Betterhalf - 2 in Gujarati Short Stories by S I D D H A R T H books and stories PDF | બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-2

Featured Books
Categories
Share

બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-2

બેટરહાલ્ફ-ભાગ-૨ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩)

પ્રકરણ-૨

 

“કાકા....ભીંડા અઢીસો કરી દો...!” કામ્યાએ શાકભાજીવાળાને કહ્યું.

તેમની સોસાયટીની નજીક આવેલી સ્કૂલ પાસે ભરાતા શાક માર્કેટમાં તે રોજે શાકભાજી લેવા આવતી.

        તે શાકભાજીની લારીમાંથી શાકભાજી ચૂંટી રહી હતી ત્યાં જ પાછળ સ્કૂલ છૂટવાનો બેલ વાગ્યો. થોડીવારમાં તો કલબલાટ કરતાં બાળકોનો શોર સંભળાવા લાગ્યો. વાલીઓ, સ્કૂલ રીક્ષાઓવાળા વગેરેની ભીડ જામી ગઈ. બાળકોને સ્કૂલે લેવા આવનાર મમ્મીઓની ભીડ શાકભાજીની લારીઓએ પણ રોજની જેમ લાગી ગઈ હતી.

        સહેજ ટ્રાન્સપરન્ટ સિન્થેટીક સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં અત્યંત સુંદર લાગી રહેલી ગોરીચિટ્ટી કામ્યા ઉપર ઘણા પુરુષોની નજર ચોંટી રહેતી. ઘેરથી ગમે ત્યાં આવવા-જવા પસાર થતી લગભગ દરેક સ્ત્રીની જેમ જ ખૂબસૂરત કામ્યા પણ અનેક પુરુષોની વાસના ભરી નજરોથી “પસાર” થતી. એમાંય કામ્યા કાયમ દક્ષિણી સ્ટાઈલથી સાડી પહેરતી જેમાં તેણીની પાતળી કમર સહેજ ખુલ્લી દેખાતી. મોટેભાગે પુરુષોની નજર કામ્યાના ઘાટીલા આખા દેહ ઉપર ફરી વળ્યા પછી તેણીની સુંદર કમર ઉપર આવીને ચોંટી જતી. શાકભાજી માર્કેટમાં પણ કેટલાય શાકભાજીવાળા તેમજ અન્ય પુરુષો કામ્યાની કમરને ચોરી છૂપે જોઈ લેતાં.     

        શાકભાજી લઈને જઈ રહેલી કામ્યાની નજર સ્કૂલના ગેટ પાસે યુનિફોર્મ પહેરેલી અને પીઠ ઉપર બેગ ભરાવીને ઊભેલી વેદિકા ઉપર પડી.

        “કદાચ..તે પોતાનાં પપ્પાની રાહ જોતી હશે....!” સ્કૂલના ગેટ પાસે ક્લાસ ટીચર પાસે ઊભા-ઊભા આમતેમ જોઈ રહેલી વેદિકાને જોઈ કામ્યાએ વિચાર્યું.

        સ્કૂલ યુનિફોર્મમાં માથે બે ચોટલા વાળીને ઊભેલી દસ વર્ષની ક્યૂટ વેદિકાને જોઈ કામ્યાના અધરો ઉપર અમસ્તું જ સ્મિત ઉભરાઇ આવ્યું અને હ્રદયમાં પોતે નિ:સંતાન હોવાનું દુ:ખ પણ. તેણીની સાસુએ તેમના મૃત્યુ પહેલા કામ્યાને આપેલી “વાંઝણી”ની ઉપાધી પણ તેણીને એક ક્ષણ માટે યાદ આવી ગઈ. જોકે પોતે હજી મા ન બની શકી એમાં તેણીનો કોઈ જ દોષ ન હોવાનું કામ્યાને યાદ આવતા તેણીના મનમાંથી દુ:ખના એ ભાવો દૂર થયા. તે વિચારોમાં ચાલતા-ચાલતા કામ્યાના પગ ક્યારે વેદિકા તરફ ચાલી નીકળ્યા, તેણીને ખ્યાલ જ ન રહ્યો.

        હાથમાં પકડેલી શાકની થેલી સહેજ સરખી કરતાં-કરતાં તે સામે ચાલી આવી.

        “શું થયું...!? પપ્પા નઈ આવ્યાં...!?” ગેટ પાસે કોઈ શિક્ષિકા જોડે ઊભેલી વેદિકાની નજીક જતાં કામ્યા સહેજ સ્મિત કરીને પૂછ્યું.

        ચેહરેથી કામ્યાને ઓળખતી વેદિકાએ કશું બોલ્યાં વગર નકારમાં માથું ધૂણાવી દીધું. કામ્યાને તેણી ઉપર પરાણે વ્હાલ ઉપજી આવ્યું.

        “વેદિકા મારા ઘરે જ ઉપરના માળે તેના પપ્પા સાથે ભાડે રહે છે...!” કામ્યાએ વેદિકાની જોડે ઊભેલી શિક્ષિકાને કહ્યું “તમને વાંધો ના હોય તો હું એને લઈ જાઉં...!?”

        “ના...! એના પપ્પાની પરમીશન વિના અમે કોઈને આ રીતે કોઈને સ્ટુડેંન્ટ લઈ ન જવા દઈ શકીએ..!” તે શિક્ષિકાએ કહ્યું “એમ પણ એના પપ્પા રોજે આઈ જ જતાં હોય છે...આજે કદાચ ટ્રાફિક-બાફીકમાં ફસાઈ ગ્યાં હશે...એટ્લે લેટ થઈ ગ્યાં....!”

        “વેદિકા...તું તો મને ઓળખે છે ને...!?” સહેજ નીચા નમીને કામ્યાએ વેદિકાને પૂછ્યું.

        કશું બોલ્યા વગર વેદિકાએ હકારમાં માથું ધૂણાવ્યું.

        “આ’વું છે મારી જોડે ઘેર...!?” કામ્યાએ કાલા સ્વરમાં પૂછ્યું.

        વેદિકાએ ફરીવાર કશું જ બોલ્યા વિના નકારમાં માથું ધૂણાવ્યું.

        કામ્યાએ વ્હાલથી તેના ગાલ ખેંચ્યા અને હસતાં-હસતાં તેણીની ટીચર સામે જોયું. કામ્યા હવે વેદિકાની ટીચર સાથે વાતો કરવા લાગી.

        “પપ્પા...!” તેઓ વાતો કરી રહ્યા હતા ત્યાં જ વેદિકાએ બૂમ પાડીને કહ્યું.

        કામ્યા અને વેદિકાની ટીચરે જોયું તો સ્કુલની બિલ્ડીંગથી સહેજ દૂર પોતાનું બાઈક પાર્ક કરીને વેદિકાના પપ્પા અથર્વ ચાલતાં-ચાલતાં તે તરફ આવી રહ્યો હતો.

        તે  આર્મીના કોમ્બેટ સૂટથી અલગ અત્યારે સહેજ મહેંદી કલરના આર્મીના જનરલ ડ્યુટી યુનિફોર્મમાં હતો. આર્મીમાં હોવાને લીધે કસાયેલું શરીર, હાલ્ફ સ્લીવ યુનિફોર્મમાં ફૂલેલા દેખાતા બાવડાં, લગભગ છએક ફૂટ જેટલી ઉંચી પહોળાં ખભાં ધરાવતી મજબુત કાયા અને માથે “મરૂન બેરેટ” કહેવાતી સહેજ ઢળતી કેપ તેમજ બ્લેક ગોગલ્સ પહેરીને આવી રહેલા અથર્વને આજુબાજુના ઘણા પુરુષો અને સ્ત્રીઓ પણ જોઈ રહ્યા. કામ્યા પણ હળવું મલકાઈને જોઈ રહી. આજે પ્રથમ વાર કામ્યાએ અથર્વને ધ્યાનથી જોયો હતો. અત્યાર સુધી આવતા-જતાં કામ્યાએ તેની આછી-પાતળી ઝલક જ જોઈ હતી. આર્મીવાળો હોવાને લીધે તે મોટેભાગે પોતાનાં કામથી કામ રાખતો. આજુબાજુ રહેતી કોઈ સ્ત્રી તો ઠીક તેણે ક્યારેય આજુબાજુ રહેતા કોઈ અન્ય પુરુષ સાથે પણ સામે ચાલીને વાત નહોતી કરી. શિસ્તબદ્ધ રીતે ચાલતો અથર્વ તેમની નજીક આવીને ઉભો રહ્યો. કામ્યાએ ઔપચારીક હળવું સ્મિત કર્યું.

        “સોરી...મારે આજે કેન્ટોન્મેન્ટમાં સેરેમની હતી...એટલે થોડું લેટ થઇ ગ્યું...!” કામ્યા સામે પરાણે ઔપચારિક સ્મિત કરીને અર્થર્વે વેદિકાની ટીચર સામે જોયું.

        “વાંધો નઈ...!” તે ટીચર બોલી.

        “મેં વેદિકાને પૂછ્યું કે મારી જોડે આવવું છે...તો એણે નાં પાડી...!” સ્મિત કરીને કામ્યા બોલી અને વેદિકાના ગાલ ફરીવાર ખેંચ્યા.

        “મેં જ એને નાં પાડેલી છે...કે મારા સિવાય કોઈની જોડે જવું નઈ...!” અથર્વ હળવું સ્મિત કરીને બોલ્યો.

        “એમણે કીધું કે તમે એમને ત્યાં રેન્ટ ઉપર રો’ છો...!” ટીચર બોલી.

        “હા...” અથર્વે ટૂંકમાં કહ્યું.

            કામ્યા તરફ જોઈ અથર્વે ફરીવાર ઔપચારિક સ્મિત કર્યું.

        “પપ્પા...મને ભૂખ લાગી છે....ચાલો...!” વેદિકાએ અથર્વનો હાથ ખેંચીને કહ્યું અને આગળ જવા લાગી.

        અથર્વે કામ્યા સામે સ્મિત કર્યું અને જવા લાગ્યો.

        કામ્યા પણ ચાલવા લાગી.

                “આજે તમારે લેટ થઈ ગ્યું નઈ...!?” ઝડપથી ચાલતાં અથર્વની સાથે થવા સહેજ ઉતાવળા પગલે ચાલતાં-ચાલતાં કામ્યાએ કહ્યું.

        “હમ્મ...હા..... અમારે છવ્વીસ જાન્યુઆરીની પરેઢની પ્રેક્ટિસ ચાલે છે...!” કામ્યાને પોતાની જોડે ચાલતાં જોઈ હળવું આશ્ચર્ય અનુભવતા અર્થવ બોલ્યો.

        “ઓહ...હા હા નઈ...તમે આર્મીમાં છો...!” કામ્યા બોલી.

        કશું બોલ્યાં વગર ઔપચારિક સ્મિત કરી અથર્વ ચાલતો રહ્યો. શું બહાને વાત કરવી એ કામ્યાને ન સમજાતા તે પણ મૌન તેમની જોડે ચાલતી રહી. ચાલતાં-ચાલતા તેઓ અર્થવે પાર્ક કરેલા એન્ફિલ્ડ પાસે આવી ગયાં.

        “વેદિકાની મમ્મી એને લેવા નઈ આવતી...!?” શું બોલવું એ ન સૂઝતાં કામ્યાથી બોલાઈ ગયું.

        અર્થવને સહેજ આશ્ચર્ય થયું અને તે કામ્યા સામે પ્રશ્નાર્થભરી નજરે જોઈ રહ્યો. તેના ચેહરા ઉપરના હાવભાવ જોઈને કામ્યાને સમજાઈ ગયું કે તેને એ પ્રશ્ન નહોતો ગમ્યો. કામ્યા પણ છોભીલા ચેહરે તેની સામે જોઈ રહી.

        “આઈસક્રીમ...આઇસ્ક્રીમવાળો પપ્પા જોવો...!” ત્યાં જ વેદિકા એક આઈસક્રીમના ઠેલાવાળા પાસે જવા અર્થવનો હાથ ખેંચીને લઈ જવા લાગી.

        અથર્વ તેની જોડે દોરવાયો. એકાદ બે ક્ષણ અટકી કામ્યા પણ તેમની પાછળ ગઈ.

        કામ્યા તેમની પાછળ જઈને ઊભી રહી ત્યાં સુધીમાં અથર્વે વેદિકાને એક ચોકોબાર લઈ આપી હતી. કામ્યા તેમની પાછળ ઊભી રહી.

        “તમે...?” અથર્વે પરાણે કામ્યા સામે જોઈને પૂછ્યું અને આઇસ્ક્રીમવાળા તરફ ઈશારો કર્યો.

        કામ્યાએ સ્મિત કરીને નકારમાં ડોકું ધૂણાવ્યું.

        “બે વર્ષ પહેલાં એક્સિડેન્ટમાં એનું મૃત્યુ થયું....!” આઇસ્ક્રીમ ખાવામાં “બીઝી” વેદિકાને જોઈને અથર્વ સહેજ ધીમા સ્વરમાં બોલ્યો.

        “સોરી..!” કામ્યા સાંત્વનાભર્યા સ્વરમાં બોલી.    

        કેટલીક ક્ષણો મૌન  વીતી.

        “તમે એકલા કેમનું મેનેજ કરો છો...!?” કામ્યાએ પૂછ્યું.

        “તકલીફ તો પડે છે...પણ છૂટકો નથી..!” પરાણે સ્મિત કરી અથર્વ ટૂંકમાં બોલ્યો.

        “તમને વાંધો ના આવે...તો વેદિકાને હું સ્કૂલેથી ઘેર લેતા જઈશ...!” કામ્યા બોલી.

        “પણ પછી એનું જમવાનું..? હું રોજે એને મારી જોડે આર્મી મેસમાં લઈ જવ છું..પછી એને ત્યાં જમાડીને ટ્યુશન...! અને સાંજે છૂટીને હું એને ઘેર લઈ આવું છું...”

        “ઓહ..તો જમવાનું હું જોઈ લઇશ...!” કામ્યા બોલી “અને ટ્યુશન પણ તમને વાંધો ન હોય તો હું કરાઇ દઇશ...હું એમ કોમ ભણી છું...ઇંગ્લિશ મીડિયમમાં...!”

        અર્થવ વિચારવા લાગ્યો.

        “એને તમારી જોડે આર્મી મેસમાં કંટાળો આવે ને...!? અહિયાં તો એને ટ્યુશન પહેલાં અને પછી આવીને ગલીના છોકરાઓ જોડે રમવા પણ મળે...!”

        કામ્યાની વાત અથર્વને સાચી લાગી. સ્કૂલેથી સવારે સાડા આગિયારે છૂટયા પછી વેદિકાને બપોરે ત્રણથી પાંચમાં ટ્યુશન જવાનું હોતું અને અથર્વ સાંજે છ વાગ્યે છૂટે, ત્યાં સુધી વેદિકા ટ્યુશનમાં બેસી રહેતી, એ પછી અથર્વ તેણીને લઈને ઘેર આવતો. આમ, વેદિકાનો સારો એવો સમય કંટાળજનક રીતે વિતતો. ઈચ્છવા છતાય કામ્યાને “હા” પાડવા અંગે તે ખચકાટ અનુભવી રહ્યો.

        છેવટે ઘણું વિચાર્યા પછી અથર્વે હા પાડી.

        “અમ્મ...તમે શું ફી લેશો...!?” અથર્વે પૂછ્યું.

        કામ્યા ના પાડવા જતી હતી, પરંતુ “આવતી લક્ષ્મીને ના પાડવાની” તેણીને ઈચ્છા ન થઈ. એ સિવાય પણ વિશાલના સટ્ટાબાજીના શોખને લીધે ઘર ચલાવવા માટે પડતી પૈસાની તંગી પણ તેણીને યાદ આવી ગાઈ.

        “તમે અત્યારે ટ્યુશન ફીના જેટલા આપો છો એનાથી પાં’સો ઓછા આપશો તો ચાલશે...!”

        “અરે એવું કેમ? ખાલી ટ્યુશનના પૈસામાં આખો દિવસ વેદિકાની સંભાળ..!?” છેવટે થોડી ચર્ચા પછી અથર્વે વેદિકાની સંભાળ અને ટ્યુશનના પાંચ હજાર નક્કી કર્યા. કામ્યાએ છેવટે ‘હા’ પાડી.

***

        ત્યાર પછી વેદિકાને સ્કૂલેથી લેવા જવાની, જમવાની અને ટ્યુશનની જવાબદારી કામ્યાએ સંભાળી લીધી. થોડાં દિવસ પછી વેદિકાને પણ કામ્યા જોડે ફાવી ગયું. રોજે જુદું-જુદું ગરમ-ગરમ જમવાનું, કામ્યા જોડે જ ટ્યુશન અને ટ્યુશન પછી પણ કામ્યા જોડે અને ગલીના બીજા બાળકો જોડે રમવાનું. વેદિકાને ફાવી જતાં અથર્વને પણ થોડી શાંતિ થઈ. વેદિકાની જેમ અથર્વ પણ ધીરે-ધીરે સહેજ વધુ વાત કરતો થયો હતો. આમ છતાં, તેનું વર્તન મોટેભાગે કામ પુરતું, શાલીન અને ગંભીર રહેતું. તેની સાથે થયેલી થોડીઘણી વાતો અને વેદિકા દ્વારા કામ્યાને અથર્વ વિશે અને તેનાં ફેમિલી વિશે થોડુંઘણું જાણવા મળ્યું હતું. અથર્વે વેદિકાની મમ્મી નિશા સાથે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ વિવાહ કર્યા હોઈ બંનેમાંથી કોઈના ઘરે તેમને સપોર્ટ નહોતો. એમાંય નિશાના મૃત્યુ પછી અથર્વ અને વેદિકા એકલાં પડી ગયાં હતાં. અથર્વના મમ્મી પપ્પા અથર્વને ફરી લગ્ન કરવાની શરતે અપનાવવા તૈયાર હતાં પરંતુ અથર્વને હવે લગ્નમાં કોઈ રસ નહોતો. આમ છતાં, ભારતીય કાયદા પ્રમાણે એકલો પુરુષ સંતાનમાં દીકરી રાખી ન શકે એટલે છેલ્લાં કેટલાક સમયથી અથર્વ તેનાં માતાપિતા સાથે રહેતો હતો અને લગ્ન માટે છેવટે પરાણે માન્યો હતો. તેનાં લગ્ન માટે યોગ્ય યુવતી તેનાં મમ્મી-પપ્પા શોધી રહ્યાં હતાં એ દરમિયાન તેની ટ્રાન્સફર અહિયાં થઈ.  

        અથર્વ કામ્યા સાથે મોટેભાગે કામ પૂરતી વાત કરતો પરંતુ અનૈતિક સબંધો માટે “પ્રખ્યાત” સોસાયટીના કેટલાક ચાંપલા પુરુષો જે ખૂબસૂરત કામ્યાને ઘણીવાર “દાણા” નાખી ચુક્યા હતાં અને કામ્યાએ કોઈનેય ભાવ નહોતો આપ્યો, એ લોકોએ કામ્યા અને અથર્વ વચ્ચેની ઔપચારિક વાતો મરચું-મીઠું ભભરાવીને વિશાલને કહી અને વિશાલ અને કામ્યા વચ્ચે આ બાબતે ઝઘડો થયો. કામ્યાએ પૈસાની જરૂરિયાતનો હવાલો આપી વિશાલને માંડ સમજાવ્યો. મહિને વધારાના પાંચ હજાર વધારાની આવક આવશે એ વિચારીને વિશાલે પછી એ બાબતે માથાકૂટ કરવાનું બંધ કરી દીધું. જોકે વિશાલ અર્થવને લઈને કામ્યા ઉપર વ્હેમાતો રહેતો, ઘણીવાર તે આ બાબતે કામ્યા સાથે મારઝૂડ પણ કરતો. કામ્યાએ જોકે બધું સહન કરી લીધું અને આ વિશે અથર્વ કે વેદિકાને કોઈ જ ખ્યાલ નહોતો આવવા દીધો.

        પણ કામ્યાને પોતાને નહોતું સમજાતું કે તે શા માટે વેદિકા માટે આ બધું સહન કરી રહી હતી. પછી જોકે કામ્યાને એ તો સમજાઈ ગયું કે તે આ બધું વેદિકા માટે નહિ પરંતુ અથર્વ માટે સહન કરી રહી હતી.

***

સિદ્ધાર્થ

instagram@siddharth_01082014