લવ રિવેન્જ-2
Spin off Season-2
પ્રકરણ-37
“તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”
આરવે ગાયેલાં એ સોંન્ગનાં શબ્દો સિદ્ધાર્થનાં કાનમાં પડઘાઈ રહ્યાં. ફૂડ ટ્રક પાર્કમાં આરવે લાવણ્યા માટે ગાયેલું એ સોંન્ગ અને તે ગોઝારો દિવસ સિદ્ધાર્થને યાદ આવી ગયો. આખુંય વાતાવરણ જાણે આરવનાં સ્વરમાં ગવાયેલાં એ ગીતનાં શબ્દોથી ગુંજી રહ્યું. એક ક્ષણમાં જાણે આખો ભૂતકાળ નજર સામે તરવરી ઉઠ્યો. આરવનો એક્સિડેન્ટ, એ પછી આરવની એ હાલત, તેની નેહા સાથે સગાઈ તૂટવી, સિદ્ધાર્થ સાથે નેહાની સગાઈ, આરવનું એકલાં રશિયા જવું એક-એક ઘટના જાણે સિદ્ધાર્થની નજર સામે ઝડપથી પસાર થઈ ગઈ. આરવ સાથે, નેહા સાથે તેમજ પોતાની સાથે જે કઈં પણ થયું એ બધા માટે તેને ઘડિભર માટે લાવણ્યા જ જવાબદાર લાગી.
“તારે એને સમજવો જોઈતો ‘તો લવ....!”
સિદ્ધાર્થ મનમાં બબડ્યો અને કેટલીક ક્ષણો સુધી લાવણ્યાને દોષી માનતો રહી વિચારતો રહ્યો.
“મેં એને બઉ સમજાયો ‘તો....પણ એ માન્યો જ નઈ....! માન્યો જ નઈ....!” ત્યાં જ તેને આરવ વિષે વાત કરતી વખતનો લાવણ્યાનો એ માસૂમ ચેહરો યાદ આવી ગયો.
પોતાનાં ભૂતકાળ વિષે લાવણ્યાએ સિદ્ધાર્થને મોડી રાતે રિવરફ્રન્ટ બોલાવીને કહ્યું હતું. આરવનું નામ લીધા તેનાં વિષે પણ લાવણ્યાએ થોડાં દિવસો બાદ કહી દીધું હતું. પોતાનાં ભૂતકાળ વિષે લાવણ્યાએ કશું જ નહોતું છુપાવ્યું. બધું જ નિખાલસપણે કહી દીધું હતું. પોતાનાં ભૂતકાળ વિષે કહેતી વખતે લાવણ્યા ડરેલી હતી. સિદ્ધાર્થ તેણીને સમજશે કે નહિ, તેણીનો ભૂતકાળ સમજશે કે નહી કે પછી તેણી વિષે એ બધું જાણ્યા પછી એ તેને છોડી દેશે વગેરે જેવાં અનેક ડર છતાંય લાવણ્યાએ બધું જ કહી દીધું હતું. લાવણ્યાની એજ નિખાલસતા સિદ્ધાર્થને સ્પર્શી ગઈ હતી.
આટલો વખત લાવણ્યા સાથે સ્પેન્ડ કર્યા પછી સિદ્ધાર્થ જાણતો કે લાવણ્યા એવી નથી જેવી નેહા કે બીજા બધાં કહે છે. તે સાવ માસૂમ છે. તેણીનું હૃદય કાંચ જેવું સાફ છે. સિદ્ધાર્થ સિવાય તે અન્ય કોઈ છોકરા સામે જોવાનું તો દૂર તે વિચારતી પણ નહોતી. સિદ્ધાર્થ માટે લાવણ્યાની જે અનહદ ફિલિંગ્સ હતી, સિદ્ધાર્થના અંતરમાં એ ક્યારની ઉતરી ચૂકી હતી.
“અને આ કપડાં પે’રી લેજે...!” લાવણ્યા વિષે સિદ્ધાર્થ વિચારોમાં ખોવાયેલો હતો ત્યાંજ નેહાએ એ સિદ્ધાર્થ સામે લોખંડના હેંગર સ્ટેન્ડમાં લટકાવેલા કપડા સામે આંગળી ચીંધીને કહ્યું.
કપડાં જોતા જ સિદ્ધાર્થ સહેજ વધુ ચોંક્યો. એ સોન્ગ ગાતી વખતે આરવે જે કપડાં પહેર્યા હતાં, ડીટ્ટો એજ કપડાની જોડી હતી. એવો જ ચાઇનીઝ કોલાર વાળો લીનનનો બ્લેક શર્ટ, ખાખી કાર્ગો પેન્ટ. બરોડા શોપિંગ વખતે જ્યારે નેહાએ આ કપડાં સિદ્ધાર્થ માટે લેવડાવ્યા, ત્યારે સિદ્ધાર્થને નહોતી ખબર નેહાનો આની પાછળનો ઉદ્ધેશ્ય શું હશે.
“એજ ગીટાર...એજ સોન્ગ...એવાજ કપડાં....!” હેંગરમાં લટકાવેલા કપડા સામે સિદ્ધાર્થ શૂન્યમનસ્ક જોઈ રહી મનમાં બબડ્યો.
તે સમજી ગયો કે નેહાનો ઈરાદો લાવણ્યાને ફરીવાર એજ ભૂતકાળના મેન્ટલ ટોર્ચરથી પસાર કરવાનો છે.
“જયારે એને ખબર પડશે કે હું....!” સિદ્ધાર્થને વિચાર આવી ગયો “તો તો એની શું હાલત થશે...એનાં મન ઉપર હૃદય ઉપર શું વીતશે....!”
સિદ્ધાર્થે વિચાર્યું અને તેની આંખો ભીની થઇ ગઈ.
“કદાચ એ....એ મારું મોઢું પણ નઈ જોવે....! નફરત કરશે મને....!”
નેહાએ છટકું ગોઠવ્યું હતું અને સિદ્ધાર્થ અને લાવણ્યા બેય એમાં આબાદ ફસાઈ ગયાં હતાં. આટલો વખતથી નેહા પાસે ગિટાર હતું, અને યુથ ફેસ્ટીવલ પહેલાં તેણીએ કપડા પણ એવા જ લેવડાવ્યા. તેણીએ બધું જ પહેલેથી પ્લાન કરી રાખ્યું હતું.
“યાદ છેને એ દિવસે એણે કયું સોંન્ગ ગાયું ‘તું....!” નેહા યાદ અપાવતી હોય એમ ઠંડા સ્વરમાં બોલી.
સિદ્ધાર્થે તેણી સામે એવા જ આઘાતથી જોયું.
“તારે એ જ ગીત ગાવાનું છે....!” નેહા એવા જ સ્વરમાં બોલી.
સિદ્ધાર્થ ઊંડા-ઊંડા શ્વાસ ભરી રહ્યો. નેહાએ જે રિવેન્જનો ખેલ રચ્યો હતો એનું બધુ જ પ્લાનિંગ કદાચ તેણીએ ઘણું પહેલેથી કરી રાખ્યું હતું.
ક્યારે શું કરવું...! શું ના કરવું...!
“આરવના એકસીડેંન્ટ પછી પ્લાન કર્યું તું ને તે આ બધું...!?”સિદ્ધાર્થે માંડ પૂછ્યું.
“ના....!” નેહા ઠંડા સ્વરમાં બોલી અને થોડીવાર શૂન્યમનસ્ક થઈને તાકી રહી.
“જ્યારે આપડી સગાઈ નક્કી થઈ ત્યારે....!”
નેહા ઠંડા સ્વરમાં બોલી અને સિદ્ધાર્થે ફરીવાર આઘાત અને પ્રશ્નભાવે તેણી સામે જોયું.
નેહા હજીપણ શૂન્યમનસ્ક તાકી રહી હતી.
થોડીવાર સુધી શૂન્યમનસ્ક જોઈ રહ્યાં બાદ જવાબ આપ્યા વિના જ નેહા રૂમમાંથી ચાલી ગઈ.
“તારો નંબર આવાનો છે....!” દરવાજમાંથી બહાર નીકળતાં-નીકળતાં નેહા બોલી “તારું વચન નિભાવજે....!”
એટલું બોલીને સિદ્ધાર્થને વિચારોમાં છોડી દઈ નેહા બહાર નીકળી જતી રહી.
“જ્યારે આપડી સગાઈ નક્કી થઈ ત્યારે....!”
નેહાના શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં.
****
રૂમની બહાર નીકળીને નેહા સ્ટેજની તરફ જવા લાગી. ભીડમાંથી જગ્યા કરતાં-કરતાં નેહાએ આમતેમ ડાફોળીયાં માર્યા.
“સિદ્ધાર્થ પર્ફોર્મ કરવાનો છે....એટ્લે અહિયાં જ હોવી જોઈએ ....સ્ટેજ જોડે...!” ભીડમાં લાવણ્યાને શોધી રહેલી નેહા બબડી અને અને આમતેમ ડાફોળીયાં મારી લાવણ્યાને શોધી રહી.
“ઓહ...અંકિતા....એ અહિયાં જ છે...તો ઓલી પણ અહિયાં જ હોવાની...!” ત્યાં જ તેણીની નજર સ્ટેજની સહેજ આગળ ગ્રૂપના અન્ય મિત્રો સાથે ઊભેલી અંકિતા ઉપર પડી.
અંકિતાની જોડે ઊભેલી લાવણ્યા તેણીએ પહેલા નહોતી દેખાઈ પણ પછી સહેજ વધુ તેમની તરફ આગળ વધ્યા પછી તેણીને લાવણ્યાની પીઠ દેખાઈ.
તેમની તરફ ભીડમાંથી જગ્યા કરીને નેહા લાવણ્યાની પાછળ આવીને ટોળામાં ઊભી રહી.
સ્ટેજ પાસેની ભારે-ભીડ અને ચિચિયારીઓ પાડી રહેલી પબ્લિકને લીધે અગાળ ઊભેલી લાવણ્યા, અંકિતા કે અન્ય ગ્રૂપના મિત્રોને નેહાની હાજરીની ખબર ના પડી.
“તો હવે આગળ વધીએ આજનાં આપણાં નેક્સ્ટ પર્ફોમન્સ તરફ.....! હમ્મ..!?” ચિચિયારીઓ પાડી રહેલી પબ્લિકને શાંત કરાવા સ્ટેજ પર એન્કર અવંતિકાએ આવીને સ્માઇલ કરતાં કહ્યું પછી પોતાના હાથમાં રહેલા લિસ્ટમાં નામ વાંચવા લાગી.
થોડીવાર પછી ભીડનો તાળીઓ અને ચિચિયારીઓ ઓછી થવા લાગી.
“આજનું આપણું નેક્સ્ટ પર્ફોમન્સ જે છે....!” તાળીઓનો ગડગડાટ શાંત થતાં એન્કર અવંતિકાએ “ એ છે Male Singing બાય “Siddhaarth” ફ્રોમ HL Commerce કોલેજ......!”
“સિદ્ધાઆ.......ર્થ.........! સિદ્ધાઆ.......ર્થ......!”
“સિદ્ધાઆ.......ર્થ.........! સિદ્ધાઆ.......ર્થ......!”
સિદ્ધાર્થનું નામ એનાઉન્સ થતાંજ ભીડમાં ઊભેલી HL કોલેજની છોકરીઓ જોરશોરથી તેનાં નામની ચિચિયારીઓ પાડવાં લાગી. જ્યારથી લાવણ્યાએ સિદ્ધાર્થ માટે ગાયેલું “બેપનાહ” સોંન્ગ વાઈરલ થયું હતું, ત્યારથી HL કોલેજનાં બોયઝની ડ્રીમ ગર્લ એવી લાવણ્યાનાં બોયફ્રેન્ડ તરીકે સિદ્ધાર્થ પણ “ફેમસ” થઈ ગયો હતો.
ચિચિયારીઓ કરી રહેલી ભીડ ઉપર નેહાએ સ્મિત કરીને નજર ફેરવી પછી પાછું સ્ટેજ તરફ જોયું.
“એ આવશે કે નહીં....!?”
અંધારું થઇ ગયેલાં સ્ટેજનાં આગળના ભાગે પહેલી સ્પોટ લાઈટનું ગોળ અજવાળું પડ્યું. સ્પોટ લાઈટના અજવાળાંમાં લાકડાંના એક સ્ટૂલની જોડે ગીટાર સ્ટેન્ડ ઉપર ઉભું મુકેલું એક ગીટાર પડ્યું હતું અને સ્ટૂલની આગળ એક માઈક ગોઠવેલું હતું. જે જોઈને નેહા મનમાં બબડી. સિદ્ધાર્થનું નામ એનાઉન્સ થઈ ગયું હોવા છતાંય તે હજી સુધી આવ્યો નહોતો.
“સિદ્ધાઆ.......ર્થ.........! સિદ્ધાઆ.......ર્થ......!”
“ઓહો....! આટલું બધું એક્સકાઈટમેંન્ટ.....!” ભીડમાંથી લાગી રહેલાં “સિદ્ધાર્થ” નાં નામનાં નારાંઓ સાંભળી એન્કર અવંતિકાએ સ્ટેજ આગળ ઊભેલી છોકરીઓનાં ટોળાં સામે જોઈને કહ્યું “લાગે છે કે સિદ્ધાર્થનું પર્ફોમન્સ ખાસ છે....! હવેતો હું પણ વેઈટ કરી રહી છું....! પ્લીઝ સિદ્ધાર્થ.....!”
અવંતિકાએ હવે બેકસ્ટેજનાં દરવાજા સામે સહેજ ઊંચાં સ્વરમાં કહ્યું “Come on stage……!”
સિદ્ધાર્થ હજી સુધી ના આવતાં નેહાને હવે ચિંતા થઈ.
****
“તારું વચન નિભાવજે....!”
“તારું વચન નિભાવજે....!”
બેકસ્ટેજના દરવાજાની સહેજ પાછળ ગિટાર લઈને ઉભેલા સિદ્ધાર્થને નેહાના શબ્દો સંભળાઈ રહ્યાં હતાં.
“આ ટાઈમ પસાર થઈ જવા દે...!” લાવણ્યાના શબ્દો સિદ્ધાર્થને યાદ આવી ગયાં
અવંતિકાએ ફરીવાર તેનું નામ બોલતાં સિદ્ધાર્થે એક ઊંડો શ્વાસભર્યો અને બેક સ્ટેજના દરવાજામાંથી બહાર સ્ટેજ તરફ જવા સીડીઓ ચઢવાં લાગ્યો.
તે છેલ્લા દાદરે પહોંચ્યો ત્યાંજ બેકસ્ટેજનાં દરવાજા ઉપર સ્પોટ લાઈટનું ગોળ શેપમાં અજવાળું પડ્યું.
દાદરા ચઢી તે હવે સ્પોટ લાઇટના અજવાળામાં ચાલતો-ચાલતો માઇક તરફ જવા લાગ્યો. તેના હાથમાં આરવનું ગિટાર હતું અને તેણે નેહાએ કીધેલો એ બ્લેક કલરનો લીનનનો ચાઈનીઝ કોલરવાળો શર્ટ અને ખાખી કાર્ગો પેન્ટ પહેર્યું હતું. પોતાની આદત મુજબ તેણે શર્ટનું ઉપલું એક બટન ખુલ્લું રાખ્યું હતું જેમાંથી તેનાં ગૌરવર્ણી ગળામાં પહેરેલી રુદ્રાક્ષની માળા ડોકાઈ રહી હતી. લાંબી બાંયનાં શર્ટની સ્લીવ તેણે ફોલ્ડ કરીને કોણી સુધી વાળી હતી જેથી તેનાં કસાયેલાં હાથની ઉપસી ગયેલી નસો દેખાતી હતી. ડાબા હાથનાં કાંડે તેણે લાવણ્યાએ ગિફ્ટ આપેલી વૉચ બાંધી હતી.
કોર્નરમાં માઈક બોક્સની જોડે ઊભેલી એન્કર અવંતિકા પણ લાંબા ક્લીનશેવ્ડ ચેહરાવાળા સિદ્ધાર્થને આંખો મોટી કરીને જોઈ રહી. કામદેવ જેવી સિદ્ધાર્થની આભાંથી અંજાઈ ગયેલી અવંતિકા એનાઉન્સમેંન્ટ કર્યા પછી બેક સ્ટેજ જવાની જગ્યાએ એક ક્ષણમાટે ત્યાંજ ઊભી-ઊભી સિદ્ધાર્થને જોઈ રહી.
બેકસ્ટેજનાં દાદરાં ચઢતો સિદ્ધાર્થ હવે છેલ્લાં દાદરે અટક્યો. નીચાં નમીને તે સ્ટેજને પગે લાગ્યો. સિદ્ધાર્થ જાણે કોઈ મુવીનો હીરો હોય એમ તે હવે ચાલતો-ચાલતો સ્ટેજ ઉપર આગળનાં ભાગે મૂકેલાં એ સ્ટૂલ તરફ જવાં લાગ્યો.
“સિદ્ધાઆ.......ર્થ.........! સિદ્ધાઆ.......ર્થ......!”
ભીડમાંથી હજીપણ સિદ્ધાર્થનાં નામની ચિચિયારીઓ પડી રહી હતી. ચિચિયારીઓ સાંભળીને અવંતિકા જાણે સિદ્ધાર્થનાં સંમોહનમાંથી બહાર આવી હોય એમ ઝડપથી માઈકની બાજુમાં બનેલાં દરવાજામાંથી બેકસ્ટેજ જતી રહી. સ્ટેજ પાછળજ ઉભાં રહીને હવે તે સિદ્ધાર્થને જોઈ રહી.
સિદ્ધાર્થને સ્ટેજ ઉપર જોતાંજ લાવણ્યાની જોડે ઊભેલાં ગ્રૂપના મિત્રો સહિત HL સિવાય અન્ય કોલેજના સ્ટુડેંનટ્સ પણ ચિચિયારીઓ પાડવાં લાગ્યાં.
સ્પોટ લાઈટનું અજવાળું સિદ્ધાર્થને ફોલો કરી રહ્યું. સ્ટેજની આગળના ભાગે ભીડમાં ઉભેલી લાવણ્યા ભાન ભૂલીને સિદ્ધાર્થને સ્ટૂલ તરફ જતો જોઈજ રહી.
સ્ટૂલ પાસે પહોંચીને સિદ્ધાર્થ એક પગ સ્ટેજ ઉપર અને એક પગ સ્ટૂલનાં સ્ટેન્ડ ઉપર ટેકવીને બેઠો. સ્ટૂલ ઉપર બેસી તેણે બાજુમાં ગીટાર સ્ટેન્ડ ઉપર ઉભું મુકેલું ગીટાર હાથમાં લીધું. ગીટારના તારને ચકાસીને તેણે આગળ મુકેલું માઈક પોતાની હાઈટ પ્રમાણે એડજસ્ટ કર્યું. ફરી એકવાર ગીટારનાં Headstock ઉપર લાગેલાં સ્ક્રુ જેવાં ટ્યુનર્સ (Tuners)ને ફેરવીને તેણે લુઝ થઈ ગયેલાં ગીટારનાં તારને વધું ટાઈટ કર્યા.
“સિદ્ધાઆ.......ર્થ.........! સિદ્ધાઆ.......ર્થ......!”
સિદ્ધાર્થે એક નજર હવે બુમો પાડી રહેલી ભીડ સામે જોયું અને પરાણે હળવું સ્માઈલ આપ્યું. ભીડ ઉપર નજર ફેરવતાં છેવટે સિદ્ધાર્થે તેની ડાબી બાજુ ઉભેલાં લાવણ્યા સહીત તેનાં ગ્રુપ સામે જોયું. અંકિતા અને લાવણ્યા બંને જોડેજ સ્ટેજ આગળ ઉભાં હતાં.
લાવણ્યા સામે જોઇને સિદ્ધાર્થે પરાણે હળવું સ્મિત કર્યું.
“સોરી લવ...!” એકાદ ક્ષણ લાવણ્યા સામે જોઈ રહીને સિદ્ધાર્થ મનમાં ઉદાસ નજરે બબડ્યો અને પોતાનાં ચેહરાના એ ભાવો છુપાવવા નજર ઓડિયન્સ તરફ જોવા લાગ્યો.
ત્યાં જ પાછળની રોમાં ઊભેલી નેહાએ (ઊંચી હીલ પહેરી હોવાથી) તે પાછળ ઊભેલી હોવાં છતાંય સિદ્ધાર્થને દેખાઈ. તેણીને જોતાજ સિદ્ધાર્થના ચેહરાના ભાવો બદલાઈ ગયાં.
આટલાં વખતથી નેહાએ પોતાનાં અંદર ઘણું છુપાવી રાખ્યું હતું. પોતે નેહા માટે શું ફીલ કરતો હતો એ વાત પણ નેહા જાણતી હોવાં છતાંય છેક સુધી તેણીએ સિદ્ધાર્થને એ વાતનો અણસાર નહોતો આવવા દીધો અને જ્યારે વચન નિભાવા માટે સિદ્ધાર્થને તૈયાર કરવાનો હતો બરાબર એ જ સમયે તેણીએ એ વાતના જ સમ આપીને સિદ્ધાર્થને બાંધી દીધો હતો.
“છોકરીઓ પોતાનું ધાર્યું કરવા કેટલી લાંબી ગેમ રમી શકે....એ વાતનો કોઈ અંદાજો ના લગાવી શકે....!”
વિકટે નેહા વિષે કહેલાં એ શબ્દો સિદ્ધાર્થને ફરીવાર યાદ આવી ગયાં.
“ખરેખર....! બઉ લાંબી ગેમ રમી તે...” નેહાની સામે એકાદ ક્ષણ જોઈને સિદ્ધાર્થ ભીની આંખે દર્દભર્યું બબડ્યો.
તેને હવે એહસાસ થયો કે નેહા ફક્ત લાવણ્યા સાથે જ નઈ પણ તેની સાથે પણ ગેમ રમી હતી.
આંખો બંધ કરીને તે હવે એ સત્ય પચાવવાં મથી રહ્યો. નેહાએ રમેલી એ રિવેન્જ ગેમ વિષે જેમ-જેમ એ યાદ કરી રહ્યો હતો, તેમ-તેમ હવે તેને નેહા ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. પોતાનાં ચેહરા ઉપર એ ભાવો ના આવી જાય એટલાં માટે તેણે હવે પોતાની સામે દેખાતી ભીડ તરફ નજર ફેરવી લીધી.
ભીડ શાંત થાય એની તે રાહ જોવા લાગ્યો.
થોડીવાર પછી ભીડની ચિચિયારીઓ ધીરે-ધીરે શમવા લાગી. પોતાની ભાવનાઓ કાબૂ કરી સિદ્ધાર્થે ફરીવાર એક નજર સ્ટેજની નજીક ઉભેલી લાવણ્યા તરફ નાંખી જમણીબાજુના કોર્નરમાં બેઠેલાં ઓરકેસ્ટ્રા તરફ નાંખી હકારમાં માથું ધુણાવી ઈશારો કર્યો.
સિદ્ધાર્થનો ઈશારો મળતાંજ ઓરકેસ્ટ્રાએ સોન્ગની શરૂઆતનું મ્યુઝીક પ્લે કરવાનું ચાલું કર્યું. જોડે-જોડે સિદ્ધાર્થે પણ તેનાં ગીટાર ઉપર એ સોન્ગની ટ્યુન રેલાવી.
ગીટારની એ ટ્યુન ભીડમાં ઊભેલી લાવણ્યાને જાણે પહેલાં પણ સાંભળી હોય એવાં કોઈ સોન્ગની લાગી. જોકે તે સોન્ગ યાદ કરવાં મથી રહી.
“મેરી બેચેનીઓ કો ......ચેન મિ...લ જાયેએ......!”
ત્યાંજ સિદ્ધાર્થે ગીટાર ઉપર સોન્ગની ટ્યુન વગાડતાં- વગાડતાં ગાવાનું શરુ કર્યું.
“તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!
તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”
મેરે દીવાનેપન કોઓ... સબ્ર મિ...લ જાયેએ......!
તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”
ઓટો ટ્યુન કરેલાં માઇકના લીધે સિદ્ધાર્થનો અવાજ એકાદ વર્ષ પહેલાં રીલીઝ થયેલી મુવી “સનમ તેરી કસમ”ના સોંન્ગનાં સિંગર અરિજીત સિંઘના અવાજને મળતો આવતો હતો. મધુર સ્વરમાં ગાઈ રહેલાં સિદ્ધાર્થને યુથ ફેસ્ટીવલમાં હાજર લોકો સાંભળી રહ્યાં.
સોંન્ગ ગાતાં-ગાતાં સિદ્ધાર્થે સખત ચેહરે ભીડમાં લાવણ્યાની પાછળ ઊભેલી નેહા સામે જોયું. પોતાને જે પરિસ્થિતીમાં તેણીએ મૂકી દીધો હતો અને જે રીતે નેહાએ તેનો અને તેની ભાવનાઓનો ઉપયોગ કર્યો હતો, તેને નેહા ઉપર સખત ગુસ્સો આવી રહ્યો હતો.
“મેં રાત દિન યે દુઆ કરુંઉ....!”
સખત ચેહરે કોઈ-કોઈવાર નેહા સામે તે જોઈ નજર ફેરવી લેતો.
આખું-આખું સોંગ તે ગાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં તો તેનું મન નેહા માટે ગુસ્સા અને ઘૃણાથી ભરાઈ ગયું.
“કોઈ બદલાની આગમાં આટલું આંધળું કેવીરીતે થઈ શકે...!?”
સિદ્ધાર્થને એ પ્રશ્ન મનમાં પડઘાઈ રહ્યો હતો.
તો સામે ભીડમાં લાવણ્યાની પાછળ ઊભેલી નેહાની આંખ ભીની હતી. સિદ્ધાર્થે સોંન્ગ ગાવાનું શરૂ કર્યું ત્યારથી લઈને અત્યારે તેણે સોંન્ગ પૂરું કર્યું ત્યાં સુધી નેહાએ આંખો સામે આરવનો એ ભૂતકાળ જોઈ લીધો. લાવણ્યા સિવાય નેહા પણ સ્ટેજ ઉપર સિદ્ધાર્થની જગ્યાએ આરવને સોંન્ગ ગાતાં જોઈ રહી હતી.
આગળ ઊભેલી લાવણ્યાના ચેહરા સામે જોવા નેહા સહેજ બાજુમાં ખસી. તેણે જોયું લાવણ્યાની આંખો ભીની હતી અને તેણીનાં ચેહરા ઉપર આઘાતના ભાવો હતાં.
નેહાના જીવને ઠંડક થઈ. તે જાણતી હતી, આઘાતની સાથે-સાથે લાવણ્યા મૂંઝાયેલી પણ હતી. અને હવે તેણીને નેહા જે કહેવાની હતી એ સાંભળીને તો લાવણ્યાને વધારે આઘાત લાગવાનો હતો એ વાત પણ નેહા સારી રીતે જાણતી હતી.
આરવના ભૂતકાળ વિષે ઉમળી આવેલા એ વિચારોને કાબૂ કરીને નેહાએ પોતાની ભીની આંખના ખૂણા લૂંછયાં. બધાનું ધ્યાન અત્યારે સ્ટેજ ઉપર ઉભેલાં સિદ્ધાર્થને ચીયર કરવામાં હતું. ફક્ત નેહા અને લાવણ્યાને બાદ કરતાં.
લાવણ્યાની પાછળ સહેજ નજીક આવીને નેહાએ હતપ્રભ થઈને ઉભેલી લાવણ્યાના જમણા ખભા ઉપર હાથ મુક્યો.
આઘાત પામેલાં ચેહરે લાવણ્યાએ તેનું મોઢું પાછું ફેરવીને જોયું.
“નઈ સમજાતુંને.......!?” નેહા બોલીએ અને હવે ડગલું ભરીને તે લાવણ્યાની બાજુમાં આવીને ઊભી રહી “આ શું થઈ રહ્યું છે....!?”
આઘાત પામી ગયેલી લાવણ્યાએ ફાટી આંખે નેહા સામે જોયું. નેહાની આંખોમાંથી જાણે અંગારા વરસતાં હતાં.
“આ મારો “રિવેન્જ” હતો લાવણ્યા.....!” હૃદય ઉપર ઊંડો ઘા કરી નાખે એવાં કઠોર સ્વરમાં લાવણ્યા સામે જોઈ રહીને નેહા બોલી “લવ રિવેન્જ”........!”
નિ:શબ્દ થઈ ગયેલી લાવણ્યા નેહા સામે કંઈ બોલી ના શકી અને મૂંઝાઈને તેણી સામે જોઈ રહી.
“યાદ છે તને....! મેં થોડો ટાઈમ પે’લાં કીધું’તું.....! I Love Someone Else”......!”
નેહા કઠોર સ્વરમાં બોલી. મૂંઝાયેલી લાવણ્યા ફાટી આંખે તેણી સામે જોઈ રહી.
“એ આરવ હતો.....! આરવ કરણસિંહ રાજપૂત.....!”
અંગારા વરસાવતી નેહાની આંખમાં હવે “આગ”ની સાથે-સાથે પાણી પણ ભળ્યું. હવે સોન્ગની અંતિમ લાઈન્સ ગાઈ રહેલાં સિદ્ધાર્થ સામે એકાદ ક્ષણ જોઈ નેહાએ પાછું લાવણ્યા સામે જોયું અને બોલી- “અને આ છે.......! સિદ્ધાર્થ.......કરણસિંહ....રાજપૂત......!”
ત્યાંજ સિદ્ધાર્થે સોંન્ગ પૂરું કરતાં જ ભીડ ચિચિયારીઓ પાડવા લાગી અને “વન્સ મોર...વન્સ મોર...” ના નારા લગાવવા લાગી.
“સિદ્ધાર્થ કરણસિંહ રાજપૂત....!” સ્ટેજ ઉપર સોંન્ગ ગાઈ લીધાં પછી પબ્લિકનું અભિવાદન ઝીલી રહેલાં સિદ્ધાર્થ સામે ફાટી આંખે હતપ્રભ થઈને જોઈ રહી લાવણ્યા ધીરેથી બબડી “સિદ્ધાર્થ કરણસિંહ રાજપૂત....!”
“હેં શું ….!? શું કીધું તે લાવણ્યા...!?” લાવણ્યાની જોડે ઊભેલી અંકિતા જેનું ધ્યાન હમણાં સુધી સ્ટેજ તરફ તેમજ ભીડની ચિચિયારીઓ તરફ હતું તેનું ધ્યાન હવે લાવણ્યા તરફ ગયું.
“આરવ......સિદ્ધાર્થ.....!” હતપ્રભ લાવણ્યા એજરીતે બબડી રહી હતી.
જોડે ઊભેલી નેહાનાં ચેહરા ઉપર જાણે સંતોષનું કુટિલ સ્મિત હતું.
“સિદ્ધાર્થ....આરવ.....!” લાવણ્યાની આંખમાંથી આંસુ વહેવાં લાગ્યાં અને અંકિતાની વાત સાંભળ્યા વિના તે સિદ્ધાર્થ સામે જોઈ રહીને બબડાટ કરવાં લાગી.
“લાવણ્યા....શું થયું....?” મૂંઝાયેલી અંકિતાએ લાવણ્યાના બાવડાં ઉપર હાથ મૂક્યો.
યૂથ ફેસ્ટિવલમાં હાજર ભીડની ચિચિયારીઓમાં સાંભળી શકાય એ રીતે અંકિતા સહેજ મોટેથી બોલી.
“સિદ્ધાર્થ....! કરણસિંહ....! રાજપુત....! સિદ્ધાર્થ .......! આરવ....!” સિદ્ધાર્થ અને આરવનાં નામનો એજરીતે બબડાટ કરતી-કરતી લાવણ્યા પાછાં પગલે ચાલવા લાગી.
“લાવણ્યા....! શું થયું...!?” અંકિતા હવે ગભરાઈ અને નેહા બાજુ એક નજર નાંખી લાવણ્યા તરફ જવાં લાગી.
“આરવ....! સિદ્ધાર્થ....!” લાવણ્યાની આંખો વહેવાં લાગી અને ભીની આંખે બેક સ્ટેજ જઈ રહેલાં સિદ્ધાર્થ ઉપર એક નજર નાંખી જોઈ રહી નકારમાં માથું ધૂણાવા લાગી “સિદ્ધાર્થ...! સિદ્ધાર્થ....!”
“લાવણ્યા...!? શું થઈ ગયું તને...!?” પરેશાન ચેહરે અંકિતા બોલવા લાગી.
યૂથ ફેસ્ટિવલના ઘોંઘાટભર્યા વાતાવરણને લીધે હજી સુધી કોઈનું ધ્યાન એ તરફ નહોતું.
“આરવ....!” લાવણ્યા છેવટે રડી પડી અને પાછું ફરીને ભીડ વચ્ચેથી જગ્યા કરતી ઉતાવળા પગલે ત્યાંથી જવાં લાગી.
“લાવણ્યા....!?” અંકિતાએ ફરીવાર એક નજર નેહા બાજુ નાંખીને કતરાઈને જોયું અને પછી લાવણ્યાની પાછળ-પાછળ ઉતાવળા પગલે દોડી.
કુટિલ સ્મિત કરતી નેહાએ સ્ટેજ ઉપર ઉભેલાં સિદ્ધાર્થ સામે જોયું. તેણીનાં મનને હવે શાંતિથી થઈ હતી. આખરે તેણીનો રિવેન્જ પૂરો થયો હતો. તે જાણતી હતી, કે સિદ્ધાર્થ કોણ છે એ વાત જાણ્યા પછી લાવણ્યાને આઘાત લાગવાનો છે અને કદાચ આજ પછી લાવણ્યા સિદ્ધાર્થને નફરત કરશે.
****
“લાવણ્યા ક્યાં ગઈ...!?” ભીડનું અભિવાદન ઝીલી બેકસ્ટેજ તરફ જવા પાછું ફરતી વખતે સિદ્ધાર્થે લાવણ્યા તરફ જોયું.
ત્યાં ગ્રૂપના અન્ય મિત્રો સાથે ઊભેલી લાવણ્યા નહોતી.
“કદાચ પાછળ હશે....!” બેકસ્ટેજ તરફ ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થે વિચાર્યું “ખબર નઈ...! એ શું પૂછશે....!? કેવી રીતે રીએક્ટ કરશે....!?”
બેકસ્ટેજની સીડીઓ ઉતરીને તે હવે પાછળ આવ્યો.
“બઉ મસ્ત ગાયું સિદ....!” ત્યાંજ તેને કૉલેજના ગ્રૂપના ફ્રેન્ડ્સ તેને ઘેરી વળ્યાં.
ભીડમાં આમતેમ ડાફોળીયાં મારતાં-મારતાં તે લાવણ્યાને શોધી રહ્યો. પરાણે સિદ્ધાર્થે ભીડથી પોતાને છોડાવ્યો. લાવણ્યા ક્યાંય ના દેખાતાં સિદ્ધાર્થ રઘવાયો થઈ ગયો. તેનો જીવ તાળવે આવી ગયો.
“સિદ...!” તે હજી તો લાવણ્યાને શોધવા આમતેમ ડાફોળીયાં મારી રહ્યો હતો ત્યાં જ કામ્યાએ આવી ગઈ “બઉ જ સરસ...!”
“લાવણ્યા ક્યાં છે...!?” કામ્યાને ટોકીને સિદ્ધાર્થે હાફળા-ફાંફળા સ્વરમાં પૂછ્યું.
“અ..ખબર નઈ...!” કામ્યા બોલી.
સિદ્ધાર્થ તરતજ ઉતાવળા સ્વરમાં ત્યાંથી જવા લાગ્યો.
પરેશાન ચેહરે તે આમતેમ જોતો-જોતો જવા લાગ્યો.
“સિદ્ધાર્થ...!” ત્યાંજ માર્ગમાં નેહાએ તેને આંતર્યો “ક્યાં જાય છે...!? મારે કામ છે...!”
“શું કામ છે....!?” સિદ્ધાર્થે સહેજ ચિડાઈને પૂછ્યું.
“ચલ....!” નેહા બોલી અને સિદ્ધાર્થનો હાથ પકડીને ખેંચવા લાગી.
“ક્યાં જવું છે પણ યાર તારે...!?” સિદ્ધાર્થ સહેજ ચિડાયો અને પોતાનો ખેંચી ઊભો રહ્યો.
“કીધું તું તો ખરા તને....!” નેહા બોલી “આજે રિવેન્જનો છેલ્લો દિવસ છે....! પછી તને નઈ હેરાન કરું...!”
સિદ્ધાર્થ દાંત ભીંચીને તેણી સામે જોઈ રહ્યો. ઈચ્છવા છતાંયાં તે નેહાને કશું કહી ના શક્યો. તેણે બસ આ ટાઈમ ગમે તેમ પસાર થઈ જવા દઈ લાવણ્યા પાસે દોડી જવું હતું.
“તો યૂથ ફેસ્ટિવલ..!?” સિદ્ધાર્થે પૂછ્યું.
“હવે આપડી કોલેજના લગભગ બધા જ પર્ફોર્મન્સ પૂરા થઈ ગ્યાં છે....!” નેહા બોલી “જે છે...એમાં મારી કોઈ ખાસ જરૂર નઇ...!”
“ક્યાં જવું છે તારે....!?” નેહા ઉપર આવી રહેલો ગુસ્સો માંડ-માંડ ગળી સિદ્ધાર્થે પૂછ્યું.
“રિવરફ્રન્ટ....!” સિદ્ધાર્થનો હાથ પકડીને નેહા ચાલવા લાગી.
નેહાની પાછળ દોરવાઈ રહેલાં સિદ્ધાર્થને આશ્ચર્ય લાગ્યું.
“મારે આજે સેલિબ્રેટ કરવું છે....!” સિદ્ધાર્થનો હાથ ખેંચીને ચાલતાં-ચાલતાં નેહા બોલી.
****
“સિરિયસલી નેહા સેલિબ્રેશન....!?” રિવરફ્રન્ટ કારમાંથી ઉતરતાં-ઉતરતાં સિદ્ધાર્થે ચિડાઈને પૂછ્યું.
રિવરફ્રન્ટની વાત સાંભળતા જ સિદ્ધાર્થને આશ્ચર્ય થયું હતું અને સેલિબ્રેશનની વાત સાંભળતા જ સિદ્ધાર્થ ચિડાઈ ગયો હતો. તે જાણતો હતો કે નેહા શેના સેલિબ્રેશન માટે સિદ્ધાર્થને ત્યાં લઈ આવી હતી.
“કેમ...!? મારી સાથે સેલિબ્રેટ કરવામાં કોઈ પ્રોબ્લેમ...!?” નેહાએ પૂછ્યું અને કારમાંથી પોતાની હેન્ડબેગ લઈને ખભે ભરાવી.
ચિડાઈને સિદ્ધાર્થ રીવરફ્રન્ટની પાળી તરફ ચાલવા લાગતાં નેહા પણ તેની જોડે જવા લાગી.
“એવું તો શું તીર મારી લીધું તે....!? કે તારે સેલિબ્રેશન કરવું છે...!?” પાળી પાસે આવીને ઉભાં રહી સિદ્ધાર્થે ચીડાયેલા સ્વરમાં પૂછ્યું.
“મેં નહીં....આપડે...!” ભૂલ સુધારતી હોય એમ નેહા બોલી અને “મેં એકલીએ કંઈ નઈ કર્યું...! તે વચન નીભાયું ના હોત...! તો આજે સેલિબ્રેશન માટે કશું ના હોત...”
નેહા સહેજ ભાવુક સ્વરમાં બોલી અને પોતાનાં હેન્ડબેગમાંથી કંઈક કાઢવા ખાંખાખોળા કરવા લાગી.
સિદ્ધાર્થ તેણીને અણગમા સાથે હેન્ડબેગમાં ખાંખાખોળા કરતી જોઈ રહ્યો.
“આ શું...?” ત્યાંજ નેહાએ એક લાંબા નાળચાવાળી બોટલ કાઢતાં જ સિદ્ધાર્થે હતપ્રભ આંખે તેણી સામે જોયું અને ચિડાઈને કહ્યું “તું દારૂની બોટલ લઇ આઈ..!?”
“અરે બાપા શેમ્પેન છે...દારુ નથી અવે...!” નેહા બોલી.
“જે હોય એ ...! તને આવું બધું ક્યાંથી સુઝે છે...!?” સિદ્ધાર્થ હવે વધારે ચિડાયો “શેમ્પેન...સેલિબ્રેશન....!?”
“એમાં શું વળી...!?” નેહા બોલી અને શેમ્પેનની બોટલનું ઢાંકણું ખોલવા મથી રહી “કોઈ ખુશ થઈને સેલીબ્રેટ ના કરે...!?”
કશું બોલ્યાં વગર સિદ્ધાર્થ ચિડાઈને નેહા સામે જોઈ રહ્યો. સિદ્ધાર્થને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે અત્યારે જે નેહાને તે જોઈ રહ્યો હતો તે નેહા એ જ હતી કે જેને ઝિલના લગ્નમાં પ્રથમ નજરે જોતા જ તે તેણીના પ્રેમમાં પડ્યો હતો કે પછી આજ સાચી નેહા હતી જે કદાચ તે એ વખતે નહોતો જોઈ શક્યો.
“ઠપ....!” બોટલની કેપ અવાજ સાથે ખુલી અને તેમાંથી શેમ્પેનનું લિક્વિડ ઝડપથી બહાર આવવા લાગ્યું.
“ઈઈઈ...!” નેહા છાકટી બની હોય એમ ગમ્મતે ચઢી અને શેમ્પેન બોટલનાં મોઢાં ઉપર આંગળી દબાવી તેમાંથી નીકળી રહેલી શેમ્પેનને આમતેમ ઉડાવા લાગી.
“તું સેલીબ્રેટ કર...! મારે જવું છે...!” ચીડાયેલો સિદ્ધાર્થ ત્યાંથી ચાલવા લાગ્યો.
“લાવણ્યા જોડે જઈશ તું...!?” સિદ્ધાર્થને ટોકતી હોય એમ નેહા વેધક સ્વરમાં બોલી અને શેમ્પેનની બોટલમાંથી ઘૂંટ ભર્યો.
તેનાં સ્વરમાં જાણે કોઈ અજાણી “ચેલેન્જ”નો ભાવ હતો. જે સિદ્ધાર્થ પારખી ગયો.
તેણે પાછું ફરીને નેહા સામે કઠોર નજરે જોયું. નેહા સમજી ગઈ કે સિદ્ધાર્થે તેણીના સ્વરમાં રહેલો એ ટોન પારખી લીધો હતો.
“અ...આઈ મીન..તને નઈ લાગતું કે તારે અત્યારે એની જોડે ના જવું જોઈએ...!?” નેહા વાત વાળતી હોય એમ બોલી અને પોતાની નજરો ચુરાવી રહી “અત્યારે એ ગુસ્સામાં હશે...તારી ઉપર....એને...અ...!”
સિદ્ધાર્થ કશું બોલ્યાં વગર તેણી સામે જોઈ રહ્યો. છોભીલી પડેલી નેહા આમતેમ જોઈ રહી હતી.
સિદ્ધાર્થ પાછું ફરીને જવા લાગ્યો.
“તું મને અહિયાં આ રીતે મુકીને જતો રઈશ....!? એકલી..!?” નેહાએ તેને રોકવાના આશયથી સહેજ રઘવાટથી કહ્યું.
“ઈટ્સ ઓવર નેહા...!” સિદ્ધાર્થ કઠોર સ્વરમાં બોલ્યો “તારો રિવેન્જ પણ પૂરો થયો અને મારું વચન પણ....!”
નેહાના ગળે ડૂમો ભરાઈ આવ્યો હોય એમ તે સિદ્ધાર્થ સામે નારાજ નજરે જોઈ રહી. સિદ્ધાર્થના કહેવામાં કશુંક ગર્ભિત હોવાનું તેણીને અનુભવાતા તે ધ્રુજી ઉઠી અને તેણીની આંખ ભીની થવા લાગી.
“કારમાં બેસ..મારે લેટ થાય છે...” સિદ્ધાર્થે કઠોર સ્વરમાં કહ્યું.
“મારી સાથે બે ઘડી શાંતિથી ટાઈમ સ્પેન્ડ કરવામાં તને કોઈ પ્રોબ્લેમ છે...!?” નેહાએ માંડ પોતાનો સ્વર સ્વસ્થ જાળવી રાખતા પૂછ્યું.
“શાંતિથી...!? રિવેન્જ સિવાય તને કશે શાંતિ છે....!?” સિદ્ધાર્થે હવે મોટેથી તેણીને બોલવા માંડ્યુ “તને ટાઈમ સ્પેન્ડ કરવામાં રસ જ ક્યાં હતો....!?”
“હવે બધુ પતી ગ્યું ને....!?” નેહા બોલી “તો હવે શા માટે આટલો ગુસ્સે થાય છે...!? જે થવાનું હતું...એ થઈ ગ્યુંને...!”
“વાત તો સાચી છે તારી...!” નકલી સ્મિત કરીને સિદ્ધાર્થ ટોંન્ટમાં બોલ્યો “બધુ પતી ગ્યું....! જે ટાઈમ હતો ...એ પસાર થઈ ગયો...હવે ગુસ્સો કરવાનો કોઈ અર્થ નઇ....!”
“ચલ...કારમાં બેસ...! એમ પણ લેટ થઈ ગ્યું છે...!” એટલું બોલીને સિદ્ધાર્થ કાર તરફ ચાલવા લાગ્યો.
“અત્યારે એ ગુસ્સામાં છે...!” કાર તરફ જઇ રહેલાં સિદ્ધાર્થની પીઠ તાકી રહી નેહા બબડી “એનું મગજ શાંત થાય...એટ્લે એને મનાઈ લઇશ...!”
એક ઊંડો શ્વાસ ભરીને નેહાએ પણ કાર તરફ ચાલવા માંડ્યુ. જતાં પહેલા તેણીએ પોતાના હાથમાં રહેલી શેમ્પેનની બોટલ રિવરફ્રન્ટની પાળી ઉપર મૂકી દીધી.
****
“ટ્રીન...ટ્રીન...ટ્રીન....!” નેહાને તેણીનાં ઘરે ડ્રોપ કરીને સિદ્ધાર્થ હજીતો કાર વળાવી જ રહ્યો હતો ત્યાં જ તેનો મોબાઈલ રણક્યો.
ધીમી સ્પીડે કાર ચલાવતાં-ચલાવતાં પોતાનાં જીન્સના પોકેટમાંથી મોબાઈલ કાઢી સ્ક્રીન ઉપર સિદ્ધાર્થે નંબર જોયો.
કામ્યાનો નંબર જોતા જ સિદ્ધાર્થને આશ્ચર્ય થયું. સ્ક્રીન ઉપર સ્વાઇપ કરીને સિદ્ધાર્થે તેણીનો કૉલ રીસીવ કર્યો.
“હાં ક...!”
“સિદ્ધાર્થ... ક્યાં છે તું..? લાવણ્યાને એડમિટ કરી છે...!” સામેથી કામ્યાએ અત્યંત ઉચાટભર્યા સ્વરમાં કહ્યું અને સિદ્ધાર્થને જાણે વિશ્વાસ જ ન થયો હોય એમ તે આઘાતથી સાંભળી રહ્યો.
“ક્યાં..કેમની..!? શું થ્યું એને...!?” ચિંતાતુર થઇ ગયેલાં સિદ્ધાર્થથી માંડ પુછાયું.
“વી.એસ.માં છે...તું જલ્દી આયને....!”સામેથી કામ્યા એવા જ ચિંતાતુર સ્વરમાં બોલી “સુભદ્રા આન્ટી પણ રડે છે...!”
“હું આઉ છું....!” એટલું કહીને સિદ્ધાર્થે કૉલ કટ કર્યો કારનો ગિયર બદલી કારની ઝડપ એકદમ વધારી દીધી.
****
“ટ્રીન...ટ્રીન...ટ્રીન...”
પોતાના ઘરના કમ્પાઉન્ડના ગેટ પાસે નેહા જસ્ટ પહોંચીજ હતી ત્યાંજ તેણીનો મોબાઈલ રણક્યો.
“અક્ષય...!?” સ્ક્રીન ઉપર અક્ષયનો નંબર જોતાં જ નેહાને આશ્ચર્ય થયું.
“હા બોલ...!” અક્ષયનો કોલ રિસીવ કરી નેહા બોલી.
“ક્યાં છે તું...!?” અક્ષયે સામેથી ઉતાવળા સ્વરમાં પૂછ્યું “યાર ગજબ થઈ ગ્યું...!”
“શું...!?” નેહાએ આશ્ચર્યથી પૂછ્યું.
“લાવણ્યા બેભાન થઈ ગઈ... એને વીએસ લઈ ગ્યાં...!” અક્ષય એવા જ સ્વરમાં બોલ્યો.
“તને કોણે કીધું...!?” અંદરથી ખૂશ થતી નેહાએ આશ્ચર્યથી પૂછ્યું.
“અરે યૂથ ફેસ્ટિવલના પાર્કિંગમાંથી બાઇક કાઢતી વખતે પ્રેમ મલી ગ્યો...એ ઉતાવળો- ઉતાવળો જતો ‘તો...! તો મેં એને રોકીને પૂછ્યું....! એણે કીધું...!”
“ઓકે ઓકે....હું તને પછી કૉલ કરું...!” નેહાને અચાનક સિદ્ધાર્થ યાદ આવી જતાં તે ઝડપથી બોલી અને કૉલ કટ કર્યો.
“એ છોકરો ચોક્કસ એની જોડે જ ગ્યો હશે...!”કમ્પાઉન્ડના પગથિયેથી ઉતરીને નેહા તરતજ પાછી સોસાયટીના મેઈન ગેટ તરફ ચાલવા લાગી.
સોસાયટીની બહાર નીકળી તેણીએ ઓટોવાળની વેટ કરવા માંડી. થોડીવાર રાહ જોયા પછી એક ઓટોવાળાને હાથ કરીને તેણે ઊભો રાખ્યો અને ઓટોમાં વી.એસ. જવા નીકળી.
*****
“કામ્યા..!” હોસ્પિટલમાં એક રૂમની સામે ઉભેલી કામ્યાને જોતાજ સિદ્ધાર્થ બબડ્યો અને ઉતાવળા પગલે એ તરફ ચાલ્યો.
તેણે જોયું કે રૂમની સામે લાકડાંની બેઠક ઉપર કોણીનાં ટેકે માથું ટેકવીને બેઠેલાં સુભદ્રાબેન બેઠાં હતાં અને તેમની જોડે અંકિતા બેઠી હતી. પ્રેમ વગેરે પણ બાજુમાં ઉભાં હતાં.
રાતનાં લગભગ સાડાં અગિયાર થવાં આવ્યાં હતાં.
“લાવણ્યા....!” તેમની નજીક પહોંચવા આવતાં જ સિદ્ધાર્થ ચિંતાતુર સ્વરમાં બોલ્યો.
સિદ્ધાર્થને આવતો જોઈ અંકિતાએ એ તરફ જોયું. બાકીનાં બધાંએ પણ એક સાથે એ બાજુ જોયું.
“લાવણ્યા ક્યાં છે...!?” તેમની નજીક આવતાંવેંત જ બધાં સામે એક નજર નાંખીને સિદ્ધાર્થે પૂછ્યું.
સિદ્ધાર્થની નજર હવે સુભદ્રાબેન તરફ પડી. સિદ્ધાર્થને જોતાંજ તેમની આંખ ફરીવાર ભીંજાઈ ગઈ. તેમને જોઈને સિદ્ધાર્થની નજર પણ ભીની થઈ.
“તું અહિયાં શું કામ આયો....!?” સિદ્ધાર્થની હાજરીથી ચિડાઈ ગયેલી અંકિતા બેઠકમાંથી તરતજ ઊભી થઈ અને ગુસ્સેથી મોટાં સ્વરમાં બોલતાં-બોલતાં તેની તરફ ધસી ગઈ.
“અરે તું બૂમો શું કામ પાડે છે....!? આ હોસ્પિટલ છે....!” સિદ્ધાર્થ કઈં બોલે પહેલાંજ કામ્યા તેનો બચાવ કરતી હોય સિદ્ધાર્થની જોડે આવીને વચ્ચે બોલી “મેં જ એને ફોન કરીને કીધું....!”
“મેં નાં પાડી’તી તો પણ તે શું કામ...!”
“અંકિતા....!” ઊંચા સ્વરમાં કામ્યાને બોલી રહેલી અંકિતાને સિદ્ધાર્થે હાથ કરીને વચ્ચે ટોકી “હું લાવણ્યાને મલ્યાં વગર નઈ જાઉં.....!”
કઠોર ચેહરે અને સપાટ સ્વરમાં સિદ્ધાર્થે કહી દેતાં અંકિતા સ્તબ્ધ થઈને બે ઘડી તેની સામે જોઈ રહી.
“તારાં લીધે જ બધું થયું છે....!” એટલું બોલતાં-બોલતાંજ અંકિતા ભાંગી પડી અને રડી પડીને સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર માથું મૂકી દીધું.
“અંકિતા.... શાંત થા...!” સિદ્ધાર્થની જોડે ઊભેલી કામ્યાએ અંકિતાની પીઠ પસવારી.
“એ....ચાલતાં-ચ....ચાલતાં....બેભાન થઈ ગઈ’તી....!” સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર માથું મૂકી રાખીને અંકિતા ડૂસકાં ભરતી-ભરતી બબડાટ કરવાં લાગી.
“બેભાન...!?” સિદ્ધાર્થને આઘાત લાગ્યો.
પછી તે વિચારવા લાગ્યો.
“કદાચ...એનાથી એ બધું સહન નહિ થયું હોય...ખાસ કરીને હું આરવનો ભાઈ છું..એ વાત....!”
બધાએ ભેગા થઈને માંડ-માંડ અંકિતાને શાંત કરાવી.
અંકિતા શાંત થતાં સિદ્ધાર્થ હળવેથી સુભદ્રાબેનની જોડે બેઠો. સુભદ્રાબેન કઈંપણ બોલ્યાં વગર એમ જ મૌન બેસી રહ્યાં હતાં. થોડીવાર સુધી સિદ્ધાર્થે કઈંપણ બોલ્યાં વગર સુભદ્રાબેન સામે જોયે રાખ્યું પછી એ પણ લાવણ્યાના રૂમના દરવાજા સામે તાકી રહ્યો.
ભારેખમ વાતાવરણ થઇ ગયું હોવાથી શું બોલવું એ વિષે સિદ્ધાર્થને કશું ના સમજાયું. તેનાં મગજમાં લાવણ્યા વિષે અને પોતે લાવણ્યા સાથે જે કર્યું હતું એ વિશેના વિચારો જ ઘુમવા લાગ્યાં.
***
“Schizophrenia....!” ઘણો સમય મૌન રહ્યાં પછી સુભદ્રાબેન છેવટે શૂન્યમનસ્ક જોઈ રહીને ભીની આંખે બોલ્યાં.
સુભદ્રાબેનનો અવાજ સાંભળી તેમની જોડે બેઠલાં સિદ્ધાર્થ સહિત આજુબાજુ ઉભેલા અંકિતા, કામ્યા, પ્રેમ, વિવાન અને રોનકે પણ તેમની સામે જોયું.
“ડોક્ટરે કહ્યું કે એને Schizophrenia છે....!” ડોક્ટર વેદ સાથે થયેલી વાતચીત યાદ કરીને સુભદ્રાબેન બોલવાં લાગ્યાં.
“Schizophrenia” શબ્દ સાંભળીને સિદ્ધાર્થ પરેશાન ચેહરે સુભદ્રાબેન સામે જોઈ રહ્યો અને મનમાં એ વિષે વિચારી રહ્યો.
આ પહેલાં પણ સિદ્ધાર્થને લાવણ્યાના અચાનક ઈમોશનલ થઇ જવા વિષે તેમજ ઝડપથી બદલાઈ જતાં તેણીના મૂડ વિષે પ્રશ્ન કેટલીયવાર થયો હતો. પણ કોઈને કોઈ વાતે એ બાબતે વિચારવો ઝાઝો સમય નહોતો મળ્યો. આજે લાવણ્યાના માનસિક રોગ વિષે સાંભળીને સિદ્ધાર્થને ફરીવાર તેણીનો દર્દનાક ભૂતકાળ યાદ આવી ગયો. ભૂતકાળમાં અનેકવાર તે દગાનો ભોગ બની હતી. છતાંય તે જીવી ગઈ હતી. કેમકે અગાઉ જે લોકોએ તેણી સાથે દગો કર્યો હતો એ લોકો ઉપર લાવણ્યા ફક્ત વિશ્વાસ કરતી હતી તેમને પ્રેમ નહોતી કરતી. પણ આજે વાત જુદી હતી. આજે દગો કરનાર એ વ્યક્તિ હતો જેને તેણીએ પોતાનું અસ્તિત્વ ઓગળી જાય ત્યાં સુધી પ્રેમ કર્યો હતો. પોતાની પાસે જે કંઈ હતું એ બધું જ સમર્પિત કરી દીધું હતું.
“પ્લીઝ લવ.....સોરી...!” આંખો મીંચીને સિદ્ધાર્થે નીચું જોયું.
આંખોની પાંપણો બીડાતાં તેનાં આંખમાંથી આંસુ ટપકીની ફ્લોર ઉપર પડ્યા.
“ડિપ્રેશન.....! એંન્ગ્ઝાઈટી.....! પેનિક એટેક્સ....!” સુભદ્રાબેન બોલ્યાં “એટ્લેજ એનું બિહેવિયર એવું થઈ જાય છે....!”
તેમનો સ્વર ગળગળો થઇ જતાં સિદ્ધાર્થે તેમની સામે ભીની આંખે જોયું.
“બાળકો જેવું....! જાણે કોઈ....કોઈ તને એનાંથી છીનવી લેશે....!”
સિદ્ધાર્થ સામે જોઈને સુભદ્રાબેન રડી પડ્યાં અને સિદ્ધાર્થના ખભે માથું ઢાળી દીધું.
સિદ્ધાર્થ સહિત બાકીના બધાંની આંખ પણ ભીંજાઈ ગઈ.
“મ્મ...મારી એકની એક છોકરી છે.....!” ડૂસકાં ભરતાં-ભરતાં સુભદ્રાબેન માંડ-માંડ બોલ્યાં.
“આન્ટી....! શ....શાંત થઈજાઓ.....!” સુભદ્રાબેનની પીઠ ઉપર હાથ મૂકીને અંકિતા તેમની બીજી બાજુ બેસતાં બોલી “એને કઈં નઈ થાય.....!”
થોડીવાર પછી છેવટે સુભદ્રાબેન શાંત થયાં. પણ સિદ્ધાર્થનાં મગજમાં વિચારોનું તોફાન મચી ગયું. અત્યાર સુધી નેહા ઉપર જે ગુસ્સો તેને આવતો હતો એ હવે તેને પોતાની ઉપર આવવા લાગ્યો.
***
“તમારે અંદર જવું હોયતો જાવ....! બેન ભાનમાં આવી ગ્યાં છે....!” અડધો કલ્લાક પછી એક નર્સે લાવણ્યાના રૂમમાંથી બહાર આવતાં જ કહ્યું અને પછી કોરિડોરમાં બીજાં રૂમ તરફ જવાં લાગી.
નર્સે જેવું અંદર જવાની પરમીશન આપી કે તરતજ દીવાલના ટેકે ઉભેલો પ્રેમ ઉતાવળે દરવાજો ખોલીને અંદર જવાં લાગ્યો. તેની પાછળ કામ્યા, ત્રિશા અને વિવાન પણ જવાં લાગ્યાં. સિદ્ધાર્થ, અંકિતા અને સુભદ્રાબેન પણ સફાળાં ઊભાં થઈ ગયાં અને રૂમમાં બધાંની પાછળ જવાં લાગ્યાં.
“સિદ્ધાર્થ.....!” બધાં અંદર જઈજ રહ્યાં હતાં ત્યાંજ કોરિડોરમાં કોઈનો અવાજ સંભળાયો.
બધાંએ અવાજની દિશામાં જોયું. એ નેહા હતી જે તેમની તરફ આવી રહી હતી. તેણીને જોતા જ સિદ્ધાર્થ ચિડાઈ ગયો અને તેણી તરફ સામો જવા લાગ્યો.
“તું અહિયાં શું કામ આવી...!?” નેહા નજીક આવી જતાં સિદ્ધાર્થે સહેજ ચિડાઈને પૂછ્યું.
“જો નેહા....! હોસ્પિટલમાં કોઈ બબાલ નાં જોઈએ....!” અંકિતાએ ચેતવણી ઉચ્ચારતી હોય એમ નેહા સામે આંગળી ચીંધીને બોલી.
“હું કોઈ બબાલ કરવાં નઈ આઈ...!” નેહા શાંત સ્વરમાં બોલી.
“તો શેના માટે આઈ છું....!?” અંકિતા હવે વધુ અકળાઈ.
“ખસો....! મને અંદર જવાંદો....!” સુભદ્રાબેન બધાંની વચ્ચેથી જગ્યા કરીને રૂમનો દરવાજો ખોલી અંદર જવાં લાગ્યાં.
“જો તું...!”
“અંકિતા....!” પ્રેમ અંકિતાને ટોકીને બોલ્યો “છોડ અવે....! એણે કીધુંને એ બબાલ કરવાં નથી આઈ....! ચાલ અંદર અવે...!”
કેટલીક ક્ષણો સુધી નેહા સામે કતરાઈને જોઈ રહ્યાં બાદ અંકિતા પણ દરવાજો હડસેલીને અંદર દાખલ થઈ. વારાફરતી બધાં અંદર દાખલ થવાં લાગ્યાં. બાકીનાં બધાં રૂમમાં પ્રવેશી ગયાં પછી સિદ્ધાર્થે નેહાનું બાવડું પકડીને ખેંચ્યું અને તેણીને રૂમમાં પ્રવેશતાં રોકી.
“તું અહિયાં શું લેવા આઈ.....!?” નેહાનું બાવડું પકડી રાખીને સિદ્ધાર્થે દાંત ભીંચીને પૂછ્યું “તારો રિવેન્જ પૂરો થઇ ગ્યો ને હવે....!?”
“રિવેન્જ પૂરો થઇ ગ્યો...! પણ હજી ફેંસલો બાકી છે...!” નેહા પણ દાંત ભીંચીને ગુસ્સામાં બોલી “બધાંને ખબર પડવી જોઈએ....કે એણે આરવ જોડે શું કર્યું ‘તું.....! અને એનીજ સજા અત્યારે એ ભોગવી રઈ છે.....!”
“નેહા...!” નેહા અંદર જવા જતી હતી ત્યાં જ સિદ્ધાર્થે તેણીને પાછી ખેંચી “લૂક...! હવે હદ થાય છે...!”
“ના...હજી નઈ...! હજી મેં હદ નઈ ઓળંગી સિદ્ધાર્થ...! નઈ તો આ છોકરી અત્યારે કદાચ જીવતી પણ ના હોત....!” નેહા ક્રૂર સ્વરમાં બોલી અને પોતાનો હાથ છોડાવીને અંદર જતી રહી.
ગુસ્સે થયેલો સિદ્ધાર્થ નેહાએ રૂમમાં પ્રવેશતી ખોલેલા દરવાજાને બંધ થતાં જોઈ રહ્યો. કેટલીક ક્ષણો પછી તે પણ દરવાજો ખોલીને અંદર દાખલ થયો.
અંદર દાખલ થતાં જ તેણે બેડફોલ્ડ કરી બેડનાં ટેકે બેઠેલી લાવણ્યાને જોઈ.
લાવણ્યા સામે જોઈ રહી તે દરવાજા પાસે જ ઊભો રહ્યો. હાઈડ્રોલીક સ્ટોપર ધરાવતો દરવાજો આપમેળે ધીરે-ધીરે બંધ થવાં લાગ્યો.
દરવાજો બંધ થયાં પછી સિદ્ધાર્થે તેનાં બંને હાથ પોતાનાં કાર્ગો પેન્ટનાં ખીસ્સાંમાં પરોવ્યાં. બધાં હવે સિદ્ધાર્થ સામે જોઈ રહ્યાં. લાવણ્યા પણ સિદ્ધાર્થ સામે જોઈ રહી. રૂમમાં નીરવતા છવાઈ ગઈ.
ભીની આંખે લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઈ રહી. સિદ્ધાર્થના હૃદયના ધબકારા વધી ગયાં.
અત્યાર સુધી તે ઘણું બધું વિચારી ચુક્યો હતો. તેનાં મનમાં અનેક વિચારોનું વાવાઝોડું આવેલું હતું, જેમકે
લાવણ્યા તેનાં વિષે અને તેણે કરેલાં દગા વિષે શું વિચારશે...!?
લાવણ્યા તેને માફ કરશે કે નઈ..!?
લાવણ્યા કેવું રીએક્ટ કરશે...!?
જેવાં અનેક વિચારોથી તેનું મન ઘેરાયેલું હતું.
પણ લાવણ્યાને જોયા પછી અત્યારે સિદ્ધાર્થને કશું જ નહોતું સુઝી રહ્યું. તેને બસ એક જ મન થતું હતું કે દોડીને લાવણ્યાને જઈને વળગી પડું. તે જાણતો હતો, કદાચ લાવણ્યાને કશું જ એક્સ્પ્લેન કરવાની જરૂર પણ નઈ પડે. વગર કીધે એ બધું જ સમજી જશે.
“મ્મ....મારોજ વાંક હતો.....!” સિદ્ધાર્થ સામે વહેતી આંખે જોઈ રહીને લાવણ્યા બોલી અને “મારોજ વાંક હતો....! એની જ....જોડે જે થયું....! એમાં મારોજ વ....વાંક હતો.....!”
સિદ્ધાર્થે દયામણી નજરે તેણી સામે જોયું.
“હેં ….શું....!? શેનો વાંક હતો....!?” લાવણ્યાના પગ પાસે બેઠેલી અંકિતાએ મૂંઝાઈને પૂછ્યું “કોની જોડે...!? શું થયું...!? શેની વાત કરે છે તું....!?”
“આરવ.....! મારોજ વાંક હતો...!” લાવણ્યા માંડ પોતાનો સ્વર સ્વસ્થ કરતાં-કરતાં એ રાત્રે ઘટેલી એ ઘટના વિષે કહેવાં લાગી “એ રાતે........! મારો જ વાંક હતો”
સિદ્ધાર્થ સહીત બધાં જ સાંભળવા લાગ્યાં. બેડની એક બાજુ ઉભેલી નેહા પણ સાંભળી રહી. હોસ્પિટલના બિછાને લાવણ્યાને જોતા જ તેણીને જે ટાઢક વળી હતી એ હવે ધીરે-ધીરે અગનજ્વાળાઓમાં ફેરવાઈ રહી. આરવ વિષે લાવણ્યા જે કહી રહી હતી એ સંભાળતા જ નેહાના હૃદયના ધબકારા વધી ગયાં અને તેનાં ગુસ્સો ધીરે-ધીરે પાછો વધવા લાગ્યો.
આરવ વિષે બધી વાત સાંભળીને બધાંને આઘાત લાગ્યો. આરવના પગ કપાવાને લીધે કૉલેજ છોડીને જતો રહ્યો એ વાતની ખબર ગ્રુપના અન્ય લોકોને આજે પડી અને એ જાણીને સૌને આઘાત લાગ્યો. લાવણ્યા માટે આરવનો અનહદ પ્રેમ જાણી અને એ પ્રેમની કીમત આરવે કેવી રીતે ચૂકવી એ જાણીને બધાને દુઃખ અને આઘાત લાગ્યો. આરવ માટે બધાંને સહાનુભૂતિ થઇ આવી તો ન ઇચ્છવા છતાં અંકિતા, કામ્યા, પ્રેમ વગેરેને તેણી ઉપર ગુસ્સો આવ્યો.
“મેં એ દિવસે પણ એને બઉ રોકવાનો ટ્રાય કર્યો ‘તો..પણ ...પણ એણે મારી વાત ના સાંભળી...!” લાવણ્યા રડતાં-રડતાં બોલી “હું ...હું એની ફિલિંગ ના સમજી શકી....એટલે મારો જ વાંક હતો....!”
લાવણ્યા જાણે પોતાનો ગુનો કબુલ કરતી હોય એમ સિદ્ધાર્થ સામે જોઈ રહીને ભીની આંખે બોલી.
“એની વાત સાચી હતી..! યશ...પાર્થ...એવા ફાલતું છોકરાઓને મારી કોઈ પરવા ન’તી...મારે એ લોકો માટે થઈને આરવને હર્ટ નહોતો કરવો જોઈતો...!”
સિદ્ધાર્થને તેણી ઉપર દયા આવી ગઈ. થોડીવાર સુધી રૂમમાં મૌન પથરાઈ ગયું. લાવણ્યાએ બેડના ટેકે માથું ટેકવી સિદ્ધાર્થ સામે શૂન્ય મનસ્ક જોયે રાખ્યું. તેણીની આંખો હજી પણ ભીની હતી. તે થોડી-થોડીવારે એકની એક જ વાત બોલ્યાં કરતી. તો ક્યારેક ક્યારેક પોતાની વાત આગળ ચલાવતી.
“મેં એને (આરવને) ભૂલવાનો બઉ પ્રયત્ન કર્યો....!”
“મન ડાઈવર્ટ થાય એટલે વેકેશનમાં હું નોર્થ ઈન્ડિયા વગેરે જગ્યાએ ઘણું ફરી....! આમ છતાં પણ.....! હું એને ના ભૂલી શકી....!”
લાવણ્યાએ દયામણા મોઢે સિદ્ધાર્થ સામે જોઈ રહીને આગળ કહ્યું
“એનો ઇનોસંન્ટ ચેહરો....! મારાં માટે એનો એ અનહદ પ્રેમ...! મને વિશાલ જેવાં છોકરાંઓ જોડે જોઇને એને જે તકલીફ.....! એણે કહેલી એ બધી વાતો....! એણે મારાં માટે ગાયેલાં એ બધાં સોન્ગ્સ....! અને.......! એનાં કપાયેલાં પ.....પગ....! કશું ના ભૂલી શકી હું....!”
લાવણ્યાને ડુસકાં આવવાં લાગ્યાં. સ્ટૂલ ઉપર બેઠેલાં સુભદ્રાબેને લાવણ્યાના હાથ ઉપર પોતાનો હાથ મુકીને તેણી સામે ભીની આંખે જોયું. જોકે લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જ જોઈ રહીને પોતાની આંખો વહેવા દીધી. આંખોની ભાષા દ્વારા તે સિદ્ધાર્થની માફી માંગતી રહી.
“પણ આખાં વેકશન દરમિયાન....મેં એટલું નક્કી કરી લીધું’તું....કે હું હવે પછી બીજાં કોઈ “આરવ”ને હર્ટ નઈ કરું.....! કોઈને નઈ...!” લાવણ્યાએ રડતાં-રડતાં આગળ કહ્યું “જેવી પે’લ્લાં હતી....એવી જ રઈશ....!”
“એટલેજ તું મારી પણ ઈન્સલ્ટ કરતી...! રૂડ બિહેવ કરતી...!” અંકિતાની જોડે અને સુભદ્રાબેનની જોડે ઉભેલો પ્રેમ ભીની આંખે બોલ્યો “જેથી હું તારાંથી દૂર રહું....!”
લાવણ્યાએ એક નજર પ્રેમ સામે જોયું અને પછી પાછું સિદ્ધાર્થ સામે જોવાં લાગી.
“નેહા....!” અંકિતાએ પોતાની આંખો લુંછી અને તેનો સ્વર સ્વસ્થ કરતાં નેહા સામે જોયું અને ટોન્ટ મારતી હોય એમ બોલી “આરવ તો સિદ્ધાર્થનો ભાઈ હતોને....! તો...! તો...તે શેનો બદલો લીધો...!?”
રૂમમાં હાજર બધાંએ હવે નેહા સામે જોયું.
પોતાની આંખોમાં આવી ગયેલાં આંસુ છુપાવી રાખવાં નેહા ક્યારની આડું જોઈ રહી હતી. લાવણ્યાને ચઢાવવામાં આવેલી ગ્લ્યુકોઝની બોટલનાં પાણીને જોઈ રહેલીએ નેહાએ કેટલોક વધુ સમય એજરીતે બોટલ સામે જોયે રાખ્યું. રૂમમાં થોડો સમય શાંતિ પથરાઈ ગઈ.
“I Loved him.....!” છેવટે નેહાએ પોતાની સ્વર માંડ સખત કરીને ભીની આંખે જ પહેલાં અંકિતા સામે પછી લાવણ્યા સામે જોઈને કહ્યું અને છેવટે તેણીને આગ ઝરતી આંખે સિદ્ધાર્થ સામે જોયું.
એક ક્ષણ માટે સિદ્ધાર્થને તેણી ઉપર દયા આવી ગઈ. પણ પછી લાવણ્યા સામે જોતા જ તેણીને નેહા માટે ફરીવાર ગુસ્સો આવી ગયો.
એક જ વાક્યમાં નેહાએ જાણે બધું જ કહી દીધું હોય એમ બધાં ફાટી આંખે નેહા સામે જોઈ રહ્યાં.
“ક....ક્યારે....!? આઈ મીન....! ક્યારથી....!? કેવી રીતે....!?” અંકિતાની જીભ થોથવાઈ ગઈ અને તે માંડ પૂછી શકી.
લાવણ્યા જ્યારે આરવની વાત કહી રહી હતી ત્યારે આખી વાત દરમિયાન નેહાની આંખો ભીંજાયેલી જ રહી હતી. તેણીને દર વખતે પોતાની આંખ આવી ગયેલાં આંસુને પાછાં ઠેલવાનો પ્રયત્ન કરતી અંકિતાએ અનેકવાર જોઈ હતી. આરવ માટેની તેની લાગણી તેની આંખોમાં અનેકવાર છલકાઈ હતી. એમાંય જ્યારે લાવણ્યાએ આરવના પગ વિષે અને તેનાં એક્સીડેન્ટ વિષેની વાત કરી હતી, ત્યારે નેહાનો ચેહરો ગુસ્સાથી સખત થઇ ગયો હતો.
“ઈટ વોઝ લવ એટ ફર્સ્ટ સાઈટ....!” નેહા બોલી “સેકન્ડ યરમાં આરવ જ્યારે કોલેજમાં નવો-નવો આત્યો...! મેં એને જયારે પે’લ્લીવાર જોયો ત્યારે જ....! પણ એ વખતે મને એ ફિલિંગ નહોતી સમજાઈ....! મને બસ એ ગમતો....! કેન્ટીનમાં એને સોન્ગ ગાતો સાંભળવો....! એનાં ગ્રુપના ફ્રેન્ડસ જોડે મસ્તી કરતો જોવો....! હું બસ એને નિહાળે જતી....! ખબર નઈ કેમ...!”
નેહાની આંખ ભીંજાઈ જતાં તે થોડું અટકી પછી આગળ બોલી –
“પણ પછી મને ખબર પડી કે....! એ...એ લાવણ્યા પાછળ....! અ...” નેહાનો સ્વર ધ્રુજી ગયો અને તે થોડું અટકી ભીની આંખે આગળ બોલી “લાવણ્યા એને કાયમ હર્ટ જ કરતી...! એને બધાંની વચ્ચે ધમકાઈ નાંખતી....! જે મનમાં આવે એ બોલી નાંખતી...! એ આખો દિવસ દુઃખી થઈને ફર્યા કરતો....! અને લાવણ્યાની જોડે વાત કરવા માટે....! એને ખુશ કરવાં માટે કોઈને કોઈ પ્રયત્નો કરતો રે’તો....!”
નેહાએ તેનો સ્વર સખત કર્યો અને લાવણ્યા સામે તિરસ્કારથી જોયું. લાવણ્યાએ શરમથી આડું જોઈ લીધું.
“યાદ છે તને...! જ્યારે તે એને “જોકર” કહ્યો’તો....!?” નેહાની આંખ વહેવા લાગી તેણીના હોંઠ ધ્રુજવા લાગ્યાં.
નેહાએ ફરીવાર લાવણ્યા સામે એવીજ તિરસ્કારભરી નજરે જોયું અને યુથ ફેસ્ટીવલ પહેલાંની એ ઘટનાં યાદ અપાવી.
“એણે કેટલી ઈનોસન્સથી તને ખાલી એટલું પૂછ્યું’તું....! કે તને એણે ગાયેલું સોન્ગ કેવું લાગ્યું....!?” નેહા રડતાં-રડતાં બોલી “અને તે એને જોકર કહીને એની ઈન્સલ્ટ કરી નાંખી....! એનું...નાનાં બાળક જેવું એનું એ ઉતરી ગયેલું મોઢું જોઇને...! હું..હું...આખી રાત નો’તી ઊંઘી...”
“ગીટાર લઈને છોકરીઓ સામે કલર કરતાં છોકરાંઓને હંમેશા જોતીજ હોવ છું....! સર્કસનાં જોકરની જેમ...યુ નો...! ” લાવણ્યાએ એ દિવસ યાદ આવી ગયો અને આરવને જોકર કહ્યાં પછી એનો ઉતરી ગયેલો એ માસૂમ ચેહરો પણ તેણીની નજર સામે તરવરી ઉઠ્યો.
“એને હર્ટ થતો જોઈ...! એને તકલીફમાં જોઈ....! મને દયા આઈ જતી એની ઉપર...!” નેહા આગળ બોલી “અને એ દયા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ....! મને ખબર જ ના પડી....!”
નેહા થોડું અટકી અને પોતાની આંખો લુંછવા લાગી.
“તારા ઘમંડ અને જિદ્દે આરવની જીંદગી બરબાદ કરી નાંખી લાવણ્યા...!” નેહા ભારોભાર તિરસ્કાર સાથે બોલી “અને મારી પણ જીદંગી બરબાદ કરી નાંખી...! તારો જ વાંક હતો....! એનાં પગ કપાયા...! એમાં તારો જ વાંક હતો...! તારો જ....!”
લાવણ્યા રડી પડી. નેહાની વાત સાંભળી રૂમમાં ફરીવાર મૌન પથરાઈ ગયું.
“મેં તારી સાથે જે પણ કર્યું....! એનો મને કોઈ પસ્તાવો નથી...!” એવાં જ તિરસ્કારભર્યા સ્વરમાં નેહા બોલી “તું એજ ડિઝર્વ કરતી’તી....! તારો જ વાંક હતો ..! એટલે તું એ ડિઝર્વ કરતી’તી....!”
“નેહા...અ..!”
“હાં....મારો જ વાંક હતો...!” સુભદ્રાબેન બોલવાં જ જતાં હતાં ત્યાંજ લાવણ્યા કાંપતા સ્વરમાં ડૂસકાં ભરતી-ભરતી બોલી “મેં જ એની જીંદગી બરબાદ કરી નાંખી....! મારો જ વાંક હતો......! મારોજ વાંક હતો....! મારોજ વાંક હતો....!”
સિદ્ધાર્થ ભીની આંખે બધું જોઈ રહ્યો. લાવણ્યાને બાથમાં ભરી લેવાની તેને ઈચ્છા થઇ આવી.
“મારો જ વાંક હતો....!” લાવણ્યા કેટલીક ક્ષણો સુધી એજ વાક્ય બબડતી રહી અને બધાં મૌન થઈને ભીની આંખે તેણી સામે જોઈ રહ્યાં.
“શાંત થઈજા બેટા..!” સુભદ્રાબેને લાવણ્યાની હથેળી ઉપર હાથ મુકીને કહ્યું.
“મારોજ વાંક હતો....!” લાવણ્યા તો પણ બબડાટ કરેજ જતી હતી. કેટલીક ક્ષણો સુધી લાવણ્યા એમજ બબડાટ કરે ગઈ.
“મારો જ વાંક હતો....!”
“તારો કોઈ વાંક ન’તો.....!” ત્યાંજ રૂમનો દરવાજો ખુલવાની સાથે કોઈ યુવાનનો અવાજ આવ્યો અને બધાંએ એ તરફ જોયું.
લાવણ્યા સિદ્ધાર્થ સહીત રૂમમાં હાજર જે લોકો એ અવાજ ઓળખાતા હતાં એ લોકોએ ચોંકીને તરતજ એ તરફ જોયું.
ગ્રે કલરનું બ્લેઝર, અંદર બ્લ્યુ કલરનો શર્ટ, ખાખી પેન્ટ પહેરેલો એક સોહામણો યુવાન દરવાજો ખોલીને ઉભો હતો. પહેલાંથી થોડો જુદો આછી દાઢીવાળો પણ માસૂમ ચેહરો, એવીજ બાળકો જેવી ક્યુટ સ્માઈલ, ગઈ વખત કરતાં થોડાં વધુ લાંબા પણ વ્યવસ્થિત ઓળેલા વાળ.
એજ માસૂમ સ્મિત કરતાં દરવાજાની વચ્ચે ઉભેલાં એ યુવાનને જોઈને લાવણ્યાની આંખોમાંથી આંસુની ધાર વહી અને બેડમાં બેઠી થઈને તે બોલી પડી-
“આરવ......!”
▪▪▪▪▪▪▪▪
“સિદ્ધાર્થ”
instagram@siddharth_01082014
નોંધ: સોન્ગસના લીરીક્સ ઉપર લેખકનો કોઈ જ હક્કદાવો નથી.