ઝગડો
"નીતાબેન આ બધું શું છે?" કેવિનનાં પપ્પાને ડાયરી પર વિશ્વાસ નથી થઈ રહ્યો. તેમને કંઈ જ ખબર નથી પડતી કે એક 45 વર્ષ આસપાસની સ્ત્રીને એક યુવાન છોકરા સાથે પ્રેમ?
"કેવિન માનવી એ જે કહ્યું અને આ ડાયરીમાં જે લખ્યું છે. તે કહી દે કે તે ખોટું છે." કેવિનની મમ્મી કેવિનને કહી રહી છે.
કેવિન નીતાને બાથમાં લઈને તેની મમ્મી તરફ નજર કરી. એક ઉંડો શ્વાસ લઈને કબૂલ કરી નાંખે છે.
"હા મમ્મી માનવી એ જે કહ્યું તે અને ડાયરીમાં જે લખ્યું છે તે સાચું છે. હું નીતાને અને નીતા મને પ્રેમ કરે છે." કેવિનનાં મમ્મી પપ્પાની જીભ પર જાણે લકવો પડી જાય છે.
માનવી રડી રહી છે. નીતાબેન માનવીને જોઈને તેમનું માતૃત્વ છલકી ઉઠે છે. તે કેવિનથી દૂર ખસી જાય છે. તે રડટા રડતા માનવી પાસે જાય છે.
"માનવી મને માફ કરી દે. મેં જાણી જોઈને પ્રેમ નથી કર્યો. મને હજુ સુધી નથી ખબર કે મને પ્રેમ થયો છે કે મેં પ્રેમ કર્યો છે.બેટા મારો ઈરાદો તારી સાથે કંઈ ખોટું કરવાનો નહતો." નીતાબેન રડવા લાગે છે. માનવી પણ રડી રહી છે.
"મેં તો તને પહેલા જ કહ્યું હતું કે આ અમદાવાદ જઈ તો રહ્યો છે પણ ત્યાં જઈને જોજે કંઈ લફરાં ના કરે. અને અહીં આવીને લફરાં કર્યા. એ પણ કોની સાથે? એક વિધવા પોતાની માની ઉંમરની સ્ત્રી સાથે. નાલાયક તને આ બધું કરવા મોકલ્યો હતો?" કેવિનનાં પપ્પા ગુસ્સે થઈને કેવિનને એક તમાચો લગાવી દે છે.
"જેટલો મારવો હોય તેટલો મારી લો પણ હું નીતાને પ્રેમ કરું છું અને કરતો રહીશ. I love you નીતા." કેવિન હવે તેનાં મમ્મી પપ્પાનાં ડરની ચિંતા કર્યા વગર બોલી રહ્યો છે.
"પણ હું તને પ્રેમ નથી કરતી." નીતાબેન ના છૂટકે પોતાની દીકરી માનવીની હાલત જોઈને કેવિન સાથેનાં પ્રેમનો અસ્વીકાર કરે છે.
ઘરમાં બહુ મોટો ઝઘડો થઈ રહ્યો છે. જેનો અવાજ સાંભળીને આજુબાજુનાં પાડોશી ઘરની બહાર જોવા ઉમટ્યા છે.
"તું મને પ્રેમ કરે છે. મને ખબર છે. તું આ દુનિયાની ચિંતા છોડી દે. હું તને આ બધાથી દૂર અલગ દુનિયામાં લઈ જઈશ. જ્યાં આપણા સિવાય બીજું કોઈ નહિ હોય." કેવિન નીતાને પોતાની સાથે લઈ જવાની વાત કરી પોતાનું પરાક્રમ બતાવી રહ્યો છે.
"મારે કંઈ નથી આવવું. હું મારી દુનિયામાં ખુશ છું. મહેરબાની કરીને તને બે હાથ જોડું છું. તું અમને મા દીકરીને છોડીને જતો રહે. પ્લીઝ." નીતાબેન કેવિન સામે બે હાથ જોડીને આજીજી કરી રહ્યાં છે.
"હવે આજીજી કરે શું ફાયદો. પહેલા આવી નીચ હરકત કરતા વિચાર નહતો આવ્યો. તું તો એક વિધવા છે. તારી અડધી જિંદગી તો પુરી થઈ ગઈ. પણ મારા દીકરાનો તો વિચાર કરવો હતો. તેની જિંદગીની શરૂઆત જ હવે થવા જઈ રહી છે. તમારા વિશે શું શું વિચાર્યું હતું ને તમે શું નીકળ્યા?" કેવિનની મમ્મી નીતાબેનને ફરિયાદ કરતા રડી પડે છે.
"કેવિન મારી ઈજ્જતનો વિચાર કર. મહેરબાની કરી. આપણી વચ્ચે જે હતું તે ભૂલી જા." નીતાબેન ઘરની બહાર ભીડ ભેગી થયેલી જોઈ વર્ષોથી જે ઈજ્જત હતી. તે ધૂળમાં ભેરવતી જોઈ તે કેવિનને વિનંતી કરે છે.
"નાલાયક તને છેલલીવાર કહું છું. અહીંથી ચાલ. અને તારા ભવિષ્યની જિંદગીનો વિચાર કરી આગળ વધ. આ તો વિધવા છે. આમના તો કામ જ હોય. તારા જેવા ભોળા છોકરાઓને પોતાના રૂપમાં ફસાવી તેમની પાસેથી રૂપિયા પડાવવાના. આ ને વેશ્યા... વેશ્યા કહેવાય વેશ્યા." કેવિનનાં પપ્પા ગુસ્સે થઈ રહ્યાં છે.
વેશ્યા શબ્દ સાંભળતા જ નીતાબેનનાં શરીરમાં એક ચમકારો પ્રસરી જાય છે.
"વેશ્યા... કોણ વેશ્યા.... અજયભાઇ હું વેશ્યા નથી. હા હું વિધવા છું. પણ ચારિત્ર્યવાન છું. વાત રહી પ્રેમની. તો હા મેં મારી એકલતાભરી જિંદગીમાં રંગ પૂર્યો હોયને તો તે તમારા દીકરા કેવીને. અને હા મેં પ્રેમ કર્યો છે કેવિનને પણ એ કદાચ મારી ભૂલ હશે. પણ હું વેશ્યા નથી. વેશ્યા પોતાનું શરીર વેચે. મેં શરીર નથી વેચ્યું. બસ મારું મન, મારી લાગણીઓ અને મારી ભાવનાઓને કેવિન પ્રત્યેય સમર્પિત કરી છે. એક સાચો પ્રેમ અને પ્રેમમાં ઉંમર નથી હોતી બસ પ્રેમ હોય છે." નીતાબેન પોતાનું રૂદ્ર રૂપ બતાવી કેવિનનાં પપ્પાને ચૂપ કરી નાંખે છે.
ક્રમશ :