અમારા ઈઈ’ઈ એટલે ઈઈઇ..!
 
             
                       ધણીને નામ દઈને નહિ બોલાવવાની પ્રથા ફેશન હતી કે, મર્યાદા એનું મને કોઈ ‘નોલેજ ‘ નથી. મને  એ પણ ‘નોલેજ’ નથી કે, પતિને નામ દઈને બોલાવવામાં કયા દેવી દેવતાનું પાપ લાગતું હશે? એ જમાનામાં અત્યારના જેવાં નામ પણ અટપટા હતા નહિ. અક્ષરજ્ઞાન નહિ હોય તો પણ બોલાય તેવા હતાં. છતાં નામ બોલવાની કેમ હિમત નહિ કરતાં એ ચમનીયો જાણે..!  અત્યારે તો નામ દઈને બોલાવે એમાં એટલો  ‘મઝ્ઝો આવે કે, જાણે મોંઢામાંથી મધના ઝરા ફૂટતાં હોય તેવું લાગે..! ધણીને નામથી બોલાવે ત્યારે તોતિંગ દીવાલ તોડીને પ્રેમના ફૂંફાડા મારતી હોય એવું લાગે..! બાકી અસ્સલ ‘એઈઇ સાંભરો કે’ કહે, ત્યારે તો એવું લાગે કે, ધણી અગ્નિ રેખાની બહાર હોય, ને ધણીયાણી પેલેપાર હોય એવું લાગે..! એમાં ફીલિંગ્સ જ કેમ આવતી હશે, એ તો રતનજી જાણે..! પણ એને મર્યાદા કહેવાતી મામૂ..! પ્રેમ-ઉભરાના પ્રદર્શન નહિ કરતાં. ધણીને નામથી બોલાવવામાં ઉમર ઘટી જાય, એવી શાસ્ત્ર વગરની માન્યતા. આજે તો સાવ ઉલટું..! ધણીનું નામ પ્રકાશ હોય તો, પહેલાં ‘પકુ’ કહીને બોલાવે, પકુ નહિ સાંભળે તો ‘પકા’ કહીને બોલાવે, ને તોયે નહિ સાંભળે તો પછી છટકે..! ત્રાડ પાડીને કહે, " પ્રકાઆઆશડા " ત્યારે મેળ પડે..!  પ્રકાશડું તમામ ‘કનેક્શન’ છોડીને ફટાક દઈને હાજરા હજૂર થઇ જાય..! 
                      ઘૂંઘટનો પટ ખોલ્યા વગર, પોતાના ધણીને ‘ઈઈઈઈ’ કહીને બોલાવતા હોય ત્યારે પાંજરામાંથી પોપટ પુકારતું હોય તેવું ભલે લાગે, પણ મીઠ્ઠું તો લાગતું તંઈઈઈ..!  આનંદ થતો કે, ‘ઈઈઈ’ કહીને જ બોલાવે છે ને,  ‘ઢઅઅઅ’ તો નથી કહેતી ને..? અત્યારની ‘પીઝા-બર્ગર’ વાળી પેઢીમાં હવે 'ઈઈઈઈ' વાળું ચલણ નથી. (કોઈક જગ્યાએ ‘એઈઈઇ ડોબા’ સાંભળવા મળે તો, સ્વીકારી લેવાનું કે, આ સતયુગ-ત્રેતાયુગ કે દ્રાપરયુગનો કાળ નથી. કળી કાળની માયાજાળ છે.)  ‘ઢઅઅઅ’ કે  ‘ઈઈઈઈ’ ને બદલે ડાયરેક્ટ ડાયલિંગ કરતા હોય એમ, ‘ડાર્લિંગ-જાનૂ-હની-મેરી જાન’ નું લફરું આવ્યું. પછી તો જેવી જેવી જેની વાઈફ ને જેવી જેની જાહોજલલી..! એમાં ઉમરનો તકાદો આડો આવતો નથી.  ૮૦ વર્ષના કાકાને પણ વાઈફને ‘ડાર્લિંગ-ડીયર-જાનૂ કે જાને મન કહેતાં મેં કાનોકાન સાંભળેલા..! જો કે, એમાં એમનો પણ વાંક નહિ. ઉમરને કારણે કાકીનું નામ જ ભૂલી ગયા હોય તો, ગાડું તો ગબડાવવું પડે ને..? 
                         ચમનીયો ઘણીવાર મને સમજાવે કે, આને કહેવાયબદલાતાં યુગના સમીકરણ..!  સત્તા હોય તો સતયુગ, ત્રેવડ હોય તો ત્રેતાયુગ, દ્રવ્ય હોય તો દ્રાપર યુગ ને કોથળામાંથી બલાડું નીકળે તો કળિયુગ, એમ હવે આવ્યો ‘ડીજીટલ યુગ..!’ જેને પાંચમો યુગ કહેવો હોય તો બેધડક કહેવાય. આજે  ‘રોબોટ’ નું ચલણ ડોકાં કાઢી રહ્યું છે ત્યારે ઈઈઈ કે ઢઢઢના વળતા પાણી પણ થવાના. ધણીને Mr. X કે Mr. ૦૦7 કહેવાના દિવસો આવે તો નવાઈ નહિ..!  ડીજીટલયુગમાં એકબાજુ ચાઈનાની ડુપ્લીકેટ કમાલ છે, બીજી બાજુ  યુદ્ધની ભરમાર છે. ડુપ્લીકેટ મા-બાપ બનાવવાનું જ હવે બાકી છે..! ચાઈનાનો original વડાપ્રધાન ભારતની મુલાકાતે આવે તો પણ લોકોને શંકા જાય કે, original વડાપ્રધાન હશે કે Duplicate..? 
                            સમય સમયની વાતછે દાદૂ..! ‘સિઝેરિયન’ વગર પૃથ્વી ઉપર કોઈ આવતું નથી, ને ‘વેન્ટીલેટર’ વગર કોઈ જતું નથી. આ વેન્ટીલેટર પણ એક પ્રકારનો E શ્વાસ જ છે બોસ.? મંદિરમાં ઢોલ-તબલાનો નાદ વાગે તો ડીજીટલ, બાળકનું ઘોડિયું હીંચકાય તો ડીજીટલ, ચૂકવણા કરો તો ડીજીટલ..!  સમયના પરિવર્તન સાથે, E-સાઈકલ આવી,  E-મોટર સાઈકલ આવી, E-રીક્ષા આવી, E-બસ આવી, E-સ્કુટર આવ્યું, ને E ટ્રેક્ટર પણ આવ્યું, બધું ઈઈઈ..ઈઈઈ જ થઇ ગયું..! લગન Email સાથે થતાં નથી, femail સાથે જ થાય છે એટલું સારું છે..! ખ્યાલ હોય તો, નાના હતાં ત્યારે દાદા કહેતાં કે, તું ‘ઈ-સ્કુલ’ ક્યારે જવાનો..?’ એ ઈઈઈ નો જમાનો હમણાં આવ્યો..! ચાલુ ઓફિસે સ્વેટર ગૂંથાય કે, તુવેર-પાપડીના દાણા છોલાય તો માનવું કે, એ on line થાય છે..!
                            આ ઈઈઈ ની વાત નીકળી એમાં ચમનીયાની વાત પણ જાણવા જેવી છે. ચમનીયાને આવડત ઓછી, પણ કલ્પના ઉંચી.  એકવાર એણે ‘Air-Man’ (હવાઈ માણસ) ની કલ્પના કરેલી..!  મને કહે ‘રમેશિયા..! આવનારા સમયમાં બાળકોની જેમ હવાથી ભરેલા Air-man પ્રગટ થાય તો કહેવાય નહિ..! જરૂર પડે ત્યારે, હવા ભરીને ‘Air-man’ તૈયાર કરી દેવાનો.  ને કામ પતે એટલે હવા કાઢીને, ગળી વાળીને ખીંટીએ ટાંગી દેવાનો..! હવા કાઢી નાંખો એટલે વાર્તા પૂરી. માણસની ભીડ જ મટી જાય..! ઘર નાનું હોય, ને રેશન કાર્ડમાં વસ્તી વધારે હોય તો ટેન્શન જ નહિ.  હવા કાઢી એટલે જગ્યા જ જગ્યા..! બીજો ફાયદો એ કે, માત્ર હવા કાઢી નાંખવાની ધમકી જ આપવાની. એટલે બરમુડો આપોઆપ કંટ્રોલમાં આવી જાય..! જેમ બેટરી ચાલે ત્યાં સુધી ચાલણગાડી ચાલે, એમ Air-man ની બેટરી પૂરી, એટલે તેની ચાલ પૂરી..! એમાં પછી ચાલ-બાજી નહિ ચાલે..! ભોંભોંઓઓ કરતુ જ બંધ થઇ જાય..! બેટરી ચાર્જ કરાવવા લાઈન લગાવવી પડે, એમ E-માણસને પણ ચાર્જર-પોઈન્ટ ઉપર લાઈનમાં ઉભો રાખો એટલે ખબર પડે કે, He-Man કોને કહેવાય..! ચાર્જર-પોઈન્ટ ‘તીર્થ-સ્થળ’ જેવું લાગવા માંડે. આજકાલ કોમ્પ્યુટર, મોબાઈલ, ફેસબુક, ઈમેઈલ, ટ્વીટર, વ્હોટશેપ, ગુગલ કે ઇન્સ્ટાગ્રામે એવો ભરડો લીધો કે, દાદા-દાદી પણ E-દાદા-દાદી  બની ગયા હોય એમ, ડીવાઈસ મચેડ-મચેડ કરતા હોય..! યુનીવર્સીટીમાં તો ભણવું પડે, ત્યારે માંડ ડીગ્રી મળે,  વ્હોટશેપ યુનીવર્સીટીની તો વાત જ નોખી..!  વ્હોટશેપના Admin થઇ ગયા, એટલે ‘ડીચ..!’  એક વાર એક ભાઈએ મારી પાસે વીઝીટીંગ કાર્ડ માંગેલું. મેં એને જેવો કાર્ડ આપ્યો, એટલે એ ભાઈએ મારા જ કાર્ડમાં પોતાનો ટેલીફોન નંબર લખીને મને પાછો આપ્યો. મને કહે,’ આ મારો નંબર છે, મારું કંઈ કામકાજ હોય તો કહેજો .!’ તારા કપાળમાં કાંદા ફોડું..!
                       એકવાર મેં એક ભાઈ પાસે વીઝીટીંગ કાર્ડ માંગેલો, તો બરમૂડાએ મને એનો રેશનકાર્ડ પકડાવી દીધો. ઉપરથી કહે, ‘ વડીલ, આજકાલ રેશનકાર્ડની જ બોલબાલા છે..! વીઝીટીંગ કાર્ડમાં  તો  પાણીની પોટલી પણ નહિ આવે, રેશનકાર્ડ હોય તો માથાદીઠ બે કિલો અનાજ તો આવે..! ચાર યુગ બદલાય, એની સાથે માણસ પણ બદલાવો જોઈએ ને..? લોકોને રડાવવું સહેલું છે, પણ હસાવવા માટે ક્યારેક ઝાડું મારવાની પણ જરૂર પડે..! અમુક વખત તો ઝાડું બુઠ્ઠું થઇ જાય, પણ એ જિરાફના હોઠ નહિ ફંટાય..! ભૂતનાથની યાદીમાં નામ ચાલતું  હોય એમ, હાસ્ય સાથે સ્નાન-સુતકનો સંબંધ જ નહિ રાખે. જગ જાહેર વાત છે કે, હસવાની ભેટ માત્ર માણસને મળેલી છે. પછી માણસ એની ‘ફોક્ષ ડીપોઝીટ’ બનાવીને સંગ્રહી રાખે, ને વટાવે નહિ, એ અલગ વાત છે. બાકી હસવું એટલે સ્વાસ્થ્ય માટે લાભદાયી. બેંકનાં ખાતામાં ૧૦-૧૫ લાખ જમા હોય કે ના હોય, પણ રોગ પ્રતિકારક શક્તિ નાણાથી આવતી નથી, હસવાથી જ આવે.  બફાણા અથાણા જેવાં મોંઢા લઈને જે લોકો ફરતાં હોય, એ જો હાસ્યના રવાડે ચઢે, તો બીમારીઓ આપોઆપ ડરી જાય.  શરીરમાં કેલ્શ્યમ-આયર્ન ઘટે તો ગોળીઓ લેવાય, પણ હાસ્યના ઇન્જેક્શન કે ટેબ્લેટ હજી ડીજીટલ ફોર્મ્યુલા સુધી પહોંચ્યા નથી. સાલું સમજાતું નથી કે, લોકો શું કામ ફાટેલા ડબ્બા જેવા ચહેરા લઈને ફરતા હશે..? મલમલ જેવી મસ્ત જિંદગી જીવવાને બદલે, બરછટ જિંદગીના હવાલે કેમ જતાં હશે..?  એ તો રતનજી જાણે..! પણ ભેજાની ભ્રમણ ગતિ જોતાં એવું લાગે છે કે, જેના જીવનમાં ભરપેટ હાસ્ય છે, એ જિંદગી જીવી જાય છે..! અને એ તાકાત ઈઈઈ ના બુલાવામાં જ આવતી..! 
                                      લાસ્ટ ધ બોલ
લે, જુઓ આ છાપું વાંચો..! એમાં દારુ પીવાથી શરીરને થતાં નુકશાનની વાત લખી છે. અને તમે તો રાત દિવસ ઢીંચ-ઢીંચ કરીને નશામાં રહો છો..!
બહુ સારું..! કાલથી બંધ, બસ..!
શું દારુ..?
ના આ છાપું...!
તારા કપાળમાં કાંદા ફોડું.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------