વિપુલભાઈ
નીતાબેનની સોસાયટીમાં વર્ષોથી રહેતા 50 વર્ષનાં વિપુલભાઈ બહાર ભીડમાં ઉભા ઉભા ક્યારનાંએ આ ઝઘડાનો ચિતાર મેળવી રહ્યાં છે. તે નીતાબેનને વર્ષોથી ઓળખે છે. તેમના ઘરમાં તેઓ એકલા રહે છે. તે વિધુર છે. તેમનો દીકરો થોડાક દિવસ પહેલા જ સ્ટુડન્ટ વિઝા પર વિદેશ ગયો છે. તેઓ અવારનવાર નીતાબેનને કંઈ મદદની જરૂર હોય તો પોતાનાથી બનતી મદદ કરતા. તે નીતાબેનને સારી રીતે ઓળખતા. તે બહાર ઉભેલી ભીડને ચીરીને નીતાબેનનાં ઘરમાં પ્રવેશે છે.
તે પાણીનો ગ્લાસ ભરીને નીતાબેનનાં હાથમાં આપે છે. નીતાબેન બે ઘૂંટડા પીને થોડા શાંત થાય છે.
"જો તમને મારી વાતથી કોઈ વાંધો ના હોય તો મારી પાસે એક રસ્તો છે." વિપુલભાઈ કેવિનનાં મમ્મી પપ્પા અને નીતાબેન સામે જોઈને પોતાની વાત રજૂ કરે છે.
નીતાબેન અને કેવિનનાં મમ્મી પપ્પા વિપુલભાઈ સામે જોવે છે.
"આમાં વળી શું રસ્તો હોય. આનો તો એક જ રસ્તો હોય કે એક વિધવા 46 વર્ષની સ્ત્રી સાથે 23 વર્ષનાં છોકરાનાં લગ્ન ક્યારેય ના થઈ શકે." કેવિનનાં પપ્પા વિપુલભાઈ સામે તીખી નજરે જોઈને જવાબ આપે છે.
"જોવો પ્રેમ એ કોઈની સાથે કરાતો હોતો નથી થઈ જતો હોય છે. સ્મશાનમાં રહેનાર શંકર ભગવાન સાથે દેવી શક્તિને પણ પ્રેમ થઈ ગયો હતો. રંગથી શ્યામ કૃષ્ણની સાથે રાધા, મીરાં, ગોપીઓને પણ પ્રેમ થઈ ગયેલો. તો શું એને પણ પાપ કહીશું? શું એને પણ સમાજનાં રીતરિવાજ મુજબ અસ્વીકાર કરીશું? આ સમગ્ર સંસાર પ્રેમ નામમાં શબ્દ અને તેમાં રહેલી લાગણીઓ અને ભાવનાઓથી ચાલે છે. હા તમારી વાત સાચી કે ઉંમરનો એક મોટો તફાવત સમસ્યા સર્જે છે. પણ.." વિપુલભાઈ આગળ કંઈ બોલે તે પહેલા જ કેવિનનાં પપ્પા તેમને અટકાવી દે છે.
"બસ બસ તમારું ડહાપણ ભર્યું ભાષણ બંધ કરો. અહીંયા પ્રેમની કથા સાંભળવા નથી બેઠા. કેવિન તને છેલલીવાર કહું છું હજુએ માની જા આ તારા લાયક નથી." કેવિનનાં પપ્પા વિપુલભાઈને ચૂપ કરાવી કેવિનને નીતાબેન વિરુદ્ધ ભડકાવી રહ્યાં છે.
નીતાબેન "તારા લાયક નથી વાક્ય" સાંભળતા જ તેમની આંખમાંથી આંશુ આવી જાય છે. માનવી આ બધું થતું જોઈને પોતે રડી રહી છે. તેને તેની મમ્મી પ્રત્યેય નફરત થઈ રહી છે.
"મેં પણ એકવાર કહી દીધું ને કે હું લગ્ન કરીશ તો નીતા સાથે. તમને મંજુર હોય તો કહો બાકી હું તમારો દીકરો હતો. એ વાત આજથી ભૂલી જાવ."
કેવિનની વાત સાંભળીને તેની મમ્મીનાં હોશ ઉડી જાય છે. તેનાં પપ્પા પણ સ્તબધ થઈ જાય છે.
"કેવિન આજે તું જે કંઈ છો. તે તારા મા બાપનાં કારણે છો. જો તારા મા બાપ ના હોત તો તું આજે આ જગ્યા પર પણ ના ઉભો હોત. એટલે સાવ આ રીતે તો વાત કરવી એ નફ્ફટઈ કહેવાય." વિપુલભાઈનાં શબ્દો સાંભળીને કેવિન ગુસ્સે થઈ જાય છે.
તે વિપુલભાઈની એકદમ નજીક જઈને તેમની આંખોમાં આંખ મિલાવી ગુસ્સેથી જોવે છે.
"નીતા ફકત મારી છે. ફક્ત મારી. એના માટે હું કોઈનો જીવ લેતા પણ વિચાર નહિ કરું અને ના તો મારો જીવ આપતાં. અને વાત રહી નફ્ફટઈની તો હું નફ્ફટઈ કરવા પણ તૈયાર છું.મારી નીતા માટે." કેવિનનો ગુસ્સો જોઈને વિપુલભાઈ ચૂપ થઈ જાય છે.
"બસ બંધ કર. તારી આ પ્રેમની વાતો. તને જન્મ આપનારા મા બાપ તરફ તો એકવાર જો. મારી તો અડધી જિંદગી પુરી થઈ ગઈ પણ તેમની સામે એકવાર તો તું જો. તારા એક્સીડેન્ટનાં સમાચાર સાંભળીને તે તરત જ દોડીને તારી ચિંતા કરતી આવી પહોંચી તે મા તરફ તો તું જો." નીતાબેન રડી રહ્યા છે. તે કેવિનને તેનાં મમ્મી પપ્પા સાથે જવા સમજાવી રહ્યા છે. પણ કેવિન તો પોતાની જીદ પર કાયમ છે.
"મેં એકવાર કહ્યું ને ખબર નથી પડતી. ઉપરથી શંકર ભગવાન પણ આવશે ને તો પણ હું તારા સિવાય કોઈની સાથે લગ્ન નહીં કરું."
કેવિનની વાત સાંભળીને બધા ચૂપ થઈ જાય છે.
"તને આ બધું કરતા પહેલા વિચાર કરવો જોઈતો હતો મમ્મી. હવે વાત ઘણી આગળ વધી ગઈ છે. હવે રડવાથી કે માફી માંગવાથી કંઈ નહિ થાય. હવે તો તારી પાસે ફક્ત બે રસ્તા છે કાં તો તું કેવિન સાથે લગ્ન કરીને પોતાનો સંસાર ફરીથી ઉજળો કરીને એ ને ખુશીથી તારા કેવિન સાથે રહે અથવા તું કેવિનને ભૂલી જા. કાયમ ને માટે." માનવી તેની મમ્મીને છેલ્લીવાર ચેતવણી આપે છે.
ક્રમશ :