Hasya Manjan - 1 in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય મંજન - 1 - ઝાકળ ભીનું પ્રભાત

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

હાસ્ય મંજન - 1 - ઝાકળ ભીનું પ્રભાત

ઝાકળ ભીનું પ્રભાત.....

                                  . આજકાલ લગનની મૌસમ બુલેટ ટ્રેનની માફક દૌડી રહી છે બોસ..! ઠેર ઠેર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલતી હોય, એમ લગનના માંડવા બંધાયેલા જ હોય..! કોઈનું પણ ખિસ્સું ખંખેરો તો એમાંથી અડધોએક ડઝન કંકોત્રી નીકળે, ક્યાં તો ચાંદલાના કવર નીકળે. એના કપાળમાં કાંદા ફોડું, સામાન્ય પગારદારની હાલત એવી ભૂંડી થઇ જાય કે, પગાર કરતા ચાંદલાની રકમ વધી જાય..! ચાંદલા કરવા લોન લેવી પડે..! છતાં, બની ઠનીને નીકળેલા કોઈપણ માણસની બોચી ઝાલો તો ખબર પડી જાય કે, એ લગનનો જંગ જીતવા જ નીકળ્યો હોય..! પણ થાય એવું કે, સીધો સરળ અને ડાહ્યો લાગતો માણસ પણ લગનની મૌસમ ફાટે ને ‘હડકાયો’ બની જાય. કોઈને પણ ફોન કરો એટલે, માણસને બદલે ડીવાઈસ બોલવા માંડે કે, “ઇસ રુટકી સભી લાઈન વ્યસ્ત હૈ..! એમ માણસ લગનમાં જ વ્યસ્ત દેખાય. પતંગના માંજાની માફક કોઈને કોઈ તો લગનને ‘એટેન્ડ’ કરવામાં ગૂંચવાયેલો જ હોય..! એનો સુઘડ ચહેરો પણ એ ધમાલમાં આફ્રિકાના નકશા જેવો બની જાય..! લગનમાં હાજરી આપવી કંઈ સરળ વાત નથી. પહેલી વાત તો એ કે, બોચી ઝાલીને બકરી ઇદના બકરાની માફક કોઈ લગનમાં કાઢી ગયું હોય એવો થઇ જાય..! લગનમાં કાંદા-બટાકા તો છોલવાના નહિ આવે, કામધંધા વગરના થઈને માત્ર ત્યાં અભિવૃદ્ધિ જ કરવાની હોય. પણ એવો કંટાળે કે, પોતાની તો ઠીક બીજાની વાઈફ સામે પણ ડોળા કાઢતો હોય એવો લાગે. ભપકાદાર વસ્ત્રોમાં દર્દ તો દેખાય નહિ. લગનમાં આવેલા એક એક માણસને જુઓ તો ઉઘરાણી કરવા પઠાણ આવ્યો હોય એવો લાગે. ઉઘરાણીવાળો કોઈ ભેટી નહિ જાય એનો ડર પણ લાગે.  લગનમાં વ્યસ્ત હોય ને અમસ્તું પણ પૂછીએ કે, ‘કેમ છો ચમનભાઈ..!”  તો જાણે ‘દાઉદ’ ને છેડ્યો હોય એવું કટાણું મોંઢું કરે. ક્યાં તો વેન્ટીલેટર પર ચઢેલા દર્દીની માફક માત્ર શ્વાસના ફૂંફાડાથી જ ઈશારો કરતો હોય એવો લાગે. માણસ કેટલા લગન સહન કરે યાર ? એના કપાળમાં કાંદા ફોડું, લગનની વણઝાર નીકળે ત્યારે તો, એમ થાય કે, ભારતના બંધારણમાં તો ઠીક, આ લગનની પ્રથામાં કોઈ સુધારો લાવવા જેવો છે યાર..! એકાદ લગનના દાળ-ભાત કે પુલાવ-કઢી પેટમાં ઠરીઠામ ના થયા હોય ત્યાં, બીજાના માંડવે ઝાપટવા જવાનું..! એ વખતે ભગવાનની ભૂલ કાઢવાનું મન થાય કે, રેલ્વેમાં જેમ સંકટ સમયે સાંકળ ખેંચવાની સવલત હોય, એમ લગનની મૌસમમાં એકાદ 'સપ્લીમેન્ટરી' પેટ આપવાની જોગવાઈ પણ હોવી જોઈએ.પેલા કવિની પંક્તિ યાદ આવી જાય  કે,

                 મુઠ્ઠીભર હૈયું, ને ખોબાભરપેટ,

                 મુદ્દા તો બે જ તોયે કેટલી વેઠ

                             ઘણીવાર તો એક જ દિવસ અને એક જ સમયે લગનના રાફડા ફાટે. એમાં ‘વાઈફ’ ના સગા હોય ત્યાં તો ‘કટોકટી’ જાહેર થઇ જ જાય. બાકીના લગનમાં નેતાની માફક ‘ફ્લાઈંગ-વિઝીટ ‘ જ મારવાની આવે. થાય એવું કે, બે ઘરનો મહેમાન ભૂખો રહે, એમ ભૂખે પણ દિવસ કાઢવો પડે..! કારણ કે, એકને ત્યાં વહેલા પહોંચ્યા હોય, ને બીજાને ત્યાં જમણવારનું ઉઠમણું થઇ ગયું હોય..! રાજકારણમાં જ છપ્પનની છાતી જોઈએ એવું નથી મામૂ..! આવા વ્હયવહાર સાચવવા પણ છપ્પનની છાતી જોઈએ..! છાતી સાત-આંઠ ઇંચ ઓછી હોય તો ચાલે, પણ હસવામાં સાવ અલ્લાયો બની જાય એ ના ચાલે. 

                              હાસ્ય એ મુશીબતનું મારણ છે. ને હાસ્યનો પણ એક મલાજો છે બોસ..! હાસ્યના પડીકા દરેક જગ્ગયાએ છોડી શકાતા નથી. પણ કોઈના લગનમાં હાજરી આપવા જઈએ ત્યારે મોંઢું હસતું રાખવું. મગજની મેલી મથરાવટી બહાર ડોકા કાઢે તે બરાબર નહિ. અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠતા તો હમણાં થઇ, પણ આપણે તો ભગવાન શ્રી રામ સાથે એવા ગૂંથાય ગયેલા કે, સ્મશાનયાત્રામાં પણ ‘રામ બોલો ભાઈ રામ’ જ બોલતા હોઈએ.  મરનારનું નામ બોલીને ‘ચમન બોલો ચમનરાય..!’  બોલતા નથી. ભલે ને એ આપણો જીગરજાન કેમ ના હોય..? ડેમના પાણીની માફક હસવાના બધા દ્વાર ખુલી જાય તો પણ સ્મશાન યાત્રામાં હસવાનો નિષેધ હોય છે..! ચાલુ સ્મશાન યાત્રામાં ‘ખીખીખીખી’ કરવા ગયા તો, ચાબૂકથી કોઈ ફટકારે તો નહિ, પણ મરનારનો મલાજો રાખવો પડે. તોઈડી લઈને ચાલનારને જો ખબર પડી તો કહેવાય નહિ, ‘તોઈડી-તોઈડી’ એ ધોઈ પણ નાંખે,.! કારણ કે, તોઈડીવાળો મરનારનો લોહીનો સગો હોય..!  બાકી આખી સ્મશાનયાત્રામાં તોઈડીવાળાની બીજી કોઈ ભૂમિકા હોતી નથી..! કહેવાનો મતલબ શરીરનો ઢાંચો ભલે સરગવાની શીંગ જેવો હોય, છાતી શોધવી પડે એવું ભલે ને શરીર હોય, પણ માણસ હસતો હોવો જોઈએ. હસતો નર ભૂખે મરતો નથી.  ક્યાં હસવું, ક્યારે હસવું, કેવું હસવું ને શા માટે હસવુની પણ એક ફોર્મ્યુલા હોય..! મલાજો જાળવવો પડે મામૂ..! હાસ્યની માફક, લગનમાં વરતવાની પણ  કોઠા સૂઝ હોય..! સૂઝ ને બૂઝ ના હોય તો  લુઝ થઇ જવાય..! .

                     પઅઅઅણ.... હસવું સહેલું નથી બાવા..! સામસામી દિશામાં હોઠ ખેંચવાની ત્રેવડ હોય તો જ મલકી શકાય. અમુકને તો આદત પડી ગઈ હોય કે, કોઈની વાઈફ સાથે ‘સેલ્ફી’ લેવાની હોય તો, એની ઇન્દ્રિયો જાગૃત થઇ જાય, પણ પોતાની  વાઈફ સાથે  સેલ્ફી લેતી વખતે મોંઢું અષ્ટવક્રા બની જાય. પછી એવો ફોટો આવે કે, વાઈફ પણ મનોમન બબડે કે, આના કરતા તો ગેરિલા વાંદરા સાથે ફોટો પડાવ્યો હોત તો સારો આવ્યો હોત..!  આજકાલ તો લગનમાં ‘સેલ્ફી-પોઈન્ટ’ ની પણ વ્યવસ્થા હોય..! દાંતનું ફર્નીચર હોય કે ના હોય,  એને પણ  ‘સેલ્ફી’ લેવાની કુંપણ તો  ફૂટે જ..! પેલી કહેવત ભૂલી જવાની કે, , ‘હસે તેનું જ ઘર વસે..! એવા પણ બરમૂડા છે કે, ઘર વસાવ્યા પછી પણ એની કુંડળીમાં હાસ્યનું સ્થાન બારમા કોઠામાં જ હોય.

                       લગનમાં જવું એ વ્યવહાર છે. પણ હાસ્ય સાથે એને માણવું એ નસીબ છે. લગનમાં હાજરી આપવાથી વાર્તા પૂરી થતી નથી. સાર તો હસતાં રહેવામાં છે. મીઠાના રણમાં શેરડીનું બિયારણ નહિ નંખાય. હાસ્યનો છાંટો જ જેનામાં ના હોય, એના રોદણા ક્યારેય ઉલેચાતા નથી.  આખેને આખો કોઈ હાસ્ય કલાકારને કાનમાં બેસાડીએ તો, તે પણ 'રામ બોલો ભાઈ રામ' થઇ જાય. ભૂંગળા નાંખીને રમેશ ચાંપાનેરી જો જોક્સના તોપ ગોળા ફેંકે તો, જોક્સ બાઉન્સ થઈને એને જ વાગે..!  જેને બારાખડીમાં પાયાથી જ હાસ્યનો હ શીખવવાને બદલે, હાથીનો હ શીખવવામાં આવ્યો હોય, એને હાસ્યની વેલ્યુનો અંદાજ ક્યાંથી આવે..?  માટે લગનમાં મ્હાલવા જાવ તૂ હાસ્યની આંગળી પકડીને જ જવું..! એ વગર ઝાકળ ભીનું પ્રભાત જોવા મળતું નથી.

    

                                    લાસ્ટ ધ બોલ

કેમ કાલે તું મેરેજ  રજીસ્ટર કરાવવા નહિ આવી..?

વાહ..! ચોરી ઉપર સીનાજોરી ? હું તો ગઈ હતી તમે જ નહિ આવ્યા..?

અરે હું તો ચાર કલાક પોસ્ટ ઓફીસ ઉપર બેસી રહ્યો..!

કેમ?

મેરેજ  રજીસ્ટર કરાવવા..!

તારા કપાળમાં કાંદા ફોડું. પોસ્ટ ઓફિસમાં તો કાગળ રજીસ્ટર થાય, મેરેજ રજીસ્ટર કરાવવા તો મેરેજ રજીસ્ટ્રારની ઓફિસે જવાનું હોય..!

 

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------


 

 

 

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )