Hasya Manjan - 30 in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય મંજન - 30 - ખુશબો મૂકી જાય પ્રિયે ખુશબો મૂકી જાય

Featured Books
  • Safar e Raigah - 3

    منظر ۔شهمیر نے ڈائری بند کی اور اس پر اپنا ہاتھ ہلکا سا ٹھپا...

  • مہلت

    مہلت مہلت لیتے ہوئے میں نے بات بدل لی۔ میں خواہشات اور ہنگام...

  • Safar e Raigah - 2

    ".baab . 2 "منظر ۔کمرے میں ایک ہلکی سی روشنی تھی اور باہر خا...

  • آتنکوادی

    کمرے میں ایک عجیب سی خاموشی بسی ہوئی تھی ایسی خاموشی، جس میں...

  • نشانات

    دی اینڈ محبت میں جدائی کا مقدر ناگزیر تھا۔   وہ جہاں تک...

Categories
Share

હાસ્ય મંજન - 30 - ખુશબો મૂકી જાય પ્રિયે ખુશબો મૂકી જાય

ખુશ્બો મૂકી જાય પ્રિયે ખુશ્બો મૂકી જાય...!

 


                                            બાર ગાઉએ બોલી બદલે તરુવર બદલે શાખા

                                                      બુઢાપામાં કેશ બદલે પણ લખણ ના બદલે લાખા..!       

 

                          ઉબાડિયુંનાં લખ્ખણ પણ એવા જ હંઅઅઅકે..! પામો તો પરમ આનંદ આપે, પણ લખણ નહિ છોડે..! એવું અલ્લડ ચાવણું કે,  લગન કરીને પિયરનું પાદર નહિ છોડવા માંગતી અડીયલ છોકરીની માફક, વરસોથી વાપીથી તાપીનો પટો બદલ્યો નથી બોલ્લો..!. અમદાવાદનું ભૂસું, રાજકોટની ચટણી, વડોદરાનો ચેવડો, આણંદનાં ગોટા, ભરૂચના ભજીયા, સુરતની ઘારી, સુરતનો પોંક, ને સુરતનો લોચો વિખ્યાત, ને આગળ જાવ તો વલસાડના ચીકુ ને વડાપાઉં વખણાય એમ આજે પણ આ પરગણાનું તમતમતું ઉબાડિયું વખણાય..! એના કપાળમાં કાંદા ફોડું, એકવાર જીભે ચઢે એટલે એવું ચઢે કે, ‘બુઢા ભી ઉસે ખાયે તો જવાં હો જાયે..!’ આગલા જનમમાં બાર દિવસ માં બાર જ્યોતિર્લીંગ ની યાત્રા કરી હોય એને જ આ જનમમા ઉબાડીયાની ભૂમિમાં જનમ મળે એટલું પ્રભાવી..! દુખની વાત એ કે, “Journal of the First Voyage of Columbus,” ક્રિસ્ટોફર કોલંબસના જેવો ઈતિહાસ નથી લખાયો.  ગળાના છેડા સુધીનાં સોગંદ ખાયને કહું કે, ઉબાડીયાનો શોધક પણ કોઈ સુરતીલાલો જ હશે. એ વિના ઉબાડીયાના ખાદ્યાલયો વાપીથી તાપી સુધીના ‘હાઈ-વે’ ની ધાર પકડીને ધમધમતા ના હોય..! સુગંધ જ એવી કે, રસ્તા ઉપરથી વાહન જતા હોય તો, તે પણ ડચકા ખાતા ઉભા રહી જાય. વાહનને પણ જાણે ખબર પડી જાય કે, આસપાસમાં ઉબાડીયાનું લોકેશન લાગે છે..! નાકમાં સુગંધ જાય એટલે, જૂની શરદી ને  જૂની કબજીયાત સળવળવા માંડે. જો વધારે ખવાય ગયું તો શ્રી રતિલાલ છાયાની પંક્તિ યાદ કરાવી દે કે, ‘ ખુશ્બો મૂકી જાય, પ્રિયા ખુશ્બો મૂકી જાય..!’

                                   ‘ટેસ્ટી’ હોવા છતાં, એનું સ્થાન ફાઈવ સ્ટાર હોટલમાં નથી, એનું અમને સુરતીઓને દુખ છે. બાકી,  દુનિયાની મોંઘામાં મોંઘી લાસવેગાસની હોટલ ‘ બેલાગિયો એન્ડ કસીનો‘ માં ઉબાડીયાની રેંકડી ગોઠવવા દે તો, સાતી નહિ, છાતી ઠોકીને કહું કે, રશીયા યુક્રેન અને ઇઝરાયેલ-ઈરાનવાળા યુદ્ધ અટકાવીને ઉબાડિયું ઝાપટવા આવે..! કાળા વાળની પાપડીના ઉબાડીયા આગળ એમનો બોંબમારો પણ સુરસુરિયું થઇ જાય. એમાં સાથે જો સુરતી લોચો, સુરતી છાશ ને તમતમતી ચટણીનો આથો મળે તો, પોતાના લોચા પણ ભૂલી જાય. પથ્થર હૃદયના હોય તે, “પોચ્ચા-પોચ્ચા” બની જાય..!  યુધ્ધને બદલે કવિતાની કુંપણો કાઢતા થઇ જાય. આ તરફ આવવાનું થાય, અને કોઈ ગંદો ઝભ્ભા ચઢાવેલો, દાઢી વધારેલો ખેંખડી માણસ સામેથી આવતો જોવા મળે તો માનવું કે, એ અમારો કવિ ‘’ઉબાડીયો’ જ હોય...! ‘ ખુશ્બુ મૂકી જાય, ઉબાડિયું  ખુશ્બુ મૂકી જાય’ જેવી ચોટદાર કવિતા એવી કાઢે કે, સમજવા માટે ઉબાડિયું જ ઝાપટવું પડે. એ વિના કવિતાનો મરમ નહિ સમજાય..! ક્યાં તો પછી ચમનીયા જેવા ગાઇડને ભાડે કરવો પડે...!

                          ઉબાડીયામાં જાદુ છે બોસ..! ભલે ને ઉકરડાની બાજુમાં ઉબાડીયુ બનતું હોય, પણ એવું ટેસ્ટી કે એના જેવું કોઈ ‘બેસ્ટી’ નહિ..! ‘ડુંગરે-ડુંગરે કાદુ તારા ડાયરા’ ની માફક, માંડવે-માંડવે ઉબાડીયાનાં સ્વાદ અલગ, ને માંડવાના નામ પણ અલગ.! મોટા ભાગે દેવી દેવતાના નામ ઉપરથી જ માંડવાના નામ રાખેલા હોય. ધંધામાં બરકત પણ આવવી જોઈએ ને..? ખાધા પછી કોઈને આડ અસર નહિ થાય એવી શ્રધ્ધા..! પણ મોભેદારને પણ ત્યાં ઉભા રહીને, ઉબાડિયું ઝાપટવામાં મોભો આડો આવતો નથી, એ એની ખૂબી છે..! ‘ઊંઘ જુએ નહિ ખાટલો, ને ભૂખ જુએ નહિ પાટલો’ ની માફક સાલું,  ઉબાડિયું ખાવા માટે મેળો ઝામે..! રેંકડીની ચહા, રેંકડીનો લોચો, ભજીયાની સુવાસ ને ઉબાડીયાની વાસ, ભલભલાનું ભાન અને સ્થાન ભુલાવી દે. તેલ લેવા જાય પોઝીશન કહીને એવા તૂટી પડે કે, ઉકરડે બેસીને પણ ઉબાડીયાના બટાકા ને રતાળુ છોલતા થઇ જાય..! ડુંગરીમાં ઉબાડિયું બનતું હોય તો એની સુગંધનો છેડો દુબઈમાં ફૂટે એવી તો એની સુવાસ..! ચોખ્ખાઈની પત્તર ફાડતો એન.આર.આઈ. પણ ઉબાડિયું ચાખવા લલચાય.!  જીભડું વલવલવા માંડે તો માનવું કે, આજુબાજુમાં ઉબાડીયાનો ઝોન આવેલો છે. વાપીથી તાપીનો હાઈ-વેનો આ માર્ગ, જોવાલાયક કરતાં ખાવાલાયક તરીકે વધારે વખણાય.  ‘કુત્તેકા ભી એક દિન આતા હૈ’ એના જેવું છે..!  અમને ડર એ વાતનો લાગે કે, જો યમરાજને ઉબાડિયું કોઠે ચઢી ગયું તો, યમરાજની હેરાફરી અમારી બાજુ વધવા માંડે. પછી તો, યમરાજ પણ જીવ ઉપાડવાને બદલે ઉબાડિયું ઉપાડવાના ધંધે લાગી જાય..! ચમનીયો ઘણીવાર મને  કહે, ‘રમેશિયા..! યાદ રાખજે, એક દિવસ ઉબાડીયાવાળો પણ પ્રધાન મંત્રી બની જશે, કહેવાય નહિ..!’ એના કપાળમાં કાંડા ફોડું..!

                                બાકી  ઉબાડિયું એટલે, વેંગણ-પાપડી-બટાકા-રતાળુ કન વગેરેનો  બાફેલો મસાલેદાર સરવાળો..! ભગવાનશ્રી રામના સંપર્કથી શલ્યાજી અહલ્યા થયેલા એમ, બકાલાનાં સંપર્કમાં માટલું આવ્યું, અને બકાલાનો ઉદ્ધાર થઇ ગયો. એને માટલા સાથેનું ગઠ-બંધન જ કહેવાય મામૂ..! અગરબત્તી બળે, પણ સુગંધ બીજાને આપે, એમ માટલું પોતે બળે, ને ઉદ્ધાર બકાલાનો કરે..!  એની જાત ને ઉપર પણ ભ્રષ્ટાચારવાળું ચાલતું હોય તો ઘાટ આવી જાય દાદૂ..? ભાદરવાના સ્વજની કાગડા મારફત  ઉબાડીયા મોકલીને મૃતકનો નરકનો કેસ મોક્ષમાં તો ફેરવી કઢાય..! તારી ભલી થાય તારી..! સારું છે કે, દક્ષીણ ગુજરાતનો કોઈપણ શખ્સ ‘યમરાજ સેવા સર્વિસ’ માં જોડાયેલો નથી. બાકી આવો ખેલ પણ કરે, એનું નામ ચમનીયો..!

                                  રામાયણમાં કુંભકર્ણને જગાડવાનો ચોટદાર પ્રસંગ આવે છે. એમને નીંદરમાંથી ઉઠાડવા, જો ઉબાડીયાની સુગંધ આપી હોત તો, વધારે ધાંધિયા જ નહિ થાત. ચપટીમાં કુંભકર્ણજી ઉભા થઇ જાત. શબરીજીએ પણ, બોરને બદલે શ્રીરામજીને  ઉબાડિયું ચખાડ્યું હોત તો, ભગવાન શ્રીરામ વારંવાર શબરીની ઝુંપડીએ આવ્યા હોત..! અને દક્ષીણ ગુજરાતમાં પણ ભગવાનશ્રી રામના આંટાફેરા વધ્યા હોત..!  તંઈઈઈઈ..!

 

                                             લાસ્ટ બોલ

            અંગ્રેજીમાં A અક્ષરનું સ્થાન પહેલા નંબર પર હોવા છતાં, ૧ થી  ૯૯૯ સુધીની સ્પેલિંગમાં ક્યાંય A અક્ષર આવતો નથી. આવવા માટે Thousand સુધી A જેવા A ને પણ રાહ જોવી પડેલી..!

તારા કપાળમાં કાંદા ફોડું..!

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------