Hasya Manjan - 21 in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય મંજન - 21 - વૈતાળ પકડું પકડું ને ઉડી જાય

Featured Books
Categories
Share

હાસ્ય મંજન - 21 - વૈતાળ પકડું પકડું ને ઉડી જાય

વૈતાળ પકડું પકડું ને ઉડી જાય...!

 

                                   સ્વાદિષ્ટ બાસુદી ખાતા ખાતા બાસુદીના વાડકામાંથી, વંદો નીકળી આવે એટલો આઘાત શીર્ષક વાંચીને વાંચકને લાગશે, એની મને ખબર છે. પણ હાસ્ય ખોતરવાનો મારો આ અલગ પ્રયાસ છે. સમુદ્ર મંથન કરતાં કાલકૂટ ઝેર નીકળેલું, પછી અમૃત નીકળેલું એમ હાસ્ય પણ નીકળશે. ધીરજના (ધીરજભાઈના નહિ હંઅઅકે..?) ફળ મીઠા..! ૧૪૪ વરસે કુંભમેળો આવ્યો ને, માળા વેચતી મોનાલીસા વિખ્યાત થઇ ગઈ, તો યે ક્યા ચીજ હૈ..? ૭૭ વર્ષના ભાભા  ચમનીયાને પાડોશમાં કોઈ ઓળખતું નથી, ને મોનાલીસાએ ઘર ઘરના મગજમાં માળો બાંધી દીધો. હરિકૃપા અપરંપાર છે બોસ..! જે હોય તે, કુંભમેળા ભરાય ત્યારે આધ્યાત્મિક બેટરી જ ચાર્જ થાય એવું નથી. આત્મા દેખાય પરમાત્મા દેખાય ને ફાવે તેને મોનાલીસા પણ દેખાય..! ઈતિહાસ ગવાહ છે કે, શ્રી રામ હોય ત્યાં રાવણ, ને શ્રી કૃષ્ણ હોય ત્યાં કંસ જેવો ઉલટફેર તો રહેવાનો..! એમ મને પણ આજે વૈતાળ યાદ આવી ગયો. કુંભમેળાના સમયગાળામાં વૈતાળ યાદ આવે તે સારું તો નહિ કહેવાય. પણ મતિની પણ ગતિ હોય દાદૂ..! કુંભમેળાને કારણે અમુકના મગજમાં તો એવી સફેદી આવી ગઈ કે, વાસ્તવિકતા છોડીને સીધો આસ્તિક બની ગયો. કયા દેવ-દેવી આગળ કઇ આરતી થાય એ સમજવા પણ થોભ્યો નહિ. (મમતા કુલકર્ણી...એ કોણ બોલ્યું..?) દેવ જુદા ને આરતી જુદી..! જો કે, પૂરી શ્રદ્ધા અને આસ્થાથી કરેલું કર્મ વિફળ થતું નથી. પણ ભોલેનાથ જાણે કે, છોરું કછોરું થાય, માઉતરથી કમાઉતર નહિ થવાય એટલે માફ કરી દે..! ભલે ચવાણા જેટલી પ્રાર્થના કરતો હોય, તો પણ અલખનો ધણી ચલાવી લે. સંતોષ માને કે, શરીર અને આત્માનું સ્વચ્છતા અભિયાન તો થાય છે ને..? સાધુ, નાગા-સાધુ કે બાવા બનવાની ઈચ્છા તો મને પણ થાય, પણ છેડો ગાંઠીને લાવેલા તે થોડી ગાંઠે..?  હાસ્યની ગોળાબારી જ સારી..!

                                 કુંભમેળામાં ડૂબકી મારીનેલોકો નિર્મળ બને ત્યારે, આપણે તો ઘરના બાથરૂમની ડોલમાં જ ડૂબકી મારવાની..! ઝબક્વાની જરૂર નથી. નવરો....બેઠા બેઠા, કાટલાં તોકે એના જેવું છે..!  પથ્થર જેવી ખોપડીમાંથી  ક્યારેક બાવળિયાની ફૂંટ નીકળી આવે. હસાવવાનો જ છું, ડાકલા વગાડવાનો નથી. ને આડા રસ્તે વિચરણ કરવાની આદત નથી. વિક્રમ વૈતાળની વાર્તા સાંભળીને વૃધ્ધાવસ્થાની ચોગઠ સુધી આપણે બધા જ આવ્યા છે. વિષય નવો નકોર નથી. ઘરડા થાય  એટલે ગુલાંટ’ ખાવાની ઉપડે એમ, મારી આ ગુલાંટ છે. આજે ચળ ઉપડી કે, લાવ ને, વિક્રમ-વૈતાળની વાતનો આધાર પકડીને હાસ્યનો ઘોડો દોડાવું..! સાંભળવામાં આવેલું કે  વૈતાળો લીમડા-વડ કે ઘટાદાર વૃક્ષોમાં આપણી વચ્ચે જ વગર ભાડે રહેતા. (આજે પણ રહેતા હશે, પણ ઓળખાય નહિ.) પછી, સિમેન્ટ કોન્ક્રીટના જંગલ એટલા વધ્યા કે, ગામના લીમડા ને ઝાડવા છોડીને પલાયન થઇ ગયા, ક્યાં તો આપણામાં જ  ભળી ગયા. ભેટે ખરા પણ દેખાય નહિ..! જો કે, કોઈ પણ ભૂત-ચુડેલ-પિશાચ કે જીન સાથે મારે મીઠા સંબંધ નહિ, એટલે ઝાઝી ખબર તો ક્યાંથી હોય..? ? આ તો એક વાત..!  

                                  વાત જાણે એમ કે, વિક્રમ રાજાના સમયમાં એક બિહામણા વુક્ષની ડાળી પર વૈતાળ રહેતો. રાજા વિક્રમે તેને ઉતારી ને પૂનમની રાતે હવન માટે તાંત્રિક પાસે લઈ જવાનો હોય.  પણ શરત એવી કે વૈતાળને લઈને આવે ત્યારે વિક્રમ રાજાએ મૂંગા રહેવાનું. ચાલાક વૈતાળ રાજાની આ નબળાય જાણતો હતો. એટલે કોઈને કોઈ વાતને છેડીને વૈતાળ રાજા વિક્રમનું મૌન તોડતો. સાથે ધમકી આપતો કે, રાજન..! મારા પ્રશ્નનો ઉત્તર નહિ આપે તો હું તારા શરીરના ટૂકડે ટૂકડા કરી નાંખીશ..!  પણ આ વખતે, વૈતાળની ચુંગાલમાં નહિ આવવાની પ્રતિબધ્ધતા સાથે, વિક્રમ રાજાએ ફરીથી સિદ્ધવડ ઉપર પ્રયાણ કર્યું. પરસેવાન થયેલા રાજાને જોઇને, સિદ્ધવડની શાખ ઉપર આરામ ફરમાવતા વૈતાળને તાજ્જુબી થઇ. ( Reel બનાવીને ફેસબુક ઉપર મુકવાનો રીવાજ હતો નહિ, એટલે બાજુમાં બેઠેલી ચુડેલ સામે જોઇને એટલું જ બોલ્યો કે, ‘જો તો ખરી ડાર્લિંગ, રાજા જેવો રાજા થઈને ફરીવાર મને કાંધે ઉપાડવા આવે છે. ચુડેલે એટલું જ કહ્યું કે, ‘you take care dear..! હું વિધવા નહિ થાઉં તેનું ધ્યાન રાખજે..!’ ) રાજા જાણતા હતા કે, ‘જો ડર ગયા સો મર ગયા..!’ આજે કોઇપણ રીતે વન ટુ કા ફોર’ કરીને જ જંપવું છે. પંખીનો માળો ઉતારે એમ, વૈતાળને ઉતારી કાંધ ઉપર નાંખી, રાજા ચાલવા લાગ્યા એટલે, વૈતાળે ચાલાકી શરુ કરી. “હે રાજન, પકડી પકડીને મને ઝાડ ઉપરથી ઉતારવામાં તું ઝાડ ઉપર ચઢતા  શીખી ગયો એનો મને આનંદ છે. વળી તું કઇ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે, એની મને કોઈ નિસ્બત નથી. પણ આ વૈતાળ તારી ચુંગાલમાં આવીને તારો ખેસ ધારણ કરવાનો નથી. માટે ભૂતડાની માયા છોડ, અને પ્રજા કલ્યાણના કામ કર..!‘  છતાં એક વાત કહું..? અમારામાં અક્કલ હોય કે ના હોય, પણ એટલી તો ખબર પડે કે, ગરજવાનને અક્કલ હોતી નથી.

       ગર્જ હી અર્જુન હિજર ભયો, ઔર ગર્જ હી ગોવિંદ ઘેનું ચરાવે

       ગર્જ હી દ્રોપદી દાસી ભઈ ઔર ગર્જ હી ભીમ રસોઈ પકાવે

               ગર્જ હી બુરી સબ લોગનમેં ગર્જ બીના કોઈ આવે ના જાયે

               કવિ ગંગ કહે સુનો શાહ અકબર ગર્જ હી બીવી ગુલામ રીઝાવે

                              પૂનમની રાતે મને હવન માટે તાંત્રિક પાસે લઇ જવાની તારી ગરજ છે, એટલે કાયમ તું મને ઉઠાવી જવા આવે છે, એ હું જાણું છું. તું મારા એક કોયડાનો જવાબ આપ કે, એકના આંકડામાં એક ઉમેરીએ તો ગણિત કહેવાય. એકની સાથે એકને મેળવીએ તો ૧૧ થાય, ને તેને  સંગઠન કહેવાય, પણ મને એ સમજાવ રાજન... કે, ૧ ને ૧ સાથે મળવા દેવામાં નહિ આવે, અને ૧ ની સામે ૧ ઉભો કરવામાં આવે તો એને શું કહેવાય..?

                              આ સાંભળી રાજાને ઘૃણા છૂટી કે, આ પીશાચડું એના મનમાં સમઝે છે શું..? રાજા જેવો રાજા થઈને જો જવાબ ના આપું તો મારું ધાવણ લાજે. રાજાએ કહ્યું કે, “ ૧ ને ૧ સાથે મળવા દેવામાં નહિ આવે, એ કુટનીતિ કહેવાય, અને ૧ સામે ૧ ઉભો કરવામાં આવે એ રાજનીતિ કહેવાય..! ઉત્તર આપવામાં વિક્રમ રાજાનું મૌન જેવું ભંગ થયું એટલે, વૈતાળ અટ્ટહાસ્ય કરતો ફરીથી સિદ્ધવડ ઉપર જઈને લટકી ગયો..! એના કપાળમાં કાંદા ફોડું..!

                                : લાસ્ટ બોલ :

ચમનીયાએ બળાપો કાઢ્યો, આ તો કોઈ સાલી  જિંદગી છે..?

 જન્મે ત્યારે નર્સથી ડરવાનું. પછી મા-બાપથી ડરવાનું, ભણવા જઈએ એટલે શિક્ષકથી ડરવાનું. નોકરી કરીએ એટલે બોસથી ડરવાનું, ઘરડા થઈએ એટલે છોકરાથી ડરવાનું, અને મૌત આવે ત્યારે ભગવાનથી ડરવાનું..!

તમે વાઈફનું નામ તો લીધું જ નહિ ?

એ તારી પાછળ જ ઉભેલી છે, ડરના કારણે એનું નામ નહિ લીધું.

તારા કપાળમાં કાંદા ફોડું..!

-----------------------------------------------------------------------------------------------------------------------------------------