વસંતઋતુ એટલે હાસ્ય-લીલા.!
ઋતુ ગમે તો હોય મામૂ..! એના નજારા ઉપર બધું છે. વસંતઋતુનો તો નજારો જ એવો કે, તેને જોઇને મનડું કકળાટ કરવાને બદલે થનગનાટ કરવા માંડે..! છત્રી-રેઇનકોટ-સ્વેટર કે ઈતર હથિયારની ઝંઝટ જ નહિ ને..? ફક્કડ બાવા ગિરધારી થઈને ફરવાનું ને હાઈઈ-બાય કરવાનું..! વસંત ઋતુમાં બાવળિયો પણ ખીલે..! વસંત ઋતુ એટલે પ્રકૃતિની લીલા, ને કુદરતની હાસ્ય-લીલા..! રખે માનતા કે, હસવાનો ઈજારો માણસ પાસે જ છે. હસવાનું મન તો કુદરતને પણ થાય. હસવાની ઉપડે ત્યારે ભગવાન વસંતનો ઉઘાડ આપે. માણસ અને કુદરત ભેગા હસે..! ફેર એટલો કે, માણસ હસે તો ખીખીખીખી કરે, ત્કુયારે દરતનો હસવાનો અંદાજ જ અલગ. હસવાના થાય ત્યારે, રમેશ ચાંપાનેરીને સાંભળવા નીચે નહિ આવે, એક ઝાટકે ઉપર જ બોલાવે..!
તમને ખબર નથી, સમુદ્ર મંથન થયેલું ત્યારે ૧૪ નહિ, ૧૫ રત્ન નીકળેલા. ઝેર અને અમૃત ભેગું ‘હાસ્ય’ પણ નીકળેલું. પણ થયેલું એવું કે, મંથન કરવાવાળા હસવામાં ને હસવામાં એવા બેવડ વળી ગયેલા કે, આ ૧૫ માં રતનની નોંધ બહાર જ નહિ આવી. (ઈતિહાસ ફંફોળવાની જરૂર નથી, આ વાતની માત્ર મને જ ખબર છે..!) અમે અમસ્તા હસાવવાની રેંકડી લઈને ફરીએ છીએ..? તંઈઈઈઈઈ..? તેમ છતાં લોકો ‘હાસ્ય’ને ભાજી-મૂળા સમજે છે..! જીવે પણ નહિ ને જીવવા પણ નહિ દે, એને તો મારો ગોલી, પણ હસે ય નહિ ને હસવા પણ નહિ દે..! પોક મુકીને હસો યાર..? ટીપું ટીપું હસવાથી વસંત નહિ આવે. હસીએ તો, ઉકરડા ઉધાન બની જાય, ને જિંદગી બાગબાન બની જાય. રોદણાને ભંગારમાં કાઢી, હસો યાર..! રોમ રોમમાં મહેક ખીલી ઉઠશે..!
મુશીબત તો દરેકના જીવનમાં હોય છે. પણ એના ય રસ્તા હોય છે
એ રસ્તા એને જ મળે છે કે, જેના ચહેરાઓ સદૈવ હસતા હોય છે
સીધીસટ વાત છે, ગોગલ્સ ચઢાવવાથી જે રંગીન લાગે, એ વસંત નથી. માટે બુદ્ધિ અને શ્વાસનો બગાડો કરવો નહિ. એ બધા નકલી વસંત પામવાનાં અભરખા છે. વસંતને પામવી હોય તો, કોયલની માફક ટહુકામાં વસંતને વસાવવી પડે. તો જ મરવા પડેલા ઝાડવામાંથી કુંપણ ડોકા કાઢતી બહાર આવે. ટાલ ઉપર કાંસકો ફેરવવાથી હરિયાળી આવતી નથી. ને વસંત રાગ ફેંકવાથી વસંતઋતુ પલળતી નથી. Underwear નહિ બદલો તો ચાલે, મૌસમ પ્રમાણે નજરિયા, અને સ્વભાવ બદલવો પડે. બાકી ‘રેઈનકોટ પહેરીને સ્નાન કરવાથી શાહી સ્નાન કર્યાનો ઢેકાર નહિ ખવાય. કાગડા ચોંચ મારી જાય..!
વસંતના જેવી બીજી કોઈ ખાનદાન ઋતુ નહિ. એ લીલા કરે, ક્રૂર લીલા નહિ કરે. ટાઈઢ-તડકા ને ચોમાસુ તો આધિ-વ્યાધી ને ઉપાધી પણ આપે, જ્યારે વસંતનું તો મઘમઘુ જ એવું કે, ચારેયકોર લીલાલહેર..! થુવારીયાના છોડમાં પણ આસોપાલવની ફૂંટ નીકળવા માંડે, ને કજીયાખોર ભાર્યા પણ કામણગારી બની જાય. વસંતની આડ અસર નહિ થાય, પણ ગાઢ અસર થાય..! એનો નજારો જ એવો કે, ભગવાનને સાક્ષાત જોવાની જીદ પણ મટી જાય.! કેલેન્ડરમાંથી ઉતરીને વસંત મેદાનમાં આવી જાય, ત્યારે માનવીને પણ મૌજ આવી જાય. જેના દિલમાં વસંત એને બારે માસ વસંત..! ઋતુઓનો રાજવી તહેવાર એટલે વસંત ઋતુ..! ગોખલામાં કેસૂડો રાખવાથી કે, કોયલને ટટળાવવાથી વાવાઝોંડા આવે, વસંત નહિ આવે..! કાંડામા ગીટારનું ટેટુ ચિતરાવવાથી કાંડું શોભે ખરું, પણ ટેટુ ખંજવાળવાથી વસંત રાગની ધૂન નહિ નીકળે.!’ ભારત એટલે તો મહાન છે મામૂ, કે અહીં સંત અને વસંત બંને હાજરા હજૂર છે. માથે બગીચો લઈને ફરવાની મૌસમ એટલે વસંતઋતુ..! બાકી, જેને કાળી મુસળી ને ધોળી મુસળીના ભેદની ખબર ના હોય, એને નાગ પંચમી હોય કે વસંત પંચમી, ક્યા ફર્ક પડતા હૈ..? આવાં નકુચાના ઘરે તો, પગ લુંછણીએ પગ ઘસવા પણ નહિ જવાય. વસંત ઋતુ જો ‘ડોરબેલ’ વગાડવા ગઈ, તો એને પણ છુટ્ટા ઓશિકા મારે..!
વસંત પંચમી એટલે મૂહર્તનું બ્રહ્માસ્ત્ર. વસંત પંચમી આવે એટલે મનના મોરલા ટેહુકવા માંડે. બાપને પણ દીકરા-દીકરી પરણાવવાની યાદ આવે. એના કપાળમાં કાંદા ફોડું, આવી જ એક વસંત પંચમીના દિવસે મારો પીઠીવાળો પગ કુંડાળામાં પડેલો. મારી છેડાગાંઠી થયેલી.! બે ત્રણ વસંત પંચમી સુધી તો વસંતની ગાઢ અસર રહેલી. મળશ્કે મરઘા બોલતા તો પણ કોયલના ટહુકા લાગતા. હવે તો કાગડીનાં કેકારવ લાગે છે બોલ્લો..! આ તો હસવા હસાવવાની વાત..! રખે કોઈ પૈણવા વગરનું રહી જતું..! વસંત એ વસંત છે. પણ પેટ છુટ્ટી વાત કરું તો, જેનું કટાણું મોઢું જોઈને ઝાડવાંઓ પાન ખેરવી નાંખતા હોય, કોયલો આંગણેથી વટી જતી હોય, બારણા મધ્યે કાગડાઓ સંસદ ચલાવતાં હોય ત્યાં, કકળાટ અને કોલાહલ જ હોય. વસંતના વાસંતી વાયરા ના હોય. વસંત પંચમી એટલે બ્રાન્ડેડ મૂહર્ત..! શ્રી કૃષ્ણએ પણ ભગવદ ગીતામાં કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું. છંદોમાં હું ગાયત્રી છું. મહિનાઓમાં હું માગશર છું. રીઝે તો વસંત ને ખીજે તો, એવી આંધી ને મેઘ તાંડવ લાવે કે, ભર વસંતમાં હનીમુન માટે મોંઘીદાટ હોટલમાં ગયા તો, જનકલ્યાણના જુના ચોપડાં જ વાંચવા પડે..! શું કહો છો ચમનીયા..?
લાસ્ટ બોલ
ચમનીયાએ દીકરાને સલાહ આપી....
ભણવામાં ધ્યાન આપ. સારું ભણશે તો તને સારી કન્યા મળશે.
આ સાંભળી દીકરો એટલું જ બોલ્યો, ”પપ્પા, તમારા સમયમાં આ સ્કીમ હતી કે નહિ..? મમ્મી જુઓ ને કેવી કીચ કીચ કરે છે..?
તારા કપાળમાં કાંદા ફોડું..!
--------------------------------------------------------------------------------------------------------------------------------