મોનાલીસા...લીસા..લીસા !
                        જગ જાહેર વાત છે કે, ‘મોનાલિસાનું’ ચિત્ર બનાવનારા લિઓનાર્ડો દ વિન્ચીની ગણના વિશ્વના મહાનતમ ચિત્રકારોમાં થાય છે.  બસ...ત્યારથી આ ‘મોનાલીસા’ શબ્દ મગજે ચઢી ગયેલો. ત્યારબાદ નાઈજીરિયન અભિનેત્રી મોનાલીસા ચીંદા લોક જીભે આવી. એ જ પ્રમાણે ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ પણ પોતાના સુંદર દેખાવથી ચાહકોનું દિલ જીતવામાં કચાશ નહિ રાખી. આવી તો અનેક મોનાલીસા આ પૃથ્વીના પટ ઉપર આવી હશે. કોઈ લીસા..લીસા, તો કોઈ ખરબચડી પણ હશે...!  પણ ૧૪૪ વર્ષે પ્રયાગરાજ ખાતે મળી રહેલા કુંભમેળામાં માળા વેચતી ‘મોનાલીસા’ ને  તો રાઈનો  પહાડ બનાવી દીધી. કોઈએ  શ્રીદેવી સાથે સરખાવી તો કોઈએ, કોઈએ સોનાક્ષી સિંહા સાથે..! કોઈકે તો આવનારી ફિલ્મની હિરોઈન પણ બનાવી..!  શેર બજાર ભલે  ગુલાંટ ખાતુ હોય,  પણ ‘મોનાલીસા’ ના નામના વાવટા દુનિયાભરમાં ફરકવા લાગ્યા. એની કજરારી આંખો જ એવી કે,  સંસારમાં ડૂબકી મારવાને બદલે એની આંખોમાં ડૂબકી મારવાની લાલશા જાગે..! જેના ઘૂંટણીયા ઘસાય ગયા હોય એમણે દુરદર્શનથી જ, ઘર બેઠા જ શાહી-સ્નાન કરી નાંખ્યું. જો કે સ્વરૂપવાન બનાવવામાં  કુદરતે છુટ્ટા હાથે લ્હાણ કરેલી..! બાકી, આપણી  મંજુલાએ ‘મોનાલીસા’ નું રૂપ ધારણ કરવું હોય તો, કુદરતી છેડછાડ કેન્દ્ર (BEAUTY PARLAR) ના હવાલે જઈને, ખર્ચો કરવો પડે, ત્યારે આ તો આપમુખી જ એવી કે, સ્વયંભુ સૌન્દર્ય..! જાણે કુંભમેળાને બદલે ‘મોનાલીસા’ મેળો લાગ્યો હોય એમ, મીડિયાકર્મીઓએ  ‘મોનાલીસા-ચાલીસા’  જ વાંચી..! લોકો લીસા લીસા થઇ ગયા રે....!
                                                    ગંગા-યમુના અને રહસ્યમયી સરસ્વતી દેવીના ત્રિવેણી સંગમનો મહિમા છે, એમ હિંદુ ધર્મમાં સાધુ-સંસ્કૃતિ અને સમાજનો  મહિમા છે. સંતભાવી નાગા સાધુ અને આપણા વચ્ચે  કપડાની  દીવાલનો જ  ફેર..!  એ લોકોએ દીક્ષા લઈને વિચરણ કરે, ને આપણે રીક્ષામાં  વિચરણ કરીએ..!  એ લોકો સાધુ, ને આપણે તક સાધુ..! આપણે મસ્ત મઝાના બંગલામાં વિહાર કરીને બિહારની  માફક રહીએ, સાધુ સંતો કુંભમેળો ચાલે ત્યાં સુધી તંબુઓમાં રહીને હરીનાદમાં મસ્ત હોય..! આપણે વગર તંબુરે અસ્ત વ્યસ્ત..!  જેટલો સમય સાધુ સંતો તંબુમાં કાઢે, એને ‘કલ્પવાસ’ કહેવાય. ને તંબુમાં રહેવાવાળા ‘કલ્પવાસી’ કહેવાય. ત્યારે  આપણે છેલ્લા શ્વાસ પછી જ ‘સ્વર્ગવાસી’  થઈએ..!  ત્યાં સુધી ભૂમિના ભાર જેવા પૃથ્વીસ્થ..! ઘરમાં ચાર ચાર ઘોડિયા ભલે બંધાવ્યા હોય, પણ છેલ્લા ઘોડિયા સુધી સમજ નહી પડે કે, આપણે પતિ છીએ , વનસ્પતિ છીએ કે નાસ્પતિ ..?
                             યાદ હોય તો, કાયદાની  જૂની ૧૪૪ મી કલમ અને ૧૪૪ વરસે આવેલા કુંભમેળા વચ્ચે એટલો જ DIFFRENCE કે, કાયદાવાળી ૧૪૪ મી કલમમાં બહાર ફરકાતું  નહિ, અને ૧૪૪ વર્ષે આવેલા કુંભમેળા વખતે ઘરમાં ટકવાનું ફાવે નહિ..! છાશવારે એક જ વિચાર આવે કે, લાવ કુંભમેળામાં શાહી- સ્નાન કરી આવું..!  ‘દિનમ દિનમ નવમ નવમ’ ની માફક કુંભમેળો હવે તો ‘કલર’ પકડતો જાય છે. એમાં મોનાલિસાની શોધ પછી તો ‘ઇસ્ટમેન કલર’ માં આવી ગયો..! સુરતી ભાષામાં કહેવત છે કે, “નાલ્લી નાચી મોટી નાચી, ઘરડી ઘૂંટણીએ નાચી” એમ મોનાલીસાની શોધ પછી, અમારા ચમનિયાને પણ શાહી સ્નાન કરવાની ચળ ઉપડી. પણ જૂની ફાઈનલ પાસ ચંચીકાકીને એમાં  કાકાનું  કાવતરું  લાગ્યું. આટલા દિવસ નહિ ને, મૂઆને મોડે મોડે કેમ કુંભમેળામાં જવાનો ઉઘાડ નીકળ્યો..?  પછી તો,  કાકીએ પણ સાથે આવવાની હઠ પકડી. રાજ હઠ-બાળ હઠ ને સ્ત્રી હઠ આગળ જ્યાં દેવો પણ નાસીપાસ થયેલા, ત્યાં પામર માનવી  શું ઉકાળી શકે.? પતિ ગુસ્સે ભરાય તો એકાંત શોધે, અને પત્ની ગુસ્સે ભરાય તો પતિ શોધે, એવું સાચુ કે ખોટું પણ ચમનીયાએ સાંભળેલું..! પણ, ચમનીયાની હાલત થાંભલે બાંધેલા આખલા જેવી થઇ. છેવટે બંને સાથે ગયા. થયું એવું કે, કુંભમેળામાં કાકા ખોવાય ગયા. કાકી રડારોળ કરવા  માંડી. સાથે આવેલી પાડોશણે ઘણી સમજાવી કે, ‘ ખોટો રૂપિયો ક્યાંય નહિ જાય. અહી પોલીસની સરસ વ્યવસ્થા છે, આપણે એમને વાત કરીએ, તો કાકો શોધી  લાવશે. પોલીસ પાસે ગયા તો પોલીસે કાકીનો ઉધડો લઇ નાંખ્યો કે, ‘ તમારી પાસે કાકાનો ફોટો છે..?’કાકી કહે, ‘આ ઉમરે હું ધણીનો ફોટો લઈને થોડી ફરું..?  પણ છ ફૂટ ઉંચો ને હેન્ડસમ છે. ઘાસના પૂળા જેવી મુછ અને ખલી જેવો બાંધો છે. ચાલે ત્યારે બતક જેવો ને દોડે ત્યારે દીપડા જેવી ઝડપ છે..!’ સાથે આવેલી પાડોશણ બોલી, ‘ કાકી ખોટેખોટું શું બોલો છો..? કાકો તો કાળો ડીબાંગ છે, ઠીંગણો ને પગમાં કપાસી હોય એમ ચાલે છે. ને ખલી જેવો બાંધો થોડો છે ?  તે તો સાવ સુકાયેલી સળી જેવો છે..? કાકી કહે ‘ એ સારો શોધી લાવે એમાં તને કોઈ વાંધો છે..? જે મળે તે. પ્રયાગરાજનો પ્રસાદ માનીને લઇ જવાનો..! તારા કપાળમાં કાંદા ફોડું...!
                               પ્રો. રમેશ ચેપનું કહેવું છે કે,  કુંભમેળો ચાલતો હોય ત્યારે ધણીને ધાણીની જેમ ઉછાળવાની ચેષ્ટા કોઈપણ વાઈફે બિલકુલ નહિ કરવાની. છંછેડવા જ નહિ. બાઘો ક્યારે બાવો બનીને, આઘો ચાલી જાય એનો ભરોસો નહિ. દરેક સમયે મગજ-ગ્રાફી એક સરખી હોતી નથી. લખનાર ને પણ એક તબકકે ઉપડેલી કે, સંસારની માયાને પૂળો મૂકીને, વસાવેલા કપડાની ભારોભાર ભગવા લાવી બાવા બની જવું. પણ વસાવેલા કપડા એવા ‘BRANDED કે, માયા તો ઠીક, કપડા પણ છોડી ના શકેલો. બાકી,  આજે હું પણ મોનાલીસાનાં સાક્ષાત દર્શન કરી શક્યો હોત..!
                                         લાસ્ટ બોલ
                             “બખાન ક્યા કરુ તેરે લાખોકી ઢેરકા, ચપટી ભાભુતમેં હૈ ખજાના કુબેરકા”  ખરેખર ભારતની બોલબાલા છે બોસ..! યહાં કુછ ભી હો શકતા હૈ, “ માળા વેચનારી પણ  રાતોરાત મહાન બની શકે છે. અલખ નિરંજન...!
તારા કપાળમાં કાંદા ફોડું..!
-------------------------------------------------------------------------------------------------------------------------------