ગોદડી ઓઢું ઓઢું ને ખસી જાય..!
જથ્થાબંધ રોગોએ શરીરમાં, ભલે બિન અધિકૃત દબાણ કર્યું હોય, એ દબાણ સહન થાય પણ, ટાઢના ભાંગડા નૃત્ય સહન નહિ થાય. થથરાવી નાંખે યાર..! એવું ધ્રુજાવે કે, પંજામાંથી બે ચાર આંગળા છુટા પડી જવાના હોય એવું લાગે. ટાઈઢનું કામકાજ જ એવું. ઘરની ભીંતે ભલે મોટી મોટી ડીગ્રીના સર્ટીફીકેટ ફાંસીએ ચઢ્યા હોય, પણ ટાઢ ભલા ભુપની શરમ રાખતી નથી. ભણેલો હોય કે અભણ, જ્ઞાની હોય કે અબુધ, એને ડાકણ નહિ વળગે પણ ટાઈઢ તો વળગે જ..! સ્વેટર શરીરનો પાલવ નહિ મૂકે..! મઝા તો ત્યારે આવે કે, મેજરમેન્ટ લઈને ગોદડી માપની ઓઢી હોય તો પણ, એટલી બેશરમ કે, ઊંઘતા ભાળીને દેહ-ત્યાગ કરે. શીત-પ્રદેશના ગુજરાતી કવીએ તો કવિતા લખવી જોઇએ કે, ‘ ગોદડી ઓઢું ઓઢું ને ખસી જાય..!’ બાકી વફાદારી તો ગોદડી કરતાં, ગોદડાની સારી. ગોદડા ક્યારેય સ્થાનફેર થતા નથી..! તંઈઈઈઈ..!
ટાઢને પણ એવું લાગ્યું હશે કે, બધું જ બેફામ થવા માંડયું છે તો હુ શું કામ ઢીલી પડું..? એટલે તો, ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ’ ની માફક, તેજાબમાં બોળેલા સોટાની જેમ વાગે યાર..! તમામ ઋતુઓએ ગઠબંધન કર્યું હોય, એમ એક પણ ઋતુ ગાંઠતી નથી. ગરમી હોય, ઠંડી હોય કે ચોમાસાની મૌસમ હોય..! જુલમ કરે છે મામૂ..! ચાઈના-રશિયા કે યુક્રેનની માફક, ક્યારે કોનો હુમલો આવે એ નક્કી નહિ. ખમતીધર તો જાડા ઓઢણા ઓઢીને કે હીટર સળગાવીને પણ ટાઢનો સામનો કરી લે. પણ જેની પાસે કંઈ નથી, એ તો ‘હરિ ઈચ્છા બળવાન’ સમજીને જ ધ્રુજારો સહન કરતાં હશે..! “દુઃખીના દુખની વાતો સુખી ના સમજી શકે, સુખી જો સમજે પૂરું તો દુખ વિશ્વમાં ના ટકે..!” ચિંતા તો તો થાય જ ને મામૂ..? પાંચ પાંડવની એક જ પત્નીની માફક, જેની પાસે એક જ વસ્ત્ર હોય, એનો બળાપો તો થાય જ ને..? ભલે ને ગમે તે ઋતુ ગમે એટલા ‘પાવર’ સાથે અલખ નિરંજન કરીને પ્રગટ થાય, પણ ઓઢવાનું ને પાથરવાનું એક જ હોય એનો મૂંઝારો તો આવે. સાધુ સંતો તો ત્યાગી જીવ છે. સંસારની માયા છોડી , એમ ઋતુઓના સપાટાથી પણ અલિપ્ત રહી શકે. પછી ભલે ને એ ગિરનારની ગુફાના કે, હિમાલયની બખોલનાં કેમ ના હોય..? ‘ચપટી ભભૂતમેં હૈ ખજાના કુબેરકા’ એ જ એમનું સુરક્ષા કવચ ..!
, આદ્ય કવિ નરસિંહ મહેતા, વખતે મૌસમની માયાજાળ કેવી હતી, એની જાણ નથી પણ, કીરતાલ વગાડીને ઈકોતેર પેઢીને તારી લાવ્યાનો, WORLD RECORD ખેંચી લાવેલા. આપણો ભવ તારવા માટે તો આપણે જ હલેસાં મારવાના..! તાપણામાંથી આપણા શોધવા પડે યાર..! ટાઢ તો એવી વંઠેલ કે, ઝાડવાની માફક ઝુલતા હોય તો પણ કોઈ કોથળો નાંખવા નહિ આવે. પણ વાહ રે સુરત...! હમણાં જ વાંચ્યું કે, સુરતની અબોલ જીવ ચેરીટેબલ ટ્રસ્ટે ઠંડીમાં ઠુંઠવાતા કુતરાઓને પણ ઉષ્મા મળી રહે એ માટે શણનાં કોથળા, બારદાન, અને વેસ્ટેજ ફોમનો ઉપયોગ કરીને, કુતરાઓ માટે ગોદડી બનાવી તેમની ઠંડી ઉડાડવા જીવદયાનું સ્તુત્ય કાર્ય કર્યું.
જાલિમ ઠંડી પડે છે યાર..! નાકમાં શરદી હોય તો એ પણ થીજી જાય. મચ્છરો કાનમાં આવીને કાલાવાલા કરે કે, “ મચ્છરીના સોગંદ ખાયને કહું કે, હું તને બચકા નહિ ભરું, પણ તું મને તારી ગોદડીમાં સમાવી દે યાર..! બહુ ટાઢ વાગે છે..! ને આપણી ગોદડી એટલે મોબાઈલ સાથે LINK કરવાની રહી ગઈ હોય એમ, ટાઈઢ ગોદડીને પણ નહિ ગાંઠે. ટાઢ કરતાં ગોદડી વધારે ટાઢી લાગે. વળી, કાતિલ ટાઈઢમાં ક્યારે દેહ-ત્યાગ કરે એનો ભરોસો નહિ. જીવનમાં ચાર સત્ય સમજવા જેવા છે, નાળીયેર, જમાઈ, વહુ અને ઋતુ, આગળ જતા કેવો કાંદો કાઢવાના છે, એનો અંદાજ પાછળથી આવે. એમની ખાસિયત જ એવી કે, જેવા જેવા ભગવાન એવા કીર્તન કરવાના..! ગનીચાચા ભલે કહી ગયા હોય કે, “શ્રદ્ધા જ મારી લઇ જશે, મને મારા સદન સુધી” પણ હવે એવું રહ્યું નથી દાદૂ..!. હાલત પ્રમાણે બધું, જ સમય વરતે સાવધાન થવા માંડયું. કૌચાપાક મળતો હોય તો કીર્તનની પસંદગી પાછળ, મોહનથાળ મળતો હોય તો મંજીરા નેવે મુકાય જાય. ને તવાભાજીના ચટાકા લાગ્યા તો, તબલા પણ લીલામ કરી દે..! તંઈઈઈઈ..!
ચોમાસામાં છત્રી ભલે ‘કાગડી’ ને બદલે કાગડો બને, એનું દુખ નહિ . ગરમીમાં પર-સેવાને બદલે પરસેવાન થઇ જવાય એનો પણ અફસોસ નહિ. (કપડા કાઢવાનું ‘OPTION’ હોય..! ) પણ ટાઢની મૌસમમાં તો, ગરમ કપડાઓનો થેલો ખભે નાંખીને જ વિહાર કરવાનો. ‘વોલેટ’ ભલે ખાલી હોય, પણ શરીર આખું કપડાનો શો-રૂમ બની જાય. ઉર્જાબેન કે ગ્રીષ્માબેન સાથે ભલે મંગલફેરા ફર્યા હોય તો પણ, ટાઈઢ એનો રૂઆબ છોડતી નથી. એવો કચકચાવીને હુમલો કરે કે, સિંહાસન ઉપર મસ્તીથી ગોઠવાયેલા દાંત પણ મોંઢામાં ધ્રુજવા માંડે. જેની સંપૂર્ણ બત્રીસી WALK-OUT કરી ગઈ હોય, એના દાંતના ચોગઠા પણ દાબડામાં બેઠા-બેઠા થથરવા માંડે..! શું થાય..? નકલી દાંતને સ્વેટર પહેરાવવાની ફેશન હજી આવી નથી ને..? ખિસ્સામાં રાખેલો આયુષ્યમાન કાર્ડ જેવો કાર્ડ પણ, બેઠો બેઠો થથરતો હોય તો દાંતનું ચોગઠું કયા ખેતરની મુળી..? મુંબઈ અમદાવાદ કે કલકતાના આંટા-ફેરા કરવામાં જેને થાક નહિ લાગતો હોય એ પણ, ઠંડીમાં પથારીથી ઘરના વોશરૂમ સુધી જતા ડરી જાય એવી ટાઈઢ પડે છે મામૂ..!
ઋતુઓ બેફામ બને ત્યારે, ‘આગાહીકાર’ અંબેલાલ પટેલનું રણશિંગું ફૂંકાવા જ માંડે કે, ‘સાવધાન..! ફલાણી તારીખે ચામડા-ફાડ ટાઢ આવી રહી છે. માટે માળિયા ઉપર રાખેલા ગરમ કપડા કાઢી રાખજો.’ એની જાત ને, એવી મીનમેખ આગાહી કરે કે, વગર ટાઢે પણ ડાકલા વાગવા માંડે..! મોટર સાઈકલની કિક અને અંબાલાલ પટેલની બીક, લાગવા કરતાં વાગે વધારે મામૂ..! એરિયલ બોંબ જેવી..! એમાં કુંવારા કરતાં પરણેલાની હાલત ખરાબ થઇ જાય. શિયાળો સુપેરે જાય ત્યાં સુધી તો, બધું ROSY-ROSY, પણ ઠંડી આડી ફાટે એટલે સાત પેઢીના સંબંધ ઉપર ‘હેવી રોલર’ ફરવા માંડે. DARLING દશ જ મીનીટમાં દુશ્મન બની જાય, રોગનું મૂળ ખાંસી, એમ ઝઘડાનું મૂળ ટાઢ.! જેમ જેમ ટાઢ વધવા માંડે એમ, ઝઘડાઓ વેષ બદલવા માંડે. ઉનાળો તો ‘લ્હાયમ-લ્હાયમ’ જાય, પણ શિયાળો આવે એટલે વાતાવરણ એવું વણસે કે, ઘરમાં ‘મેથીપાક’ મોંઢેથી ખાવાની જરૂર જ નહિ પડે..! ૬૨ નો આંકડો સીધો ૩૬ ના આંકડામાં ફરી જાય..! જો કે, ઉનાળામાં તો આમ પણ ‘છેટા રહેજો રાજ’ જેવું જ આવે, પણ શિયાળો આવે એટલે, પંખો ચાલુ-બંધ કરવાની માથાકૂટ બહુ વધે, ને શીતયુદ્ધ ઉપડે. એના કપાળમાં કાંદા ફોડું ત્યારે તો પથારીમાંથી ઉઠીને પંખા ઉપર જ પથારી કરીને સુવાની ઉપડે મામૂ..!
લાસ્ટ બોલ
આજે કેમ આટલી બધી ઠંડી છે?
સુરજ નીકળ્યો નથી એટલે...!.
કેમ સુરજ નહિ નીકળ્યો?
એની મમ્મીએ કહ્યું હશે કે,” ખબરદાર આટલી ઠંડીમાં બહાર નીકળ્યો છે તો..! ચુપચાપ રજાઈમાં જ પડી રહેજે...!”
તારા કપાળમાં કાંદા ફોડું..!
--------------------------------------------------------------------------------------------------------------------------------