જે થવાનું હોય તે થાય..!
હાથ પગે તાળા લગાવી, મોંઢામાં ચાવી સંતાડી દેવાથી જીવી તો જવાય, પણ મૂંગા મૂંગા..! હૃદય ફફડે એટલું જ..! અનાજ વગર ઘંટી ઘરરરર ફર્યા કરે, બાકી દળાય કંઈ નહિ..! દાદૂ....આ શ્વાસનો કારભાર દીનાનાથ પાસે છે એટલું સારું છે. ‘ટોલટેક્ષ’ ભર્યા વગર આવન-જાવન તો કર્યા કરે. ધારો કે, ભગવાન હાથ ઊંચા કરી દે તો, “ સબકા સાથ સબકા વિકાસ” વાળી સરકાર તો છે જ..! સાચવી લેશે, કોઈ ફરક નહિ પડે...! તંઈઈઈઈ..! તમે જ કહો આવા નીડર ધંતુરાને પુછાય ખરું કે, જહાંપનાહ....! શ્વાસનો તમને ભાર તો લાગતો નથી ને..? પૂછે તો પુછામણ નડે, ને ફરક આપણને પડવા માંડે..! જે લોકો પાળેલા પોપટની જેમ આકાશી સહાય ના ભરોસે પડી રહેલા હોય, એને ૨૦૨૪ નુ વર્ષ જાય કે અટકી જાય, કોઈ ફરક નહિ પડે. આપણે કહીએ કે, આમને આમ પડી રહેવાથી તો નાજુક મગજને કાટ લાગી જવાનો.! મને કહે, ‘જે થવાનું હોય તે થાય દાદૂ..! શું ફરક પડે છે..?’ સુરજ કે ચંદ્ર pen-down ઉપર જવાના નથી. વૃક્ષો ફળ કે છાંયડો આપવાનું બંધ કરવાના નથી. નદીઓ દરિયામાં ભળીને નામશેષ કરતી રહેવાની છે. દરિયો કદી સૂકાવાનો નથી. કેલેન્ડરનાં પાનિયા રોજેરોજનાં ફાટતા રહેવાના છે, નેતાઓની ચૂંટણી થતી રહેવાની છે, અને મંત્રીપદ માટે માથાકૂટ થતી રહેવાની છે. શું ફેર પડવાનો..? મારી બાજુમાં હજી જગ્યા ખાલી જ છે, મગજ ચલાવવાનું બંધ કર અને મને સાથ આપવાનું કર. એકબીજાનો સાથ રહેશે. તો જિંદગી તોફાન નહિ કરે, આરામથી નીકળી જશે..! આયુષ્યમાન કાર્ડ ખિસ્સામાં રાખવાનો સૌ સારા વાના થશે..! તારા કપાળમાં કાંદા ફોડું..!બોલ્લો આને કોઈ ફરક પડે..?
ભગવાન ભલે દેખાતા નથી, પણ એમની બાજ નજર આવા ધંતુરા ઉપર તો પડતી જ હશે. અફસોસ થતો હશે કે, મારાથી આવા ધંતુરા ક્યાંથી પૃથ્વી ઉપર પાર્સલ થયેલા..? આ નબીરાઓના મગજનો ધુમાડો જ એવો કે, “જે થવાનું હોય તે થાય, મારા એકમાત્રથી આ પૃથ્વી લીલીછમ્મ થવાની નથી. પર્યાવરણમાં પરિવર્તન આવવાનું નથી. પછી મને શું ફરક પડે છે..? એવા જડ મિજાજવાળા કે ખુદ ફરિશ્તા પણ એમના મગજને પીંછી નહિ નાંખી શકે..! એને અટલ વિશ્વાસ કે, ‘રામ રાખે એને કોણ ચાખે..!’ ભગવાન દયાળુ છે, સારા વાના કરવાનો જ છે. છોરું કછોરું થાય, માઉતર કમાઉતર થવાના નથી. ધારો કે થાય, તો માથે હાથ ફેરવવાવાળી સરકાર તો બેઠી જ છે ને..? મીરાબાઈ કહે એમ ‘રામ રાખે તેમ રહીએ..!’ જેને અમોઘ શાસ્ત્ર મળ્યું હોય, એને શું ફરક પડે...! ઉપાધી શ્રમજીવીને છે કે, મગજનાં ચકરડાં ફરતા નહિ રાખીએ તો, કાટ ચઢી જશે. વિચારો કે, આવું જો સુરજ ચંદ્ર કે પ્રકૃતિ વિચારે તો સૌના જીવતરના બાર વાગી જાય કે નહિ..? આ તો એક વાત બાકી ચારેયકોર ફેર તો પડે દાદૂ..! સૌના બાર વગાડી દે..!
આ બારનાં આંકડાની પણ બોલબાલા છે મામૂ..! ૧૨ નાં આંકડાએ જીવનમાં ઘણી જમાવટ કરી છે..! આંકડાના ફૂલ હનુમાનજીને ભલે પ્રિય હોય, બાકી બારના આંકડાની જીવતર સાથે જોડાયેલી. જ્યાં જ્યાં નજર મારી ઠરે મને ૧૨ નો આંકડો જ દેખાય..! ફૂટના ઇંચ ૧૨, ડઝનના નંગ ૧૨, ઘડિયાળના આંકડા ૧૨, દિવસના કલાક ૧૨, રાતના કલાક ૧૨, એક શિલિંગના પેન્સ ૧૨, શાળાનું ભણતર ૧૨, મધ્યાહને સરજ આવે તો બપોરના ૧૨ અને મધ્યરાત્રીએ વાગે ૧૨, મૃત્યુ પછી મહત્વનો દિવસ ૧૨, જ્યોતિર્લીંગ ૧૨, સંગીતના સ્વરો ૧૨, વર્ષના મહિના ૧૨, રાશીઓ ૧૨ અને ૨૦૨૪ નો આ છેલ્લો મહિનો ડીસેમ્બર પણ ૧૨મો..! સુરજ ઉગવાનું બંધ કરે તો તમામમાં ઉથલપાથલ થવા માંડે. ફરક તો પડે દાદૂ...! “ખાયા પિયા કુછ નહિ ગિલાસ ફોડા બારહ આના” જેવું થાય. કટાર લેખિકા કિંજલ પંડ્યા કહે છે એમ, ‘શું ફેર પડે છે’ આ વાક્ય જીવનમાં દરેક તબક્કે અને દરેક ઘટના સાથે જોડાયેલ છે. શબ્બીર મીચલાનો એક શેર યાદ આવે છે કે,
કોઈ સાથે આવે કે ના આવે શું ફરક પડે
કોઈ અમને મનાવે કે ના મનાવે શું ફરક પડે
રડવું જ હશે તો અમે મન મુકીને રડી લેશું
કોઈ પછી હસાવે કે ના હસાવે શું ફરક પડે
ગૃહસ્થી જીવનમાં આ વાક્ય તકિયા કલામ છે, 'તું પિયર ચાલી જાય તો મને કોઈ ફરક નહિ પડે..?' તું નહિ તો ઔર સહી, ઔર નહિ તો ઔર સહી, ક્યા ફર્ક પડતા હૈ...? એના કપાળમાં કાંડા ફોડું, લુખ્ખી બહાદુરી બતાવતા હોય...! બાકી, ફરક તો ખાસ્સો પડે. પતિ અને પત્ની એ મંજીરાની જોડ અને ખાંડ અને ચાહના ડબ્બા જેવી છે. બંનેના સ્થાન એક જ જગ્યાએ હોવાથી એકને શોધો એટલે બીજું મળી જ જાય. એની સાથે ચાહના તીખા મસાલા જેવી ગર્લ-ફ્રેન્ડ જેવી (હોય તો) નાની ડબ્બી પણ સાથે જ હોય. બ્રહ્મા-વિષ્ણુ અને મહેશની માફક આ ત્રણેય, સુખી સંસારના આધાર સ્તંભ છે. ભલે એનું બડ બડ થતું હોય કે, ‘મને કોઈ ફરક નહિ પડે’ બાકી બંને જણા પગરખાની જોડ જેવા. બે માંથી એકાદ પગરખું આઘું પાછું થયું તો, મા-બાપને વૃધ્ધાશ્રમ મોકલતા દુખ નહિ થયું હોય એનાંથી વધારે હાંફળા-ફાંફળા થઇ જાય..! સમજદારી, વફાદારી, જવાબદારી અને ઈમાનદારી સુખી સંસારની પ્રસ્તુતિ છે. જેનું મહત્વ ચાર વેદોથી પણ વિશેષ છે. ફરક જાણવો હોય તો, પતિ સમજદાર હોય તો મકાન જલ્દી બની જાય અને પત્ની સમજદાર હોય તો, ઘર જલ્દી બની જાય. આટલો તો ફરક પડે મામૂ..!
લાસ્ટ બોલ
૮૦ વર્ષના દાદા બાગમાં દાદી સાથે બેઠેલા. દાદાએ દાદીને મઝાકમાં પૂછ્યું કે, “ ડાર્લિંગ..! ( હસો નહિ, ૮૦ વર્ષની ઉમર થાય ત્યારે, ઘરવાળીનું નામ પણ ભૂલી જવાય..!) મને તારી બહુ ચિંતા થાય, ધાર કે તારા પહેલા હું ઉકલી જાઉ તો તારું કોણ..? તું કોના સહારે જીવે..?
દાદી કહે, “ તો તો આ બંગલો વેચીને હું મારી બહેન પાસે અમદાવાદ જતી રહું. મારાથી તમારા વગર નહિ જીવાય..! પણ ધારો કે, તમારા પહેલા હું ઉકલી ગઈ તો તમે શું કરો..?
સાચી વાત કહું બેબી..! તારા વગર મને આ પાંચ રૂમનો બંગલો પણ સુનો લાગે. હું એને રીનોવેશન કરાવીને, સુંદર બનાવું. પછી અમદાવાદવાળી તારી જ એ બહેનને અહીંયા લાવી દઉં..! અને અમે સાથે રહીએ. (મને કોઈ ફરક નહિ પડે..!)
તારા કપાળમાં કાંદા ફોડું..!
--------------------------------------------------------------------------------------------------------------------------------