The Great Robbery - 6 in Gujarati Crime Stories by Anwar Diwan books and stories PDF | ધ ગ્રેટ રોબરી - 6

Featured Books
  • My Hostel Life - 1

    ઘણા દિવસથી વિચારું છું કે હું થોડા વર્ષ પહેલાની મારી હોસ્ટેલ...

  • જાદુ - ભાગ 3

    જાદુ ભાગ ૩" મીન્ટુ મને માફ કરજે હું તારી કાળજી લેવા સક્ષમ નથ...

  • ભાગવત રહસ્ય - 189

    ભાગવત રહસ્ય-૧૮૯   સૂર્યવંશમાં રઘુનાથજી પ્રગટ થયા છે અને ચન્દ...

  • નારદ પુરાણ - ભાગ 63

    સનત્કુમાર બોલ્યા, “દશ અંગોમાં ન્યાસ કર્યા પછી ધ્યાન ધરવું. अ...

  • ધ ગ્રેટ રોબરી - 6

    ધ ગ્રેટ રોબરી શિર્ષક હેઠળ અગાઉ પ્રકાશિત લેખનાં અનુસંધાને આ લ...

Categories
Share

ધ ગ્રેટ રોબરી - 6

ધ ગ્રેટ રોબરી શિર્ષક હેઠળ અગાઉ પ્રકાશિત લેખનાં અનુસંધાને આ લેખને આગળ વધારતા અન્ય દસ ગ્રેટ રોબરીની કથા માંડી છે.વિશ્વની સૌથી મોટી લુંટની વાત કરાય ત્યારે ડીબી કુપરનું નામ જરૂર લેવામાં આવે છે આ લુંટનો ખલનાયક આમ તો વિશ્વની સૌથી મોટી લુંટનું મુખ્ય પાત્ર તો છે પણ તેનું નામ લુંટ બાદ હવામાં ઓગળી ગયેલા લોકોની યાદીમાં પણ સામેલ છે.આ લુંટ બાદ તેનો ક્યારેય પત્તો લાગ્યો ન હતો.આમ તો અન્ય ગ્રેટ રોબરીની તુલનાએ આ લુંટ એટલી મોટી ન હતી પણ આ લુંટની ચર્ચા આ લુંટનાં ત્રીસ વર્ષ બાદ પણ અમેરિકામાં થતી રહી હતી અને આજે પણ તેનું નામ ચર્ચાય તે હિસાબે ડીબી કુપર એક વિશિષ્ટ વ્યક્તિ ગણાવી શકાય.૧૯૭૧નાં નવેમ્બર મહિનામાં નોર્થવેસ્ટ ઓરિયન્ટ એરલાઇન્સની એક ફ્લાઇટમાં ડેન કુપરનાં નામે એક વ્યક્તિ દાખલ થયો હતો જેની પાસે એક બ્રિફકેસ હતી અને વિમાન ઉપડ્યા બાદ તેણે પોતાની પાસે બોમ્બ હોવાનું જણાવી તે વિમાનનું અપહરણ કર્યુ હતું.તેણે પાયલોટને વિમાનનું ઉતરાણ કરાવવા અને મુસાફરોને સલામત રીતે બહાર કાઢવા માટે બે લાખ ડોલર અને એક પેરેશુટની માંગ કરી હતી.ત્યારબાદ તેણે પાયલોટને મેક્સિકો જવાનો આદેશ આપ્યો હતો.આમ તો આ વિમાનનું અપહરણ થયા બાદ તેની પાછળ એક જેટ ફાઇટરને મોકલવામાં આવ્યું હતું તેમ છતાં કુપરે વિમાન મેક્સિકો લઇ જવાનો આદેશ આપ્યો હતો.જો કે તે સમયે ભારે વરસાદ પડતો હોવાને કારણે કુપર વિમાનમાંથી બહાર નિકળી ગયું તે તરફ તેનું ધ્યાન ગયું ન હતું.તે નાણાં સાથે નિકળી ગયો હતો અને ત્યારબાદ તેને શોધવા માટે જોરદાર તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું પણ તેના કોઇ સગડ મળ્યા ન હતા.ઉલ્લેખનીય છે કે ૧૯૮૦માં આ રકમમાંથી ૫૮૮૦ ડોલરની રકમ કોલંબિયા નદીનાં કાંઠે મળી આવી હતી પણ કુપર ક્યારેય હાથ લાગ્યો ન હતો એટલું જ નહિ તે કોણ હતો તેની પણ જાણકારી મળી નથી આમ તે અમેરિકન ક્રાઇમ હિસ્ટ્રીનો સૌથી રહસ્યમય ગુનેગાર પુરવાર થયો છે.
વર્ષ ૨૦૦૨ની ડિસેમ્બરમાં નેધરલેન્ડની રાજધાની હેગમાં ધ મ્યુસિઓન મ્યુઝિયમમાં બાર મિલિયન ડોલરની લુંટ થઇ હતી આમ તો આ લુંટ અન્ય લુંટની તુલનાએ બહુ મોટી ન હતી પણ જે રીતે આ લુંટ પાર પાડવામાં આવી હતી તે કારણે તે સૌથી અમેઝિંગ રોબરીની યાદીમાં સામેલ થાય તેમ છે.ધ મ્યુસિઓન મ્યુઝિયમમાં આ સમયગાળા દરમિયાન વિશ્વનાં ઐતિહાસિક કહી શકાય તેવા હીરા અને ઝવેરાત પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.કેટલાક તો રાજઘરાના સાથે સંકળાયેલા હતા અને તે સદીઓ પુરાણા હોવાને કારણે મુલ્યવાન હતા.આ પ્રદર્શનની સુરક્ષા માટે ચોવીસ કલાક ગાર્ડ તહેનાત હતા તેમ છતાં આ ચોરી થઇ હતી.વીડિયો સર્વેલન્સ દ્વારા મ્યુઝિયમનાં એક એક ઇંચ પર નજર રખાતી હતી જેમાં કશું જણાયું ન હતું.મોશન ડિટેક્ટરે પણ કોઇ ગતિવિધિ નોંધી ન હતી.જે પેટીમાં તે મુકાયા હતા તેના કાચ પર પણ કોઇ ખરોંચ જોવા મળી ન હતી.તેમ છતાં પહેલી અને બીજી ડિસેમ્બર દરમિયાન લુંટ થઇ હતી જ્યારે સ્ટાફ પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે અઠ્ઠાવીસમાંથી છ કેબિનેટ ખાલી હતાં.જે ઝવેરાત અને હીરા ગુમ થયા હતાં તેની કિંમત આશરે બાર મિલિયન ડોલરની આંકવામાં આવી હતી.તપાસકર્તાઓને આ ચોરી અંગે અને તેમાં ચોરી થયેલા કિંમતી રત્નો અંગે કોઇ જ જાણકારી મળી ન હતી.સગડમાં માત્ર એક જ વાત હતી કે જ્યાં આ મુલ્યવાન ઝવેરાત મુકાયું હતું તે ઓરડાની એક બારી તુટી હતી તે સિવાય આ ચોરી કોણે કરી અને કેવી રીતે કરી તે અંગે પણ તંત્ર કોઇ પ્રકાશ પાડી શક્યું ન હતું.
અમેરિકાનાં લોસ એન્જેલસમાં ડન્બાર ખાતે ૧૯૯૭ની તેરમી સપ્ટેમ્બરે એક લુંટ થઇ હતી જે ડન્બાર આર્મર્ડ તરીકે પ્રખ્યાત થઇ હતી જેમાં ૧૮.૯ મિલિયનની રકમ લુંટવામાં આવી હતી અને આ લુંટ પણ એલન પેસે કરી હતી જે આ રકમની હેરફેર કરવાનું કામ કરતો હતો.તેને તમામ પ્રક્રિયાની રજેરજની માહિતી હતી જેનો તેણે દુરૂપયોગ કર્યો હતો.અમેરિકાની ધરતી પર થયેલ સૌથી મોટી લુંટ માટે તેણે પોતાના બાળપણનાં પાંચ સાથીદારોને પોતાની સાથે લીધા હતા.તેને સર્વેલન્સ કેમેરાની નજરે ક્યારે ચઢી શકાય નહિ તેની તમામ વિગતોની જાણકારી હતી ઉપરાંત તેની પાસે ડેપોની ચાવીઓ પણ હતી.તેમણે એક પછી એક ગાર્ડને કબજે લીધા હતા અને આખરે વોલ્ટનો ગાર્ડ ચેતવણીનું એલાર્મ વગાડે તે પહેલા તેને પણ કબજામાં લીધો હતો.તેમણે લુંટ માટે અરધો કલાકનો સમય લીધો હતો અને મિલિયન્સ ડોલરની રકમ સાથે ત્યાંથી નિકળી ગયા હતા.તેમણે એ રકમ પર જ હાથ સાફ કર્યો હતો જે મોટી હતી અને તે સિકવલમાં ન હતી.પેસે ત્યારબાદ કેમેરામાંથી તે તમામ પુરાવાઓ કબજે લીધા હતા જે તેની સંડોવણી જાહેર કરે તેમ હતા.જો કે પોલીસને જ્યારે જાણ થઇ અને તેમણે તપાસ કરી ત્યારે તેમને ખ્યાલ આવી ગયો હતો કે આ કોઇ જાણભેદુનાં ભેજાની જ કમાલ છે કારણકે ત્યાં પ્રવેશવા માટે કોઇ જોરજબરજસ્તી થઇ ન હતી.તેમ છતાં તેમને લુંટારાનાં કોઇ સગડ મળ્યા ન હતા.જો કે તેના એક સાથીદારની મુર્ખામીને કારણે તેમની ટોળકી અંગે પોલીસને તમામ માહિતી મળી ગઇ હતી.એલન પેસને આ લુંટ બદલ ચોવીસ વર્ષની સજા થઇ હતી અને પોલીસને લુંટનાં દસ મિલિયન ડોલરની કોઇ ભાળ મળી ન હતી.
કોલંબિયાની બેંક ઓફ રિપબ્લિકમાં સોળ સત્તર ઓક્ટોબર ૧૯૯૪નાં રોજ ધાપ મારવામાં આવી હતી અને લુંટારાઓ ૨૮.૮ મિલિયન ડોલરની રકમ લઇને ફરાર થઇ ગયા હતા પણ આ લુંટ અંગે તંત્ર દ્વારા કોઇ જ માહિતી પ્રકાશિત કરાઇ ન હોવાને કારણે તેના વિશે માત્ર આ જ જાણકારી ઉપલબ્ધ છે પણ તેને વિશ્વની સૌથી મોટી લુંટમાં સામેલ કરાય છે.આ લુંટ દસ લોકો દ્વારા કરાઇ હતી અને તેનાં લુંટારાઓ પણ પોલીસનાં હાથમાં આવ્યા ન હતા.
૨૦૦૪માં બેલફાસ્ટની નોર્ધન આયરલેન્ડ બેન્કમાં ૨૬.૫ મિલિયન પાઉન્ડની લુંટ થઇ હતી અને પોલીસનાં જણાવ્યાનુસાર આ લુંટ આઇઆરએનાં માણસો દ્વારા કરાઇ હતી.આ ગેંગનાં લોકો પોલીસની વર્દીમાં આવ્યા હતા અને બેંકનાં બે મકાનોને નિશાન બનાવ્યા હતા.તેમણે બેંકનાં બે અધિકારીઓનાં પરિવારજનોને બાનમાં લીધા હતા અને તે બે અધિકારીઓને ત્યારબાદ બેંકમાં મોકલવામાં આવ્યા હતા અને તેમણે જ લુંટારાઓને બેંકમાં જવાની સહુલિયત કરી આપી હતી.લુંટારાઓ એ લુંટની રકમ એક સફેદ વાનમાં ભરી હતી અને આ વાન વડે તેમણે લુંટ માટે બે ફેરા માર્યા હતા કારણકે તેમને ખબર હતી કે એક વાનનાં ફેરામાં મોટી રકમ આવી શકશે નહિ.જો કે બેંકે પણ આ લુંટારાઓને મજબૂર કરવા માટે નવી ડિઝાઇનની નોટો પ્રસિદ્ધ કરી હતી અને જુની નોટ રદ કરી હતી.તેના કારણે આશરે દસ મિલિયન ડોલરની રકમ રદ્દી સમાન થઇ ગઇ હતી. આ લુંટ મામલે ઘણાં લોકોની ધરપકડ કરાઇ હતી જેમાં આઇઆરએ સાથેં સંકળાયેલા કેટલાક શંકાસ્પદો સામેલ હતા એટલું જ નહિ તે અધિકારીનાં પરિવારને બાન લેવામાં આવ્યો હતો તેને પણ આ મામલે પકડવામાં આવ્યો હતો પણ પોલીસ એ વિશ્વાસપુર્વક કહી શકે તેમ ન હતી કે કોણે આ લુંટને અંજામ આપ્યો હતો.
૨૦૦૯ની છઠ્ઠી ઓગસ્ટે બ્રિટનમાં ન્યુ બોન્ડ સ્ટ્રીટ પર આવેલ ગ્રાફ જવેલર્સ સ્ટોર પર લુંટારાઓ ત્રાટક્યા હતા અને લગભગ ચાલીસ મિલિયન પાઉન્ડની રકમ પર હાથ સાફ કર્યો હતો.આ સ્ટોર કદાચ લુંટારાઓ માટે ફેવરિટ હતો કારણકે છ વર્ષમાં તેને બે વખત લુંટવામાં આવ્યો હતો.૨૦૦૯માં જે લુંટ કરાઇ હતી તે ભારે રકમની હતી.લુંટારાઓ સ્ટોરમાં આવ્યા હતા અને હથિયાર બતાવીને આશરે તેંતાલીસ વસ્તુઓ ઉઠાવી હતી જેની કિંમત ચાલીસ મિલિયન પાઉન્ડની હતી.તેઓ ટેક્સીમાં આવ્યા હતા અને સ્ટોરમાં આવ્યા બાદ તેમની પાસે રહેલી પિસ્તોલ બહાર કાઢીને સ્ટાફને ભયભીત કર્યો હતો જો કે આ લુંટ કરતા પહેલા તેમણે ચાર કલાક જેટલો સમય મેકઅપમાં કાઢ્યો હતો જેથી તેમને કોઇ ઓળખી ન શકે.તેઓ બહાર નિકળ્યા ત્યારે સ્ટાફનાં એક વ્ચક્તિને પોતાની સાથે લીધો હતો અને એક બ્લુ રંગની બીએમડબલ્યુમાં ફરાર થઇ ગયા હતા.તેમણે આ દરમિયાન બે વાહન બદલ્યા હતા અને ત્યારબાદ કોઇપણ સગડ મુક્યા વિના હવામાં ઓગળી ગયા હતા.આ મામલે પોલીસે જોકે ચાર લોકોની ધરપકડ કરી હતી.અન્ય એક લુંટ આ જ સ્ટોર પર ૨૦૦૩માં થઇ હતી ત્યારે પણ બે લોકો જેનો સંબંધ પિન્ક પેન્થર્સ સાથે હોવાનું મનાતું હતું તેમણે ૨૩ મિલિયન પાઉન્ડની ૪૭ વસ્તુઓ ઉઠાવી હતી.આ મામલે પણ પોલીસને કોઇ સગડ મળ્યા ન હતા આમેય આખા વિશ્વમાં પિન્ક પેન્થરને નામે ૧૨૦ જેટલી લુંટ નોંધાયેલી છે.
બ્રાઝિલની બાન્કો સેન્ટ્રલમાં ૬ - ૭ ઓગસ્ટનાં રોજ ધાપ મારવામાં આવી હતી જેમાં સિત્તેર મિલિયનની લુંટ ચલાવાઇ હતી.આ લુંટ જે રીતે થઇ હતી તે હોલિવુડની ફિલ્મને પણ ઝાંખી પાડે તેવા પ્લાન સાથે પાર પાડવામાં આવી હતી.આ લુંટ માટે તેમણે બાન્કોની પાસે જ એક ઘર ત્રણ મહિના પહેલા ભાડે લીધું હતું અને ત્યાંથી તેમણે ટનલ ખોદી હતી જે બાન્કોમાં નિકળતી હતી તે જ ટનલ વડે તેઓ લુંટની રકમ લઇને ફરાર થઇ ગયા હતા.આ ટનલમાં તેમણે લાઇટની અને એસીની પણ સુવિધા રાખી હતી.તેમણે માટીનો નિકાલ કરવા માટે ગાર્ડનિંગનો બિઝનેશ કરતાં હોવાની વાત પ્રસરાવી હતી.જ્યારે તેઓ ટનલ વડે બેન્કનાં વોલ્ટમાં પહોંચ્યા ત્યારે તેમણે ત્યાંના બેક સેન્સર અને એલાર્મને નકામા કરી નાંખ્યા હતા.તેમણે પાંચ જેટલા કન્ટેનરમાં લુંટની રકમ ભરી હતી અને એ ખ્યાલ રાખ્યો હતો કે જે નોટો તેઓ લે છે તે સિરિયલમાં ન હોય. આ લુંટનાં મામલે પણ અનેક લોકોની ધરપકડ કરાઇ હતી અને આ લુંટનો માસ્ટર માઇન્ડ ગણાતો લુઇ રિબેરો મૃત હાલતમાં મળી આવ્યો હતો તેનું અપહરણ એક ભ્રષ્ટ પોલીસ અધિકારી દ્વારા કરાયું હોવાનું બહાર આવ્યું હતું.આ લુંટમાં જે રકમ લુંટાઇ હતી અને માત્ર નવ મિલિયન ડોલરની રકમ જ પાછી મળી હતી બીજી રકમ ત્યારબાદ કોઇને મળી ન હતી.
જેમ અમેરિકામાં ડીબી કુપરનું નામ કુખ્યાત લુંટારાઓની યાદીમાં સામેલ છે તેમ બ્રિટનમાં રોની બિગ્સનું નામ કુખ્યાત છે.તેણે પોતાના સોળ સાથીદારો સાથે ૧૯૬૩માં એક ટ્રેન લુંટી હતી અને જે રકમ લુંટી હતી તેની કિંમત આજની તારીખે ૭૪ મિલિયન ડોલરની મનાય છે.આ ટ્રેનમાં ભારે માત્રામાં રકમ જતી હોવાની માહિતી આ ગેંગને મળી હતી ત્યારબાદ તેમણે ટ્રેક સિગ્નલ સાથે છેડખાની કરીને ટ્રેનને રોકી હતી અને લગભગ ૧૨૦ મેઇલ બેગ્સને લુંટી હતી.તેમણે હથિયારો પાસે રાખ્યા હતા પણ તેનો ઉપયોગ માત્ર બીવડાવવા માટે જ કર્યો હતો જે ફાર્મ હાઉસમાં તેઓ રોકાયા હતા તેને પણ સળગાવી નાંખ્યું હતું.તેમ છતાં પોલીસે ધીરજપુર્વક તપાસ કરી હતી અને પંદરમાંથી બાર લુંટારાઓને ઝડપી પાડ્યા હતા.જો કે ૧૯૬૫માં રોની જેલ તોડીને ભાગવામાં સફળ રહ્યો હતો.કહેવાય છે કે તેણે ત્યારબાદ પ્લાસ્ટીક સર્જરી કરી હતી અને તે દેશની બહાર નિકળી ગયો હતો.તેનો ત્યારબાદ પત્તો લાગ્યો ન હતો પણ ૨૦૦૧માં બ્રિટન પાછો ફર્યો હતો અને તેને જેલમાં મોકલાયો હતો પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેને ૨૦૦૯માં છોડી મુકવામાં આવ્યો હતો.આ લુંટ એટલી જોરદાર હતી કે તેના પરથી ધ ગ્રેટ ટ્રેન રોબરીનાં નામે ફિલ્મ પણ બની હતી.
૧૯૮૩માં બ્રિન્કસ મેટ હાઉસમાં લુંટ થઇ હતી અને આશરે ૨૬ મિલિયન પાઉન્ડની રકમ લુંટવામાં આવી હતી.૨૬મી નવેમ્બરે બ્રાયન રોબિન્સનને દલ્લો મળી ગયો હતો જે રકમ લુંટાઇ હતી તેમાંથી ત્રણ મિલિયન પાઉન્ડની રકમ તો કેશ હતી અને બાકી ગોલ્ડ બુલિયન હતાં અને તેની કિંમત આજની તારીખે આંકી શકાય તેમ નથી.બ્રાયન રોબિન્સને પોતાના સાળા એન્થોની બ્લેકને પોતાની સાથે રાખ્યો હતો જે આ વેરહાઉસની સુરક્ષાનું કામ સંભાળતો હતો.તેણે જ રોબિન્સનને આ જગા અંગે પુરી માહિતી પૂરી પાડી હતી.સ્કોટલેન્ડ યાર્ડ જેવી બાહોશ એજન્સીને આ લુંટની તપાસ સોંપાઇ હતી પણ લાંબો સમય સુધી તેઓ તેની કોઇ લીડ મેળવી શક્યા ન હતા.જો કે ત્યારબાદ બ્લેકે પોતે આ ગુનામાં સંડોવાયેલો હોવાનું સ્વીકાર્યુ હતું અને તેને ત્રણ વર્ષની સજા થઇ હતી અને રોબિન્સનને પચ્ચીસ વર્ષની સજા સંભળાવાઇ હતી.આ લુંટમાં ત્રણ ટન સોનું પરત મેળવી શકાયું ન હતું કહેવાય છે કે તેને ઓગળી નાંખીને તેને બજારમાં ફરતું કરી દેવાયું હતું.
૨૦૦૬માં બાવીસમી ફેબ્રુઆરીએ કેન્ટ સિક્યુરિટી ડેપોને લુંટવામાં આવ્યો હતો અને લુંટારાઓ ૯૨ મિલિયન પાઉન્ડની રકમ લઇને ફરાર થઇ ગયા હતાં.આ લુંટ માટે લુંટારાઓએ અલગ રીત અપનાવી હતી આ ડેપોનો મેનેજર કોલિન ડિક્સન હતો.તે પોતાના ઘેર હતો ત્યારે કેટલાક લોકો આવ્યા હતા અને તેને ઉઠાવી ગયા હતા.ત્યારબાદ કેટલાક લુંટારાઓ તેના ઘેર પહોંચ્યા હતા અને તેને ધમકી આપી હતી કે જો તેમની વાત તે નહિ માને તો તેઓ તેના પરિવારને મોતને ઘાટ ઉતારી દેશે.બીજા દિવસે ડિક્સન ડેપો પહોંચ્યો હતો જ્યાં તેણે પોતાની સાથે જે થયું હતું તેનો કોઇ અણસારો કોઇને પણ આવવા દીધો ન હતો ત્યારબાદ તેણે લુંટારાઓને ડેપોમાં આવવા દીધા હતાં.જેમણે ત્યાં હાજર રહેલા ચૌદ જેટલા કર્મચારીઓને બાનમાં લીધા હતા.તેમણે ડેપોમાંથી ૫૩ મિલિયન પાઉન્ડની રકમ અન્ય ગાડીઓમાં ભરી હતી અને તેઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા.આ મામલે ત્રીસ જેટલા લોકોની ધરપકડ કરાઇ હતી અને તેમાંથી કેટલાકને સજા થઇ હતી જો કે લુંટાયેલી રકમમાંથી માત્ર વીસ મિલિયન પાઉન્ડની રકમ જ પાછી મેળવી શકાય હતી બાકીની રકમ પરત મેળવી શકાઇ ન હતી.