પણ તારી તો હજુ શરૂઆત છે. તારી જિંદગી ના બગાડ. જતો રે અહીંથી."નીતાબેન આટલુ બોલતા બોલતા દ્રુસકેને દ્રુસકેને રડી પડે છે.
"નીતા તું આ લોકોની વાત સાંભળીને ડરી ના જઈશ. હું છું ને. હું તારી સાથે હતો, છું અને હમેંશા રહીશ." કેવિન નીતાબેન તરફ પોતાનો પ્રેમ બતાવી રહ્યો છે.
"કેવિન મને કંઈ નથી સમજાતું મારી સાથે આ બધું શું થઈ રહ્યું છે. એક બાજુ તું છે ને બીજી બાજુ માનવી. મને કંઈ ખબર નથી પડી રહી." નીતાબેન પોતાની જાતને નિ:સહાય સમજીને રડી રહ્યાં છે.
"ખબર તો બધી પડે છે પણ મારા છોકરા સાથે રહેવાના અભરખા જાગ્યા છે ને એટલે આ બધા નાટક કરી રહી છે." કેવિનની મમ્મી તીખા શબ્દોનો માર મારી રહી છે.
"હવે આ આપણા કહ્યામાં નથી રહ્યો. લાગે છે હવે પોલીસ જ બોલાવવી પડશે." કેવિનનાં પપ્પા પોલીસ બોલાવવાની ધમકી આપે છે.
"મારા ખાતર નહીં તો મારી આ દીકરી ખાતર પોલીસ ના બોલાવશો. મારી તો ઈજ્જત અને આબરૂ જતી રહી પણ મારી દીકરીનો કોઈ હાથ પકડનાર નહિ મળે. તમારા પગે પડું છું. મારા દીકરી ખાતર પોલીસ ના બોલાવશો." નીતાબેન કેવિનનાં પગે પડીને આજીજી કરી રહ્યાં છે.
"હવે દીકરીનો વિચાર આવે છે. આ પહેલા કોઈ વિચાર નહતો આવ્યો?" કેવિનનાં પપ્પા આગનાં ભડકા કરી રહ્યા છે.
નીતાબેન રડતા રડતા ગુસ્સે થઈને કેવિનને એક થપ્પડ મારી દે છે.
"તું કેમ અમારી જિંદગીમાં આવ્યો? અમારી મા દીકરીની શાંતિથી ચાલતી જિંદગીમાં કાંકરીચારો કરી તને શું મળ્યું? હજુએ તને કહું છું કે તું આ બધું ભૂલીને જતો રહે. હું વિધવા છું. હું એકલી હતી અને એકલી જીવી પણ લઈશ. બસ મારી દીકરી સામે એકવાર જોઈ લે."નીતાબેન કેવિન સામે રડતા રડતા બોલી રહ્યાં છે.
"આવી સ્ત્રીને આપણી સોસાયટીમાં રહેવા પણ ના દેવાય. આપણા બાળકો પર કેવા સંસ્કાર પડે." નીતાબેનનાં ઘરની બહાર એકઠી થયેલી ભીડમાંથી એક સ્ત્રી બીજી સ્ત્રીને કહી રહી છે.
"સાચી વાત હો. આપણે તો કેવી સમજતા હતાં ને કેવી નીકળી." બીજી સ્ત્રી તે સ્ત્રીની વાતમાં તાપસી પુરે છે.
ક્રમશ :