: જીન :
હમણાં તાજેતરમાં એક રાજસ્થાનનો કિસ્સો જોવા મળ્યો. એક માણસના શરીરમાં ફોળકી થાય છે, અને એ ફોળકી ડોક્ટર ફોડે છે. એમાથી સોય નીકળે છે, અને તે પણ નાકાવાળી.
આ સમાચાર સાંભળી ને મને અમારા ગામમાં થયેલી એક ઘટના યાદ આવી ગઈ, જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું.
મારા લગ્ન પહેલા ની વાત છે. મારા સસરા ડોક્ટર હતા, અને તેમના પાસે વાડિયેથી એક ખેડૂત એકાંતરે બે દિવસે પોતાની ફોળકી ફોડાવવા આવતો. મારા સસરા ફોળકી ફોડે, ત્યારે તેમાંથી સ્ટીલની નાકાવાળી સોય નીકળતી.
આ વાત સામાન્ય લાગતી, પણ વારાફરતી બંને ભાઈઓને આવી રીતે ફોળકી થઈ હતી અને તેમાંથી સોય નીકળતી. એક ભાઈ ગુજરી ગયો. પછી બીજા ભાઈને અમદાવાદ હોસ્પિટલમાં બતાવ્યું, અને પાકું થયું કે સ્ટીલની સોય નીકળે છે. પણ એ કેમ નીકળે છે, એની કોઈ ખબર ન પડી.
થોડા સમયમાં તે ખેડૂતના ઘરે બે ડબ્બા સોયથી ભરાઈ ગયા. પછી બીજા ભાઈનું પણ નિધન થઈ ગયું.
એક વખત વાડિયેથી તેમના સંબંધીઓ દવા લેવા દવાખાને આવ્યા ત્યારે તેઓ આ બંને ભાઈઓની વાતો કરતા. શા માટે બંને ભાઈઓને સોય નીકળતી હતી? તેમણે ડોક્ટર સાહેબ સાથે આ ચર્ચા કરી.
રામભાઈના ખેતરમાં એક પાળિયું હતું, અને ત્યાં એક દેવતા પણ હતા. તેઓ તેની પૂજા કરતા. પણ તેમને ખબર ન હતી કે એ પાળિયું શું હતું. એક દિવસ રામભાઈ પૂજા કરતા હતા ત્યારે એક જીન બહાર આવ્યો અને કહ્યું, "તૂ બી તો નહીં. હું આ પાળિયામાં રહેું છું. તું મારી રોજ સેવા-પૂજા કર, એટલે હું તારા પર પ્રસન્ન છું. તારી વાડી હંમેશા લીલી રહેશે."
એ જીન જીવંત હતો અને અમુક કામોમાં મદદ પણ કરતો હતો. તે તેમના ઘરના સભ્યની જેમ રહેતો હતો. એક દિવસ કોઈએ રામભાઈને કહ્યું, "પેલા જીનની ચોટલી કાપી દો અને તેને ક્યાંય જવા ન દો. પછી તે તારી ગુલામી કરશે."
રામભાઈને લાલચ આવી, અને એક દિવસ મોકો મળતા જીનની ચોટલી કાપી નાખી. ત્યાર પછી, જીન સાથે બહુ બધું કામ કરાવવાનું શરૂ થયું. રામભાઈ જીનને સતત હેરાન કરતા. એક દિવસ રામભાઈએ જીનને કહ્યું, "કોઠાર સાફ કરી અને તેમાં બધું ઘઉં ભરી દેજે."
કોઠાર સાફ કરતાં કરતાં જીનને એની ચોટલી મળી ગઈ. પછી તે રામભાઈ અને તેના ભાઈને ખૂબ જ હેરાન કરવા લાગ્યો. ઘરના બધા લોકો દુઃખી થઈ ગયા. રામભાઈ બીમાર પડી ગયા અને તેમને એક અજાણી બીમારી થઈ. જીને તેમને શ્રાપ આપ્યો: "તમારા શરીરમાંથી સોય નીકળશે અને તે અસહ્ય દુખાવું કરશે, જે તમે સહન કરી નહીં શકો."
દુખાવો સહન ન કરી શકવાથી બંને ભાઈઓનું મૃત્યુ થયું.
તેમના એક સંબંધી માતાજીના ભગત હતા. તેમણે માતાજીની રજા લીધી અને બાકીના પરિવારના સભ્યોને માતાજીનો દોરો બાંધ્યો. પછી જીનના પાળિયા સામે બધાએ માફી માંગી. ત્યાર પછી જીન તે લોકોને હેરાન કરતો ન રહ્યો.
હાલની તારીખમાં પણ તે લોકોના ઘરે સ્ટીલની ગોદડા સિવવાની સોયના ડબ્બા ભરેલા છે, અને તે લોકો તેનો ઉપયોગ કરે છે. તેમના માટે આ એક અવ્યાખ્યાયિત રહસ્ય બની ગયું છે.
(આ બધું જે લોકોની સામે બન્યું હોય તે લોકો માને, અને જે લોકોની સામે ન બન્યું હોય તે લોકો આ વાતને નકારી કાઢે.)
મારા સસરા કહેતા કે જો એના હાથેથી નાખેલી સોય હોય તો એનો નાકાવાળો ભાગ પાછળ ન હોય, તે આગળની સાઇડ હોય. પણ આ તો પાછળથી નાકું નીકળે, અને પહેલા આગળથી અણી નીકળતી. પોતે ડ્રેસિંગ કરતા હોય એટલે બધી ખબર હોય કે ભાઈઓએ કેટલી તકલીફ ભોગવી પડી હતી સોય કાઢાવતાં.
આ દુનિયા કેટલી રહસ્યમયી છે...
🙏