લવ રિવેન્જ-2
Spin off Season-2
પ્રકરણ-36
“કંઈ કામ હોય તો હવે હું થોડાં દિવસ બરોડા જ છું...! બરોડા જ છું...!”
વિકટના એ શબ્દો હજીપણ સિદ્ધાર્થને પડઘાઈ રહ્યા હતા.
તે જાણતો હતો કે વિકટ સમજી ગયો હતો કે પોતે તેનાથી કઈંક છુપાવી રહ્યો છે. ઈચ્છવા છતાંય સિદ્ધાર્થ વિકટને કશું કહી ના શક્યો. છેવટે વિકટ બરોડા જવા નીકળ્યો એ પછી તે પાછો ઘેર આવી ગયો હતો અને થોડીવાર માટે ઊંઘની એક ઝબકી મારી લઈ પાછો ઉઠી તૈયાર થઈને પાર્ટી પ્લૉટ પર હવન માટે જઈ રહ્યો હતો. ઊંઘીને ઉઠ્યા પછી પણ તેનાં મનમાં એના એજ વિચારો ચાલી રહ્યાં હતાં.
“મારી વાત માન....! હવે ગણતરીના કલ્લાકો બાકી છે....! પછી તું આ વચનના ભારમાંથી છુટ્ટો થઇ જવાનો છે...!”
ફરીવાર વિકટની એ વાત યાદ આવી જતાં મિરરમાં જોઈને તૈયાર થયેલો સિદ્ધાર્થ શૂન્યમનસ્ક મિરરમાં તાકી રહ્યો.
“નેહાએ સામેથી તને કીધું જ છે...તો તારે એવું કંઈ ના કરવું જોઈએ...જેથી એ છંછેડાઈ જાય અને આ રિવેન્જની ગેમ વધારે આગળ ખેંચી નાંખે....!”
“આ સમય પસાર થઇ જવા દે....! પસાર થઇ જવા દે....!”
“આજ સુધી તે એનું કીધું કર્યું જ છે...અને લાવણ્યાને હર્ટ કરી જ છે....તો પછી હવે આ છેલ્લીવાર છે....! આ છેલ્લીવાર છે....!”
“આ સમય પસાર થઇ જવા દે....! પસાર થઇ જવા દે....!”
“હમ્મ...! વાત તો સાચી છે....જેમ તેમ કરીને બસ આ રિવેન્જ પૂરો થાય...આજનો દિવસ પૂરો થાય...!” સિદ્ધાર્થ વિચારી રહ્યો.
“નેહાએ સબંધ તોડી નાંખ્યો છે....! એ પછી તને કોઈએ સબંધ બાંધતી વખતે નઈ પૂછ્યું...!” સિદ્ધાર્થ લાવણ્યાની વાત યાદ કરી રહ્યો “આપણે કઈં ખોટું નઈ કર્યું...! તે કોઈને ચિટ નઈ કર્યા.....!”
“તું સાચી છે લવ...!” મિરરમાં પોતાને જોઈ રહી સિદ્ધાર્થ બબડ્યો.
લાવણ્યા વિષે વિચારતાં-વિચારતાં સિદ્ધાર્થ મલકાઈ રહ્યો. લાવણ્યા સાથે વિતાવેલી એ ક્ષણો યાદ આવી જતાં સિદ્ધાર્થનાં શરીરમાં આવેગની એક લહેર પસાર થઇ ગઈ. ડ્રેસિંગ ટેબલના મિરર આગળ ટેબલ ઉપર મુકેલી લાવણ્યાએ આપેલી વોચ હાથમાં લઇ સિદ્ધાર્થ કાંડે બાંધવા લાગ્યો.
“હજી તો નવ જ વાગ્યાં છે....!” વોચમાં ટાઈમ જોઇને સિદ્ધાર્થ બબડ્યો “થોડો ટાઈમ છે...લાવણ્યાને મલતો જવ....!”
મલકાતાં-મલકાતાં સિદ્ધાર્થે પોતાનાં મોબાઈલમાંથી લાવણ્યાનો નંબર ડાયલ કર્યો. બીજી જ રિંગે લાવણ્યાએ કૉલ રીસીવ કરી લીધો અને ઉત્સાહપૂર્વક બોલી.
“હાય જાન....! ઉમ્મા....ઉમ્મા....ઉમ્મા....! તનેજ યાદ કરતી’તી.....!” ફોન ઉપર જ લાવણ્યાએ સિદ્ધાર્થને ચુંબનોથી “નવડાવી” દીધો.
“ક્યાં છે તું....!?” મલકાતાં-મલકાતાં સિદ્ધાર્થે પુછ્યું.
“કોલેજમાં....! બીજે ક્યાં....!?” ખુશખુશાલ સ્વરમાં લાવણ્યા બોલી.
“એમ નઈ કે’તો....! કોલેજમાં ક્યાં છે....! કેન્ટીનમાં કે....!?”
“અરે ના....ના....! હજી તો હાલ જ આઈ....! ગેટમાંથી જસ્ટ એન્ટરજ થઈ છું....!”
“તો...અ...! તને થોડો ટાઈમ મલશે....!?” સિદ્ધાર્થે બાળક જેવાં સ્વરમાં પૂછ્યું.
“અરે જાન....! કેમ આવું પૂછે છે....!? હું તો તારી જ થઈ ગઈ હવે....!” લાવણ્યા ઉત્સાહથી બોલી.
“તો હું આવું છું કોલેજ....! મારે તને મલવું છે...!” સિદ્ધાર્થ ઉતાવળાં સ્વરમાં બોલ્યો “તું પાર્કિંગમાં મારી વેઇટ કરજે હોને.....!”
“ઓયે હોયે....! સાચે તું આવે છે...!?” લાવણ્યા હવે વધુ ઉત્સાહમાં આવીને બોલી.
“હાં.....! બસ....! તને જોયાં વગર મન નઈ લાગતું.....!” સિદ્ધાર્થ મલકાઈને ધિમાં સ્વરમાં બોલ્યો.
તેની આંખો સામે આગલી રાતના દ્રશ્યો તરવરવા લાગ્યાં.
“Aww માલું બેબી.....! જલ્દી આવ....! હું પાર્કિંગમાં જ ઊભી છું....!”
“સારું.....! ઊમ્મા.....! બાય....!”
“અરે....એ....એ... હેલ્લો....!”
લાવણ્યાને છેડવા સિદ્ધાર્થે ફોન પર “કિસ” આપીને ફોન કટ કરી દીધો.
“હવે ધીરજ નઈ રે’ એને....હી..હી...!” માથું ધુણાવતો-ધુણાવતો સિદ્ધાર્થ કૉલેજ જવા નીકળી ગયો.
“એને મનાઈ જોવું....! એ આજે યુથ ફેસ્ટીવલમાં નાં આવે એના માટે...જો કદાચ એ માની જાય...તો...!?
કૉલેજ જતાં સુધી સિદ્ધાર્થ એ વિષે વિચારતો રહેવાનો હતો.
***
“કાર અહિયાં બા’ર જ પાર્ક કરી દઉં...!” કૉલેજના ગેટ આગળ કાર ધીમી પાડતા સિદ્ધાર્થ બબડ્યો “ફટાફટ મલીને નીકળી જ જવું છે....!”
કૉલેજના કમ્પાઉન્ડની બાઉન્ડરિ વોલ આગળ સિદ્ધાર્થે કાર પાર્ક કરી અને કારમાંથી ઉતરીને ઉતાવળા પગલે કૉલેજના ગેટમાંથી અંદર એન્ટર થયો.
“એ રઈ..!”
પાર્કિંગ શેડમાં પાર્ક કરેલાં કોઈ વ્હીકલ ઉપર બેઠેલી લાવણ્યાને જોતા જ સિદ્ધાર્થ ખૂશ થઈને બબડ્યો અને એ તરફ ઝડપથી ચાલવા લાગ્યો.
“એને બીવડાઈ દઉં..!” પોતાની તરફ પીઠ કરીને બેઠેલી લાવણ્યાને જોઈ સિદ્ધાર્થને મજાક સુઝી અને અચાનક તેણે પોતાની ચાલવાની ઝડપ ઘટાડી ધીમા દબાતા પગલે ચાલવા માંડ્યું.
“ભાઉ.....!” લાવણ્યા વિચારોમાં ખોવાયેલી હતી ત્યાંજ પાછળથી સિદ્ધાર્થે આવીને તેણીને ડરાવી દીધી.
“મમ્મી....!” લાવણ્ય ઝબકી ગઈ હોય એમ તરતજ તેણીએ પાછળ ફરીને જોયું “સિદ તું....! ઊભો રે...!”
લાવણ્યા સિદ્ધાર્થને જાણે મારવાં જતી હોય એમ એની તરફ પોતાનાં બંને હાથ ઊંચા કરીને ઝાપટી.
“અરે....! આ છોકરીતો જો...!” સિદ્ધાર્થે તરત જ તેણીનાં બંને હાથ પકડી લીધાં.
“આવી રીતે બિવડાવે કોઈ....!?” લાવણ્યા પોતાનાં હાથ છોડવતી હોય એમ તેનાં કાંડા મચેડી રહી “બઉ જબરો થઇ ગ્યો છે તું....!”
સિદ્ધાર્થ સ્મિત કરીને તેણી સામે જોઈ રહ્યો.
“આ રીતે કેમ જોવે છે....!?” લાવણ્યા હવે અટકી અને મલકાઈને બોલી.
“બસ....! તને જોવી ગમે છે....!?” સિદ્ધાર્થ ધીમા સ્વરમાં બોલ્યો.
“આવું....નાં જોને....!” લાવણ્યાએ શરમાઈને આડું જોઈ લીધું.
“કેમ......!?” સિદ્ધાર્થ એજરીતે લાવણ્યા સામે જોઈ રહ્યો.
“અમ્મ...!” લાવણ્યાએ શમરાઈને સિદ્ધાર્થની છાતીમાં પોતાનું માથું ભરાવી દીધું.
સિદ્ધાર્થનાં શર્ટમાંથી બહાર દેખાઈ રહેલી રુદ્રાક્ષની માળાંને લાવણ્યા પોતાની આંગળી વડે રમાડી રહી. કેટલીક ક્ષણો એમ જ વીતી.
“લ...લવ....!” સિદ્ધાર્થે લાવણ્યાની ફરતે તેનાં બંને હાથ વીંટાળી તેણી સામે ભીની આંખે જોયું “ગઈકાલની રાત પછી તો....! હું....”હું” નથી રહ્યો....! એવું લાગે છે જાણે....!હું...હું...! જોડાઈ ગ્યો હોવ....! તારી જોડે...! મ્મ...મને બસ એ બધુંજ યાદ આયા કરે છે....!”
સિદ્ધાર્થે લાવણ્યાને કચકચાવીને પોતાનાં આલિંગનમાં દબાવી દીધી.
“સિદ....! બેબી...!” લાવણ્યાની આંખમાં પાણી આવી ગયું તે સિદ્ધાર્થની પીઠ ઉપર અને તેનાં વાળમાં વ્હાલથી હાથ ફેરવતી બોલી “મારી પણ એજ હાલત છે....! ત...તારો એ ટચ....! તારી આ મહેક.....! ક...કશુંજ નઈ ભૂલાતું....! હું ....હું બસ....! પાગલ થઈ છું.....! સિદ....! પાગલ થઈ ગઈ છું...! તારાં આ....હોંઠ....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં હોંઠ ઉપર આંગળી મૂકી “હવેતો ગુલાબ પણ ચુભે છે કાંટાની જેમ....! તારાં આ હોંઠને ચૂમ્યાં પછી....!”
“લવ....! તું પણ....!” સિદ્ધાર્થથી હસાઈ ગયું “જે મારે બોલવું જોઈએ ….! એ બધું તુંજ બોલી જાય છે...!”
“તો બોલને જાન....!” લાવણ્યાએ સિદ્ધાર્થને આલિંગનમાં જકડી લીધો.
થોડીવાર સુધી બંને એકબીજાને જકડીને એમ જ ઊભા રહ્યાં.
“હું સાચું કવ છું....જાન….!” લાવણ્યા સિદ્ધાર્થનાં ગાલે વ્હાલથી હાથ મૂકીને બોલી “પે’લ્લાં તને ખોવાનો ડર લાગતો’તો....! પણ હવે....!” લાવણ્યા પોતાનાં હોંઠ સિદ્ધાર્થનાં હોંઠની નજીક લઈ ગઈ “તારામાં ખોવાઈ જવાનો ડર લાગે છે....!”
“ઊંહુ....! નાં....!” લાવણ્યા સિદ્ધાર્થનાં હોંઠ ચૂમવાંજ જતી હતી ત્યાંજ સિદ્ધાર્થે તેનું મ્હોં પાછું ખેંચી લીધું.
“અરે....! કેમ આવું કરે છે...! હવે શું વાંધો છે....!?” લાવણ્યા નાનાં બાળકની જેમ નારાજ થઈ.
“આમજો....! CCTV......!” સિદ્ધાર્થે લાવણ્યાનાં ગાલે પકડી તેનું મ્હોં પાર્કિંગ શેડનાં પતરાંની રેલિંગ ઉપર લાગેલાં કેમેરાં તરફ ફેરવ્યું “પછી વિડીયો વાઇરલ થશે....!”
“તો હવે મારે કિસી જોઈતી હોય તો....!?” લાવણ્યા એજરીતે બોલી પછી માથું ધૂણાવવાં લાગી “નઈ....નઈ....! મારેતો જોઈએ જ....! હું કઈં ના જાણું...! બસ....!”
એટલું કહીને લાવણ્યાએ સિદ્ધાર્થનો ચેહરો સખ્તાઈથી પોતાનાં બંને હાથ વડે પકડી લીધો અને જબરજસ્તી તેને કિસ કરવાં લાગી.
“અરે તું....! અમ્મ...!” સિદ્ધાર્થનાં હોંઠ ભીડાઈ ગયાં “લ...વ....! આહ..!”
“ઓહો..! સોરી...!” લાવણ્યા ડરી ગઈ અને સિદ્ધાર્થનાં હોંઠને જોઈ રહી “હે ભગવાન...! કટ લાગી ગ્યો....! સોરી....સોરી...! જાન....!”
કિસ કરવાંની લ્હાયમાં લાવણ્યાએ સિદ્ધાર્થનાં હોંઠ ઉપર વધુ જોરથી બાઈટ કરી લેતાં તેનાં હોંઠ ઉપર નાનો કટ લાગી ગયો અને તેમાંથી બ્લડ આવી ગયું.
“સિદ....! બ...બેબી....સોરી...!” સિદ્ધાર્થનાં હોંઠ ઉપર આંગળી મૂકીને લાવણ્યા બ્લડ લૂંછવાં લાગી “નારાજ નાં થતોને....! પ્લીઝ...! બ...બવ એકસાઈટ થઈ જવાયું....! તો...તો...!”
“લવ....!” સિદ્ધાર્થે લાવણ્યાને આલીગંનમાં જકડી લીધી અને તેણીનાં કાનમાં ધીરેથી બોલ્યો “તું મને આવી જ ગમે છે....! એકદમ...! જિદ્દીલી....! અલ્લડ....!”
“સાચે...!” લાવણ્યા બાળકની જેમ મોટી આંખો કરીને બોલી.
“હાં સાચે....!” સિદ્ધાર્થે લાવણ્યાનાં ગાલ ખેંચ્યાં.
“તો...તો...બીજી એક કિસી....!” લાવણ્યાએ સિદ્ધાર્થનું મ્હોં ફરી પકડી લીધું.
“અરે....! બસ....!” સિદ્ધાર્થે તેનું મ્હોં ફેરવી લીધું ઉતાવળા સ્વરમાં બોલ્યો “લવ....! મારે તને કઈંક કે’વું છે....!”
“મારે પણ....!” લાવણ્યા ખુશ થઈ ગઈ.
“લવ....! પે’લ્લાં હું...!”
“હાં....! આ વખતે તો તારો જ પે’લ્લો વારો....! બોલ...!”
“તું...અ...પે’લ્લા તું પ્રોમિસ કર....તું મારી વાત માનીશ...!” સિદ્ધાર્થે શરત મુકતા કહ્યું.
“પ્રોમિસ...પણ એક શરત...!” લાવણ્યા પ્રેમથી બોલી.
“શું...!?” સિદ્ધાર્થે મૂંઝાઈને પૂછ્યું.
બંને હજી એકબીજાને ફરતે હાથ વીંટળાઈને જ ઉભા હતાં.
“કોઈ એવી વાત જેથી તારે ટોર્ચર સહન કરવું પડશે...તો હું નઈ માનું...!” લાવણ્યા ચિંતાતુર આંખે બોલી.
સિદ્ધાર્થ દયામણું મોઢું કરીને તેણી સામે જોઈ રહ્યો.
“શું વાત છે...!? બોલ તો ખરા જાન...!” સિદ્ધાર્થના ગાલે હાથ મૂકી લાવણ્યા વ્હાલથી બોલી.
“તું આજે યુથ ફેસ્ટીવલમાં નાં આવતીને...!” વિનવણી કરતો હોય એમ સિદ્ધાર્થ ચિંતાતુર સ્વરમાં બોલ્યો.
લાવણ્યા બે ઘડી પ્રેમથી સિદ્ધાર્થ સામે જોઈ રહી.
“પ્લીઝ...આજે ના આવતી...!” સિદ્ધાર્થ ફરીવાર બોલ્યો.
“હમ્મ...એટલે નેહા તને ટોર્ચર કરે પછી નઈ..!?” મીઠો ગુસ્સો કરતી હોય એમ લાવણ્યા બોલી “સવાલ જ નઈ ઉઠતો....! હું તો આવાની......!”
“પણ તું સમજતી કેમ નઈ....” બેચેનીપૂર્વક બોલી સિદ્ધાર્થ હવે જિદ્દે ચઢ્યો હોય એમ બોલવા લાગ્યો “કોઈક વાર તો મારી વાત માન....!”
“ના...હું તો આઈશ જ ....!” લાવણ્યા જીદ્દીલા સ્વરમાં બોલી “પછી નેહા તને ટોર્ચર કરે..એ મારાથી સહન નઈ થાય....!”
“હું કંઈ નાં જાણું..તું નઈ આવે એટલે નઈ આવે....!” નાના બાળકની જેમ માથું ધુણાવી સિદ્ધાર્થ ચિડાઈને બોલ્યો.
“ના...હું તો આવાની...!”
બંને સામસામે જિદ્દે ચઢ્યા.
***
“અરે યાર લાવણ્યા હજી ના આવી....!?”ડ્રામા સ્ટુડિયોમાં અન્ય સ્ટુડન્ટ્સ સાથે યૂથ ફેસ્ટિવલની તૈયારી કરી રહેલી અંકિતા બબડી “કેટલું લેટ થયું યાર....!”
“રેમ્પ વોકની ફાઇનલ પ્રેક્ટિસ થઈ જાય....! એટ્લે બસ...!” ફેસ્ટિવલમાં ભાગ લેનાર એક અન્ય છોકરી નિરાલી બોલી “એને ફોનતો કર....! ખબર પડે....! કેટલે છે...!”
“હમ્મ....!” અંકિતાએ તેનાં જીન્સના પોકેટમાંથી તેનો ફોન કાઢ્યો અને લાવણ્યાનો નંબર ડાયલ કર્યો.
“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.
***
“લવ...! પ્લીઝ મારી વાત માનને....!” ક્યારનો લાવણ્યાને મનાઈ રહેલાં સિદ્ધાર્થે દયામણું મોઢું કરીને ફરીવાર કહ્યું.
“જાન....! હું તને કયારની સમજાવું છું....! તું ટેન્શન નાં લઇશને....! હું જોઈ લઈશ બધું....! હમ્મ....! આ ટાઈમ પસાર થઇ જવા દે...!” સિદ્ધાર્થનાં ગાલે હાથ મૂકીને લાવણ્યા વ્હાલથી બોલી.
“આ ટાઈમ પસાર થઇ જવા દે...!” વિકટના જ શબ્દો લાવણ્યાએ બોલતાં સિદ્ધાર્થ તેણી સામે હેલ્પલેસ ચેહરે જોઈ રહ્યો.
તે સમજી ગયો કે લાવણ્યા પોતાની જિદ્દ નઈ છોડે.
“અને હવે...! તું મારી વાત સાંભળ...! મારે તને કઈંક કે’વું છે...!” લાવણ્યા રમતિયાળ સ્મિત કરીને બોલી.
“ટ્રીન....ટ્રીન....ટ્રીન.....!” ત્યાંજ લાવણ્યા અને સિદ્ધાર્થ બંનેનાં ફોનની રિંગ એક સાથે વાગી.
“અંકિતાનો ફોન છે....!” લાવણ્યાએ તેનાં મોબાઈલમાં નંબર જોઈને કહ્યું.
“મામાનો ફોન....!” સિદ્ધાર્થ આંખો મોટી કરીને બોલ્યો “બાપરે...! સાડાં નવ થઈ પણ ગ્યાં....!”
પોતાનાં કાંડે પહેરેલી વોચમાં ટાઈમ જોઇને સિદ્ધાર્થ બોલ્યો.
“હવન શરૂ થવાનો ટાઈમ થઈ ગ્યો....! લવ....! મ્મ મારે નીકળવું પડશે...! મામા એટ્લેજ ફોન કરે છે...! હું જાવ હોં....! બાય....!”
“અરે...અરે....! પણ મારી વાત અધૂરી છે....!” લાવણ્યાએ અંકિતાનો ફોન રિસીવ કર્યા વિના કટ કર્યો અને સિદ્ધાર્થનો હાથ પકડીને તેને રોક્યો.
“લવ....! અત્યારે નઈ હોં....! સાડાં નવતો અંહિયાં જ થઈ ગ્યાં....! હું નઈ પોં’ચું....! તો મામાં કકળાટ કરશે...!” સિદ્ધાર્થ ઉતાવળાં સ્વરમાં બોલ્યો “સાંજે મળીએ ત્યારે કે’જે....હોં...!”
“બધાંની વચ્ચે કે’વાય એવી વાત નથી પણ બેબી...!”
“તો...તો આપડે યૂથ ફેસ્ટિવલનો આજનો ઇવેન્ટ પૂરો થાય એ પછી રિવરફ્રન્ટ જઈશું...! બસ...! ત્યાં કઈ દેજે....! અને હાં....!” સિદ્ધાર્થે હવે ફરીવાર લાવણ્યાના ગાલ ખેંચ્યાં “રિવર ફ્રન્ટ ઉપર તારે મને જેટલાં બચકાં ભરવાં હોય એટલાં ભરી લેજે બસ....! પણ અત્યારે મને જવાંદે....!”
“લાલચ આપે છે મને....!? હમ્મ...!?” લાવણ્યાએ હવે સિદ્ધાર્થનું મોઢું પકડી લીધું અને કાલી ભાષાંમાં બોલી “બચકાંતો હું તને માલું જ્યાલે મન થાય ત્યાલે ભલીશ....! ઉમ્મ...!”
લાવણ્યાએ ફરી એકવાર જોરજબરદસ્તીથી સિદ્ધાર્થના હોંઠ ઉપર ચુંબન કરી લીધું.
“હવે બાય હોં....!” મલકાતાં-મલકાતાં સિદ્ધાર્થ એટલું કહીને પાછો ફર્યો અને ઉતાવળાં પગલે કોલેજના ગેટ તરફ જવાં લાગ્યો.
“તારું બાઈક ક્યાં ગયું...!?” લાવણ્યાએ જઈ રહેલાં સિદ્ધાર્થને મોટેથી બોલીને પૂછ્યું.
“હું બરોડાંથી કાર લઈને આયો તો....!” ચાલતાં-ચાલતાં પાછાં ફરી સિદ્ધાર્થે કહ્યું અને એક ફ્લાઇંગ કિસ આપી.
ખુશ થઈને ઊછળી પડેલી લાવણ્યાએ પણ વળતી એક ફ્લાઇંગ કિસ આપી.
ગેટની બહાર પાર્ક કરેલી કાર તરફ જતાં-જતાં સિદ્ધાર્થ બાળકોની જેમ ઊછળકુદ કરતી લાવણ્યાને યાદ કરી મલકાઈ રહ્યો.
કારમાં બેસીને તે પાર્ટી પ્લોટ જવા લાગ્યો. આખો દિવસ લાવણ્યા, તેણી સાથે આગલી રાતે વિતાવેલી ક્ષણો, યુથ ફેસ્ટીવલમાં નેહા શું કરવાની હશે..વગેરે વિચારોથી તે ઘેરાયેલો રહેવાનો હતો.
“આ ટાઈમ પસાર થઇ જવા દે...!” લાવણ્યાનાં અવાજમાં તે શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં.
હવે તેને આ વાત સાચી લાગી રહી હતી કે જ્યારે સમય સાથ ના આપે તો તેનાં વહેણમાં વહી જઈને તેને પસાર થઈ જવા દેવો જોઈએ.
***
“સમજાઈ ગયું બધાંને...!?” નેહાએ વારાફરતી બધાં સામે જોઈને પૂછ્યું.
લાવણ્યા સહિત બધાંએ હકારમાં ડોકું ધૂણાવ્યું.
ડ્રામા સ્ટુડીઓમાં યુથ ફેસ્ટીવલની પ્રેક્ટીસ કરી રહેલા લાવણ્યા સહિત અન્ય બધાં સ્ટુડન્ટસ નેહાની આજુબાજુ સર્કલમાં બેઠાં હતાં. લાવણ્યા અને અંકિતા નેહાની સામે બેઠી હતી.
યુથ ફેસ્ટીવલમાં લાવણ્યા, અંકિતા સહીત અન્ય ગર્લ્સે કેવી રીતે રેમ્પ વોક કરવાનું છે એ વિષે નેહા ક્યારની તેઓને સમજાવી રહી હતી. એ પ્રમાણેની પ્રેક્ટીસ પણ તેઓ ક્યારના કરી રહ્યાં હતાં.
“અરે..! અંકિતા...! આ તો ગઈકાલનાં ગરબાંનો pic છેને....!?”
ત્યાંજ નેહાની જોડે જ બેઠેલી નિરાલીએ તેનાં ફોનમાં અંકિતાની ફેસબૂક વૉલ ઉપર અંકિતાએ પોસ્ટ કરેલાં નવમા નોરતાંનો ગ્રૂપ સેલ્ફી ફોટો બતાવતાં કહ્યું.
“નેહા...! તું કેમ નથી આ ફોટાંમાં....!?” નિરાલીએ પોતાનાં ફોનની સ્ક્રીન નેહા તરફ ધરી “તું પણ છેજને આ લોકોનાં ગ્રૂપમાં...!?”
“સિદ્ધાર્થ....!?” નેહાનાં ચેહરાનો જાણે રંગજ ઊડી ગયો હોય એમ તે આંખો મોટી કરીને નિરાલીનાં ફોનમાં ફોટોને જોઈ રહી અને હોંઠ ફફડાવતી મનમાં બબડી.
ફોટોમાં લાવણ્યાની જોડે સિદ્ધાર્થ પણ ઊભો હતો. લાવણ્યાએ તેનું બાવડું પકડી રાખ્યું હતું અને ચોંટીને સિદ્ધાર્થની જોડે પોઝ આપ્યો હતો.
નેહાનાં ચેહરા ઉપર બદલાઈ ગયેલાં ભાવોને અંકિતા જોઈ રહી. ગભરાઈ ગયેલી લાવણ્યા નેહા સામે જોઈ બેઠાં-બેઠાં ધ્રૂજવાં લાગી અને અંકિતા સામે જોવાં લાગી.
“હું બીઝી હતી....!” નેહાએ પોતાનાં ચેહરા ઉપરનાં ભાવોને શક્ય એટલાં છુપાવતાં ઠંડા સ્વરમાં કહ્યું “ચાલો....! હવે રિહર્સલ કરીએ....!”
એટલું કહીને નેહા ઊભી થઈ ગઈ. એક-બીજા સાથે ઇશારામાં વાત કરવાનો પ્રયત્ન કરી રહેલાં લાવણ્યા અને અંકિતા સહિત બીજાં બધાં પણ ઊભાં થઈ ગયાં અને સ્ટેજ તરફ જવાં લાગ્યાં.
“તે જોયું....!?” સ્ટેજ તરફ જતાં-જતાં અંકિતાએ લાવણ્યાને ધીરેથી પૂછ્યું.
“હાં....! જોયું...!” લાવણ્યા નેહાનો ચેહરો યાદ કરતાં બોલી.
“શું જોયું....!?” અંકિતા જાણે ખાતરી કરતી હોય એમ પૂછ્યું.
“મને લાગે છે કે એને નો’તી ખબર કે ગઈકાલે સિદ્ધાર્થ અમદાવાદ હતો અને આપડી જોડે ગરબાંમાં હતો....!” લાવણ્યાએ કીધું.
“Exactly…..!” અંકિતાએ ભારપૂર્વક કહ્યું.
“મનેતો લાગે છે કે નેહા હવે બધાની વચ્ચે આપડો ભવાડો કરશે....!” લાવણ્યા હવે સ્ટેજનાં પગથિયાં પાસે અટકીને ગભારાતાં-ગભરાતાં બોલી.
“અરે તું ચિંતા નાં કર....! હું છુંને ....!” હવે અંદરથી ગભરાઈ રહેલી અંકિતા પરાણે લાવણ્યાને હિમ્મત આપતાં બોલી.
પ્રેક્ટીસ કરવા માટે બધાં સ્ટેજ તરફ જવા લાગ્યાં.
“તું અમદાવાદ આઈ ગ્યો...ને મને કીધું પણ નઈ....!” ગરબામાં લાવણ્યા જોડે ચીપકીને ઉભેલા સિદ્ધાર્થનો ફોટો યાદ કરીને નેહા મનમાં બબડી.
તેનું મગજ અંગારાની જેમ તપી રહ્યું હતું છતાંય તે કશું બોલ્યાં વગર પોતાનો ગુસ્સો શાંત કરવાનો પ્રયત્ન કરી રહી હતી. તેને એજ ક્ષણે સિદ્ધાર્થને કૉલ કરીને ઝઘડી લેવાનું મન થઇ આવ્યું.
“નાં...આજે રિવેન્જનો છેલ્લો દિવસ છે...!” નેહા પોતાને શાંત કરાવતી હોય એમ બબડી “આજે નઈ...! મારું કે સિદ્ધાર્થનું મન...આજે રિવેન્જમાંથી ડાયવર્ટ નઈ કરવું...!”
***
“ખબર નઈ...એના મગજમાં શું ચાલતું હશે...!” હવનમાં બેઠેલો સિદ્ધાર્થ વિચારી રહ્યો હતો.
યુથ ફેસ્ટીવલને લઈને નેહાના મનમાં શું પ્લાનિંગ હશે એ વિષે સિદ્ધાર્થ હજી કશું નહોતો જાણતો. સાંજ પડવા આવી હતી ને હવન લગભગ પૂરું થવા આવ્યું હતું. જેટલી વિધીમાં સિદ્ધાર્થે સુરેશસિંઘ સાથે બેસવાનું હતું એ પણ હવે પૂરું થઇ ગયું હતું. છતાંય, હવન પૂરો થાય ત્યાં સુધી હાજર રહેવું જરૂરી હોવાથી સિદ્ધાર્થ સુરેશસિંઘની પાછળ બેઠો હતો.
આગળ હવન કુંડની સામે બેઠેલાં સુરેશસિંઘ અને સરગુન બેન હવન કરાવી રહેલાં પુરોહિતના કહ્યાં પ્રમાણે હવન કુંડમાં આહુતિ હોમી રહ્યાં હતાં.
“એને મેસેજ કરીને પૂછી જોઉં...!?” સિદ્ધાર્થે મનમાં વિચાર્યું અને પોતાનાં મોબાઈલમાં whatsapp ખોલી નેહાને મેસેજ કરવા લાગ્યો.
Whatsapp ખોલતાં જ ઉપર તેને લાવણ્યાના મેસેજીસ જોયા. દિવસ દરમિયાન સિદ્ધાર્થ સમય મળતાં લાવણ્યા સાથે મેસેજમાં વાતો કરતો હતો. મોટેભાગે લાવણ્યા કિસ કરતાં, હાર્ટશેપ વગેરે રોમેન્ટિક સ્માઈલીઝ મોકલ્યા કરતી. સિદ્ધાર્થ પણ વળતો રીપ્લાય આપતો રહેતો. હવનમાં આજુબાજુ બધાં હોવાને લીધે સિદ્ધાર્થે તેણી સાથે કૉલ ઉપર વાત કરવાનું ટાળ્યું હતું.
લાવણ્યાએ મોકલેલા મેસેજ વાંચ્યા વગર સિદ્ધાર્થે નેહાને મોકલવા મેસેજ ટાઈપ કરવા માંડ્યો. કેવી રીતે નેહાને પૂછવું એ અંગે વિચારવા તે સહેજ અટક્યો અને પછી કંઈક સુઝતા જ તેણે મેસેજ ટાઈપ કરવા લાગ્યો.
“આજે સાંજે યુથ ફેસ્ટીવલમાં મારે શું પરફોર્મ કરવાનું છે..!?”
મેસેજ ટાઈપ કરીને સેન્ડ કરી સિદ્ધાર્થ કેટલીક ક્ષણો તે મેસેજ જોઈ રહ્યો.
નેહા ઓફલાઈન હોવાથી મેસેજનો રીપ્લાય તાત્કાલિક ના આવ્યો. મોબાઈલ પાછો ખિસ્સામાં મૂકી સિદ્ધાર્થ આગળ બેઠેલાં સુરેશસિંઘ અને સરગુનબેનની વચ્ચેની જગ્યામાંથી દેખાતી હવનની અગ્નિની જ્વાળાઓ સામે શૂન્યમનસ્ક જોઈ રહ્યો.
કંઈક આવી જ આગની જ્વાળાઓ આજે નેહાના મનમાં પણ ઉઠતી હશે એ સિદ્ધાર્થ જાણતો હતો અને એ જ્વાળાઓ લાવણ્યાને અને પોતાને પણ કેટલીક દઝાડશે એ વિષે સિદ્ધાર્થને કોઈ જ અંદાજો નહોતો આવી રહ્યો.
****
સાંજના લગભગ પાંચ વાગવાં આવ્યાં હતાં. યૂથ ફેસ્ટિવલનો ઇવેન્ટ શરૂ થાય એ પહેલાં ઘરે જઈને ફેશ થવા અંકિતાની એક્ટિવાં ઉપર બેસીને બંને લાવણ્યાના ઘરે જઈ રહ્યાં હતાં.
“મને તો હજીયે નવાઈ લાગે છે...!” એક્ટિવાં ચલાવતાં- ચલાવતાં અંકિતાએ પાછળ બેઠેલી લાવણ્યાને કહ્યું “નેહાએ કઈજ કર્યું નઈ.....! ગરબાનો ફોટો જોયાં પછી પણ એ shock થઈ ગઈ’તી....!”
લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર સાંભળી રહી અને આજુબાજુ પસાર થતાં દ્રશ્યોને જોઈ રહી.
“મે નોતું કીધું....! સિદ્ધાર્થ અને નેહા એકબીજાની નજીક આઈ ગ્યાં છે....! અને તારા અસ્તિત્વથી નેહાને હવે કોઈ ફેર નથી પડતો....!” લાવણ્યાએ કઈંના બોલતાં અંકિતાએ આગળ કહ્યું “પણ હવે એવું લાગે છે કે સિદ્ધાર્થ નેહાને ભાવ નથી આપતો...! એટ્લે કદાચ નેહા તારી જોડે છુપું કોમ્પિટિશન કરી રહી હોય એવું લાગે છે....!”
વિચારે ચઢી ગયેલી લાવણ્યા એક્ટિવાંની આગળ જઈ રહેલાં વાહનો જોઈ રહી.
“કદાચ તારી વાત સાચી હોઈ શકે છે....!” થોડીવાર લાવણ્યા છેવટે બોલી “સિદ પણ આજે મને યૂથ ફેસ્ટિવલમાં આવવાની ના પડતો હતો....!”
“કેમ....!?” અંકિતાએ હળવાં આશ્ચર્યથી પૂછ્યું.
લાવણ્યા ફરીવાર મૌન થઈ ગઈ અને સિદ્ધાર્થ સાથે સવારે પાર્કિંગ શેડમાં થયેલી વાતચિત યાદ કરી રહી.
“કેમ...!? એ તો મેં સિદને નઈ પૂછ્યું....!” વાત ટાળવાં લાવણ્યા ખભાં ઉલાળતાં બોલી “હવે અમે બેય બવ ક્લોઝ થઈ ગ્યાં છે....! અને સિદ મને લવ કરે જ છે....! અને રહી વાત યૂથ ફેસ્ટિવલમાં નઈ જવાની....! તો હું તો જવાનીજ.....! જે થવું હોય એ થાય...!”
લાવણ્યાનો જવાબ સાંભળીને અંકિતા મૌન થઈ ગઈ અને એક્ટિવાં ડ્રાઇવ કરી રહી.
“કઈં સમજાતું નથી....!” એક્ટિવાં ચલાવી રહેલી અંકિતા મનમાં બબડી રહી “સિદ્ધાર્થે લાવણ્યાને યૂથ ફેસ્ટિવમમાં જવાની ના કેમ પાડી....!?”
એકસાથે અનેક વિચારો હવે અંકિતાનાં મનને ઘેરી વળ્યાં.
“નેહાનું સિદ્ધાર્થને મેરેજ માટે નાં પાડવી....!”
“લાવણ્યા અને સિદ્ધાર્થનું એકબીજાની ક્લોઝ થવું....!”
“નેહાનું ફરીવાર મેરેજ માટે “હા...!” પાડવું.....!”
“સિદ્ધાર્થનું બરોડાં જવું....! બરોડાં જાય ત્યારે લાવણ્યાનાં ફોન નાં ઉપાડવા.....! મેસેજનો રિપ્લાય ના કરવો....! કે સામેથી જવાબ નાં આપવો....!”
“નેહા જોડે આખો દિવસ શોપિંગ, મૂવીમાં સ્પેન્ડ કરવો....!”
“નાની-નાની વાતે ઝગડા કરનારી નેહાનું વર્તન અચાનક બદલાઈ જવું....!”
“ જાણે લાવણ્યાની જોડે છૂપું કોમ્પિટિશન કરતી હોય એવાં કપડાં પહેરવાં....!”
“આખરે વાત શું હશે....!?”
અચાનક કઈંક વિચાર આવી જતાં અંકિતાનાં શરીરમાં હળવી ધ્રુજારી આવી ગઈ.
“ક્યાંક એવું તો નથીને.....! કે શાંત થઈ ગયેલી નેહા....! અચાનક કોઈ મોટું તોફાન લઈને તો નઈ આવેને....!”
***
“ખટાક.....ચરરર......!”
પોતાનાં વોર્ડરોબનો દરવાજો ખોલીને નેહા સામે દેખાતી વસ્તુ તરફ જોઇને શૂન્યમનસ્ક ઉભી રહી. છેલ્લાં કેટલાય મહિનાઓથી તે આ વસ્તુ તરફ રોજે જોતી હતી. આ વસ્તુ જાણે તેના રોજના જીવનનો એક ભાગ બની ગઈ હતી.
યુથ ફેસ્ટીવલ શરુ થવાને હવે ગણતરીનો સમય બચ્યો હતો. યુથ ફેસ્ટીવલના ઇવેન્ટમાં જવા તૈયાર થવા તે ઘરે આવી હતી. તૈયાર થઈને હવે તે નીકળવા જઈ રહી હતી. સિદ્ધાર્થે મેસેજમાં પુછેલા સવાલનો પણ તેણીએ જાણી જોઇને કોઈ આન્સર નહોતો આપ્યો.
“ઝીક્ર તુમ્હારા જબ જબ હોતાં હે....! ઝીક્ર તુમ્હારા જબ જબ હોતાં હે....!”
આરવે ગાયેલાં એ સોન્ગના શબ્દો અને એ વખતનો આરવનો ચેહરો તેણી સામે તરવરી ઉઠ્યો. સાથે સાથે આરવના કપાયેલા પગ વખતના દિવસોનો આરવ પણ. એ ગોઝારી ઘટના યાદ આવી જતાં નેહાનો ચેહરો નફરત, ક્રોધ, ઘૃણા જેવાં અનેક ભાવોથી “ખરડાઈ” ગયો. તેણીના ધબકારા વધી ગયાં. તેણે પોતાનો ચેહરો સખત કર્યો અને વોર્ડરોબમાં મૂકેલી એ વસ્તુને હાથમાં લીધી.
“વિથ લવ....! “ મરોડદાર અક્ષરોમાં લખેલું એ લખાણ નેહા મનમાં વાંચી રહી “ફ્રોમ લાવણ્યા....!”
મરોડદાર અક્ષરોમાં લખેલું લાવણ્યાનું નામ વાંચતાંજ નેહાની આંખોમાં લોહી ધસી આવ્યું.
એ આરવનું ગિટાર આરવનું હતું જે તે કાયમ પોતાની જોડે જ રાખતો હતો.
****
સાતેક દિવસ ચાલનારાં યૂથ ફેસ્ટિવલનાં ઇવેન્ટનું આયોજન ગુજરાત યુનિવર્સિટીનીજ સંલગ્ન એલડી કોલેજનાં વિશાળ ગ્રાઉંડમાં કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત યુનિવર્સિટી હેઠળ આવતી હોય એવી અમદાવાદની લગભગ વીસથી વધુ કોલેજનાં સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો.
વિશાળ લંબચોરસ સ્ટેજને રંગબેરંગી સ્પોટલાઇટ્સથી સજાવાયું હતું. સ્ટેજની ડાબી બાજુ બેકસ્ટેજનાં રેડ પડદાંની જોડે કોર્નરમાં ઇવેન્ટનું એન્કરિંગ કરનાર એન્કર માટે લાકડાંનું ઊભું માઇક બોક્સ મુકાયું હતું. સ્ટેજની સામે મેદાનમાં કોલેજોનાં ટ્રસ્ટીઝ, પ્રિન્સિપાલ્સ, ટીચર્સ, વગેરેને બેસવાં માટે લાંબા રેડ ગાદીવાળાં સોફાં રખાયાં હતાં. સોફાંની સૌથી આગળની રૉ VVIP મહેમાનો માટે અનામત રખાઈ હતી. યૂથ ફેસ્ટિવલનાં ઇવેન્ટનું ઓપનિંગ પરંપરાગત રીતે સરસ્વતી દેવીની પુજા અને મંત્રોચ્ચારની વિધિ વડે ગુજરાતનાં શિક્ષણમંત્રીશ્રીનાં હસ્તે કરાયું હતું.
બધાંની પાછળ ઓડિયન્સ માટે બેસવાની વ્યવસ્થા પણ કરાઇ હતી. જોકે ઓડિયન્સમાં મોટેભાગે કોલેજોનાં એ સ્ટુડન્ટ્સ હતાં જેમણે યૂથ ફેસ્ટિવલમાં ભાગ નોહોતો લીધો પણ તેઓ ઇવેન્ટ જોવાં આવ્યાં હતાં. ઉત્સાહમાં આવી ગયેલાં મોટાભાગનાં સ્ટુડન્ટ્સ બેસવાંની જગ્યાએ ઊભાં-ઊભાં હાથ ઊંચા કરી ચિચિયારીઓ પાડી રહ્યાં હતાં અને કુદકાં ભરી રહ્યાં હતાં. મેદાનમાં આજુબાજુ યૂથ ફેસ્ટિવલને સ્પોન્સર કરનાર અલગ-અલગ સ્પોન્સરોનાં એડ્સ લાગેલાં હતાં. એમજ નાસ્તાં-પાણી માટે પણઅનેક સ્ટૉલ્સ લાગેલી હતી.
મસ્ત-મજાની રેડ કલરની લૉવેઈસ્ટ સાડીમાં સજ્જ એ ખૂબસૂરત એન્કરનું નામ અવંતિકા હતું જે અમદાવાદની નામાંકિત સેંન્ટ ઝેવિયર કોલેજની સ્ટુડન્ટ હતી. તે જ્યારે-જ્યારે સ્ટેજ ઉપર એન્કરિંગ કરવાં આવતી, તેને જોઈને ભીડમાં હાજર કેટલાંય યુવાનો સિટીઓ મારતાં અને ચિચિયારીઓ પાડતાં. એક પછી એક અલગ અલગ કોલેજના સ્ટુડેન્ટસનું ધમાકેદાર પર્ફોર્મન્સ ચાલી રહ્યું હતું. એચ એલ કૉલેજના પણ કેટલાક પર્ફોર્મન્સ થયાં હતાં.
****
“ઓહો..હો....લેટ થઈ ગ્યું..લેટ થઈ ગ્યું....!” એલ ડી એન્જીનિયરીંગ કૉલેજના યૂથ ફેસ્ટિવલના ઇવેન્ટ માટે બનવાયેલા પાર્કિંગમાં કાર પાર્ક કરવાં અંદર એન્ટર થતાં સિદ્ધાર્થ બબડ્યો.
હવન પતાવીને ઘરે ગયા પછી સિદ્ધાર્થને ન્હાઈ ફ્રેશ થઈ યૂથ ફેસ્ટિવલના ઇવેન્ટમાં આવતાં-આવતાં લેટ થઈ ગયું હતું. પીક અવર્સનો ટ્રાફિક પણ વધારે હોવાથી સિદ્ધાર્થ એલડી કૉલેજ પહોંચતાં-પહોંચતાં કંટાળી ગયો હતો.
“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ કારના ડેશ બૉર્ડ ઉપર પડેલો તેનો મોબાઈલ રણક્યો.
“લાવણ્યાનો જ હશે....!” મોબાઈલ હાથમાં લેતાં-લેતાં સિદ્ધાર્થ બબડ્યો.
સ્ક્રીન ઉપર લાવણ્યાનો નંબર જોતાંજ તેનાં હોંઠ ઉપર હળવું સ્મિત આવી ગયું.
“હાં બોલ...!” કૉલ રિસીવ કરીને સિદ્ધાર્થ બોલ્યો.
“ક્યાં છે તું છોકરાં...!? હજી ના આયો....!?” સામેથી લાવણ્યા ફરિયાદી સૂરમાં બોલી.
“અરે આઈ ગ્યો....પાર્કિંગમાં જ છુ...!” સિદ્ધાર્થ બોલ્યો.
“દર વખતે રાહ જોવડાવે છે તું તો....!” નાના બાળકની જેમ લાવણ્યા નારાજ થઈ.
“સોરી લવ...! હવનમાં જ મોડું થઈ ગ્યું....!” સિદ્ધાર્થ તેણીને મનાવતો હોય એમ બોલ્યો.
“હમ્મ...જલ્દી આય અવે....!” લાવણ્યા બોલી.
“સારું...આયો બસ....!” સિદ્ધાર્થ બોલ્યો અને કૉલ કટ કર્યો.
વિશાળ પાર્કિંગ પ્લોટમાં અનેક સાધનોની વચ્ચેથી કાર ચલાવી સિદ્ધાર્થ પાર્કિંગ માટે જગ્યા શોધી રહ્યો.
“પછી જતી વખતે ઝડપથી કાર કાઢી શકાય...એ રીતે મૂકું...!” જગ્યા જોતાં-જોતાં સિદ્ધાર્થ બબડ્યો.
પંદરેક મિનિટ જેટલું ખાસ્સું શોધ્યા પછી છેવટે તેને કાર માટે ખાલી જગ્યા મળી. પાર્કિંગમાં કારવ્યવસ્થિત લગાવી તે કારમાંથી બહાર નીકળ્યો અને કારને લોક કરવા લાગ્યો.
કાર પાર્ક કરીને તે ઝડપથી ઇવેન્ટ તરફ જવા લાગ્યો.
“પંદર-વીસ મિનિટ તો અહિયાં જ થઈ ગઈ...!” લાવણ્યા સાથે વાત કરે એટલો ટાઈમ વીતી જતાં સિદ્ધાર્થ ઉતાવળા પગલે જતાં-જતાં બબડ્યો.
ખાસ્સું ચાલીને તે પાર્કિંગમાંથી ઇવેન્ટ માટેના ગ્રાઉન્ડમાં આવ્યો.
“બાપરે...આટલી બધી ભીડ...!” ચિક્કાર ભરેલાં મેદાનમાં જામેલી મેદનીને જોતાં જ સિદ્ધાર્થ બબડ્યો.
ત્યાંજ ઊભા રહીને તેણે દૂર દેખાતા સ્ટેજ તરફ નજર નાંખી.
“આટલી બધી ભીડમાં તને ક્યાં ગોતું...!?” સિદ્ધાર્થ બબડ્યો અને લાવણ્યાને કૉલ કરવા લાગ્યો.
સ્ટેજ ઉપર અત્યારે એન્કરિંગ કરી રહેલી છોકરી બોલી રહી હોવાથી ઘોંઘાટ ઓછો હતો.
“બોલને જાન.....!” લાવણ્યાએ ધીરેથી કહ્યું.
“ક્યાં છો તમે લોકો....!?” સિદ્ધાર્થે પૂછ્યું.
“રૂમમાં....!” લાવણ્યાએ ધીરેથી કહ્યું.
“અચ્છા....! તો હું આવું છું....!” સિદ્ધાર્થ ઉતાવળા સ્વરમાં બોલ્યો.
“નાં...નાં...! અરે અહિયાં બધી ગર્લ્સ તૈયાર થાય છે....! કોઈએ સરખાં કપડાં પણ નઈ પે’ર્યા....!” લાવણ્યા નાના બાળકની જેમ બોલી “મને નાં ગમે તું બીજી છોકરીઓને આવાં અડધાં કપડાંમાં જોવે....!”
“તો.....!? હવે....!?” સિદ્ધાર્થે મૂંઝાઇને પૂછ્યું.
“એક કામ કરને....! તું સ્ટેજ પાસેજ જાને....! અમારો રેમ્પ વૉકનો ટાઈમ થઈજ ગ્યો છે....!” લાવણ્યા બોલી “હું ઈચ્છું છું.... કે તું મને રેમ્પ ઉપર જોવે....!”
“સારું....! તો આપડે તારું રેમ્પ વૉક પતે એ પછી મલીએ....! બાય...!”
“કિસી તો આપ....! બેસ્ટ ઓફ લક માટે..!?” લાવણ્યા કાલી ભાષાંમાં બોલી.
“ઉમ્મા....! બસ....! બાય....!” મલકાઈને સિદ્ધાર્થે લાવણ્યાને ફૉન ઉપર જ કિસ આપી.
“ઉમ્મા.....!” લાવણ્યાએ પણ ફોન ઉપર સિદ્ધાર્થને “કિસ” આપી અને કૉલ કટ કર્યો.
“પાગલ છોકરી...હી...હી...!” હસતાં-હસતાં સિદ્ધાર્થ સ્ટેજની નજીક જવા માટે મેદાનની સાઈડમાંથી જવા લાગ્યો.
મેદાનની એકબાજુ લાગેલા ફૂડ સ્ટોલ આગળ ભીડ ઓછી હોવાથી સિદ્ધાર્થને સ્ટેજ તરફ જતાં-જતાં હાશ થઈ.
“પાણીની એક બોટલ લઈ લઉ...!” ચાલતા-ચાલતા વિચારી તે એક ફૂડ સ્ટૉલ તરફ વળી ગયો.
ત્યાં જઈને તેણે એક પાણીની બોટલ લીધી અને ઢાંકણું ખોલીને પીતા-પીતા તે પાછો સ્ટેજ તરફ જવા ચાલવા લાગ્યો.
“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ત્યાંજ ફરીવાર તેનો મોબાઈલ રણક્યો.
“ઓહો....આ છોકરીને તો સે’જેય ધીરજ નઈ રે’તી....!” હસતાં-હસતાં સિદ્ધાર્થે પાછો પોતાનો મોબાઈલ કાઢ્યો.
“નેહા....!?” સ્ક્રીન ઉપર નેહાનો નંબર જોતાં જ સિદ્ધાર્થનું સ્મિત વિલાઈ ગયું.
“ફૉન તો ઉપાડવો જ પડશે....!” નિરાશામાં માથું ધૂણાવીને સિદ્ધાર્થ બબડ્યો અને નેહાનો કૉલ રિસીવ કર્યો.
“બોલ...!”
“છોકરાઓના રૂમમાં આય....! ચોવીસ નંબર....!” સામેથી નેહાએ સીધું જ કહ્યું “તારાં પર્ફોર્મન્સનો નંબર આવાનો છે...!”
“યાર...હું કઈં એટલો સારો સિંગર નથી....” સિદ્ધાર્થ બહાનું બતાવતાં બોલ્યો.
“ડોન્ટ વરી....! ઓટોટ્યુનવાળું જ માઇક છે.....!” નેહા બોલી “એટ્લે જે લોકોને વોઈસ સરખો ના પણ હોય...તોય ટ્યુન અપ થઈને સારો જ વોઈસ સંભળાય....!”
“કયું સોંગ ગાવાનું છે મારે....!?” ચાલતા-ચાલતા સિદ્ધાર્થે પૂછ્યું.
“એ બધુ કે’વાજ તને બોલાઉ છું...!” નેહા શાંત સ્વરમાં બોલી રહી હતી.
તેના સ્વરમાં રહેલી ગજબની ઠંડક સિદ્ધાર્થને પરેશાન કરી રહી હતી.
“ફટાફટ આય...!” નેહા બોલી.
હુંકારો ભરીને સિદ્ધાર્થે કૉલ કટ કર્યો. તે હવે સ્ટેજની નજીક આઈ ગયો હતો. નેહાને મળવા જવાનું હોવાથી સિદ્ધાર્થ સ્ટેજની પાછળથી નીકળીને સ્ટેજની એક બાજુ થોડે આગળ બનેલા બિલ્ડીંગ તરફ આવી ગયો.
“ટન......! ટન....! ટન.....!” ત્યાંજ તેણે મ્યુઝીકનો અવાજ સાંભળ્યો.
“ઈન આંખો કી મસ્તી કે........! હા....આ.......આ.....!”
અટકીને તેણે સ્ટેજ તરફ જોયું.
“ઈન આંખો કી મસ્તી કે....! મસ્તાને હઝારો હૈ....!”
ઉમરાઓ જાન મૂવીનાં ફેમસ ગીતનાં રિમિકસ વર્ઝન સોંન્ગ ઉપર HL કોલેજની ગર્લ્સ રેમ્પ ઉપર વૉક કરતી-કરતી આવી રહી હતી.
“ઈન આંખો કી મસ્તી કે.....! મસતાને હઝારો હૈ....! મસતાને હઝારો હૈ....!
શરીરની જોડે ચોંટી જતી લૉ વેઈસ્ટ સિલ્ક સાડી, ખુલ્લી રહેતી કમર ઉપર વીંટાળેલી વેઈસ્ટ ચેઈન અને મોઢાં ઉપર થોડાં બેફિકર અને ઘમંડનાં ભાવ. પોતાની નમણી નાજુક કમરને અદાથી લચકાવતી એકથી એક સુંદર છોકરીઓ જેવી રેમ્પ ઉપર આવીને એક પછી એક ઊભી રહી અને પોઝ આપી રહી કે ભીડમાં ઉભેલાં યુવાનોએ સિટીઓ અને બૂમો મારી-મારી આખું વાતાવરણ ગજાવી મૂક્યું. સિદ્ધાર્થની આજુબાજુ ઉભેલાં છોકરાઓ પણ ઉછળી-ઉછળીને ચિચિયારીઓ પાડવા લાગ્યાં. સિદ્ધાર્થે હસીને એક નજર તેમની સામે જોયું પછી પાછું સ્ટેજ સામે જોવા લાગ્યો.
“બાપરે.....આ છોકરી તો જો....!”
છેલ્લે જ્યારે લહેરીયાવાળી સિલ્ક સાડી પહેરેલી લાવણ્યા અને અંકિતા એકબીજાંની સમાંતર રહીને કેટ વૉક કરતી-કરતી આવી અને અને ટી આકારના રેમ્પ ઉપર વારાફરતી પોઝ આપ્યો. સ્વર્ગની કોઈ સુંદર અપ્સરા જેવી લાગતી લાવણ્યાને જોતા જ સિદ્ધાર્થ મલકાઈ ઉઠ્યો. તેને ફરીવાર કારમાં લાવણ્યા સાથે માણેલી એ ક્ષણો યાદ આવી ગઈ. લાવણ્યા અને અંકિતાને જોતા જ મોટાંભાગનાં યુવાનોએ પોતાનાં મોબાઇલનાં કેમેરાં ચાલું કરી ફોટાં-વિડીઓ બનાવવા લાગ્યાં. સિદ્ધાર્થની નજર લાવણ્યા ઉપર ચોંટી ગઈ. માત્ર કેટલીક સેકન્ડ પુરતી રેમ્પ વોકની એ એક્ટમાં લાવણ્યા સહીત અન્ય ગર્લ્સે રીતસરનું કામણ પાથરી દીધું. રેમ્પ વોક કરતાં-કરતાં બધી જ છોકરીઓ વારાફરતી પાછી જવા લાગી.
“પે’લ્લાં લાવણ્યાને મળી લઉ...પછી નેહા જોડે જઉં...!” મલકાતાં-મલકતાં સિદ્ધાર્થ બેક સ્ટેજ જવા લાગ્યો.
ચાલતાં-ચાલતાં તે સ્ટેજ વોક કરીને પાછી જઈ રહેલી લાવણ્યા સામે જોઈ રહ્યો.
“નેહા ખબર નઈ શું કરશે...!?” લાવણ્યાનો માસૂમ ચેહરો યાદ આવી જતાં સિદ્ધાર્થને ચિંતા થઇ આવી.
ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થ બેક સ્ટેજ આવી ગયો. અહિયાં પરફોર્મન્સ આપીને આવેલા અને આપવા માટે પોતાનો નંબર આવવાની રાહ જોનારા સ્ટુડેન્ટસની ભીડ હતી. આ સિવાય તે બધાં જોડે આવેલાં પ્રોફેસરો વગેરે તેમજ તેમને ચીયર કરનારા તેમનાં ફ્રેન્ડસ વગેરે પણ અલગ-અલગ ટોળા વળીને ઉભા હતાં.
બધાંની ભીડ વચ્ચે આમતેમ જોઇને સિદ્ધાર્થ લાવણ્યાને શોધી રહ્યો. થોડું આમતેમ જોયા પછી તેને રેમ્પ વોક કરનારી અન્ય ગર્લ્સની જોડે ઉભેલી લાવણ્યા ઉપર પડી. તે પણ આમતેમ જોઇને ડાફોળિયાં મારી રહી હતી. સિદ્ધાર્થ બોલાવે એ પહેલાં જ લાવણ્યાની નજર તેની ઉપર પડી ગઈ.
“સિદ....! જાન....!” સિદ્ધાર્થને જોતા જ લાવણ્યા મોટેથી બોલી અને આવેગપૂર્વક તેની તરફ દોડી આવીને ઉછાળીને સિદ્ધાર્થને વળગી પડી.
“ક્યાં હતો તું...!? દેખાયોજ નઈ...!? તે મને જોઈ...!? કેવી લાગુ છું હું..!?”
એક સાથે ઘણાં પ્રશ્નો પૂછી લઈ લાવણ્યા ઉત્સાહપૂર્વક ગોળ-ગોળ ફરીને તેણે પહેરેલી લહેરીયાવાળી સિલ્ક સાડી બતાવવાં લાગી.
“બવ મસ્ત લાગે છે....!” લાવણ્યાના ઈનોસંન્ટ ચેહરા સામે જોઈ સિદ્ધાર્થ મૂંઝાયેલાં ચેહરે સહેજ ઢીલાં સ્વરમાં બોલ્યો.
“શું થયું...!? કેમ આવું બોલે છે...!?” લાવણ્યાએ તરતજ સિદ્ધાર્થના ચેહરા ઉપરનો તણાવ પારખી લીધો.
“કઈં નઈ....! માથું દુખે છે...!” સિદ્ધાર્થ એજરીતે બોલ્યો “તું બોલને...! શું કામ હતું...!? તું કઈંક કે’તીતીને....!”
“તો તું પેઈન કીલર લઈ લેને બેબી....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં કપાળે વ્હાલથી હાથ ફેરવ્યો.
“શું કામ હતું મારું..!?” સિદ્ધાર્થે પરાણે હળવું સ્મિત કર્યું અને ફરીવાર પૂછ્યું.
“હું સોંન્ગ ગાતી હોવ.....! ત્યારે તું આગળ નીચે સ્ટેજ પાસે હાજર રઈશ....!?” લાવણ્યાએ દયામણું મોઢું કરીને પૂછ્યું.
“હું રેમ્પ વૉક વખતે પણ ત્યાં જ હતો લવ......!?” સિદ્ધાર્થ બોલ્યો.
“હાં....! પણ તું મને દેખાયો જ નઈ....! મેં કેટલો શોધ્યો....!” લાવણ્યા ફરિયાદ કરતી હોય એમ નાનાં બાળકની જેમ બોલી “એટ્લે કવ છું....! સ્ટેજની આગળજ....! આપડાં ગ્રૂપની જોડે….!”
“સિદ્ધાર્થ....!” સિદ્ધાર્થ બોલવાંજ જતો હતો ત્યાંજ પાછળથી નેહાની બૂમ સંભળાઈ.
નેહાને જોતાં જ લાવણ્યા થોડી ગભરાઈ અને સિદ્ધાર્થથી સહેજ દૂર ખસી ગઈ.
“તારે સોંન્ગનું પર્ફોમન્સ નથી આપવાનું...!?” નેહા બેયની જોડે આવીને ઊભી રહી અને બોલી.
“હાં પણ.... હજીતો વાર છેને....!?” સિદ્ધાર્થ બોલ્યો.
“અરે ક્યાં વાર છે...!” નેહાએ દલીલ કરતાં કહ્યું “હવે બીજી કોલેજીસનાં ખાલી બે પર્ફોમન્સ પછી લાવણ્યાનું સોંગ છે...! અને પછી બીજાં એક પર્ફોમન્સ પછી તારું સોંગ છે...!”
“તું જલ્દી તૈયાર થા...! ચાલ...! જેંટ્સ રૂમમાં...!” નેહાએ કડક સ્વરમાં કહ્યું અને પછી લાવણ્યા સામે જોયું “અને લાવણ્યા...! તારે પણ સોંગ માટે કપડાં બદલવાનાં છેને...! ચલ જલ્દી તું પણ લેડિઝ રૂમમાં ...!”
લાવણ્યાએ હકારમાં ડોકું ધૂણાવ્યું અને નેહા પાછી ફરીને ચાલવાં લાગી.
“સિદ....! તું ત્યાં હાજર રે’જેને...! મારાં સોંન્ગ વખતે...!?” નેહા સહેજ આગળ જતાંજ લાવણ્યા ફરીવાર વિનંતીભર્યા સ્વરમાં બોલી “હું જ....જે સોન્ગ ગાવાની છું......!” ભાવુક થઇ ગયેલી લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલે વ્હાલથી હાથ મુક્યો “એ....એ...તારા માટેજ છે.....! તારા માટે....!”
સિદ્ધાર્થે પરાણે સ્મિત કર્યું.
“હું ....જે પણ....સ્ટેજ ઉપર કઈશ.....! એ પણ તારા માટેજ છે....!” લાવણ્યા એજરીતે આગળ બોલી.
“એટલે....!?” સિદ્ધાર્થ હવે મૂંઝાયો “શું કે’વાની....!?”
“સિદ્ધાર્થ....! કેટલી વાર...!?” જતાં-જતાં નેહાએ પાછાં ફરીને સિદ્ધાર્થને બોલાવ્યો “ચાલ જલ્દી હવે...! લાવણ્યા તું પણ તું લેડિઝ રૂમમાં પહોંચ....! હું આવું છું......!”
“સોરી હાં...! લવ...! ચાલ....! હું જવ...! પછી વાત કરીએ...! હમ્મ...!” પરેશાન ચેહરે સિદ્ધાર્થે એટલું કહ્યું અને ત્યાંથી જવાં લાગ્યો.
“તારાં સોંન્ગ વખતે હું સ્ટેજ પાસે જ નીચે ઊભો રઈશ....! ચોક્કસ...!” સિદ્ધાર્થ જતાં-જતાં પાછું ફરીને સ્મિત કરીને બોલ્યો.
નેહા હજી ત્યાંજ ઊભી હતી. સિદ્ધાર્થ ઉતાવળાં પગલે તેની તરફ જવાં લાગ્યો.
***
“ટ્રીન....ટ્રીન....ટ્રીન..!”
નેહા પાસે પહોંચવા આવેલા સિદ્ધાર્થનો મોબાઈલ રણક્યો.
“પપ્પાનો ફોન છે...!” સ્ક્રીન ઉપર નંબર જોઇને સિદ્ધાર્થે સામે ઉભેલી નેહાને કહ્યું.
“તો તું વાત કરીલે....! હું આ લોકોને મલીને આવું છું...! એમનું પરફોર્મન્સ છે...!” નેહા સહેજ ચિડાઈને બોલી પછી બિલ્ડીંગ તરફ ચાલવા લાગી.
સ્ટેજ બાજુથી આવી રહેલાં ઘોંઘાટથી દૂર જવા સિદ્ધાર્થ ત્યાંથી દૂર ચાલ્યો ગયો.
“હા પપ્પા....!”
થોડે દૂર આવીને તેણે કરણસિંઘનો કૉલ રીસીવ કર્યો.
“શેડની ડીલ ફાઈનલ કરવા માટે મારે બ્રોકર જોડે વાત થઇ છે....!” સામેથી કરણસિંઘ બોલ્યાં “એટલે એગ્રીમેન્ટનો આખો ડ્રાફ્ટ તૈયાર કરવાનો...! જે કેશ પેમેન્ટ કરવાનું છે...એની એમાઉન્ટ પણ થોડી મોટી છે...!”
લગભગ વીસેક મિનીટ સુધી તેમણે શેડને લગતી વાત વિષે ચર્ચા ચલાવી.
“તારે ત્યાં ક્યારે પતે એમ છે..!?” કરણસિંઘે પૂછ્યું.
“અમ્મ....! હજી તો આજે યુથ ફેસ્ટીવલ શરુ થયો છે....!” સિદ્ધાર્થ સહેજ ખચકાઈને બોલ્યો “મારે આજે સિંગિંગમાં જવાનું છે...!”
“એ પતે પછી તારી જરૂર ના હોય ...તો બને એટલો ઝડપી બરોડા આય...!” કરણસિંઘ બોલ્યાં “શક્ય હોય તો હવે અહિયાં પાછો જ આઈજા..!”
“પણ અહિયાં બ્રોકર જોડે ડીલ...!?” અમદાવાદ રોકાવા બહાનું કાઢતો હોય એમ સિદ્ધાર્થ દલીલ કરતાં બોલ્યો.
“હજી ડ્રાફ્ટ એગ્રીમેન્ટ બને એ પછી...!” કરણસિંઘ બોલ્યાં “લગભગ તમારા લગન પછી જ મેળ પડશે...! કેમકે એગ્રીમેન્ટમાં શેડનું માપ લખવાં માટે એન્જીનીયરને રોકવાનો છે....અને એ સર્વે કરી આપે એ પછી વાત આગળ વધે....! પણ આપડે કેશ પેમેન્ટની વ્યવસ્થા કરવાની છે...એટલે તને કીધું...અને મેરેજની તૈયારીઓ પણ...! મેળ પડે...તો કાલે કા મોડામાં મોડું પરમ દિવસે અહિયાં આઈ જ જા....!”
“સારું...!” નિરાશ થયેલો સિદ્ધાર્થ બોલ્યો.
થોડીવાર કરણસિંઘે મેરેજ વગેરેને લગતી અન્ય વાત કર્યા પછી કૉલ કટ કર્યો.
નિરાશ થયેલો સિદ્ધાર્થ ત્યાં જ ઉભા-ઉભા વિચારી રહ્યો.
હવે લાવણ્યાને છોડવાનું તેને બિલકુલ મન નહોતું.
તે વિચારી રહ્યો હતો ત્યાંજ એને એનાઉન્સમેન્ટ સંભળાઈ.
“તો હવે આજનું નેક્સ્ટ પર્ફોમન્સ છે....! સોલો ફિમેલ સિંગિંગ.....! બાય મિસ લાવણ્યા....! ફ્રોમ HL કોલેજ.....!”
ઉતાવળા પગલે સિદ્ધાર્થ પાછો સ્ટેજ પાસે જવા લાગ્યો.
“લાવણ્યાને કીધું ‘તું...કે હું ત્યાં હોઈશ...!” ઉતાવળા પગલે જતાં-જતાં સિદ્ધાર્થ મનમાં બબડ્યો.
ભીડ વચ્ચે જગ્યા કરીને સિદ્ધાર્થ શક્ય એટલું સ્ટેજની નજીક આવ્યો. ત્યાંજ તેણે સ્ટેજની આગળ સહેજ ડાબી બાજુ અંકિતા, કામ્યા, પ્રેમ અને રોનકને જોયા. તેમની જોડે જઈને તે ઉભો રહી ગયો.
“સિદ....!?” સિદ્ધાર્થને જોતાજ ખુશ થઈ ગયેલી કામ્યા બોલી પડી.
ઔપચારિક સ્મિત કરીને સિદ્ધાર્થે સ્ટેજ તરફ જોયું.
સ્ટેજ ઉપર ફરીવાર અંધારું છવાઈ હતું અને ઓડિયન્સમાં શાંતિ પથરાઈ ગઈ હતી.
લાવણ્યા જે સોંન્ગ ગાવાની હતી તેમાં શરૂઆતમાં બેકગ્રાઉંડ મ્યુઝિકમાં પિઆનોની ટ્યુન વાગી. સ્ટેજ ઉપરજ એક સાઇડે લાઈવ બેન્ડ બેસેલું હતું. કોઈ પણ સ્ટુડન્ટ જ્યારે સોંન્ગ ગાતું ત્યારે એ બેડ એ સોંન્ગનું મ્યુઝિક પણ જોડે-જોડે પ્લે કરતું.
સ્ટેજ ઉપર પરફોર્મ કરનાર આર્ટિસ્ટ ઉપર પડતી ગોળ સ્પોટ લાઈટ સિવાય આખાં સ્ટેજ ઉપર અંધારું છવાયેલું રહ્યું અને સ્પોટ લાઈટનાં પ્રકાશમાં હવે સ્ટેજનાં આગળનાં છેડે બ્લેક કલરનાં લાંબા પાર્ટી ડ્રેસમાં લાવણ્યા ઊભેલી દેખાઈ. જ્યારે સ્ટેજ ઉપર અંધારું થયું હતું ત્યારે જ લાવણ્યા ત્યાં આવીને ઊભી રહી ગઈ હતી. ડ્રેસની આગળ નેકલાઈન પાસે લાવણ્યાએ નાનકડું પણ પાવરફૂલ પિન માઈક ભરાવ્યું હતું. પિન માઈકને બ્લ્યુ ટૂથથી ઓડિયન્સને સાંભળવાં મૂકવામાં આવેલાં સ્પીકર્સ સાથે કનેકટ કરેલું હતું. હાથમાં લાંબુ માઇક પકડીને પર્ફોમન્સ આપવું અનકમ્ફર્ટેબલ હોવાથી સિંગિંગ સિવાય પ્લેમાં ભાગ લેનારાં સ્ટુડન્ટ્સ પણ આવાંજ પિન માઇકનો ઉપયોગ કરતાં.
અત્યંત સુંદર તૈયાર થયેલી લાવણ્યાને સિદ્ધાર્થ નિરાશ ચેહરે જોઈ રહ્યો.
“તું આતાં સિનેમે.....! જબ..જબ સાંસે ભરતી હું.....!
તેરે દિલકી ગલીઓ સે....! મેં હર રોઝ ગુઝરતી હું....!”
લાવણ્યાએ તેનાં કર્ણપ્રિય અવાજમાં MS Dhoni મૂવીનું એ સોંન્ગ ગાવાનું શરૂ કર્યું. ગાતાં-ગાતાં લાવણ્યા સ્ટેજની આજુબાજુની ભીડમાં નજર ફેરવી રહી હતી. સિદ્ધાર્થને જોતાજ લાવણ્યા ખૂશ થઇ ગઈ.
સિદ્ધાર્થે પણ પરાણે સ્મિત કર્યું.
લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોઈ રહીને જ સોંન્ગ આગળ ગાયું.
“હું જ....જે સોન્ગ ગાવાની છું......એ....એ...તારા માટેજ છે.....! તારા માટે જ છે...!”
સિદ્ધાર્થને તેણીનાં શબ્દો યાદ આવી ગયાં ને નિરાશ ચેહરે ફરીવાર મલકાયો.
“કૌન તુઝે...યું પ્યાર કરેગાં....! જૈસે મેં કરતી હું.....!
...હા....આ....આ....આ......!”
ધિમાં સુંદર અવાજમાં ગાઈ રહેલી લાવણ્યાનાં અવાજને ઓડિયન્સ સહેજપણ અવાજ કર્યા વિના મંત્રમુગ્ધ થઈને સાંભળી રહી. સિદ્ધાર્થને જોઈને ભાવુક થઈ ગયેલી લાવણ્યાએ હવે એક નજર ઓડિયન્સ તરફ ફેરવી પોતાનાં આવેગો ઉપર કાબૂ મેળવવાં પ્રયત્ન કર્યો.
“મેરી નઝર કા સફર.....!” છેવટે લાવણ્યએ ફરીવાર સિદ્ધાર્થ સામે જોયું અને સોંન્ગની એ લાઈન્સ ગાઈ “તુઝપે હી આકે રૂકે.....!”
“કેહને કો બાકી હૈ ક્યાં......! કેહના થા જો કેહ ચૂકે...!
મેરી નિગાહેં હૈ....! તેરી નિગાહો પે...!
તુઝે ખબર ક્યાં....! બેખબર....!
મેં તુઝસે હી છૂપ-છૂપ કર...! તેરી આંખે પઢતી હું....!”
લાવણ્યા સાથે વિતાવેલી એ દરેક સુંદર ક્ષણોના દ્રશ્યો હવે સિદ્ધાર્થને તેની આંખ સામે દેખાવા લાગ્યાં. ભીની-શૂન્યમનસ્ક આંખે તે લાવણ્યા સામે જોઈ રહ્યો. સોન્ગ ગઈ રહેલી તેણીનો મધુર અવાજ તેને સંભળાઈ રહ્યો હતો.
“જીસ દિન તુઝકો નાં દેખું....! પાગલ-પાગલ ફિરતી હું....!”
“કૌન તુઝે...યું પ્યાર કરેગાં....! જૈસે મેં કરતી હું.....!
...હા....આ....આ....આ......!
...હા....આ....આ....આ......!”
સોંન્ગનું એંન્ડિંગ મ્યુઝિક ગુંજતું રહ્યું.
સોન્ગ પૂર્ણ થતાં લાવણ્યાએ સહેજ માથું નીચે નમાવી ઓડિયન્સ અને જજીસનું અભિવાદન કર્યું.
“આઈ લવ યૂ....!” લાવણ્યા સિદ્ધાર્થ સામે જોઇને બોલી ગઈ.
ઓડીયન્સ તરફથી મળેલાં પ્રતિસાદના અભિવાદન માટે લાવણ્યાએ એ શબ્દો કહ્યાં છે એવું માની ઓડિયન્સે તાળીઓ પાડીને લાવણ્યાનાં પર્ફોમન્સને વધાવી લીધું.
“હું ....જે પણ....સ્ટેજ ઉપર કઈશ.....! એ પણ તારા માટેજ છે....!”
“આઈ લવ યૂ....! આઈ લવ યૂ....!” સિદ્ધાર્થ આશ્ચર્ય પામીને તેણી સામે ભીની આંખે જોઈ રહ્યો.
પોતે કરેલાં એકરારની સામે સિદ્ધાર્થ શું પ્રતિભાવ આપે છે એ જોવાં લાવણ્યા સ્ટેજ ઉપર કેટલીક ક્ષણો અટકી અને સિદ્ધાર્થ સામે જોઈ રહી હતી એ સિદ્ધાર્થ સમજી ગયો.
“ફરીવાર તે સરપ્રાઈઝ કરી દીધો મને...!”
પોતાનાં સ્વભાવ મુજબ સિદ્ધાર્થે એક હળવું પ્રેમાળ સ્મિત આપ્યું. લાવણ્યા ખુશ થઇ ગઈ અને પોતાની આંખના ખૂણા લુંછતી બેક સ્ટેજના દરવાજા તરફ જવા લાગી.
“વન્સ મો.......ર....! વન્સ મો.......ર....!”
ઓડિયન્સમાં ઉભેલાં છોકરાઓ ચિચિયારીઓ પાડી રહ્યાં.
સ્માઇલ કરતી-કરતી એન્કર અવંતિકા માઇક બોક્સ પાસે આવીને ઊભી રહી.
***
“લાવણ્યા....! ઓસ્સમ યાર....! મસ્ત ગાયું તે તો.....!”
લાવણ્યાને મળવા સિદ્ધાર્થ બેક સ્ટેજ પહોંચ્યો ત્યાં તેણે જોયું કે સોન્ગ પરફોર્મન્સ પછી બેકસ્ટેજ લાવણ્યાના ગ્રુપ સહીત HL કોલેજના અન્ય સ્ટુડેંટસ લાવણ્યાને ઘેરી વળ્યાં હતાં.
ભીડમાંથી ઊંચા-નીચા થઈને સિદ્ધાર્થને શોધી રહેલી લાવણ્યાને જોઈ સિદ્ધાર્થ તેણીના ફ્રી થવાની રાહ જોઈ રહ્યો.
“સીદ.....!”
ત્યાંજ તેણીની નજર સિદ્ધાર્થ ઉપર પડતાં જ તે બૂમ પાડી ઉઠી અને તરતજ ભીડ વચ્ચેથી જગ્યા કરીને તેની તરફ દોડી ગઈ.
સિદ્ધાર્થ જોડે પહોંચીને લાવણ્યા તેને વળગીજ પડવાંની ત્યાંજ તેણીની નજર આજુબાજુ ઉભેલાં પોતાની અને અન્ય કોલેજના સ્ટુડન્ટ્સ ઉપર પડી. સિદ્ધાર્થને વળગી પડવાનાં પોતાનાં આવેગોને માંડ કાબૂ કરતી લાવણ્યા તરત જ અટકી ગઈ અને સિદ્ધાર્થની ગરદન ફરતે વિટાળવા ઊઠવેલા પોતાનાં હાથ એકદમ પાછાં ખેંચી લીધાં.
“સિદ.....! ત...તે સંભાળ્યુંને...!?” સિદ્ધાર્થની જોડે પહોંચી જઈને લાવણ્યાએ સજળ આંખે કહ્યું “મ્મ.....! જે કીધું એ.....છેલ્લે....! મેં....ત...તારા માટે કીધું’તું.....!”
“હાં...અ....!”
“આવું ના ચાલે....!? મને એમ કે તે મારાં માટે કીધું’તું....!” સિદ્ધાર્થ બોલવા જ જતો ત્યાં અંકિતાએ લાવણ્યાની પીઠ ઉપર ટપલી મારીને કહ્યું “હું કેટલું ચીયર કરતી’તી તને....! સિદતો ચૂપચાપ ઊભો’તો.....!”
“એ એવોજ છે....! કઈં બોલે નઈ.....!” સિદ્ધાર્થ સામે જોઈ રહીને લાવણ્યા મનમાં બબડી “પોતાની ફીલિંગ્સ કદી એક્સ્પ્રેસ નઈ કરતો.....!”
“શું થયું છે તને....!?” ઉતરી ગયેલાં સિદ્ધાર્થના ચેહરાને જોઈને અંકિતાએ તેને ચિડાવતી હોય એમ પૂછ્યું “કેમ આવું દેવઉદાસ જેવુ મોઢું કરીને ફરે છે....!?”
“અંકલી.....!” લાવણ્યા નારાજ થઈ હોય એમ અંકિતાની સામે જોઈને ધીરેથી બોલી.
“સારું...... સારું.....હું તો એનું મૂડ ઠીક થાય એટ્લે બોલી....!” પોતાનાં બંને કાન પકડી અંકિતાએ સિદ્ધાર્થ અને લાવણ્યા સામે જોઈને કહ્યું.
“અંકિતા છે ...એટલે કંઈ વાત નઈ થાય....બીજા બધાં પણ છે...!” સિદ્ધાર્થે અંકિતા સામે અને આજુબાજુ સ્ટુડન્ટસની ભીડ તરફ જોઇને વિચાર્યું “પછી વાત કરીશ...એમ પણ નેહા ક્યારની મારી રાહ જોતી હશે...!”
“હું જાઉં....! મારે કપડાં ચેઈન્જ કરવાં છે....!” સિદ્ધાર્થ ધીરેથી બોલ્યો “મારાં સોંન્ગનો ટાઈમ થવાં આયો છે....!”
“સ....સિદ...! તું પણ તારી વાત કઈશને....!?” લાવણ્યા એજરીતે ઈમોશનલ સ્વરમાં બોલી “જે રીતે મ્મ...મેં કીધું...!”
કઈંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થે પરાણે હળવું સ્મિત કર્યું. સિદ્ધાર્થનાં જવાબની રાહ જોતી લાવણ્યા તેની સામે આતુર નજરે જોઈ રહી.
મૂંઝાયેલાં ચેહરે કેટલીક ક્ષણો લાવણ્યા સામે જોયાં બાદ પરાણે હકારમાં માથું ધૂણાવી સિદ્ધાર્થ પાછો ફરી જવાં ત્યાંથી લાગ્યો.
તૈયાર થવા માટે જે રૂમમાં આવવાનું નેહાએ કીધું હતું ત્યાં જવા માટે સિદ્ધાર્થ સ્ટેજની સામે બનેલી એ બિલ્ડીંગ તરફ ચાલવા લાગ્યો.
“સ....સિદ...! તું પણ તારી વાત કઈશને....!? જે રીતે મ્મ...મેં કીધું...!” લાવણ્યાના એ શબ્દો સિદ્ધાર્થના કાનમાં પડઘાઈ રહ્યાં હતાં.
બિલ્ડીંગમાં આવીને સિદ્ધાર્થ કોરિડોરમાં ચાલતો-ચાલતો જવા લાગ્યો. સીડીઓ ચઢીને બીજે માળ આવ્યો અને નેહાએ કીધેલા રૂમનો નંબર શોધવા લાગ્યો.
એક રૂમના બારણે નેહાએ કીધેલો નંબર વાંચી સિદ્ધાર્થ તે રૂમમાં જવા લાગ્યો. તેણે પહેલાં હળવેથી રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર જોયું.
“એકલી જ છે....!” અંદર એક વિન્ડો પાસે નેહાને ઉભેલી જોઈ સિદ્ધાર્થ મનમાં બબડ્યો.
તેણીની પીઠ રૂમના દરવાજા તરફ હતી.
“તું બીઝી હોય...તો પછી આઉ....!” અંદર પ્રવેશતા જ સિદ્ધાર્થે પીઠ કરીને ઊભેલી નેહાને કહ્યું.
“ના....!” નકલી સ્મિત કરીને નેહા સિદ્ધાર્થ તરફ ફરી “હું તો આરવે સેન્ડ કરેલો એનો વિડીયો જોતી ‘તી....!”
એટલું કહીને નેહાએ પોતાનો મોબાઈલ સિદ્ધાર્થને આપ્યો.
આશ્ચર્ય પામતાં સિદ્ધાર્થે તેણીનો મોબાઈલ હાથમાં લીધો અને સ્ક્રીન ઉપર જોવા લાગ્યો.
નેહા રૂમમાં પડેલાં તૈયાર થવાના સામાન તરફ ગઈ.
“ઓહ મા.....!” વિડીયોમાં આરવને કપાયેલા અડધા પગમાં નીચે લોખંડના સળિયાવાળા નકલી પગ લગાવેલા હતા અને એ નકલી પગના સહારે તે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.
જેમાં પડી જવાથી તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી.
“આરવ....હું હેલ્પ કરું...!” ત્યાંજ વિડીયોમાં કોઈ છોકરીનો સ્વર સંભળાયો.
“ના....ના....શિવું.....! હું ઠીક છું....!” માંડ-માંડ પોતાના નકલી પગ ઉપર ઊભા થતાં આરવ દર્દ ભર્યા સ્વરમાં બોલ્યો.
ચારેક મિનિટ લાંબા વિડીયોમાં આરવ અનેકવાર ઊભો થઈને ચાલવાનો પ્રયત્ન કરતો અને પડી જતો. નાના બાળકની જેમ ભાંખડિયા ભરીને તે જાતે જ ઊભો થતો અને ફરીવાર પાછો ચાલવાનો પ્રયત્ન કરતો. આવા અનેકવારના પ્રયત્નોના લીધે તેના હાથની કોણીઓ, પંજા અને પગના ઘૂંટણ વગેરે અનેક જગ્યાએ ઉઝરડા પડી ગયા હતા.
આરવને એવી અત્યંત દાયનીય હાલતમાં ના જોઈ શકાતા સિદ્ધાર્થની આંખ ભીની થઈ ગઈ અને તેણે આંખ બંધ કરીને પોતાની ભાવનાઓ કાબૂ કરવાનો પ્રયત્ન કર્યો.
“કાશ...એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે તે એની ફીલિંગ્સ સમજી હોત....તો આજે આરવની આ હાલત ના હોત લાવણ્યા.....!”
આરવની એવી દયનીય હાલત માટે સિદ્ધાર્થને લાવણ્યા ઉપર ગુસ્સો આવ્યો અને તે મનમાં આંખો બંધ કરીને વિચારી રહ્યો.
“જૂનો વિડીયો છે....!” ત્યાંજ નેહા સિદ્ધાર્થની જોડે આવીને ઊભી રહેતા બોલી “બે-ત્રણ મહિના પે’લ્લાનો....!”
તેણીનો સ્વર સાંભળીને સિદ્ધાર્થે આંખો ખોલીને તેણી સામે જોયું.
સિદ્ધાર્થની આંખો ભીની હતી.
સામે નેહાની આંખોમાં કઠોરતાના ભાવો હતાં.
“આ લે....!” નેહાએ સિદ્ધાર્થ સામે ગિટાર ધરતા કહ્યું.
ગિટાર જોતાં જ સિદ્ધાર્થના ચેહરા ઉપર ચોંકવાના ભાવો આવી ગયાં. સહેજ ઘસાયેલું, જૂનું આરવનું એ ગિટાર તે ઓળખી ગયો. તેનાં ઉપર મરોડદાર અક્ષરોમાં લખેલું “વિથ લવ...ફ્રોમ લાવણ્યા...!” લખેલું લખાણ પણ તે ઓળખી ગયો.
તેણે પ્રશ્નાર્થ ભરી નજરે નેહા સામે જોયું.
“યાદ છેને એ દિવસે એણે કયું સોંન્ગ ગાયું ‘તું....!” નેહા યાદ અપાવતી હોય એમ ઠંડા સ્વરમાં બોલી.
સિદ્ધાર્થ તેણી સામે હજીપણ એવા જ આઘાતથી જોઈ રહ્યો હતો.
▪▪▪▪▪▪▪▪
“સિદ્ધાર્થ”
instagram@siddharth_01082014
નોંધ: સોન્ગસના લીરીક્સ ઉપર લેખકનો કોઈ જ હક્કદાવો નથી.