જમાઈ થવાની ભરતી ચાલુ છે..!
કાળા માથાનો માનવી ધારે તે કરી શકે, એવું તો બોલતા જ નહિ.! પસ્તાશો..! કાળા તો ઠીક ધોળા માથાનો માનવી પણ, કીડીને ઝાંઝર નહિ બાંધી શકે, હાથીને ખોળામાં નહિ લઇ શકે, મચ્છરને માલીશ નહિ કરી શકે, વાઈફને (પોતાની) બોલતી નહિ અટકાવી શકે, ને અમારા ખડ્ડૂસ જેવા ચમનીયાને પરણાવી નહિ શકે..! ફેઈલ જાવ બોસ..! પૈણવા માટે ચમનીયાએ ઘરે-ઘરે જઈને ‘અલખની રંજન’ બોલવાનું બાકી રાખ્યું છે..! એના કપાળમાં કાંડા ફોડું થાય એવું કે, છોકરી પસંદ પડે તો, ચમનીયાને છોકરી REJECT કરે. બંને એકબીજાને પસંદ પડે તો, વેવાઈ વેવણ એકબીજાનું ‘મેચિંગ’ જુએ..! એમાં ને એમાં ચમનીયો ૫૪ વરસે પણ લગનથી ‘ઉખ્ખડ’ છે બોલ્લો..! આજ સુધીમાં, ૧૫ થી ૨૫ મેરેજ બ્યુરોનો એ OPENING MEMBER રહી ચુક્યો હશે, છતાં એના લગનનો કાળ (સમય) આવ્યો નથી. ડર વરસે કપડા પગરખાની ડીઝાઈન બદલાય જાય, પણ હજી એની કુંડળી બદલાય નથી. બાવડાં ગમે એટલા મજબુત હોય, માલ મિલકત ને બેલેન્સ ગમે એટલી મોટી હોય, પણ જ્યાં સુધી હાડકે પીઠી લાગે નહિ, ત્યાં સુધી જિંદગી વ્યર્થ..! હવે તો એ ઊંઘમાં પણ બોલતો થઇ ગયો કે,, ‘કોઈ મને પરણાવો..!’
વાંચી ગોખીને દુનિયાની કોઈપણ પદવી લેવાય, પણ જમાઈની પદવી પ્રાપ્ત કરવી એટલે આલુમેસે સોના નિકાલના બરાબર..! માણસ ગમે એટલો ખમતીધર હોય,પણ સાસુ-સસરા-સાળા અને વાઈફની મિલકત નહિ હોય તો, આયુષ્યમાન કાર્ડ પણ કામ નહિ આવે..! જમાઈ થવું એટલે ડબલામાંથી કબુતર કાઢવા જેટલું સહેલું નથી.! પાણીમાંથી મલાઈ કાઢવા જેટલું અઘરું મામૂ..! જાન લેવી, જાન આપવી ને જાન કાઢવી વચ્ચે, બ્રહ્મા-વિષ્ણુ ને મહેશ’ જેટલો ફરક..!, કાગળની હોડીમાં દરિયાપારની મુસાફરી કરવા જેવું. પૈણવું એટલે બોર્ડના રીઝલ્ટ જેવું..! એના કપાળમાં કાંદા ફોડું પાસ કરતાં નાપાસ વધારે થવાનું..! ઘરડો થાય તો પણ, હાડકે પીઠી નહિ લાગે..! આ બધી ચીમકી આપવાનું કારણ એટલું જ કે, દેવો હવે ઉઠી ગયા છે. લગનનો ઉઘાડ નીકળી ચુક્યો છે. ગામે-ગામ ધમાધમ અને પીપૂડા સંભળાવા માંડ્યા છે. દેવો પાછા સુઈ જાય કે, લગનના મૂહર્ત ખખડી જાય, એ પહેલા કુંવારાઓએ ‘યાહોમ કરીને પડો ફતેહ છે આગે’ કહીને ઝંપલાવી દેવાનું. માણસમાંથી જમાઈની પદવી પ્રાપ્ત કરવા માટે સલુણી મૌસમ બેઠી છે. જમાઈનો ભરતી મેળો ચાલુ થઈ ગયો છે.માટે તમામ કામો તડકે મુકીને, ON LINE માંથી બહાર આવો. OWN LINE માં આવ્યા વગર બારણે ચંદરવો બંધાવાનો નથી. અને સંસાર મંડાવાનો નથી. યાદ રાખો, પૃથ્વીને ભરેલી રાખવાની જવાબદારી આપણી છે. માટે લકઝરીની રાહ જોયા વગર જે હાથમાં આવે તેની સાથે સહી-છાંટા કરીને કુંવારો-કાળ પૂરો કરો. તજજ્ઞોનું કહેવું છે કે, વરણાગી તો બિલકુલ કરતાં જ નહિ, નહિ તો છેલ્લે છકડો પણ હાથમાંથી છટકી જશે..! જે જાગતા પણ ઝબકતા હોય, બાધા-આખડી-ભુવા-ફકીર-મૌલવી પાસે દોરા-ધાગા-તાવીજ કરાવીને શરીરનું ‘એલીવેશન’ બગાડી નાંખ્યું હોય, તાંત્રિક અને માંત્રિકના પગથિયાં ઘસી નાંખ્યા હોય, સાત-સાત ડોક્ટરોનો કાફલો મહોલ્લામાં હોવા છતાં, કોઈએ કોઈ જાતનો ચુકાદો ના આપ્યો હોય, અને સદૈવ દેવદાસ બનીને ફરતા હોય, એમના માટે આ સારા દિવસો જાય છે. એના કપાળમાં કાંદા ફોડું, તમામ વિષય માં A ગ્રેડ માર્ક્સ આવતા હોય, ને છોકરું ભૂગોળમાં નાપાસ થાય તો દુખ તો લાગે જ ને..? માટે ઉઠો જાગો અને ધ્યેયની પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આશીર્વાદ..!
ઘણાની પાસે એકથી વધારે સાસુ-સસરાનો સ્ટોક હશે. કારણ અમુક પાસે તો ડુંગરે ડુંગરે કાદૂ તારા ડાયરાની માફક જ્યાં હાથ નાખો ત્યાં સાસરવાડો હોય..! જો કે એ એની પાચન શક્તિની કમાલ છે..! આપણાથી એ બાબતે કોઈની અદેખાય નહિ કરાય..! આ તો એક વાત..!) યાદ રાખવું કે, ‘સૂંઠના ગાંગડે ગાંધી થવાતું નથી. ને ગોળા ફેંકવાથી ગોલંદાઝ બનાતું નથી. ગાંધીજીએ પણ મહાત્મા ગાંધી બનવા ત્રણ ગોળી ખાવી પડેલી. આપણી મુખ મુદ્રા ભલે રાક્ષસી જેવી હોય, પણ હોઠ ઉપર હાસ્ય જીવતું રાખવું. જેની પાસે હાસ્ય છે, એના વટાણા ક્યારેય વેરાતા નથી. બાકી જેને વિવાદ કરવો છે એની પાસે પક્ષ હોય, ને ને જેને વિકાસ કરવો હોય એની પાસે લક્ષ હોય. માત્ર દાન કરવાની વૃતિ જોઈએ. કોઈની પીઠ થાબડો તો એ પણ શ્રમદાન છે. અન્નનો બગાડો અટકાવો તો એ પણ અન્નદાન, છે, કોઈના આંસુને ટપકવા નહિ દો તો એ પણ દયા-દાન, અને રડતાને હસાવો તો એપણ હાસ્ય-દાન કહેવાય..! બસ..! આટલું આવડી ગયું તો, તો તમે પણ દાનવીર..! એમાં કોઈ કોડીલા કુંવરના (કે કુંવરીના) કોડ પૂરા કરવા જીવનસાથી શોધી આપો તો એ પણ મહા-દાન કહેવાય..! નર્મદાની પરિક્રમા ભલે દશ વખત કરી હોય, પણ સાત પગલા પરણેતરની જેવી હેરાફેરી નહિ કરી તો ખલ્લાસ..! એટલે તો એને ‘મંગળફેરા’ કહેવાય. ભારતના સંવિધાન કદાચ બદલાય, પણ મંગળફેરાથી મળેલી વાઈફ બદલાતી નથી. પછી જેઠાલાલ બનીને ફરે તે અલગ વાત છે. સત્ય એ છે કે, જે નથી પરણ્યા એ ભલે લાલ ટામેટા જેવાં દેખાતા હોય, બાકી પરણેલા ‘લાલ-પીળાં’ થઈનેજ ફરતા હોય..! જીવતરના ઉકેલ ગુગલમાંથી મળતા નથી દાદૂ...! દીવાલ ઉપર લખી રાખો કે, ‘ NO LIFE WITHOUT WIFE…!
લાસ્ટ બોલ
એક જમાઈએ લગન પછી, એના સસરાને ફરિયાદ કરી કે, ‘તમારી દીકરીમાં તો અક્કલનો છાંટો જ નથી. એને પાછી બોલાવી લો. મારી સહન શક્તિ હવે આત્મ વિલોપન કરવાની તૈયારીમાં છે..!’
સસરાએ સામેથી જવાબ આપ્યો કે, ‘જમાઈરાજ, તમે તો મારી દીકરીના હાથની જ માંગણી કરેલી, ભેજાંની નહિ..! મગજની કરી હોત તો કહી દેત કે, એમાં કોઈ બેલેન્સ નથી..! તમને તો માત્ર ‘કટપીસ’ આપ્યો છે. હું તો આખો તાકો લઈને ફરું છું..!
એના કપાળમાં કાંદા ફોડે..!
--------------------------------------------------------------------------------------------------------------------