Love Revenge Spin Off Season -2 - 1 in Gujarati Fiction Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-1

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-1

આભાર .... મારાં પરમમિત્ર શ્રી વિકટ શેઠનો જેમણે દરેક ચેપ્ટર લખવામાં મને સપોર્ટ કર્યો.

****

લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રસ્તાવના

Dear Readers,

સૌથી પહેલાં તો લવ રિવેન્જનાં બંને ભાગને આટલો અદ્દભૂત આવકાર આપવાં માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

લવ રિવેન્જ નવલકથાને આટલો અદ્દભૂત આવકાર મળશે એવી કલ્પનાં કે આશા આ નવલકથા લખવાની શરૂઆત કરતી વખતે મને નહોતી. આથીજ આ નવલકથાની શરૂઆત વખતે મેં આ નવલકથાનો બીજો ભાગ એટલે કે લવ રિવેન્જ Spin Off લખવાં અંગે કોઈજ વિચાર નહોતો કર્યો.

પહેલો ભાગ મોટેભાગે લાવણ્યા સાઈડની સ્ટોરી હતી. પહેલો ભાગ વાંચનારાં રિડર્સે ઘણીવાર મારી સમક્ષ ડિમાન્ડ કરી હતી કે મારે નવલકથાના અન્ય પાત્રો સાઈડની સ્ટોરી પણ લખવીજ જોઈએ. રીડર્સની આ ડિમાન્ડને લીધેજ મેં લવ રિવેન્જ નવલકથાનો બીજો ભાગ એટલે કે Spin Off લખવાં અંગે મન બનાવ્યું હતું.

લવ રિવેન્જ નવલકથા લખવાની શરૂઆત કરી તે પહેલાંથી જ હું Spin Off જેવાં વિદેશી કોન્સેપ્ટ વિષે જાણતો હતો. આમ છતાં, આ કોન્સપ્ટ મોટેભાગે મેં વિદેશી એક્શન નવલકથાઓ કે મુવીઝમાં જ જોયો હતો, જેમાં મુખ્ય વાર્તાને વાર્તાનાં અન્ય મહત્વનાં પાત્રોનાં એન્ગલથી પણ કહેવામાં આવે છે. જોકે આ કોન્સપ્ટને લવ સ્ટોરીમાં કેવી રીતે એડોપ્ટ કરવો એ અંગે મને કોઈજ આઈડીયા નહોતો. પણ વાચકોની ડિમાન્ડને લીધે મેં આ કોન્સપ્ટને લવ સ્ટોરીમાં (લવ રિવેન્જમાં) એડોપ્ટ કરવાનો અખતરો કરી જોવાનું નક્કી કર્યું.

નિખાલસતાથી કહું, તો અગાઉ Spin Off કોન્સેપ્ટ વિષે મારું નૉલેજ ઉપરછલ્લુંજ હતું. પણ મેં જ્યારે Spin Off લખવાની શરૂઆત કરી ત્યારે મને ખબર પડી ખરેખર Spin Off ની વાર્તા એ મુખ્ય નલકથાની પહેલાં લખવામાં આવે છે અને એ પછી મુખ્ય નવલકથા. પણ નવલકથા રિલીઝ કરતી વખતે મુખ્ય નવલકથા પહેલાં રિલીઝ થાય છે અને Spin Off પછીથી રિલીઝ થાય છે. આવું એટલાં માટે કરવામાં આવે છે કેમકે, સ્પિન ઑફની વાર્તાને મૂળ નવલકથાની વાર્તા સાથે બેસાડવાં માટે ઘણીવાર મૂળ નવલકથાની કેટલીક ઘટનાઓમાં કે સંવાદોમાં ફેરફાર કરવાં પડે છે. જો મૂળ નવલકથા રિલીઝ થઇ ગઈ હોય તો પછી એ જરૂરી ફેરફારો કરવાં શક્ય નથી હોતાં.

એટલે કે મારે સ્પિન ઑફ પહેલાં લખવાની હતી અને લવ રિવેન્જનો પહેલો ભાગ પછી. પરંતુ મેં પહેલો ભાગ પહેલાં લખીને રિલીઝ કરી દીધો અને સ્પિન ઑફ લખવાની શરૂઆત પછી કરી (આથી હું પ્રતિલિપિ ઉપર રિલીઝ થઇ ચૂકેલાં પહેલાં ભાગની કેટલીક ઘટનાઓમાં સ્પિનઑફ મુજબ સુધારાં હવે કરી શકતો નથી) પરંતુ આ નવલકથા જ્યારે હાર્ડ કોપીમાં રિલીઝ થશે ત્યારે (મારી એ ભૂલ સુધારી) એ સુધારાં કરીનેજ રિલીઝ કરીશ. આમ, હાર્ડ કોપીની સ્ટોરી પ્રતિલિપિ ઉપર રિલીઝ થયેલી સ્ટોરી કરતાં થોડી અલગ પડશે.

હવે મૂળ વાત ...!

આપ સૌ જાણો છો કે લવ રિવેન્જ નવલકથાનાં બંને ભાગ લખવામાં મારાં પરમ મિત્ર શ્રી વિકટ શેઠનો ફાળો અભૂતપૂર્વ છે.

બંને ભાગની સ્ટોરીમાં હું તેમનાં કહ્યાં મુજબ જરૂરી સુધારાં કરતો હતો. ક્યાં પ્લોટ ટ્વિસ્ટને કઈ જગ્યાએ મુકવો, કયું રહસ્ય ક્યાં ખોલવું, કેટલાંક ધારદાર સંવાદો/અદભૂત ડાયલોગો વગેરે સજેશન્સ શ્રી વિકટ શેઠ મને વખતો-વખત આપતાં રહેતાં.

તેમની સલાહને અનુસરીને જ હવે હું આગળની સ્ટોરીમાં એક મોટો ચેન્જ કરવાં જઈ રહ્યો છું.

મેં જ્યારે સ્પિન ઑફ લખવાની શરુ કરી ત્યારે પ્રસ્તવાનામાં લખ્યું હતું કે આ સ્ટોરી બાકીનાં મહત્વના પાત્રો જેવાંકે આરવ, નેહા, સિદ્ધાર્થ વગેરેનાં એન્ગલથી રહેશે. સ્પિન ઑફની મુખ્ય સ્ટોરી સિદ્ધાર્થ આજુબાજુજ લખવાની હતી. પરંતુ આરવનું પાત્ર આખી વાર્તાનો સૌથી મોટો "ટર્નિંગ પોઇન્ટ" બની ગયો. આરવનાં પાત્રનું મહત્વ વધી જતાં તેને લગતી ઘટનાઓનું નિરૂપણ ડિટેલમાં કરવું જરૂરી બન્યું. આરવ અને લાવણ્યાની સ્ટોરીને લવ રિવેન્જનાં પહેલાં ભાગની મુખ્ય સ્ટોરી સાથે જોડવાં માટે જે જરૂરી હતું એ લખવું પડ્યું.

આમ, સ્પિન ઑફ સિદ્ધાર્થની સ્ટોરી હોવાં છતાં શરૂઆતનાં લગભગ 30 ચેપ્ટર્સ આરવની વાર્તા કહેવામાં લખાઈ ગયાં (વાર્તાનો પ્રવાહ તૂટે નહીં અને આવનારી ઘટનાઓ સાથે સ્ટોરી બેસી જાય એટલે એ પ્રકરણો લખવાં જરૂરી હતાં).

સ્પિન ઑફનાં ત્રીસ પ્રકરણ લખાઈ ગયાં હોવાથી મારાં પરમ મિત્ર શ્રી વિકટ શેઠે મને સલાહ આપી કે મારે હવે સિદ્ધાર્થ સાઈડની સ્ટોરી અલગથીજ લખવી જોઈએ.

આ જ કારણથી હું સ્પિન ઑફમાં સિદ્ધાર્થની સ્ટોરીને બીજાં ભાગમાં ડિવાઈડ કરી રહ્યો છું. જેનાં ભાગ રૂપે (શ્રી વિકટ શેઠે સૂચવેલાં સુધારા મુજબ) હવે પછીની સ્પિન ઑફ સ્ટોરી હું પ્રકરણ-1 થી શરુ કરી રહ્યો છું.

વાચકો કન્ફ્યુઝ ના થાય એ માટે એટલું કહેવાનું કે સ્પિન ઑફની અત્યાર સુધીની (આરવની) સ્ટોરી એ Spin Off Season -1 ગણવી અને હવે પછીની પ્રકરણ-1 થી શરુ થતી સ્ટોરી Spin Off Season -2 ગણવી.

(વાર્તાની જરૂરિયાત મુજબ કવરપેજ પણ બદલ્યાં છે જે વાચકોની જાણ સારું).

આશા છે વાચકો આ બદલાવને સ્વીકાર કરશે.

*****

-Sid-

Instagram@sid_jignesh19

*****


લવ રિવેન્જ-2 Spin Off

Season -2

પ્રકરણ-1

“નેહા....! તારે કૉલેજ જવાનો ટાઈમ થઈ ગ્યો છે...!?” નેહાના મમ્મી કુસુમબેને નીચે ડ્રોઈંગરૂમમાં ઉભાં રહીને ઉપર નેહાના બેડરૂમ તરફ જોઇને બૂમ પાડી “તારાં પપ્પા એ બાજુ જવાં નીકળે છે...તો તારે જવું હોય તો તને ઉતારી દે....!”

“મારે થોડીવાર લાગશે...!” પોતાનાં બેડરૂમમાં તૈયાર થઈ રહેલી નેહાએ પણ રૂમના દરવાજે આવીને ઊંચા સ્વરમાં કહ્યું “પપ્પાને કે’....માર રાહ ના જોવે....હું જાતે જતી રઈશ....!”

“હાં..સારું....!”

પોતનાં રૂમમાં પાછાં આવીને નેહા બેડમાં પડેલું પોતાનું હેન્ડબેગ ભરવા લાગી. મોબાઈલ વગેરે લઈને નેહા ફટાફટ પોતાની બીજી જરૂરી વસ્તુઓ હેન્ડબેગમાં ભરવા લાગી.

થોડીવાર પછી રેડી થઈને નેહા ફટાફટ દાદરા ઉતરવા લાગી.

“હું જાઉં છું...!” કિચનમાં કામ કરતાં કુસુમબેનને કહી દઈને નેહા ઝડપથી ઘરની બહાર જવાં લાગી.

“અરે....પણ ધીરે....! ઓટોના છુટ્ટા પૈસાં છે...!?” કિચનમાંથી બહાર નીકળી નેહાની પાછળ-પાછળ જતાં કુસુમબેને પૂછ્યું.

“હાં...છે....તું ચિંતા નાં કર.....!” મેઈન ડૉરમાંથી બહાર નીકળતાં-નીકળતાં નેહા બોલી અને ઓટલાં ઉપર ઝડપથી ચાલીને ઓટલાંનો લોખંડનો નાનો ગેટ ખોલીને પગથીયા ઉતરી ગઈ.

પગથીયા આગળ બનેલી પેવમેન્ટ ઉપર થોડું ચાલીને નેહા સોસાયટીના RCCના રોડ ઉપર આવી ગઈ. ઓટલાં ઉપર ઉભાં-ઉભાં કુસુમબેન નેહાને સોસાયટીની બહાર જતાં જોઈ રહ્યાં.

સોસાયટીનાં મેઈન ગેટની બહાર આવીને નેહાએ એક ઓટોવાળાંને હાથ કરીને ઉભો રાખ્યો.

“કોમર્સ છ રસ્તા....!” ઓટોની પાછલી સીટમાં બેસતાં-બેસતાં નેહા બોલી.

ઓટોવાળાએ ઓટો એચ એલ તરફ મારી મૂકી.

****

“મેં ફીર ભી તુમકો ચાહૂંગા....! ચાહૂંગા.....!”

“મેં ફીર ભી તુમકો ચાહૂંગા....!”

તૈયાર થઈને ડ્રેસિંગ ટેબલનાં મિરર સામે ઉભાં-ઉભાં કાંચમાં પોતાનાં પ્રતિબિંબને નિહાળી રહેલી લાવણ્યાનાં કાનમાં આરવે રેલવે સ્ટેશન પર ગાયેલાં સોન્ગનાં શબ્દો ગુંજી રહ્યાં હતાં.

“તું મારી ફીલિંગ્સ નઈ સમજે....! નઈ સમજે....!”

“મને એક સેકંડ માટે પણ ઝપ નો’તી વળતી વળતી....!”

“તું એની જોડે ક્યાં ગઈ હોઈશ....?હોઈશ...!”

“શું કરતી હોઈશ. હોઈશ....!?”

આરવે કહેલી એક-એક વાત, એક-એક શબ્દો લાવણ્યા હજીપણ નહોતી ભૂલી શકતી.

“તમે ફિઝિકલ થઈ ગયાં હશો કે નઈ....!? ના થયાં હોવ તો સારું...! બસ એજ પ્રાથના કરતો રે’તો તો હું કારમાં બેઠો બેઠો...!”

“તું એ લોકો જોડે જ્યાં પણ જતી...! હું ત્યાં તારી પાછળ-પાછળ આવતો...! અને કલ્લાકો સુધી તારી રાહ જોતાં-જોતાં બેસી રહેતો...બેસી રહેતો...!”

“ત....તને કોઈ આઇડિયા નથી લાવણ્યા...! તને બીજાં છોકરાંઓ સાથે જતાં જોઈને મને જે ફીલિંગ્સ આવે છે એ કેટલી ગંદી છે...ગંદી છે...!”

કાંચમાં પોતાને જોઈ રહેલી લાવણ્યાની આંખો ભીની થઈ ગઈ.

“કેમ લાવણ્યા...!? કેમ તું મને નઈ અને મારાં પ્રેમને નઈ સમજતી....!? કેમ...!?”

આરવના જતાં રહ્યાં પછી લાવણ્યા વેકશનમાં બાકીનાં દિવસો એ બધું ભુલવા પોતાનાં મમ્મી સાથે ટૂર ઉપર પણ જઈ આવી. આમ છતાં, પોતાનું મન ડાઈવર્ટ કરવામાં લાવણ્યા સફળ થઈ છે એવો તે માત્ર દેખાડો કરી શક્તિ હતી. આરવનો પ્રેમ, આરવે લાવણ્યા માટે ગાયેલાં એ દરેક સોન્ગ્સ, સુનામીનાં મોજાં જેવો આરવનો લાવણ્યા માટે અનહદ પ્રેમ, લાવણ્યા કશુંજ ભૂલી ના શકી.

“ખબર નઈ....! તારાં જેવી છોકરીમાં એ શું જોઈ ગયો’તો... શું જોઈ ગયો’તો...!?”

આરવની હાલત માટે લાવણ્યાને જવાબદાર માનતા અક્ષયનાં એ વેધક શબ્દો પણ લાવણ્યા નહોતી ભૂલી શકી.

“તારાં જેવી છોકરી માટે એ એનાં પગ ખોઈ બેઠો...પગ ખોઈ બેઠો...!”

“તું જેવી હતી એવીજ સારી હતી....હતી...!”

“કમસે કમ આરવ જેવાં માસૂમ છોકરાંઓને હર્ટ કરવાં કરતાં વિશાલ....યશ જેવાં છોકરાઓ જોડે રખડી ખાવું સારું છે...રખડી ખાવું સારું છે....!”

અક્ષયના એ શબ્દો લાવણ્યાને આખું વેકશન સોયની જેમ ભોકાતાં રહ્યાં હતાં. આરવ વિષે કશુંજ ભલે લાવણ્યા નહોતી ભૂલી શકી પણ લોકો સામે કઠોર અને ઉદ્ધત બનતાં જરૂર શીખી ગઈ હતી.

“લોકોને સીધી-સાદી લાવણ્યા હજમ નઈ થાય...!” કાંચમાં પોતાને જોતાં-જોતાં લાવણ્યા બબડી.

“તું જેવી હતી એવીજ સારી હતી....હતી...!”

અક્ષયનાં એ શબ્દો ફરીવાર લાવણ્યાને યાદ આવી ગયાં.

“લોકોને “એવીજ” લાવણ્યા જોઈએ છે....!” લાવણ્યા બબડી અને કાંચમાં જોતાં-જોતાં પોતાનાં જીન્સનો બેલ્ટ કમર ઉપર નાભીથી સહેજ વધુ નીચે સરકાવી દીધું જેથી તેણીની સુંવાળી કમરનો ભાગ વધુ ખુલ્લો થઈ ગયો.

થોડી વધુ વાર સુધી પોતાને કાંચમાં જોતાં રહીને લાવણ્યા છેવટે પોતાની હેન્ડબેગ વગેરે લઈને કૉલેજ જવાં નીકળી ગઈ.

****

“અરે સિદ્ધાર્થ....! બેટા નાસ્તો તો કરતો જા....!?”

તૈયાર થઈને કૉલજ જવાં નીકળી રહેલાં સિદ્ધાર્થને સરગુનબેને ટોકી લીધો.

“હું કૉલજ જઈને કરી લઈશ...!” સિદ્ધાર્થ ઉતાવળા સ્વરમાં બોલ્યો પછી પૂછવા લાગ્યો “મામા જતા ‘ર્યા...!?”

“હવ...! એ તો ક્યારના નીકળી ગયાં....!” સરગુનબેન બોલ્યાં.

“હાં...તો હુંય નીકળું છું...!” એટલું કહીને સિદ્ધાર્થ જવા લાગ્યો.

“તું પાક્કું નાસ્તો નઈ કરે...!?” ડ્રોઈંગરૂમનાં દરવાજે પહોંચેલાં સિદ્ધાર્થને સરગુનબેને ફરીવાર પૂછ્યું.

“ના...! હું ઓલરેડી લેટ થઈ ગ્યો છુ....!” સિદ્ધાર્થ બોલ્યો અને ડ્રોઈંગરૂમના દરવાજાની પાછળ લાગેલાં કી હોલ્ડર ઉપર લાગેલી ઘણી બધી કીઝમાંથી પોતાનાં કારની કી શોધવાં લાગ્યો.

“અરે આ એનફિલ્ડ બાઈકની કી કોની છે....!?” કી હોલ્ડરમાં લાગેલાં રોયલ એનફિલ્ડની ચાવીને જોતાં સિદ્ધાર્થે સરગુનબેનને પૂછ્યું.

“રાજવીરની છે...!” સરગુનબેન બોલ્યાં “પણ એ તો વિદ્યાનગર ભણવા ગ્યો...! એટલે ત્યાં ના લઈ ગયો...!”

“તો હું કૉલેજ લઈ જાઉં...!?” સિદ્ધાર્થે પૂછ્યું.

“હાં હાં લઈજાને....!” સરગુનબેન બોલ્યાં “એમ પણ અમદાવાદનાં ટ્રાફિકમાં કાર કરતાં બાઈક વધુ સરળ રે’શે...!”

“હાં..એ ખરું...!” સિદ્ધાર્થ બોલ્યો અને કી હોલ્ડરમાંથી એનફિલ્ડની ચાવી લેવાં માંડ્યો.

“કયો નંબર છે...!?” ઘરની બહાર નીકળતાં-નીકળતાં સિદ્ધાર્થે પૂછ્યું.

“નંબર તો નઈ ખબર....!” સરગુનબેન બોલ્યાં “પણ આપડા વિંગમાં આપડું એકજ એનફિલ્ડ એવું છે...જેનો કલર મરૂન છે...!”

“ઓકે..! હું જાઉં...!” શુઝ પહેરીને સિદ્ધાર્થ છેવટે છઠ્ઠેમાળથી નીચે જવાં સીડીઓ ઉતરી ગયો.

સીડીઓ ઉતરીને નીચે આવ્યાં બાદ સિદ્ધાર્થે ફ્લેટના પાર્કિંગમાં આવીને મરૂન કલરનું રોયલ એનફિલ્ડ શોધ્યું.

“અરે વાહ...! 1919...!” એનફિલ્ડની આગળ નંબર પ્લેટ ઉપર લખેલો એનફિલ્ડનો નંબર જોતાં સિદ્ધાર્થ ખુશ થઈને બબડ્યો.

ઇગ્નીશનમાં ચાવી ભરાવીને સિદ્ધાર્થે એનફિલ્ડનો સેલ માર્યો અને ફ્લેટના પાર્કિંગમાંથી બહાર જવાં લાગ્યો.

ફ્લેટના લોખંડનાં મેઈન ગેટ પાસે ઉભેલાં સિક્યુરીટી ગાર્ડ સામે સ્મિત કરી માથું હલાવીને સિદ્ધાર્થે બાઈક ગેટનાં ઢાળમાંથી ઉતારી લીધું.

બહાર નીકળતાંજ સિદ્ધાર્થે મુખ્ય રોડ તરફ જવાં બાઈક ટોપ ગીયરમાં નાંખી અને એક્સીલેટર ઘૂમાવી દીધું.

મુખ્ય રોડ ઉપર આવતાંજ સિદ્ધાર્થ કોમર્સ છ રસ્તા જવાં વળી ગયો.

“અરે બાપરે.....! આટલો બધો ટ્રાફિક....!?” મેઈન રોડ ઉપર સિદ્ધાર્થે હજીતો લગભગ પાંચસો મીટર બાઈક ચલાવ્યું હતું ત્યાંજ રસ્તામાં આવતાં સિગ્નલ ઉપર વાહનોની લાંબી ભીડ જોઇને સિદ્ધાર્થ બબડ્યો “સવાર-સવારમાં આટલો ટ્રાફિક ક્યાંથી...!?”

બોલતાં-બોલતાં સિદ્ધાર્થે ઝડપથી પોતાનું બાઈક ધીમું કરી પાછું ઘૂમાવી લીધું અને રોન્ગ સાઈડમાંજ ધીમી સ્પીડે જોધપુર બાજુ જવાં દીધું.

“જોધપુર થઈ એસ જી હાઈવે લઈ લવ....અને પછી ત્યાંથી અંદર પાછો વળી જઈશ...!” મુખ્ય રસ્તામાં વચ્ચે ડીવાઈડર જોઈ બાઈક સામેની બાજુએ કાઢતાં-કાઢતાં સિદ્ધાર્થ બબડ્યો.

અમદાવાદમાં અગાઉ પણ સિદ્ધાર્થ ઘણીવાર આવી ચુક્યો હતો. આથી બહુ નહિ, પણ અમુક રસ્તાઓ વિષે તેને થોડું-થોડું ઘણું નોલેજ હતું.

“ખટક.....!”

ટ્રાફિક વગરનો ખુલ્લો રસ્તો મળતાંજ સિદ્ધાર્થે બાઈક ટોપ ગિયરમાં નાંખી ઝડપ વધારી દીધી.

*****

નવું વર્ષ શરુ થતાંજ H L Commerce Collageનું કેમ્પસ ફરી એકવાર રંગબેરંગી કપડાઓમાં સજેલાં-ધજેલાં યુવાન હૈયાઓ વડે ભરાઈ ગયું. લગભગ અઢી મહિનાંથી સહેજ વધુ લાંબા ઉનાળા વેકેશનના દિવસો પુરા થતાંજ કૉલજ શરુ થવાંની રાહ જોઈ રહેલાં બધાંજ સ્ટુડેંન્ટસ જાણે વર્ષો પછી પોતાનાં ફ્રેન્ડસને મળતાં હોય એમ ઉત્સાહથી મળી રહ્યાં હતાં. કૉલેજનાં પહેલાં વર્ષમાં એડમીશન લેનારાં ફ્રેશર્સ તો જાણે કોઈ નાનું છોકરું મેળામાં આવ્યું હોય અને મેળાની જાહોજલાલી મુગ્ધ નજરે જોઈ રહેતું હોય એમ કૉલેજ કેમ્પસ અને કેન્ટીનમાં જામેલી સ્ટુડેંન્ટસની ભીડને જોઈ પોતાનો પે’લ્લો દિવસ માણી રહ્યાં. કેન્ટીનમાં તો જાણે કીડીયારું ઉભરાયું હોય એમ સ્ટુડેંન્ટસની ચિક્કાર ભીડ જામેલી હતી.

છોકરાં-છોકરીઓનાં અનેક ગ્રુપોમાં વહેંચાયેલું કેમ્પસ અને તેની કેન્ટીન ફરીવાર એજ જૂની ધમાલ મસ્તીથી ઝૂમી ઉઠી. પ્રથમ વર્ષમાં આવનાર નવાં યુવાન-યુવતીઓ અને કોલેજનાં જૂનાં વિદ્યાર્થીઓથી કેન્ટીન જાણે બગીચો બની ગઈ. ચા-નાસ્તાની રેલમછેલ અને એકબીજાની “ખેંચાખેંચ”. જાણે કોલેજની યુવાની પાછી આવી.

“નેહુઉઉઉઉ.....!” કેન્ટીન તરફ જઈ રહેલી નેહાને પાછળથી આવીને અંકિતા જોશપૂર્વક વળગી પડી “કેટલાં દિવસે મલી યાર....!”

નેહાને વળગી પડીને અંકિતાએ તેણીને આખી ગોળ ફેરવી દીધી.

“હાં....! બવ દિવસ થઈ ગ્યા....!” નેહા પણ પરાણે ઔપચારિક સ્મિત કરીને બોલી.

“તો શું યાર....! તું તો વેકેશનમાં જાણે ખોવાઈજ ગઈ’તી...!” નેહાને ધમકાવતી હોય એમ અંકિતા બોલી “ભાગ્યેજ ગ્રુપમાં મેસેજ કરતી....! અને કૉલ પણ એકેય નઈ...!”

“સોરી...! હું વેકેશનમાં ગામડે જતી રઈ’તી....!” નેહા બોલી “ત્યાં....નેટવર્કનો ઈશ્યુ રે’તો’તો...!”

“હમ્મ...! ચલ...ચલ....! નઈ તો કેન્ટીનમાં જગ્યા નઈ મલે...!” નેહાનું બાવડું પકડીને અંકિતા તેણીને કેન્ટીનમાં જવાં કૉલેજ બિલ્ડીંગ તરફ ખેંચી જવાં લાગી.

પરાણે સ્મિત કરતાં નેહા અંકિતા જોડે ચાલવાં લાગી.

કેન્ટીન તરફ જતાં-જતાં નેહા અમસ્તુંજ પોતાનાં મોબાઈલમાં whatsapp ઓપન કરીને કૉલેજના વાઈરલ ગ્રુપની ચેટ જોવાં લાગી.

કૉલેજમાં નવું વર્ષ શરુ થતાજ વાઇરલ ગ્રુપમાં મોટાભાગના સ્ટુડેન્ટ્સ નવું વર્ષ શરુ થયાનાં ગ્રિટિંગ મેસેજીસ મોકલી રહ્યાં હતાં. ખાસ કરીને કૉલેજનાં પહેલાં વર્ષમાં પ્રવેશ લેનાર સ્ટુડેન્ટ્સને વેલકમ કરી રહ્યાં હતાં.

"જે ફ્રેશર્સ વાઈરલ ગ્રુપમાં જોડાયાં છે ...! એમને રિકવેસ્ટ છે કે તેઓ અન્ય ફ્રેશર્સને ગ્રુપમાં જોડાવા માટે લિન્ક ફોરવર્ડ કરીદે ...!" ગ્રુપની અન્ય એક એડમીન વિનિતાએ મેસેજ કર્યો.

"જે ફ્રેશર્સ વાઈરલ ગ્રુપમાં મેમ્બર હશે....એમને જ ફ્રેશર્સ પાર્ટીમાં આવવાં મલશે ...!"

ગ્રુપમાં ચેટ ચાલતી રહી.

ચેટ વાંચતાં -વાંચતાં નેહા અંકિતાની જોડે -જોડે ચાલતી રહી.

બંનેએ કોરીડોરમાં વળીને કેન્ટીન તરફ ચાલવાં માંડ્યું.

"અંકિતા...! તું કેન્ટીનમાં બેસ ...! હું આવું છું ....!" સામેની બાજુએથી આવી રહેલાં અક્ષયને જોઈ નેહા બોલી.

"હાં સારું ...!" અંકિતા બોલી "પણ જલ્દી આવજે ....! આજે ફર્સ્ટ ડે છે....પછી કેન્ટીનમાં જગ્યા નઈ મલે ..!"

"ઓકે ...!" નેહા બોલી.

થોડું ચાલી અંકિતા કેન્ટીનમાં પ્રવેશી ગઈ.

કેન્ટીનનો દરવાજો વટાવીને નેહા મોબાઈલ મંતરાતાં-મંતરતાં આવી રહેલાં અક્ષય તરફ ઝડપથી ધસી ગઈ.

"અક્ષય ...!" અક્ષયનું બાવડું પકડીને તેણીએ તેને કોરિડોરની દીવાલ તરફ સાઈડમાં ખેંચ્યો.

"ઓહ...નેહા ...તું...!?" નેહાની હાજરીથી અજાણ અક્ષય આશ્ચર્યથી બોલ્યો.

"કૉલેજમાં આરવ વિષે કોઈને કશું કે'તો નઈ ...!" નેહા સહેજ ધમકીભર્યા સૂરમાં બોલી "ખાસ કરીને....!"

"એનાં એક્સીડેન્ટ વિષે ... અને તમારી સગાઇ વિષે ....!" નેહાને ટોકી અક્ષય વચ્ચે બોલી પડ્યો"આઈ નો નેહા ....! હું ઓલરેડી આરવને આ પ્રોમિસ કરી ચુક્યો છું ...કે હું કોઈને કશુંજ નઈ કઉ...!"

સહેજ રૂડ સ્વરમાં એટલું બોલીને અક્ષય કેન્ટીન તરફ જવાં લાગ્યો.

"હું પોતે પણ એ બધું ભૂલવા માંગુ છું ....!"

જતાં -જતાં અક્ષય બોલ્યો.

કોરિડોરમાં ઉભેલી નેહા વિચારે ચઢી ગઈ. થોડીવાર પછી તે પણ છેવટે કેન્ટીનમાં જવા ચાલવાં લાગી.

કેન્ટીનના દરવાજે પહોંચીને નેહા ઉભી રહી અને કેન્ટીનની ભીડમાં પોતાનાં ગ્રુપનાં ટેબલને શોધવાં લાગી. નવાં વર્ષનાં કૉલેજનો આજે પહેલો દિવસ હોવાથી કેન્ટીનમાં ફ્રેશર્સ સહીત સિનિયર સ્ટુડેન્ટ્સની પણ ચિક્કાર ભીડ જામેલી હતી. લગભગ એકપણ ટેબલ એવું નહોતું જે ખાલી હોય. ભીડને લીધે કેન્ટીનમાં કોલાહલ પણ જોરદાર હતો.

અંકિતા સહીત ગ્રુપનાં અન્ય મેમ્બર્સ દેખાતાં નેહા તેમની તરફ ચાલવાં લાગી.

"હાય ...!" ટેબલ પાસે પહોંચીને નેહાએ ટેબલ ફરતે ચેયરમાં બેઠેલાં પ્રેમ, કામ્યા અને ત્રિશા સામે જોઈને કહ્યું.

"ઓહો...! જો તો ખરી ...!" નેહાને જોઈને કામ્યા ખુશ થઇ ગઈ અને ચેયરમાંથી ઊભાં થઈને તેણીને વળગી પડી.

"ક્યાં ખોવાઈ ગઈ'તી યાર તું ...!? વેકેશનમાં તો કોઈ ફોન-મેસેજ નઈ...!?" કામ્યા ફરિયાદ કરતી હોય એમ બોલી.

"હું પણ એને એજ કે'તી 'તી ...!" અંકિતાએ પણ સૂર પુરાવ્યો.

"હું તો ગામડે જઈ આઈ ...!" પોતાનાં ચેહરા ઉપર નકલી સ્મિત લાવી નેહા કામ્યા અને અંકિતાની વચ્ચે ખાલી ચેયરમાં બેસતાં બોલી "ત્યાં નેટવર્કનો પ્રોબ્લેમ રે 'તો 'તો એટલે મેસેજ કૉલ ન'તાં થતાં ...!"

"તમે બધાં તમારી વાત તો કો '....!" નેહાએ કામ્યા, ત્રિશા અને પ્રેમ સામે જોઈને કહ્યું.

"હું તો કેરલા ગઈ'તી ...!" ત્રિશા બોલી "મજા આઈ ગઈ....એની માને ...!"

બધાં હસી પડયા. ત્રિશા કાયમ આજરીતે વાત કરતી.

"સોરી હું લેટ થઇ ગ્યો ....!" ત્યાંજ રોનકે ત્રિશાની બાજુમાં ખાલી ચેયરમાં બેસતાં કહ્યું.

"એમાં નવું શું છે ...!?" રોનકને ચિડાવતી હોય એમ ત્રિશા બોલી "તું કાયમ લેટ જ આવે છે ...!"

"પણ મારે ઘેર કામ હોય ...તો લેટ થાય વળી ...!" રોનક બોલ્યો.

"હમ્મ ....વાસણ ઘસવાના ....પાણી ભરવાનું ....!" રોનકને ચિડાવતી હોય એમ ત્રિશા બોલી.

"હાં ...હાં ..હાં ...!" બધાં હસી પડ્યાં.

"પ્રેમ ...! તું ક્યાં જઈ આવ્યો ...!?" કામ્યાએ સામે બેઠેલાં પ્રેમને પૂછ્યું.

"અરે...વાહ...મસ્ત વિડિઓ શેયર કર્યો છે કોઈકે ...!" પ્રેમ બોલવાં જતો હતો ત્યાંજ અંકિતાએ પોતાનો મોબાઈલ બધાંની સામે ધર્યો.

"થ્રો બેક વિડિઓ ઑફ લાસ્ટ યર ...!" અંકિતાના મોબાઈલમાં કૉલેજનાં વાઈરલ ગ્રુપમાં કોઈએ શેયર કરેલાં વિડિઓ નીચે લખેલું કેપશન નેહા વાંચવા લાગી.

અંકિતાએ સ્ક્રીન ઉપર ટચ કરતાંજ વિડિઓ પ્લે થયો.

"હું મને શોધ્યાં કરું....પણ હું તને પામ્યાં કરું ....!"

વિડીઓ ગયાં વર્ષે આરવે કેન્ટીનમાં સોન્ગ ગાયેલાં સોન્ગનો હતો.

વિડિઓમાં હસતાં ચેહરે સોન્ગ ગાઈ રહેલાં આરવને જોતાં નેહાના આંખમાં પાણી ધસી આવવાં લાગ્યું. માંડ -માંડ નેહાએ પોતાની ફિલિંગ્સ કન્ટ્રોલ કરી અને પોતાની આંખોમાં ધસી આવતું પાણી રોક્યું.

"હાં .....સ....સારો વિડિઓ છે ..." અંકિતાનાં મોબાઈલ તરફથી પોતાની નજર ફેરવી નેહા માંડ બોલી.

"પણ આરવ છે ક્યાં ...!?" ત્યાંજ જોડેનાં ટેબલ ઉપર બેઠેલાં આરવના ગ્રુપમાંથી આકૃતિએ તેની સામે બેઠેલાં અક્ષયને પૂછ્યું.

નેહા સહીત બાકીનાંએ પણ એ તરફ જોઈને સાંભળવાં માંડ્યું.

"વી મિસ હીમ યાર ...!" આકૃતિની જોડે બેઠેલી

"વી મિસ હીમ યાર ...!" આકૃતિની જોડે બેઠેલી A ગ્રુપની મેમ્બર એશા બોલી.

"વી મિસ હીમ યાર ...મિસ હીમ યાર ...!" એશાના એ શબ્દો નેહાનાં કાનમાં પડઘાઈ રહ્યાં.

એક ઝાટકે નેહાની આંખ સામે ભૂતકાળનાં એ બધાંજ દ્રશ્યો તરવરી ઉઠ્યાં.

આરવને પહેલીવાર કેન્ટીનમાં જોવાંથી લઈને તેનાં પ્રેમ પડવું અને સગાઇ પછી આરવને હોસ્પિટલમાં પગ કપાયેલ હાલતમાં જોવો, તેમજ એ પછી પોતાની નજર સામે વ્હીલ ચેયરમાં આરવને જોવો. નેહાની સામે એ દરેક દ્રશ્યો તરવરી ઉઠતાં નેહાની આંખ ભીની થવાં લાગી.

ફરીવાર આંખમાં આવી ગયેલાં આંસુઓને નેહાએ માંડ કન્ટ્રોલ કર્યા.

"અરે....આપડી કૉલેજની ક્વીન લાવણ્યા નઈ દેખાતી ...!?" કેન્ટીનમાં આજુબાજુ જોવાનું નાટક કરતી હોય એમ અંકિતાએ વ્યંગભર્યા સ્વરમાં કહ્યું.

લાવણ્યાનું નામ સાંભળતાં જ પહેલાં નેહાના ભવાં આપોઆપ સંકોચાયા અને પગ કપાયેલી હાલતમાં વ્હીલ ચેયરમાં બેઠેલો આરવ યાદ આવી જતાં નેહાનું મગજ તપવા લાગ્યું અને તેણીએ પોતાનાં દાંત ભીંચી દીધાં.

******

“અરે ભાઈ....!” એસજી હાઈવે પહોંચેલાં સિદ્ધાર્થે કોઈ રાહદારીને રસ્તો પુછવાં બાઈક ઉભું રાખ્યું “મારે કોમર્સ છ રસ્તા બાજુ જવું હોય...તો કયો રસ્તો શોર્ટ પડે..!?”

“આગળ બોડકદેવ વાળાં રસ્તે જતાં રો’...!” ઓલો રાહદારી દિશા બતાવતાં બોલ્યો “હવે પછીનાં નાનાં ચાર રસ્તા પછી જે મોટાં ચાર રસ્તા આવે ત્યાંથી જમણીબાજુ અંદર વળી જજો...! પછી મોટેભાગે સીધે-સીધાં...!”

“ઓકે...થેન્ક યુ....!” સિદ્ધાર્થ માથું હલાવીને બોલ્યો.

“સર્વિસ રોડ ઉપર ચલાવજો....!” રાહદારીએ આગળ કહ્યું “તો ટ્રાફિક ઓછો નડશે...!”

“સારું....!” ફરીવાર આભારમાં માથું ધુણાવી બાઈકને એક્સીલેટર આપી સિદ્ધાર્થ ચલાવા માંડ્યો.

એસજી હાઈવેનાં મેઈન રોડ ઉપર જવાની જગ્યાએ ઓલા રાહદારીના કહ્યાં મુજબ સિદ્ધાર્થે તેનું બાઈક સર્વિસ રોડ ઉપર ઉતારી દીધું.

બાઈકની ઝડપ વધારી સિદ્ધાર્થ આજુબાજુ જોતાં-જોતાં બાઈક ચલાવા લાગ્યો.

રસ્તાની સાઈડે એક મોટી ચ્હાંની કીટલી જોઈ સિદ્ધાર્થે બાઈક ધીમી પાડી.

કીટલીની આગળની જગ્યાએ સવાર-સવારમાં જામેલી કૉલજ સ્ટુડન્ટસની ભીડ જોઈને સિદ્ધાર્થને બરોડા યાદ આવી ગયું. મોટેભાગે અત્યંત introvert (અંતર્મુખી) સ્વભાવનો હોવાં છતાં સિદ્ધાર્થ વિકટ સાથે કૉલેજનાં ગ્રુપના મિત્રો સાથે ક્યારેક-ક્યારેક આવીજ રીતે ચ્હાંની કીટલીએ બેસતો. બધાં ટોળુંવળીને ગપ્પાબાજી કરતાં. એમાંય વિકટની હાજરીમાં સિદ્ધાર્થ બધાનું “ટાર્ગેટ” બની જતો. વિકટ સિદ્ધાર્થની ખેંચતો અને બધાં વિકટનો સાથ આપી સિદ્ધાર્થની વધુ ખેંચતાં. અંતર્મુખી હોવાને લીધે સિદ્ધાર્થ મોટેભાગે શાંત અને મૌન રહેતો અને મલકાતો રહેતો. ઓછું બોલવાનાં સિદ્ધાર્થના સ્વભાવને લીધે વિકટે સિદ્ધાર્થનું ગ્રુપમાં નામ “શાણી બતક” પાડ્યું હતું. “શાણી” એટલાં માટે કેમકે સિદ્ધાર્થ મોટેભાગે શાંત અને મૌન રહેતો અને “બતક” એટલાં માટે કેમકે ઘણીવાર પોતાની મજાક બનવાં છતાં સિદ્ધાર્થને બતકની જેમ મોડેથી “લાઈટ” થતી.

“બે જ દિવસમાં જાણે આખી દુનિયા બદલાઈ ગઈ....!” કીટલી ઉપર જામેલી ભીડમાં ફ્રેન્ડસને જોઇને સિદ્ધાર્થ ખિન્ન સ્વરમાં બબડ્યો.

નેહાને મનાવા પિતા કરણસિંઘે સિદ્ધાર્થને રાતોરાત અમદાવાદ મોકલી દીધો હતો. પોતાની કૉલેજનાં ફ્રેન્ડસ જોડે તે ભલે હળતો-મળતો નહોતો, આમ છતાં કૉલેજના ગ્રુપ જોડે એક નાનકડું ઈમોશનલ અટેચમેન્ટ તેને જરૂર હતું. આ સિવાય બરોડા અને બરોડાની નજીક આવેલાં તેમનાં વતન સિંહલકોટ સાથે પણ સિદ્ધાર્થ અત્યંત ઈમોશનલી અટેચ થયેલો હતો. મોટાભાગનાં Introvert લોકોની જેમજ સિદ્ધાર્થ પોતે ખૂબ ઈમોશનલ હતો અને બરોડા શહેર, શહેરની ઐતિહાસિક ઈમારતો, રસ્તાઓ આ બધાં સાથે સિદ્ધાર્થને આગવો લગાવ હતો. પોતે જે રજવાડી સ્ટાઈલના બંગલોમાં રહેતો હતો, તે ભવ્ય ભવન જેવાં ઘર સાથે પણ તેને ખુબ લગાવ હતો. જોકે પિતા કરણસિંહના “આદેશ”ને લીધે સિદ્ધાર્થે એક ઝાટકે રાતો-રાત બધું છોડી દઈને અમદાવાદ આવી જવું પડ્યું. અમદાવાદ રહી ગમે ત્યારે બરોડા જવું તેનાં માટે બવ મોટી વાત નહોતી, પણ બરોડાથી દૂર થવાનું અને રહેવાનું એક સ્વાભાવિક દુ:ખ તેને જરૂર થતું હતું.

“બે જ દિવસમાં જાણે આખી દુનિયા બદલાઈ ગઈ....બદલાઈ ગઈ...!” પોતાનાંજ બોલેલાં શબ્દો સિદ્ધાર્થને જાણે કાનમાં સંભળાઈ રહ્યાં હોય એમ તે કીટલી ઉપર મસ્તી કરતાં મિત્રો સામે જોઈ રહ્યો.

“લેટ થાય છે...!” વિચારોમાંથી બહાર આવવાં સિદ્ધાર્થે પોતાનું માથું ધુણાવ્યું અને બાઈકનું એક્સીલેટર ફેરવી ઝડપ વધારી દીધી.

બોડકદેવથી અંદર વળાવી સિદ્ધાર્થે બાઈક કોમર્સ છ રસ્તા તરફ જવાં દીધું. અંદરનો રસ્તો હોવાથી અહિયાં ટ્રાફિક ઓછો હતો.

રસ્તો ખુલ્લો મળતાંજ સિદ્ધાર્થે બાઈકની ઝડપ અગાઉ હતી તેનાથી વધારી દીધી. પાંચ ગીયરવાળું અને લગભગ સાડા ત્રણસો CCનું એન્જીન ધરાવતું એનફિલ્ડ ભારે અવાજ કરતું ઝડપથી રસ્તા ઉપર ભાગવા લાગ્યું.

લગભગ પંદરેક મિનીટમાંજ સિદ્ધાર્થ હેલ્મેટ સર્કલ થઈને ગુજરાત યુનિવર્સીટીનાં કેમ્પસની પાછળના રસ્તે આવી ગયો. જોકે રસ્તો ના જાણતો હોવાં છતાં સિદ્ધાર્થ ફક્ત દિશાના અનુમાનના આધારે બાઈક ચલાવતો હતો. આથી કોમર્સ છ રસ્તા જવાં સીધાં જવાની જગ્યાએ સિદ્ધાર્થે બાઈક ભૂલથી યુનિવર્સીટીનાં કેમ્પસ તરફ વળાવી લીધું.

યુનિવર્સીટીનાં મુખ્ય કેમ્પસની અંદર પ્રવેશી સિદ્ધાર્થે બાઈક સીધુંજ જવાં દીધું.

કેમ્પસમાં બનેલાં અલગ-અલગ કોર્સને લગતી અલગ-અલગ બિલ્ડીંગોને તેમજ તેમાં ભણાવા આવતાં વિદ્યાર્થીઓની ભીડને જોતો-જોતો સિદ્ધાર્થ ધીમી સ્પીડે બાઈક ચલાવતો રહ્યો.

નવાં વર્ષનો કૉલેજનો પહેલો દિવસ હોવાને લીધે યુનિવર્સીટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓની ભીડ જામેલી હતી. RCCના રસ્તાની બંને બાજુ બનેલી પેવમેન્ટ ઉપર વિદ્યાર્થીઓનાં ટોળેટોળા અલગ-અલગ બિલ્ડીંગો તરફ જઈ રહ્યાં હતાં.

“બરોડાની કૉલેજ જેવુંજ કેમ્પસ છે...!” પોતાની કૉલેજના કેમ્પસ જેવુંજ યુનિવર્સીટીનું કેમ્પસ અને તેનું એટમોસફીયર જોઈ સિદ્ધાર્થ બબડ્યો.

કેમ્પસના રસ્તા ઉપર બનેલાં નાનાં સ્પીડ બ્રેકરને લીધે ધીમી સ્પીડે સિદ્ધાર્થ બાઈક ચલાવી રહ્યો હતો.

“આ મેઈન બિલ્ડીંગ લાગે છે...!” ખાખી રાજસ્થાની પત્થરમાંથી બનેલાં ગુજરાત યુનિવર્સીટીના મેઈન બિલ્ડીંગના વિશાળ કલોક ટાવર સામે જોઇને સિદ્ધાર્થે બાઈક ઉભું રાખ્યું અને ટાવર તરફ જોઈ રહીને બબડ્યો.

યુનિવર્સીટીના મેઈન બિલ્ડીંગની સામેજ ગાર્ડન અને પાર્કિંગ બનેલું હતું. એ તરફ ધીમી સ્પીડે બાઈક લઈ જઈ સિદ્ધાર્થે ગાર્ડનના ગેટ આગળ બાઈક ધીમું કર્યું.

“અરે દોસ્ત....! કોમર્સ છ રસ્તા જવું હોય તો...!?” ગાર્ડનમાં અંદર જઈ રહેલાં એક છોકરાંને સિદ્ધાર્થે પૂછ્યું.

“આ મેઈન ગેટમાંથી બા’ર નીકળી જાઓ...!” એ છોકરો યુનિવર્સીટીના મેઈન બિલ્ડીંગના મેઈન ગેટ બાજુ હાથ કરીને બોલ્યો “પછી ડાબા હાથે વળી જજો...! રસ્તો પૂરો થાય એટલે ફરીવાર ડાબા હાથે વળી જજો...! પછી ચાર રસ્તાના સિગ્નલથી જમણા હાથે સીધે સીધાં....સેપ્ટ યુનિવર્સિટી વાળાં રસ્તે કોમર્સ છ રસ્તા....!”

“ઓકે...થેન્ક યુ....!” સિદ્ધાર્થ સ્મિત કરીને બોલ્યો.

“નવાં છો...!?” ઓલાં છોકરાએ પૂછ્યું.

“અમ્મ....હાં....!” પોતાનાથી ઉંમરમાં નાનાં એફ વાયમાં ભણતાં હોય તેવાં લાગતાં એ છોકરાંને એક નજર ઉપરથી નીચે જોઈ સિદ્ધાર્થ ખચકાઈને બોલ્યો “કેમ...!?”

“તો ગેટની સામે રસ્તાના કોર્નર ઉપર ઋતુરાજની ચ્હાં પીતાં જજો...! મસ્ત મલે છે....!” ઓલો છોકરો ઉત્સાહભર્યા સ્વરમાં બોલ્યો “તમારું માઈન્ડ ફ્રેશ થઈ જશે....!”

“ઓકે...થેન્ક્સ...!” પરાણે સ્મિત કરી સિદ્ધાર્થ બોલ્યો અને બાઈકનું એક્સીલેટર ફેરવી બાઈક ઉપાડી લીધું.

મેઈન ગેટની બહાર નીકળી સિદ્ધાર્થે બાઈક ડાબી બાજુ વાળી લીધું.

બાઈક વળાવતાં-વળાવતાં સિદ્ધાર્થે જોયું કે સામેની બાજુ એક અન્ય મોટી કૉલેજનું કેમ્પસ હતું જેની બાઉન્ડરી વૉલને અડીને બનેલી રસ્તાની પેવમેન્ટ ઉપર લાઈનબંધ અનેક ચ્હા -નાસ્તા અને ફાસ્ટ ફૂડવાળાઓનાં ઠેલાં લાગેલાં હતાં. લગભગ બધાંજ ઠેલા આગળ સ્ટુડન્ટ્સની ભીડ જામેલી હતી.

"કાકાની પાઉં ભાજી ...! સુનિલ મેગી-પાસ્તા ...!" ઠેલાવાળાઓની લારી-ટેમ્પો ઉપર લખેલાં બૉર્ડ ઉપરનું લખાણ સિદ્ધાર્થ સામે જોતા -જોતા વાંચતો -વાંચતો બાઈક ચલાવી રહ્યો "ઢોંસા -ઉત્તપમ ...!"

લગભગ બસ્સો એક મીટર બાઈક ચલાવ્યા પછી યુનિવર્સિટી રોડ કહેવાતો મેઈન રોડ આવતાં સિદ્ધાર્થે બાઈક ધીમું કર્યું. ઓલા છોકરાએ કહ્યું હતું એ પ્રમાણે સેપ્ટ યુનિવર્સિટીના રસ્તે થઇ કોમર્સ છ રસ્તા જવા માટે સિદ્ધાર્થે ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળવું પડે એમ હતું.

"ઋતુરાજ ટી સ્ટૉલ ....!" ત્રણ રસ્તાનાં કોર્નર ઉપર બીજી બાજુ એક મોટાં લીમડાનાં ઝાડ નીચે એક ચ્હાની કીટલીનું બોર્ડ જોઈ સિદ્ધાર્થ બબડ્યો "જોઈએ કેવી ચ્હા મલે છે ...!"

વિચારતાં -વિચારતાં સિદ્ધાર્થે બાઇકનાં સાઈડ મિરરમાં પાછળ જોયું. કોઈ વાહન આવતું ન હોવાથી સિદ્ધાર્થે બાઈક રોડની બીજી બાજુ જવા દીધું અને ટી સ્ટૉલ આગળ ધીમું કરી ઉભું રાખ્યું.

ઋતુરાજ ટી સ્ટૉલ આગળ પણ ગુજરાત યુનિવર્સિટીની આજુબાજુ આવેલી અન્ય અનેક કૉલેજોનાં સ્ટુડન્ટ્સની ભીડ જામેલી હતી. ઘણાં સ્મોક કરી રહ્યાં હતાં.

વ્યસનથી એમ પણ સખત નફરત હોવાને લીધી સ્મોક કરી રહેલાં સ્ટુડન્ટ્સથી સહેજ છેટે રહીને સિદ્ધાર્થ પસાર થયો.

"ચ્હા આપોને ....!" કીટલીના કેશ કાઉન્ટર પાસે જઈને સિદ્ધાર્થે એક દસની નોટ કેશ કાઉન્ટરે બેઠેલાં માણસને કહ્યું અને તેને દસની નોટ આપી.

"આપું સાહેબ....બને જ છે ....!" કેશ કાઉન્ટરની જોડે ટેબલ ઉપર મૂકેલાં સ્ટવ ઉપર ચ્હા ઉકાળી રહેલાં છોકરાંએ સિદ્ધાર્થને કહ્યું.

કીટલી આગળથી ખસી સિદ્ધાર્થ પોતાનાં સ્ટેન્ડ કરેલાં બાઈક પાસે આવ્યો અને ઉભો રહ્યો.

થોડીવારમાં કીટલી ઉપર કામ કરતો એક છોકરો કાંચનાં કપમાં ચ્હા આપી ગયો. ચ્હા આપીને જનારા છોકરાંને જોઈ સિદ્ધાર્થને કઈંક યાદ આવી જતાં પોતાનાં જીન્સના પૉકેટ્માંથી મોબાઈલ કાઢી વિકટનો નંબર ડાયલ કર્યો.

રિંગ વાગી રહી હતી ત્યાં સુધી સિદ્ધાર્થે ચ્હાનાં કપમાંથી ચ્હા પીવા માંડી.

"હાં બોલ ....! પાછું શું આ'યુ ઉડતું ઉડતું ....!?" સિદ્ધાર્થને ફરી કોઈ પ્રોબ્લેમ થઇ હશે એમ માની વિકટે પોતાની આદત મુજબ રમુજી ભાષામાં પૂછ્યું.

"અરે... કઈં એવું નઈ લા ....!" સિદ્ધાર્થ મલકાતાં-મલકાતાં બોલ્યો "મેં તો એમજ કૉલ કર્યો ...હું કૉલેજ જતો'તો ...! એટલે ..!"

"તો મારાં આશીર્વાદ જોઈતાં 'તા એમ ..!?" વિકટે સિદ્ધાર્થની ખેંચાતાં કહ્યું.

"હાં ....હાં ...હાં ...!" વિકટની આજુબાજુ ટોળામાં લોકો હસતાં હોય એવો અવાજ આવ્યો.

"કોણ છે...!?" કોઈએ પૂછ્યું.

સિદ્ધાર્થ તે પૂછનારનો અવાજ સાંભળી ઓળખી ગયો. બરોડા કૉલેજ ગ્રુપમાં વિકટનો તે ખાસ મિત્ર હાર્દિક હતો જેને સિદ્ધાર્થ પણ સારી રીતે ઓળખતો હતો.

"શાણી બતક ...!" વિકટે તેને જવાબ આપ્યો.

"બે એ ...તું હજુ એ નામ ચલાએ રાખે છે ...!?" વિકટે હાર્દિકને સિદ્ધાર્થના એ "પેટ નેમ" થી બોલાવતાં સિદ્ધાર્થ બોલ્યો.

"હાં ભાઈ ....! તું અમદાવાદ પો 'ચી ગયો ...!?" વિકટ જોડેથી ફૉન લઇ હાર્દિક સિદ્ધાર્થ સાથે વાત કરવાં લાગ્યો "ખરેખર શાણી બતક નીકળ્યો તું તો ..! કીધું પણ નઈ અમને તો ...!"

"બે એ બાટલાં ...!" સિદ્ધાર્થે હવે હાર્દિકને તેનાં "પેટ" નેમથી ચિડાવ્યો.

વિકટ ગ્રુપમાં બધાનાં પેટ નેમ આજ રીતે પાડ્યાં હતાં. બધાંનાં પેટ નેમની પાછળ કોઈકને કોઈકે "સ્ટોરી" તો જરૂર હતી.

થોડી વધુ વાર વાત કરીને સિદ્ધાર્થે છેવટે કૉલ કટ કર્યો.

ચ્હા પીતા-પીતા બરોડા વિષે યાદ કરી સિદ્ધાર્થ થોડીવાર સુધી મલકાતો રહ્યો પછી છેવટે એચ એલ જવા નીકળી ગયો.

****

"હું મને શોધ્યાં કરું....પણ હું તને પામ્યાં કરું ....!"

કૉલેજનાં મેઈન ગેટ પાસે ઑટોમાંથી જસ્ટ ઉતરેલી લાવણ્યાએ પોતાનાં મોબાઈલમાં વાઈરલ ગ્રુપમાં નિખિલે શેયર કરેલો વિડિઓ જોયો અને તેણીની આંખ ભીની થઇ ગઈ.

પોતાનું મન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરતાં -કરતાં લાવણ્યા કૉલેજનાં ગેટ તરફ ચાલવાં લાગી.

"લે જાયે જાને કહાં ....હવાયેં ...હવાયેં..!"

જોકે કૉલેજનાં મેઈન ગેટ આગળ પહોંચતાં જ લાવણ્યાનાં કાનમાં આરવના એ સોન્ગના શબ્દો પડઘાવા લાગ્યાં.

"લે જાયે જાને કહાં ....હવાયેં ...હવાયેં..!"

મેઈન ગેટમાંથી અંદર એન્ટર થઇ રહેલી લાવણ્યાને જાણે આરવનાં એ શબ્દો ઘેરી વળતાં હોય એવું લાગ્યું.

"હો ઓ ઓ ....!"

આખાં કેમ્પસમાં જાણે આરવનો અવાજ પડઘાતો હોય એવું લાવણ્યાને લાગ્યું.

તેણીનાં ધબકારાં વધી ગયાં અને માથે પરસેવો વળવાં લાગ્યો.

હથેળી વડે પોતાનાં કપાળે બાઝેલી પરસેવાંની બૂંદો લાવણ્યાએ લૂંછી અને પોતાનાં મનને મક્કમ કરવાનો પ્રયત્ન કર્યો.

"ચલ લાવણ્યા ....! હવે આખું વર્ષ અહિયાં જ ભણવાનું છે ....!" પોતાનાં ધબકારાં કાબુ કરવાનો પ્રયત્ન કરતી લાવણ્યા મનમાં બબડી “પણ હવે પછી કોઈ બીજા છોકરા સાથે આરવ જેવું ના થાય ...એટલે એવાં છોકરાઓથી દૂર જ રે'વું છે ...!”

કૉલેજ બિલ્ડીંગ તરફ જવાં તે પેવમેન્ટ ઉપર ચાલવાં લાગી. મોબાઈલની સ્ક્રીન ઉપર સ્ક્રોલ કરતાં -કરતાં લાવણ્યા હવે વાઈરલ ગ્રુપની અન્ય ચેટ વાંચવાં લાગી જેથી મન ડાયવર્ટ થાય.

"ઓહો...આ લોકોએ તો બબાલ મચાઈ દીધી છે ....!" કૉલેજ બિલ્ડીંગ તરફ જતાં -જતાં લાવણ્યા પોતાનાં ગ્રુપની ચેટ વાંચતાં -વાંચતાં બબડી..

"ફ્રેશર્સ પાર્ટી ક્યારે છે...!?"

"ફ્રેશર્સ પાર્ટી ક્યારે છે...!?"

ચેટમાં ફ્રેશર્સ પાર્ટી માટે સ્ટુડન્ટ્સ એક પછી એક મેસેજીસ કરે જતાં હતાં.

"ફ્રેશર્સ પાર્ટી તો આપવી પડશે ....!" મેસેજીસ સ્ક્રોલ કરતાં -કરતાં લાવણ્યા બબડી.

મોબાઈલ લૉક કરી હાથમાં પકડી લાવણ્યા કૉલેજ બિલ્ડીંગ તરફ જવાં લાગી.

"ઓય ....અભિજીત ...!" બિલ્ડિંગના કોરીડોરમાં ચાલતાં જઈ રહેલાં એક સ્ટુડન્ટ અભિજીતને લાવણ્યાએ બૂમ પાડીને બોલાવ્યો.

"હાં ...બોલ ...!" કોરિડોરમાંથી બિલ્ડીંગનાં પગથિયાં પાસે આવીને અભિજીતે ઊભાં રહેતાં કહ્યું.

"ફ્રેશર્સ પાર્ટી માટે કોઈપણ પ્લાંનિંગ કર્યું ..!?" લાવણ્યા તેની જોડે આવીને ઊભાં રહેતાં બોલી.

"એ તો દરવખતે તું જ કરે છેને ...!?" અભિજીત બોલ્યો અને લૉ વેઈસ્ટ જીન્સ એન્ડ ક્રોપ ટોપમાં દેખાતી લાવણ્યાની ખુલ્લી કમર સામે તાકી રહ્યો.

"હું પાર્ટી માટે સ્પોન્સર્સની વાત કરું છું ....!" પોતાની કમર ઉપર "ફરી" રહેલી અભિજિતની નજરને અવગણી લાવણ્યા બોલી.

"તો કૉલેજ તરફથી દર વખતની જેમ ફિફટી પરસેન્ટ એમાઉન્ટ મલશે ....!" દૂધ જેવી લાવણ્યાની કમર ઉપરથી માંડ નજર હટાવી અભિજીત બોલ્યો.

"તો બાકીનાં ફિફટી પરસેન્ટ તું કાઢવાનો છે ...! એમ...!?" અભિજીતને ખખડાવતી હોય એમ લાવણ્યા બોલી.

"અરે એવું નઈ કે'તો ....! પણ આ બધું દર વખતે તું મેનેજ કરતી હોય છે.......એટલે હું તારી રાહ જોતો 'તો ...! કે તું કઉ....એ પ્રમાણે પ્લાન કરીએ ...!" અભિજીત બોલ્યો "હજીતો તો આજેજ તું આઈ ને ...!"

"અચ્છા ...! તો મારેજ બધું કરીને આપવાનું એમ ..!?" લાવણ્યા એજરીતે ધમકાવતી હોય એમ બોલી.

"અરે પણ મેં થોડું પ્લાંનિંગ કર્યું છે ...!" અભિજીત દલીલ કરતો હોય એમ બોલ્યો "તું બોલવાં તો દે ...!"

"બોલ જલ્દી ...! મારી જોડે તારી જેમ ફાલતુ ટાઈમ નથી ...!" લાવણ્યા કડક સ્વરમાં બોલી.

"આપડે ક્યાંક કોફી શોપમાં બેસીને વાત કરીએ ...!?" અભિજીત મલકાઈને બોલ્યો "વાત થોડી લાંબી છે ...મારે તને બધું ...!"

"સીધે સીધું બોલ....!" અભિજીતની નિયત જાણતી લાવણ્યા તેને ટોકીને વચ્ચે બોલી "શું પ્લાનિંગ કર્યું છે ....!?"

"અ ...એતો...હજી થોડું બાકી છે ...!એટલે ...!" અભિજીત બહાના બનાવતો હોય એમ બોલ્યો.

"ઇડિયટ ....મને ખબરજ હતી ...! કોઈ પ્લાંનિંગ નઈ કર્યું તે ...!" લાવણ્યા ચિડાઇને બોલી અને ઝડપથી કેન્ટીન તરફ ચાલવા લાગી.

****

"વૃમ....વૃમ...!"

ભારે અવાજ કરતુ રોયલ એન્ફિલ્ડ લઈને સિદ્ધાર્થ એચ એલ કૉલેજ આવી પહોંચ્યોં.

અગાઉ પણ તે કૉલેજ આવી ચુક્યો હોઈ કૉલેજનાં પાર્કિંગ તરફ જ તેણે બાઈક જવાં દીધું.

બાઈક સ્ટેન્ડ કરીને સિદ્ધાર્થ બાઈક ઉપરથી ઉતર્યો. બાઇકનાં સાઈડ મિરરમાં પોતાનું મોઢું જોઈ સિદ્ધાર્થ પાર્કિંગથી કૉલેજ બિલ્ડીંગ તરફ જતી પેવમેન્ટ ટ્રેક ઉપર ચાલવાં લાગ્યો.

"નેહાને કૉલ કરી સરપ્રાઈઝ આપું ...!?" ચાલતાં -ચાલતાં સિદ્ધાર્થે વિચાર્યું પછી માથું ધૂણાવી મનમાં બબડ્યો "ના...પે'લાં મામાંને મલી લઉં ...! પછી નેહાને...!"

બ્લેક કલરનો ચાઈનીઝ કૉલરવાળો શર્ટ, કોણી સુધી ફોલ્ડ કરેલી શર્ટની સ્લીવ, ગળામાં રુદ્રાક્ષની માળા, બ્લ્યુ જીન્સ પહેરી કૉલેજ બિલ્ડીંગ તરફ જઈ રહેલાં સિદ્ધાર્થને સામેથી આવી રહેલી બે ગર્લ્સે મલકાઈને જોયું.

સિદ્ધાર્થે પરાણે મલકાઈને હળવું સ્મિત કરી આગળ ચાલવાં માંડ્યું.

કૉલેજ બિલ્ડીંગનાં પગથિયાં ચઢી સિદ્ધાર્થ સુરેશસિંઘની ઑફિસ તરફ જવાં ડાબી બાજુ વળી ગયો.

“મામા છે...કેબીનમાં....!?” એચ કૉલેજનાં ટ્રસ્ટી સુરેશસિંઘની કેબીનના બંધ દરવાજાની એક બાજુ સ્ટૂલ ઉપર બેઠેલાં પ્યુનને સિદ્ધાર્થે પૂછ્યું.

“ના....એ તો સ્ટાફ મીટીંગમાં છે....! આજે નવાં વર્ષનો પે’લ્લો દિવસ છેને એટલે....!” સિદ્ધાર્થને ઓળખતાં પ્યુને સ્ટૂલમાંથી ઉભાં થઈને કહ્યું.

“કેટલી વાર લાગશે એમને....!?”

“હજીતો હમણાંજ મીટીંગ શરુ થઈ છે....!” પ્યુન બોલ્યો “વાર તો લાગશે...!”

“ઓકે.... વાંધો નઈ....!” સિદ્ધાર્થ બોલ્યો અને પાછું ફરીને ત્યાંથી જવાં લાગ્યો.

“હવે નેહાને ફોન કરીને સરપ્રાઈઝ આપું...!” કોરીડોરમાં ચાલતાં-ચાલતાં સિદ્ધાર્થ બબડ્યો અને પોતાનાં જીન્સનાં પોકેટમાંથી મોબાઈલ કાઢી નેહાને કૉલ કરવાં લાગ્યો.

****

“ઓહો...! આ મેડમ તો જો...!” કેન્ટીનના એન્ટ્રન્સમાંથી એન્ટર થઈ ગ્રુપના ટેબલ તરફ આવી રહેલી લાવણ્યાને જોઈને અંકિતા ટોન્ટભર્યા સ્વરમાં બોલી.

અંકિતાએ બોલતાં એન્ટ્રન્સ તરફ પીઠ કરીને બેઠેલી નેહાએ પાછું ફરીને જોયું. બાકીનાં પણ લાવણ્યા તરફ જોવાં લાગ્યાં.

“મેડમને બોડી એક્સપોઝ તો કરવાં જોઈએજ...!” લાવણ્યાએ પહેરેલાં અત્યંત ચુસ્ત ક્રોપ ટોપ અને અતિશય નીચા લો-વેઇસ્ટ જીન્સમાં ખુલ્લી રહેતી લાવણ્યાની ઘાટીલી કમર જોઇને અંકિતા મોઢું મચકોડીને બોલી.

હાઈ હિલ્સ પહેરીને ચાલતી વખતે ડીપ નેકનાં ક્રોપ ટોપમાંથી દેખાતાં લાવણ્યાનાં ઉન્નત સ્તનોની નેકલાઈન અને ટાઈટ જીન્સમાં આમતેમ લયબદ્ધ લચકા લઈ રહેલાં તેણીનાં હીપ્સને કૉલેજ કેન્ટીનમાં બેઠેલાં લગભગ બધાંજ જોઈ રહ્યાં. નવા વર્ષમાં પ્રવેશ લેનારાં ફ્રેશર્સની તો આંખોતો જાણે કોઈ સાક્ષાત અપ્સરા જોઈ લીધી હોય તેવી થઈ ગઈ. કેન્ટીનમાં હાજર કેટલાય છોકરાઓની નજર લાવાન્યની દૂધ જેવી કમર, કેટલાંયની નજર લાવણ્યાના ગતિમય સ્તનો ઉપર તો કેટલાયની નજર લાવણ્યાના હીપ્સ ઉપર અટકી ગઈ. મોટાભાગના છોકરાંએ ન કરવાનું એવું કેટલુંય લાવણ્યા માટે ઈમેજીન કરી લીધું.

“કલર લાગે છે....!” કટાક્ષમાં હસીને નેહાએ પોતાનું મ્હો પાછું ફેરવી લીધું.

“હી...હી...કલર...!” અંકિતાથી હસાઈ ગયું પણ લાવણ્યા તેમનાં ટેબલની ઓલમોસ્ટ નજીક આવી ગઈ હોવાથી અંકિતા મોઢું દબાવી પોતાનું હસવું કન્ટ્રોલ કર્યું.

“તો....ફ્રેશેર્સ પાર્ટી આ Saturday રાખશુંને....?” ટાઈટ બ્લેક ટી-શર્ટ, લૉ વેઇસ્ટ જીન્સમાં એકદમ “હોટમહોટ” તૈયાર થયેલી લાવણ્યાએ આવતાંવેંતજ ટેબલ નીચેથી ચેયર ખેંચી બેસતાં-બેસતાં કહ્યું.

બૂક વાંચવાનો ડોળ કરી રહેલી નેહાએ પણ એક અછડતી નજર ચેયરમાં બેસી રહેલી લાવણ્યા ઉપર નાંખી અને પછી પાછું બૂકમાં જોવાં લાગી.

“અરે બોલો...!” કોઈએ આન્સર નાં આપતાં લાવણ્યાએ ફરીવાર પોતાનો પ્રશ્ન દોહરાવ્યો અને નેહા સામે જોયું “ફ્રેશેર્સ પાર્ટી આ Saturday રાખશુંને....?”

લાવણ્યાએ પૂછેલા પ્રશ્નની દરકાર કર્યા વિનાજ નેહાએ પોતાની નજર બૂકમાંજ ભરાવી રાખી.

લાવણ્યાએ ફરીવાર પૂછવા લગભગ બધાજ મિત્રોએ રસ વિના હકારમાં માથું ધુણાવ્યું કારણકે તેમને ખબર હતી કે પાર્ટી ક્યારે રાખવાની છે, પાર્ટીમાં શું કરવાનું વગેરે બધુજ લાવણ્યા ઓલરેડી ડીસાઈડ કરી ચુકી છે. તે ફક્ત ફોર્માલીટી માટે બધાને પૂછવાનું નાટક કરે છે.

“નેહા.....!” લાવણ્યાએ તેની સામે બેઠેલી નેહાને પૂછ્યું “તને શું લાગે છે કે આપણે પાર્ટીમાં કઈ થીમ રાખશું? “હેલોવીન થીમ” રાખશું...?બધાએ ભૂત જેવાં કપડાં પહેરીને આવવાનું...?”

“તો પછી હેલોવીન ઉપર શું થીમ રાખશું....ઉતરાયણની...!?” લાવણ્યા માટે પોતાનો ગુસ્સો અને નફરત માંડ દબાવી રાખી નેહાએ ટોંન્ટમાં કહ્યું.

“તું મને કોઈ દિવસ સીધો જવાબ નહિ આપું નઈ....!?” નેહાએ ટોન્ટ મારતાં લાવણ્યએ ગુસ્સામાં ચિડાઈને કહ્યું.

“હું લેકચર ભરવા જાઉં છું...!” ઝઘડો ટાળવા નેહા શક્ય એટલું શાંત સ્વરમાં બોલી અને પોતાની કોલેજ બેગ ખભે ભરાવીને ઉભા થવાં લાગી.

લાવણ્યાનો ગુસ્સો તેણીએ ઈગ્નોર કર્યો અને છેવટે કેન્ટીનમાંથી બહાર જવાં લાગી.

“હું પણ આવું છું....!” અંકિતા પણ લાવણ્યાને પસંદ ન કરતી હોવાથી તે પણ પોતાની બેગપેક લઈને ઉભી થઈ અને નેહા જોડે ચાલવાં લાગી.

ચેયરમાંથી ઊભી થઈને બંને ગયાં ત્યાં સુધી લાવણ્યા તેની સામે અંગારા જેવી નજરોથી જોતી રહી.

“Oh...No...!” નેહાના જતાં રેહતા જ થોડીવાર પછી લાવણ્યા પોતાનો મૂડ બદલતાં બબડી.

“શું થયું....!?” પ્રેમ બોલ્યો.

“નવું વર્ષ શરુ થઇ ગયું અને મારો કોઈ બોયફ્રેન્ડ નથી યાર.....!?” લાવણ્યા ઘમંડમાં પોતાનાં વાળ ઝટકાવતી બોલી.

કામ્યા સહીત અન્ય લોકોએ નકારમાં પોતાનું માથું હલાવ્યું અને મોઢું બગાડ્યું.

“લાગે છે કે પાર્ટી પહેલાં મારે બોયફ્રેન્ડ select કરવા એક કોમ્પિટિશન રાખવી પડશે” લાવણ્યા ફરીવાર અહંકારભર્યા સ્વરમાં બોલી.

કોઈનો ખાસ પ્રતિભાવ નાં મળતાં લાવણ્યા છેવટે ત્યાંથી ઉભી થઈ. તેને પહેરેલી ટાઈટ ટીશર્ટમાં તેનાં પુષ્ટ ઉભારો જોઇને પ્રેમ પણ જોડે-જોડે ઉભો થયો.

લાવણ્યા કેન્ટીનમાંથી બહાર નીકળવાં લાગી. સાથે-સાથે લાવણ્યાનાં ચાંપલા હોય તેવાં બે-ત્રણ છોકરાં અને છોકરીઓ પણ તેણીની પાછળ-પાછળ બહાર નીકળી પડ્યા.

મોડેલની જેમ કેટવોક કરતી કરતી લાવણ્યા તેનાં ચમચાઓ સાથે કોલેજનાં પાર્કિંગ તરફ ચાલી નીકળી. કેન્ટીનમાં આવતી વખતે જે રીતે બધાં લાવણ્યા જોતાં હતાં એજરીતે ફરીવાર બધાં કેન્ટીનની બહાર જઈ રહેલી લાવણ્યાને જોઈ રહ્યાં.

***

“સાવ ચીપ અને વાહિયાત છોકરી છે....!” કેન્ટીન બહાર નીકળી ક્લાસરૂમ તરફ જઈ રહેલી નેહા ગુસ્સામાં બબડી.

“હમ્મ...સાચી વાત છે....!” જોડે ચાલી રહેલી અંકિતા પણ સુર પુરાવતાં બોલી “હાથે કરીને એક્સપોઝ કરે છે...!”

“તો શું વળી...! આના કરતાં તો ઉઘાડી ફરતી હોય તો સારું...!” નેહા દાંત ભીંચીને બોલી.

“ટ્રીન....ટ્રીન...ટ્રીન..!” ત્યાંજ નેહાના ફોનની રીંગ વાગી.

પોતાનાં હાથમાં રહેલો મોબાઈલની સ્ક્રીન ઉપર નેહાએ નંબર જોયો.

“સિદ્ધાર્થ....!?” સ્ક્રીન ઉપર નેહાનો નંબર જોઇને નેહા બબડી પછી અંકિતાને કહેવાં લાગી.

“તું ક્લાસમાં જા.....! હું વોશરૂમ જઈને આવું....!”

“હમ્મ....!” અંકિતા બોલી અને આગળ વધીને ક્લાસરૂમ તરફ જતી રહી.

ક્લાસરૂમ તરફ જતાં કોરીડોરમાં અટકીને નેહાએ સિદ્ધાર્થનો કૉલ રીસીવ કર્યો.

“હાં...! બોલ...!” નેહા બોલી.

“હાય....! અ....ક્યાં છે....!?” નેહાએ સિદ્ધાર્થનો કૉલ રીસીવ કરતાંજ સિદ્ધાર્થ સહેજ ઉત્સાહભર્યા સ્વરમાં બોલ્યો.

“કૉલેજમાં કેમ....!?” નેહાએ પૂછ્યું.

"હું પણ કૉલેજમાંજ છું ....!" કોરીડોરમાં ઉભેલો સિદ્ધાર્થ મલકાતાં-મલકાતાં બોલ્યો "મામાની કેબીન આગળ ઉભો છું ...! તું ક્યાં છે ...!?"

"વ્હોટ ...!? તું અમદાવાદ આયો છે ...!?" નેહા ચોંકીને બોલી.

"અ ...હા ...!" નેહા ચોંકતાં સિદ્ધાર્થ સહેજ મૂંઝાયો "કેમ ...!? તને વિજય અંકલે ન 'તું કીધું ...!?"

"ના...મને કોઈએ નઈ કીધું ..!" નેહા બોલી.

"ઓહ ..અ ...તો તું ક્યાં છે ...હું તને મળવા આવું ...!?"

"ના...અહીંયા નઈ....!" નેહા બોલી "તું એક કામ કર ...શંભુ કૉફી શોપ ઉપર જા ...! હું તને ત્યાં મળવા આવું છું ...!"

"કેમ ત્યાં ...!?" સિદ્ધાર્થે નવાઈપૂર્વક પૂછ્યું.

"એ બધું હું ત્યાં આઈને કહું છું ...! તું જા ...! હું થોડીવારમાં લેક્ચરમાં અટેન્ડન્સ પુરાઈને આવું છું ..!" નેહા બોલી.

"ઓકે ...!" સિદ્ધાર્થ બોલ્યો અને કૉલ કટ કર્યો.

નેહાએ કૉલેજની બહાર કૉફી શૉપ ઉપર મળવાનું કહેતાં સિદ્ધાર્થ મૂંઝાયો અને કોરિડોરમાં ઉભો-ઉભો વિચારવાં લાગ્યો.

"હશે કોઈ કારણ ...!" એકલાં -એકલાં બબડી સિદ્ધાર્થે ખભાં ઉછળ્યાં અને છેવટે પાર્કિંગ તરફ કોરિડોરમાં ચાલવાં લાગ્યો.

કોરિડોરમાંથી બહાર નીકળી સિદ્ધાર્થ પાર્કિંગ તરફ જતી પેવમેન્ટ ઉપર ચાલવાં લાગ્યો. નેહાએ કૉલેજની બહાર મળવાનું કેમ કહ્યું એ વિચારો હજીપણ તેનાં મગજમાં ચાલી રહ્યાં હતાં.

"ઓહ તેરી ....! હું તો ભૂલી જ ગ્યો 'તો ....! કે આ પણ આ જ કૉલેજમાં ભણે છે ...!"

પાર્કિંગના શેડ આગળ પહોંચવાં આવે લો સિદ્ધાર્થ સામે શેડ નીચે પાર્ક કરેલાં પોતાનાં બાઈક ઉપર બેઠેલી એક અત્યંત સુંદર છોકરીને જોઈને બબડ્યો.

પોતાનાં બાઈક ઉપર બેઠેલી તે છોકરીને જોઈ સિદ્ધાર્થ શેડથી સહેજ છેટે અટકી ગયો અને તેણીને જોઈ રહ્યો. તે સુંદર છોકરી સિદ્ધાર્થનાં બાઈક ઉપર બેઠાં-બેઠાંજ પોતાનાં મોબાઈલમાં આમતેમ મોઢું ફેરવી અલગ-અલગ પોઝમાં સેલ્ફી ખેંચી રહી હતી. અત્યંત ચુસ્ત ક્રોપ ટોપ અને અતિશય નીચા લો-વેઇસ્ટ જીન્સમાં ખુલ્લી રહેતી તેણીની ઘાટીલી કમરને ખેંચી રાખી તે પોતાનાં મોબાઈલમાં સેલ્ફી ખેંચવાં જાત જાતનાં નખરાં કરી રહી હતી.

તેણીને જોતાંજ સિદ્ધાર્થની આંખોમાં લોહી ધસી આવ્યું અને ચેહરો ગુસ્સાથી લાલ થવાં લાગ્યો. તેણે પોતાનાં બંને હાથની મુઠ્ઠી વાળી ભીંચતાં કોણી સુધી ફોલ્ડ કરેલી સ્લીવમાંથી દેખાતાં તેનાં કસાયેલાં હાથની નસો ઉપસી આવી.

એ લાવણ્યા હતી, જે સિદ્ધાર્થના બાઈક ઉપર બેઠાં -બેઠાં નખરાં કરતી-કરતી સેલ્ફીઓ ખેંચી રહી હતી.

****

-Sid-

Instagram@sid_jignesh19